Get The App

એજ્યુકેશન લોન ભૂલો, દેશને જોઈએ લોનનું એજ્યુકેશન

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
એજ્યુકેશન લોન ભૂલો, દેશને જોઈએ લોનનું એજ્યુકેશન 1 - image


- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- લોનના એજ્યુકેશનમાં એક પેપર ટેલિ-કોલર્સના ફોન ટાળવાનું 

અને બીજું પેપર રિકવરી એજન્ટોને ચકમો આપવાનું હશે

'એજ્યુકેશન લોન છોડો, અમે તમને આપીશું લોનનું એજ્યુકેશન.'

સોશિયલ મીડિયા પર આવી જાહેરાત જોઈને ઉધારીલાલ તરત જ એ સરનામે પહોંચી ગયા. 'હેં? લોનનું એજ્યુકેશન એટલે તમે લોકોને લોન લેતા ંશીખવાડશો?'

'મોટા સાહેબ, તમે કઈ દુનિયામાં જીવો છો? આજકાલ બાળકને શ્વાસ લેતાં શીખવાડવું પડે, પણ લોન લેતાં કોઈને શીખવાડવું પડે તેમ નથી. મોબાઈલ પર લોન આપવા માટે એટલા બધા ફોનનો મારો ચાલે છે અને હવે તો જાતભાતના એપ પરથી એટલી ફટાફટ લોન મળે છે કે લોન લેવા કરતાં લોન લેવાનું ટાળવાનું અઘરું થઈ ગયુ ંછે.' સંચાલકે હસતાં હસતાં કહ્યું. 

'હા, એ વાત સાચી,' ઉધારીલાલે સંમતિ પુરાવી, ' હું પણ જુઓને એક લોન લઈને તેમાંથી બીજી  લોનની ભરપાઈ કરું,એવુું બધું ચાલ્યા કરે છે, પણ શું કરું? જેમ લારીમાં ગરમાગરમ તળાતાં  ભજીયાં જોઈને મન ઝાલ્યું નથી રહેતું, તેમ લોન આપનારાઓની એટલી બધી જાહેરાતો અને ફોન કોલ્સ આવે છે કે પછી જરુર ન હોય તો પણ લોન લેવાઈ જ જાય છે.' 

'સાહેબજી, તમે એકલા નથી. આ દેશના કરોડો લોકોમાંના એક છો. આજકાલ ૧૫ વર્ષના છોકરા પણ લોન લેવા લાગ્યાં છે અને ૮૫મા વર્ષે પણ લોકો લોન લે છે. એટલે જ અમે આ ખાસ લોન ક્લાસ ચાલુ કર્યા છે. અહીં એક પેપર તો અમે તમને એ શીખવાડીશું કે લોન આપવા માટેના ફોન કેવી રીતે ટાળવા, અથવા તો એ એજન્ટોને કેવા કેવા જવાબ  આપવા કે એ તમને ફોન કરવાની ખો જ ભૂલી જાય.' 

'એમ... એમ?  બીજું શું છે સિલેબસમાં?'

'સર, અમે તો સર્વગ્રાહી લોન એજ્યુકેશન આપવાના છીએ. માની લ્યો કે તમારે લોનની ખરેખર જરુર છે, પણ પૂરતા દસ્તાવેજો નથી તો ક્યાંથી કેવી રીતે તે ઊભા કરવા એ પણ શિખવાડીશું. તમને લોન આપનારા ૨૦ જણા ટાંપીને બેઠા છે. તો ેએ બધામાંથી સૌથી ઓછા વ્યાજની લોન કેવી રીતે સિલેક્ટ કરવી એનો પણ કોર્સ કરાવીશું.'

'વાહ સાહેબ, ખરેખર લોન લીધા પછી ખબર પડે છે કે બીજે તો અડધો ટકો વ્યાજ ઓછું હતું,' ઉધારીલાલ એકદમ ખુશ થઈ ગયા. 

સંચાલકે આગળ ચલાવ્યું. 'સૌથી મહત્ત્વનું પેપર તો એ શીખવાડશું કે એકવાર લોન લઈ લીધી હોય અને પછી કોઈ કારણોસર ભરપાઈ ન કરી શકાય તો કેવી રીતે રિકવરી એજન્ટોને ટાળવા. આમાં અમે તમને વેશપલટો કરતાં, ફોન પર અવાજ બદલીને વાત કરતાં, ખોટેખોટી કરુણ સ્ટોરીઓ ઉપજાવી  કાઢીને કેમ એ ખૂંખાર એજન્ટોને પણ રડાવી દેવા, બેન્કની નોટિસોને ચકમો આપવા કેવી રીતે બોગસ એડ્રેસો સહિતનાં દસ્તાવેજો રજૂ કરવા એ બધાનો પણ કોર્સ કરાવીશું.'

ઉધારીલાલ તો આભા બની ગયા. 'જોરદાર! મને લાગે છે કે હવે  કાંઈ બાકી રહેતું નથી.'

સંચાલક એમના કાન પાસે મોઢું લઈ જઈને કહે, 'બોસ, મારી આગળ ક્યાં મોઢું ખોલાવો છો? થોડાક એડવાન્સમાં તગડા રુપિયા આપો તો એક સ્પેશ્યલ માલ્યા પેકેજ પણ છે. રાતોરાત કેવી  રીતે દેશમાંથી ગૂમ થઈ જવું અને ફોરેન સેટલ થઈ જવું એ પણ શીખવાડીશું.'

ઉધારીલાલ તો આ સાંભળીને દોડવા  માંડયા. 

સંચાલક તેમની પાછળ ભાગ્યા. 'અરે દોસ્ત, ક્યાં ભાગ્યા? એડમિશન નથી લેવું?'

 'બસ, તમારી એડમિશન ફી ભરવા થોડા ઉધારની જોગવાઈ માટે જ જાઉં છું,' એમ કહી ઉધારીલાલે દોટ લગાવી.

- સ્માઈલ ટિપ - લોન પણ લગ્ન જેવો લાકડાનો લાડુ છે - ખાય તે પણ પસ્તાય, ન ખાય તે પણ પસ્તાય

Tags :