દસ વર્ષે વાતાવરણ બગાડે એ કાર જ હોય, સરકાર નહિ
- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- જે ઝડપે નવા સરપંચો એસયુવી છોડાવે છે તે ઝડપે તો દિલ્હીવાળા ઈ બાઈક પણ નથી છોડાવતા
ઘનુ ગેરેજવાળાએ નારો આપ્યો..ં'ચલો દિલ્લી..'
મંચુ મિકેનિક કહે, 'ભલા માણસ, પહેલાં સરપંચની ચૂંટણી તો લડી નાખ..પછી દિલ્હીના સપનાં જોજે. '
કાલુ કાર લોન સ્પેશ્યાલિસ્ટે તાળો માંડયો. 'ભઈ, જે ઝડપે લોકો સરપંચ બન્યા પછી એસયુવી છોડાવે છે ને એ સ્પીડે તો દિલ્હીવાળા ઈલેક્ટ્રિક બાઈક પણ નથી છોડાવતા. મેં માર્ક કર્યું છે કે દરેક વખતે સરપંચોની ચૂંટણી પછી કાર કંપનીઓના શેર વધે છે. મારા મતે સરપંચ બનવામાં વધુ કસ છે. કાલે ઉઠીને દિલ્હીવાળાઓ પણ સરપંચની ચૂંટણી લડવા આવી જાય તો નવાઈ નહિ.'
ઘનુનું મગજ ગયું. 'ડફોળો, દરેક વાતમાં રાજકારણ ન હોય. આ સવાલ વાતાવરણનો છે, ચોખ્ખી હવાનો છે. દરેક માણસના આરોગ્યનો છે. '
'મંચુ હસવા લાગ્યો. 'લ્યા તારી ભાષા તો અદ્દલ નેતાઓ જેવી જ લાગે છે. તું વળી વાતાવરણની ચિંતા ક્યારથી કરવા માંડયો. '
કાલુ બોલ્યો, 'મારા મતે નેતાઓ તો વાતાવરણ બગાડે. સુધારે નહિ.'
ફરી ઘનુનું મગજ ગયું. 'મુરખના જામ, દસ વર્ષે વાતાવરણ બગાડે એ કાર જ હોય, સરકાર નહિ. તમને લોકોને ક્યાં ખબર છે કે દિલ્હીમાં સરકારે જાહેર કર્યુું છે કે દસ વર્ષ જૂની કાર કચરાના ડબ્બામાં પધરાવી દો. આઈ મિન સ્ક્રેપમાં નાખી દો. કારણ કે આવી કાર હવા બગાડે છે. '
'લ્યા કાર ફેંકી જ દેવાની હોય તો આપણે દિલ્હી જઈને શું કામ છે, હું મિકેનિક છું, કારના ભંગારનો ધંધો હજુ સુધી ચાલુ નથી કર્યો.' મંચુએ ભવાં ઉંચક્યાં.
ઘનુએ તેને સમજાવ્યો.'યારો સમજો. લોકો કાંઈ આખેઆખી કાર કિલોના ભાવે તોળીને સ્ક્રેપમાં નહિ નાખે. એમાંથી કેટલાય પાર્ટસ કાઢી લેશે. જે બીજી કેટલીય કારોમાં ફિટ થશે. લોકો સેકન્ડ હેન્ડ કારો કાઢીને હવે નવી નક્કોર કાર છોડાવશે એમાં કેટલીય જાતની એસેસરીઝ ફિટ કરવાની થશે. આ કાલુને તો ત્યાં કાર લોનનો ધંધો મળશે. હું તો કહું છું કે આપણે ત્યાં જઈને એકાદું કાર સોલ્યુશન સ્ટાર્ટ અપ શરુ કરી નાખીએ. હમણાં તો એવું છે કે કોઈ નવું નવું રોડસાઈડ મિકેનિકનું કામ ચાલુ કરી એને સ્ટાર્ટ અપનું નામ આપી દે તો સરકાર એમાં કાંઈને કાંઈ મદદ તો કરે જ છે. હું તો કહું છું કે આ સ્ટાર્ટ અપમાંથી કમાશું તો એકાદી કાર કંપનીની ડિલરશીપ લઈ લેશું. બિઝનેસની ભાષામાં એને બેકવર્ડ ઈન્ટિગ્રેશન કહેવાય.'
મંચુને તો ફેર ચઢવા માંડયા. 'યાર, તું ગેરેજમાં બેઠાં બેઠાં આવું બધું અઘરું અઘરું ક્યાંથી શીખી લાવ્યો. તું તો ખરેખર લીડર બનવાને લાયક છે.'
અત્યાર સુધી ચુપ રહેલો કાલુ હવે છટક્યો. 'આ ખરેખર લીડર જ બનશે. જૂની કારો માટે બે-કારની ફેંકમફેંક કરીને મારા તારા જેવી જનતાને ભરમાવે છે. લેટેસ્ટ ન્યૂઝ એ છે કે સરકારે આ દસ વર્ષ પછી કાર કેન્સલ એવો કાયદો જ કેન્સલ કરી નાખ્યો છે. પ્રતિબંધની ગાડી પહેલાં ગિયરમાં પડે એ પહેલાં રિવર્સ ગિયરમાં પડી ગઈ ને તારાં સ્ટાર્ટ અપનું તો શરુ થયાં પહેલાં જ એન્ડ અપ થઈ ગયું'
ઘનુ તો બ્રેક વગરની ગાડીની સ્પીડે ભાગી છૂટયો.
- સ્માઈલ ટિપ
૧૦ વર્ષ જૂની કાર કાઢી નાખવાનો કાયદો આખા દેશમાં આવી જાય તો સેકન્ડ હેન્ડ કાર ડિલરોની ઓફિસો બની જશે ભેં-કાર