- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- અત્યાર સુધી પૈસા વપરાઈ જાય તેનું ટેન્શન હતું, હવે બચત ક્યાં નાખવી તેનું ટેન્શન થશે
સોંઘવારીઃ દુઃખ ભરે દિન બીતે રે ભૈયા, અબ સુખ આયો રે...
મોંઘવારી : કેમ બહુ ઉછળી ઉછળીને નાચે છે? તારી જાણ ખાતર કે હવે તો અનેક ગરબા ગ્રાઉન્ડ પર હિંદી ફિલ્મો ગીતો પર નાચવાની મનાઈ છે. તેમાં પણ વડોદરામાં તું આવાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરીશ તો તારો બોયકોટ થશે, બોયકોટ...
સોંઘવારીઃ માય ડિયર મોંઘી, બોયકોટ તો હવે તારો શરુ થઈ રહ્યો છે. દેશ પર કોઈ સંકટ ત્રાટકે અને અક્ષયકુમાર તારણહાર તરીકે ફિલ્મી પડદે પ્રગટ થાય તેમ મધ્યમવર્ગ પર ત્રાટકેલાં તારાં સંકટ સામે બચાવ માટે જીએસટી તારણહાર બનીને આવ્યો છે. અત્ર તત્ર સર્વત્ર ઉલ્લાસનો ઓચ્છવ છે. હવે તને જાકારો શરુ. ગુડબાય...
મોંઘવારી : ડિઅર સોંઘી, તારી વાત માનીએ તો જીએસટી અક્ષયકુમાર નહીં, પરંતુ પ્રાણ અને અજિત જેવો છે. આ કલાકારોએ મૂળ શરુઆત હીરો તરીકે કરી હતી, પછીથી વિલન થઈ ગયા.
સોંઘવારીઃ જો, દેશની જનતાને બચાવવાની વાત આવે ત્યારે માત્ર અક્ષયકુમાર જ ચાલે, આડીઅવળી વાતો ન કર. હવે તારા દા'ડા પૂરા થઈ ગયા છે. કોઈ તારી વાતોથી ભરમાશે નહી.
મોંઘવારીઃ હે સોંઘી, તું દેશની જનતા જેવી ભોળી ન બન. જીએસટી કાંઈ તારણહાર-બારણહાર નથી. તેણે ખાલી પાટલી જ બદલી છે. હમણાં સુુધી મેં એના પર જ સવારી કરી હતી. હવે તું એને ગળે વળગીને ગામમાં હરખના હિલોળા લેવા નીકળી છો. વિપક્ષમાં રહેલા નેતા મહાભ્રષ્ટ હોય, પણ સત્તાપક્ષ સાથે આવે એટલે એને રાતોરાત ક્લીનચીટ આપી દેવાય તેવો જ તારો ખેલ છે. ગઈકાલનો વિલન જીએસટી તને હવે હીરો લાગવા માંડયો છે.
સોંઘવારીઃ છોડો કલ કી બાતેં, કલ કી બાત પુરાની, નયે દોર મેં લિખેંગે મિલકે નઈ કહાની.
મોંઘવારીઃ સારું, તો નેતાઓએ જેમ જીએસટી વધારે લાદવાના અને હવે ઘટાડવાના નિર્ણયને પણ વાજબી ઠેરવતી નવી વાર્તા ઘડી કાઢી છે, તેમ તું પણ કોઈ નવી વાર્તા સંભળાવ.
સોંઘવારીઃ વાર્તા નહીં દોસ્ત, હકીકત છે, જીએસટી ઘટયો એટલે હવે મિડલ ક્લાસની પુષ્કળ બચત થવાની. તું જોઈ લેજે. અત્યાર સુધી પૈસા વપરાઈ જાય છે તેનું ટેન્શન હતું. હવે આટલી બધી ચીજો પર જીએસટી ઘટવાથી બચેલા પૈસા ક્યાં વાપરવા તેનું ટેન્શન થશે. મિડલ ક્લાસના પર્સને જીએસટીની બચેલી રકમનો આફરો ચઢશે, આફરો.
મોંઘવારીઃ જીએસટીની બચતની રકમ જ્યાં વપરાવાની હોય ત્યાં વપરાય, પણ જેટલો પણ જીએસટી વસૂલાશે તેની રકમમાંથી તને શું લાગે છે - નવી સરકારી હોસ્પિટલો, સરકારી સ્કૂલો, સારા ટકાઉ હાઈવે બધું બનશે ને? બધાં સરકારી ખાતાંમાં કોન્ટ્રાક્ટ પર નહીં, પરંતુ કાયમી ભરતી થશે ને?
સોંઘવારીઃ તારાં મેણાંટોણાંથી હું કે જનતા દુઃખી થવાના છીએ એવી તારી માન્યતા હોય તો એ તારો ભ્રમ છે.
મોંઘવારીઃ ડિઅર સોંઘી, આ દેશમાં હું મોંઘવારી જ વ્યાપક સત્ય છું, તું સોંઘવારી તો ભ્રમ છો. આજે નહીં તો કાલે સૌને એ સમજાશે.આગે આગે દેખિયે હોતા હૈ ક્યા...
સોંઘવારીએ દાંત કચકચાવ્યા.મોંઘવારીએ અટ્ટહાસ્ય કર્યું.
સ્માઈલ ટિપ
હાઈબ્રિડ શાક સસ્તાં અને ઓર્ગેનિક શાક મોંઘાં મળે એનું નામ વિકાસ!


