Get The App

ખાતાંમાં બેલેન્સની માથાકૂટ ટાળવા જન મિનિમમ ધન યોજના

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
ખાતાંમાં બેલેન્સની માથાકૂટ ટાળવા જન મિનિમમ ધન યોજના 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- ઝાંઝવાનાં જળ જેવી સરકારી યોજનાઓ જેમ આમાં પણ બેલેન્સ દેખાશે, પણ વાપરી નહીં શકાય

એક પ્રાઈવેટ બેન્કે બચત ખાતાંમાં મિનિમમ ૫૦ હજાર રુપિયાનુ બેલેન્સ રાખવું  પડશે એવું જાહેર કરતાં નાણાખાતાંમાં તડાફડી મચી ગઈ. 

'આપણા જેવા વિકાસશીલ દેશમાં આટલું બધું બેલેન્સ બેન્કમાં રાખી મૂકવું તો સામાન્ય માણસને ક્યાંથી પોસાય?' નિવૃત્તિના આરે આવેલા એક અધિકારીએ ઉભરો કાઢ્યો. 

જુનિયર અધિકારીએ તેમને ઠપકો આપ્યો, 'સર, તમે સર્વિસમાં જોઈન થયા હતા ત્યારનાં વર્ષોમાં જ અટકી ગયા છો. ત્યાંથી વર્તમાનમાં આવો.  હવે તો દેશ વિકસિત થઈ ગયો છે. આપણે વિશ્વની ચોથા નંબરની ઈકોનોમી છીએ. અમેરિકા ૫૦ ટકા શું પણ ૫૦૦ ટકા ટેરિફ નાખે તો પણ આપણાં હાંજાં ગગડતાં નથી. ને તમે ફક્ત ને ફક્ત ૫૦ હજાર રુપિયા બેલેન્સ માટે રડો છો?'

જોકે, એક અધિકારીએ ચિંતા વ્યક્ત કરી,  'મને ડર એ છે કે આ રીતે પ્રાઈવેટ બેન્કો મિનિમમ બેલેન્સ વધારતા જશે તો હજુ પણ ઝીરો બેલેન્સની સગવડ આપતી આપણી સરકારી બેન્કોમાં ખાતાં ખોલાવવા માટે ધસારો થશે. આપણે આપણા સરકારી બેન્કોના કર્મચારીઓેને માંડ માંડ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ, અને રોકાણ સ્કિમો વેચવા ટ્રેઈન કરી રહ્યા છીએ, તેને બદલે તેમને ફરી સાદાં ખાતાં ઓપરેટ કરવા તરફ વાળવા પડશે. જનધન યોજના વખતે કેવો કકળાટ થયો હતો તેવું પાછું થશે.'

'આઇડિયા..આઇડિયા...' એક અધિકારીએ ચીસ પાડી.'જનધન પરથી મને આઇડિયા આવ્યો. મિનિમમ બેલેન્સની માથાકૂટ ટાળવા  આપણે 'જન મિનિમમ ધન યોજના' બહાર પાડીએ. દરેકના ખાતામાં ૫૦-૫૦ હજારનું બેલેન્સ સરકાર જ જમા રાખે તેવી ગોઠવણ કરીએ. સરકારી, પ્રાઈવેટ, કો ઓપરેટિવ એમ દરેક બેન્કના ખાતામાં સરકાર  દ્વારા જ મિનિમમ ૫૦ હજાર બેલેન્સ રહે. દેશના દરેક નાગરિકને  એ વાતનું  ગૌરવ  હશે કે દેશનાં ફાઈનાન્સ મિનિસ્ટર એની સાથે જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર છે. સરકારમાં આપણે જનભાગીદારીની વાતો કરીએ છીએ તો આ રિયલ સેન્સમાં જન ભાગીદારી હશે. બેન્કો  પણ દરેક ખાતામાં ફાઈનાન્સ મિનિસ્ટર ખાતેદાર છે એવું  જાણીને દરેક જોઈન્ટ હોલ્ડર નાગરિકને  પણ માનપાન આપશે.'

મોટા સાહેબે માથું ધુણાવ્યું. 'ના..ના..મહારાષ્ટ્રમાં લાડકી બહિનોને મહિને ૧૫૦૦ રુપિયા આપવામાં સરકારને નાકે ફીણ આવી ગયાં છે ત્યાં દેશના દરેક બેન્ક ખાતાધારકના ખાતાંમાં ૫૦ હજાર? ઈમ્પોસિબલ.આપણી પબ્લિક એક કલાકમાં આટલી રકમ ઉડાવી જશે. આપણે ચાર નંબરની વર્લ્ડ ઈકોનોમી છે એ કબૂલ, પણ સાવ આવા  તાગડધિન્ના પોસાય તેમ નથી.'

પેલા અધિકારી કહે, 'અરે, આખી વાત તો સાંભળો. એવી ટેકનિકલ ગોઠવણ કરીશું કે આ બેલેન્સ ફક્ત ખાતાંમાં રિફલેક્ટ થશે એટલું જ. કોઈ તે ઉપાડી નહીં શકે કે વાપરી  પણ નહીં શકે.'

'બિલકુલ આપણી મોટાભાગની સરકારી  વિકાય યોજનાઓ જેવું .આભાસી.ઝાંઝવાનાં જળ જેવું.' પેલા નિવૃત્તિના આરે પહોંચેલા વરિષ્ઠ અધિકારીએ ફરી હૈયાવરાળ કાઢી. 

'અરે શેનું આભાસી?' જુનિયર વચ્ચે પડયો. 'કમસેકમ કોઈ નાગરિકને મિનિમમ બેલેન્સ નહીં જાળવવા બદલ પેનલ્ટી નહીં લાગે એ જેવીતેવી છૂટ છે? વિચાર કરો કે સરકારને કેટલી પોઝિટિવ પબ્લિસિટી મળશે?'

બોસ કાંઈ બોલવા જાય તે પહેલાં પેલા વરિષ્ઠ અધિકારી કહે, 'અચ્છા એવું? તો પછી ૫૦-૫૦ હજાર જ શા માટે રાખો છો? એને બદલે પેલું પ્રોમિસ આપ્યું હતું તેમ ૧૫-૧૫ લાખ જ જમા કરાવોને ...'

બોસ સહિત બાકીના અધિકારીઓ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા.

- સ્માઈલ ટિપ

મિનિમમ બેન્ક બેલેન્સ જવા  દો... આ મોંઘવારીમાં મિનિમમ મેન્ટલ બેલેન્સ જળવાઈ રહે તો પણ ભયો ભયો!