ગુડ્ઝ વેચાવી દેતી સર્વિસ તરીકે જુગાર પર જીએસટી
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- વીવીઆઈપીઓના જુગાર પર પાંચ ટકા, મુફલિસોના જુગાર પર 28 ટકા જીએસટીનો સ્લેબ
શ્રાવણના પ્રારંભે જ અડધી રાતે હસ્તિનાપુર સરકારે સરક્યુલર બહાર પાડયો કે સરકાર સકળ સૃષ્ટિ પરની તમામ સેવાઓ અને ચીજવસ્તુઓને જીએસટી હેઠળ આવરી લેવાની મથામણમાં છે. હાલમાં જ સરકારને ખ્યાલ આવ્યો છે કે જીએસટી તો ભલભલાની ગુડ્ઝ વેચાવી દેતી અફલાતૂન સર્વિસ છે. હસ્તિનાપુર જેવી વિશ્વની ચોથા નંબરની ઈકોનોમીને છાજે તે તરીતે જુગાર પર ફક્ત ૧૦ ટકા જીએસટી લાદવાનો નિર્ણય કર્યો છે. હવેથી જુગાર રમનારાઓને ત્યાં પોલીસના નહીં, પરંતુ જીએસટીના દરોડા પડશે.'
આ સરક્યુલર બાદ કૌરવકુળ ગૌરવ નામની પાલખી મીડિયા તરીકે ઓળખાતી ટીવી ચેનલે સ્ટોરી ચલાવી કે હસ્તિનાપુર એ કોઈ અંધેર નગરી નથી કે ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા જેમ ગમે તે ચીજો પર ગમે તેટલો જીએસટી લાદવામાં આવે. હસ્તિનાપુરના વિકાસ માટે રાતદિવસ તૂટી મરતા કૌરવ પરિવારના સભ્યો બે ઘડી હળવાશ માણવા જુગાર રમે તેમના પર અને રાજ્યની બેકદર, આળસુ, સરકારી મફતિયા સ્કિમો પર તાગડધિન્ના કરતી પ્રજા શ્રાવણ જેવા મહિને ૨૪માંથી ૨૩ કલાકને ૧૮ મિનિટ જુગારમાં રચીપચી રહે તેમના પર પણ દસ જ ટકા જીએસટી વધારે પડતી સરકારી ઉદારતા છે. શાસનની સગવડો માટે પ્રજા વધુ બલિદાન આપે એ ઉદ્દાત પરંપરા પ્રમાણે પ્રજા પર જીએસટીનો વધુ સ્લેબ હોવો જોઈએ.
આ સ્ટોરી પછી કદાચ પૂર્વનિર્ધારિત રીતે કે ગમે તેમ પણ તત્કાળ સરકારે નવા સ્લેબ જાહેર કર્યા. કૌરવ કુળના કોઈપણ સભ્ય, તેમના સગાસંબંધી પર જીએસટી પાંચ ટકા રહેશે, તેમના સેવકો પર દસ ટકા, રાજ્યના શ્રેષ્ઠી ઉદ્યોગપતિઓ અને ટોચના અધિકારીઓના જુગાર પર ૧૫ ટકા, ખેડૂતો પર ૨૦ ટકા અને બાકીની સર્વસામાન્ય પ્રજાના જુગાર પર ૨૮ ટકાના દરે જીએસટી વસૂલાશે. શ્રાવણિયા જુગાર પર ખાસ ૨૦ ટકા શ્રાવણ સ્પેશ્યિલ સેસ પણ લેવાશે.
ત્યાં તો વિકર્ણ નામના એક જરા આડા ફાટેલા વ્હિસલ બ્લોઅર કૌરવ દ્વારા ડિમાન્ડ થઈ કે જુગાર પર જીએસટીમાં પણ ઈનપુટ ટેક્સ ક્રેડિટની જોગવાઈ રાખો. લોકોને પત્તાં પાનાંના ખર્ચો થાય, અમીરોને ચોપાટ અને સોગઠાં લાવવાં પડે, રાતભર જુગાર રમવા માટે લાઈટો બાળવી પડે, વચ્ચે વચ્ચે હાથ મારવા ભૂસાં ચવાણાં ને ચાની જુગલબંધી ચલાવવી પડે. આ બધું ઈનપુટ કોસ્ટમાં ગણાવું જોઈએ.
હંમેશની જેમ વિકર્ણ જરા અણગમતો હોવા છતાં તેની રજૂઆતો વાજબી રહેતી હોવાથી સરકારે આ વખતે પણ તે માટે નાછૂટકે સંમતિ ભણી.
પછી તો રોજેરોજ જુગાર પેટે લાખ કરોડના જીએેસટી કલેક્શનના આંકડા આવવા લાગ્યા. સરકારમાં પહેલાં તો એકબીજાને અભિનંદનનો દોર ચાલ્યો. પણ પછી ખબર પડી કે જે કલેક્શનના આંકડા આવે છે તેમાંથી ૭૫ ટકા રકમનું તો જીએસટી ઈનપુટ ટેક્સનું ઉઘરાણું છે. સરકારે જીએસટી વિજિલન્સને કામ ે લગાડયું. વિજિલન્સવાળા ફટાફટ દરોડા પાડવા લાગ્યા. ઈન્વેસ્ટિગેશનમાં ખબર પડી કે રાજ્યમાં ઠેર ઠેર નકલી જુગારધામ ઊભાં થઈ ગયાં હતાં. સિનિયર સિટિઝનોના ભજનમંડળને પણ જુગાર ક્લબ તરીકે ખપાવી કાગળ પર જ નકલી જુગાર રમાડી બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ લેવાનું કૌભાંડ શરુ થઈ ગયું હતું. એક જગ્યાએ તો બેસણું યોજાયું હતું તેને પણ જુગાર સભામાં ગણાવી ઈનપુટ ક્રેડિટ લઈ લેવાઈ હતી. ફક્ત મુફલિસો નહીં, કૌરવોના સહાયકોએ પણ ભૂતિયા જુગાર દર્શાવી ઈનપુટ ટેક્સ ક્રેડિટના નામે સરકારી તિજોરીને નિચોવવાનું શરુ કર્યું હતું. આખરે હારી થાકીને સરકારે જાહેર કર્યું કે સત્તયુગ પછી દ્વાપર-ત્રેતા કે કળિયુગ આવે તો પણ, જુગારને જીએસટી હેઠળ નહીં આવરી લેવાય. ભલે પોલીસવાળા જ તેના દરોડા પાડવા દોડતા. બસ, તે ઘડી અને આજ નો દિ'...
- સ્માઈલ ટિપ
ચૂંટણી એક એવો ફિક્સ જુગાર છે, જેમાં પછી પાંચ વર્ષ મત આપનારા ગુમાવતા જ હોય છે અને મત મેળવનારા પામતા જ હોય છે.