Get The App

દસ ગ્રામ ગોલ્ડ પર એક સિક્યોરિટી ગાર્ડ ફ્રી... ફ્રી... ફ્રી...

Updated: Oct 12th, 2025

GS TEAM

Google News
Google News
દસ ગ્રામ ગોલ્ડ પર એક સિક્યોરિટી ગાર્ડ ફ્રી... ફ્રી... ફ્રી... 1 - image

- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી

- એક તોલા સોનું સવા લાખનું થતાં  સરકાર વિજ્ઞાનીઓને સોનાની સુગંધ શોધી કાઢવા આદેશ આપશે 

સોનું સવા લાખનું થઈ ગયું એ બહુ જોરદાર સમાચાર છે જોકે, તેની સાથે સાથે બીજા સંલગ્ન જોરદાર સમાચારો પણ સર્જાવા  જોઈએ. જેમ કે- 

સોનાની સુગંધ શોધી કાઢવા આદેશ

મંત્રીઓ ભાષણ કરશેઃ અમારી તો ગરીબ પ્રેમી, ગરીબોનું કલ્યાણ ઈચ્છતી  અને ખાસ તો જનતાનું મનોરંજન એ જ સુશાસનના સિદ્ધાંતમાં માનતી સરકાર છે.

 આથી વિજ્ઞાનીઓને સરકારી રાહે આદેશ આપવામાં આવ્યા છે કે તાબડતોબ સોનાની સુગંધની શોધ કરી જ નાખે. સરકારી ઓફિસોમાં આવાં સુગંધીદાર સોનાની લગડી રખાશે.

આવકનો દાખલો સાથે લાવનારા નાગરિકોને તેની વિનામૂલ્યે સુગંધ લેવા દેવામાં આવશે. ઠેર ઠેર ઓફિસોમાં અમારા મંત્રીઓ નાક ઘૂસાડી ઘૂસાડીને આ સુગંધીદાર સોના ડિસ્પ્લેનું ઉદ્ધઘાટન કરશે. 

ગોલ્ડ એક્સપિરીયન્સ સેન્ટર

એક તોલા સોનાના સવા  લાખ થઈ ગયા એટલે ઝવેરીઓને ત્યાં ઘરાકી ઘટશે. જોકે, ઝવેરીઓ આફતમાંથી પણ અવસર શોધી  કાઢશે. ઝવેરીની  દુકાનો ગોલ્ડ એક્સિપિરીયન્સ સેન્ટરમાં ફેરવાઈ જશે. મહિલાઓ ત્યાં જશે. ઈચ્છે તે સોનાની બંગડી કે હાર બે મિનિટનો ચાર્જ ચૂકવીને પહેરી શકશે અને સેલ્ફી લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી શકશે. જેને ફોટો ન પડાવવો હોય, પરંતુ સોનું ફક્ત નીરખી નીરખીને આનંદ માણવો હોય તેમને ઓછા દરમાં એ સર્વિસ ઉપલબ્ધ કરાવાશે. 

તોલા સોનાની ખરીદી પર સિક્યોરિટી ગાર્ડ ફ્રી 

જોકે, આપણા દેશમાં સોનાનો ક્રેઝ એવો છે કે દસ ગ્રામના સવા લાખ થઈ ગયા પછી પણ કેટલાય લોકો ખરીદી કરશે, કરશે ને કરશે જ. એમના માટે ઝવેરીઓ 'તોલા સોનાની ખરીદી પર સિક્યોરિટી ગાર્ડ ફ્રી' એવી સ્કીમ લાવી શકે છે. ના, આ સિક્યોરિટી ગાર્ડ કાંઈ આજીવન ફ્રી  નહીં અપાય, પણ કોઈ દુકાનમાંથી સોનું ખરીદીને પાર્કિંગ સુધી પહોંચીને પોતાની કારમાં  બેસે ત્યાં સુધી જ તમારી સાથે હશે. પછી કોઈ લૂંટી જાય તો જવાબદારી તમારી. 

ભૂતિયા સોનું પકડાયું 

 આપણા દેશમાં રસ્તા પરના ખાડાઓ કે બજારમાં વેચાતા ભેળસેળિયા ખોરાકના કેસમાં જ બેઠાં બેઠાં જોયા કરવાના સરકારી રિવાજ છે. બાકી સોનું મોંઘુદાટ થઈ જાય તો કાંઈ સરકાર બેઠી બેઠી જોયા નહિ કરે.  કોઈ અધિકારીને આઇડિયા આવશે કે નોટબંધી જેવી  ગોલ્ડબંધી  પણ લાવીએ તો? એવો આદેશ આવશે  કે જેમના ઘરમાં પાંચ તોલાથી વધારે સોનું હોય એ બધાએ સરકારમાં જમા કરાવી દઈ બદલામાં વેરા બિલ કે  ઈન્કમટેક્સમાં આવતાં પચ્ચીસ વર્ષમાં એટલું ડિસ્કાઉન્ટ લઈ લેવું. પછી તો શું , ઠેર ઠેર સરકારના દરોડા ચાલુ થશે. 

કોઈના ઘરેથી સ્ટોક લિમિટ કરતાં વધારે સોનું નીકળશે તો એ એવા જવાબ આપશે કે આ તો અમારા દિવંગત વડીલો મૂકી ગયા છે. પછી સમાચારો આવશે  - અમદાવાદમાં અઢી કિલો ભૂતિયા સોનું પકડાયું. 

હર હર સોનું, ઘર ઘર સોનું 

  એમ તો ચૂંટણીઓ આવશે ત્યારે નેતાઓ 'હર હર સોનું, ઘર ઘર સોનું' જેવાં વચનો પણ આપશે. અત્યારે જેમ મહારાષ્ટ્ર અને બિહારમાં  મહિલાઓને દર મહિને હજારો રુપિયા અપાય છે તેને બદલે દર મહિને ૦.૦૦૦૧ ગ્રામ  સોનું આપવાનો વાયદો  કરાશે. પબ્લિક પણ સોનું મેળવીને હોંશે  હોંશે પિત્તળ જેવા નેતાઓને ચૂંટી કાઢશે..ખરું કે નહીં?

સ્માઈલ ટિપ 

રાવણે સોનાનું નગર બનાવ્યું હતું, હવે નેતાઓ અને અધિકારીઓ ટાઉન પ્લાનિંગ એટલે કે નગર-રચનામાંથી સોનું બનાવે છે.