- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- ડેબિટ કાર્ડનું રુદન , મુજ વીતી તુજ વીતશે
દિવાળીએ બધા બોનસની રાહ જોઈએને બેઠાં હતાં. જોકે, ડેબિટ કાર્ડને બોનસને બદલે ટમનેશન લેટર મળ્યો.
'હેલ્લો, ડિયર ડેબિટ કાર્ડ, તમને જણાવતાં અમને દિલગીરી થાય છે કે હવે તમારી સેવાઓની જરૂર નથી રહી. હવે મોડર્ન ટેકનોલોજીના કારણે નકામી બની ગયેલી ચીજોની યાદીમાં તમારું પણ નામ ઉમેરાઇ જાય છે.'
ડેબિટ કાર્ડ એ મોટો ભેંંકડો તાણ્યો...'એ... એ...અ ે...મારી દિવાળી બગડી... મારો વાંક શું? ગુનો શું?'
ચેકે ડેબિટ કાર્ડને તતડાવ્યું,'એય યુઝલેસ આઇટમ... ચૂપ મર! લોકશાહીમાં જનતા રડારોળ કરે તેથી સરકાર પીગળતી નથી એમ તારો ઠુઠવો સાંભળીને કોઈ તને પાછું કામે લગાવવાનું નથી. અત્યાર સુધી તો એટીએમમાંથી પૈસા ઉપાડવામાં પણ તારો ખપ હતો. હવે તો યુપીઆઈ કોડ સ્કેન કરીને પણ પૈસા ઉપાડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. મીન્સ, યોર ટાઇમ ઇઝ ઓવર નાઉ!'
ક્રેડિટ કાર્ડ જોર જોરથી હસવા માંડયું. 'લ્યો, બોલો. યુઝલેસ ડેબિટ કાર્ડને તતડાવે છે કોણ? આ ચેક? જાણે એ પોતે હજુ બહુ કામની ચીજ હોય! '
ચેક ચૂંચી આંખ કરીને કહે, 'એય દોઢ ડાહ્યા, તું ચૂપ જ રહેજે. આ અમારી પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ બિરાદરીની વાત છે. હજુ કેટલાંય સરકારી પેમેન્ટ મારા થકી થાય છે. કોઈ ની હિંમત છે કે મને યુઝલેસ કહી જાય?'
ક્રેડિટ કાર્ડ બોલ્યું,' સોરી ટુ સે, પણ હવે કયો કોમન મેન ચેક ફાડે છે? આ તો ઠીક છે કે સરકારે તને સપોર્ટ કર્યો છે એટલે તારું હજુ ભાંગ્યું તોય ભરૂચ જેવું કામ ચાલે છે, પણ હકીકત એ છે કે હવે સાવ મિડલ ક્લાસના માણસો પણ મારા થકી જ મોટાભાગના પેમેન્ટ કરવા માંડયા છે. જેના હાથ માં હું હોઉં એ રાજા!'
'ઓહ કમ ઓન સીસી! તારા થકી પેમેન્ટ થાય છે એ વાત સાચી, પણ છેવટે તો એ એક પ્રકારની લોન જ છેને. એટલે તું અમારી પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટની પંગતમાં ન બેસી શકે. એકચ્યુલી તારી મદદથી ખર્ચ કરતો માણસ સાચા અર્થમાં એની કમાણી વાપરતો નથી, એ તો દેવું જ ઊભું કરે છે. ઈન ધેટ સેન્સ, યુ આર ડેન્જરસ,' યુપીઆઈએ જરા ગર્વ સાથે કહ્યું.
'મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયા ધીરી...' ડેબિટ કાર્ડ એ ડૂસકું નાખ્યું અને કહ્યું, 'દોસ્ત યુપીઆઈ, હજુ હમણાં જ દશેરાનો તહેવાર ગયો છે એ નિમિતે યાદ રાખજે કે અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું. મારી એન્ટ્રી થઈ અને હું નવું નવું હાથમાં આવ્યું ત્યારે ઝીરો બેલેન્સ ખાતાવાળા પણ મારી સુંવાળી ચળકતી સપાટી પર હાથ ફેરવી પોરસાતા હતા. મને કોઈ બહુ કિંમતી જણસની જેમ સાચવતા હતા. હું કોઈ અજાણ્યા માણસના હાથમાં જઈ ચડું તો ફફડી ઊઠતા હતા. ગઠિયાઓ મને ક્લોન કરવાની ફિરાકમાં રહેતા હતા, ને હવે તો એવા પણ દાખલા છે કે લોકોએ મહિનાઓ સુધી મારો ઉપયોગ ફક્ત એટીએમ કાર્ડ તરીકે જ કર્યો હોય. હવે તો એે ટેકનોેલોજી આવશે અને તારી જરૂરિયાત પણ ખતમ થઈ જશે.'
ત્યાં જ રોકડની એન્ટ્રી પડી, 'કોણ છે ઈ, કોણ આ બધી રડારોળ કરે છે? જુઓ, થોડાં વર્ષો પહેલાં સરકારે મને સપોર્ટ કરવાનું છોડી દીધું હતું, તો પણ હું અડીખમ છું કે નહીં?'
ચેક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બધાનાં મોઢાં વીલા પડી ગયાં. યુપીઆઈએ જરા નજર ટકાવી રાખવાની હિંમત કરી. ખૂણેથી કોઈનું આછકલું લુચ્ચું હાસ્ય સંભળાયું. બધાએ જોયું તો ક્રિપ્ટો કરન્સી દુષ્ટ હાસ્ય કરીને ઓઝલ થઈ જતી હતી. ડેબિટ કાર્ડના ચહેરા પર આખરે ફિક્કું સ્મિત આવ્યું.
સ્માઇલ ઇન્ડેક્સ
પૈસો એ હાથનો એવો મેલ છે કે એ જેના હાથમાં હોય તે બાકીની સમગ્ર દુનિયા માટે સર્વાંગ સંપૂર્ણ ઉજળા થઈ જાય છે.


