Get The App

મોંઘવારીમાં ઘટાડાનો ઉત્સવ કોઈ તો મનાવો, પ્લીઝ...

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
મોંઘવારીમાં ઘટાડાનો ઉત્સવ કોઈ તો મનાવો, પ્લીઝ... 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- મોંઘવારી ઘટાડાનાં કારણો શોધવા તપાસ કમિટી બનાવીશું તો લોકોને લાગશે કે ફુગાવો ઘટયો એ કોઈ કૌભાંડ જ છે

આસિસ્ટન્ટે મોટા સાહેબ પાસે જઈને બોમ્બ ફોડયો, 'સાહેબ, મોંઘવારીના લેટેસ્ટ આંકડા આવી ગયા છે. ફૂગાવો ઘટીને ફક્ત ૨.૭ ટકા રહ્યો છે.'

'વાહ, તો તો હરખઘેલી પ્રજા રસ્તા પર આવી ગઈ હશે. મોંઘવારીમાં ઘટાડાનો ઉત્સવ મનાવતી હશે, ઠેર ઠેર મોંઘવારી ઘટાડાના જયનાદ થતા હશે. વિશ્વભરની ચેનલો દ્વારા  તેનું લાઈવ કવરેજ થતું હશે.'

આસિસ્ટન્ટે નિસાસો નાખ્યો. 'ના ના, સાહેબ, એવું કાંઈ નથી થયું. છેલ્લાં કેટલાંક વર્ષોથી સરકારી રાહે જ ઉત્સવો થયા કરે છે એની આડઅસર એવી થઈ છે કે પ્રજા સ્વંયભૂ ઉત્સવ મનાવવાનું ભૂલી જ ગઈ છે.'

'ઓહો, કાંઈ વાધો નહીં. આપણે જ મોંઘવારીનો વધ થયો તેનો વિજયોત્સવ ગોઠવી  કાઢીએ. આપણી કાયમની ઈવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓને  કામે લગાડી દો. ઈંચેઈંચ જગ્યા પર મોંઘવારી ઘટાડાનાં બેનરો મૂકી દો. સોશિયલ મીડિયા પર મોંઘવારી ઘટાડાના ઉલ્લાસની રીલ્સની ભરમાર કરી દો.'

'સાહેબ,  પણ પછી રિવાજ રૂપે ઉત્સવના ભાગ તરીકે ભાષણો પણ થશે.ભાષણોમાં આપણે મોંઘવારી ઘટાડવાનો એકાદો પ્રયાસ, એકાદું કારણ તો જણાવવું પડશે ને. એ ક્યાંથી લાવીશું?' 

'એક કામ કરીએ. મોંઘવારી કેમ ઘટી ગઈ તે જાણવાનાં કારણો તપાસવા તપાસ કમિટી રચી દઈએ.'

'સાહેબ, રહેવા દો. હવે તો પ્રજા તપાસ કમિટીનું નામ સાંભળીને જ નાકનું ટીચકું ચઢાવે  છે. ને તપાસ કમિટીઓ તો દુર્ઘટનાઓ ને કૌભાંડો માટે રચાય. આપણે તપાસ  કમિટી બનાવીશું તો પ્રજાને લાગશે કે ૨.૭ ટકા જેટલી નીચી મોંઘવારીના આંકડા એ કોઈ કૌભાંડ જ છે.'

'ઓકે, જુઓ, હવે  આપણે સરકારી પ્રચાર પણ ઈન્ફ્લુએન્સર્સના ભરોસે છોડી દીધો છે. તો મોંઘવારી ઘટવાનાં કારણો શોધવાનું પણ પ્રાઈવેટ  ડિટેક્ટિવોને સોંપી દઈએ.'

આ આઇડિયા માન્ય રહ્યો. ફટાફટ પ્રાઈવેટ ડિટેક્ટિવોને શોધી કામ સોંપી  દેવાયું. 

એક પ્રાઈવેટ ડિટેક્ટિવ  શોધી લાવ્યોઃ '  આટલા ટાઈમથી દેશમાં મોંઘવારી હતી એટલે લોકોએ હારીથાકીને ખાવાનું ઓછું કરી નાખ્યું. એમાં ને એમાં સ્ટોક વધી ગયો એટલે  માંગ સામે પુરવઠો વધી જતાં ભાવ ઘટાડાનો અર્થશાસ્ત્રનો સિદ્ધાંત લાગુ પડી ગયો.'

બીજો  ડિટેક્ટિવ શોધી લાવ્યોઃ' દેશમાં નોટબંધી પછી સતયુગ શરુ થઈ ગયો છે. બ્લેક મની જનરેટ થતું જ નથી. પહેલાં બ્લેક મની હતા તો લોકો પાસે અનાજ ખરીદવાના પૈસા બચતા હતા,હવે વ્હાઈટના પૈસામાં અનાજના પૈસા બચતા જ નથી એટલે ભાવ ઘટયા છે.'

ત્રીજા ડિટેક્ટિવે શોધ કરીઃ 'આ તો આપણે હવે વિશ્વની ચોથા નંબરની સૌથી મોટી ઈકોનોમી બની ગયા.  દેશ સમૃદ્ધ થઈ ગયો એટલે લોકોને ખ્યાલ આવ્યો કે દુનિયામાં પૈસાદારો તો કાયમ ડાયેટિંગ કરતા હોય છે. એટલે બધાએ સામૂહિક ડાયેટિંગ શરુ કરી દીધું એમાં અનાજનો ઉપાડ ઘટયો છે.'

ચોથા ડિટેક્ટિવે કહ્યું, ' લોકોનું પેટ, મગજ બધું ભાષણ  ગ્રહણ કરીને  જ ભરાવા માંડયું છે. પછી એમને બીજું કશું ખાસ ખાવાની જરુર રહેતી નથી.'

પાંચમા ડિટેક્ટિવે અહેવાલ પેશકર્યો, 'દેશના સૌથી ગરીબ રાજ્યમાંથી  એક બિહારમાં ચૂંટણી થવાની છે. એટલે એ પહેલાં મોંઘવારી ઓછી જ દેખાડવી પડે તેમ હતી. બીજું કાંઈ ખાસ કારણ નથી.'

સાહેબે આસિસ્ટન્ટને પૂછ્યું, 'આવા ડિટેક્ટિવ ક્યાંથી પકડી લાવ્યા?' 

આસિસ્ટન્ટ કહે, 'સાહેબ, મોંઘવારી  ઘટી ગઈ એટલે  બજારમાં સૌથી  સસ્તા ભાવના જે ડિટેક્ટિવ  મળ્યા તેમને જ રોક્યા છે.' 

સાહેબે માથું કૂટયુું.

- સ્માઈલ ટિપ

મોંઘવારીના આંકડા સરકારો માટે અર્થશાસ્ત્રનો વિષય છે, આમ પ્રજા માટે નિરર્થકશાસ્ત્રનો વિષય છે!