- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- પાકિસ્તાની ઓઈલમાંથી નીકળેલું પેટ્રોલ નખાવ્યા પછી ગાડી રિવર્સ ગિયરમાં વધારે સારી એવરેજ આપશે
અમેરિકી અધિકારીઓએ હુકમ કર્યો, 'અહીં ખોદો, અહીં તેલ નીકળે તેવું લાગે છે.'
તત્કાળ એક પાક અફસર દોડતો આવ્યો. 'અહીં રહેવા દો જનાબ, અહીં અમારાં છોકરાઓનાં રમકડાં સાચવેલાં છે.'
અમેરિકી અધિકારીને હસવું આવ્યું. 'તમે લોકો રમકડાં પણ જમીનમાં દાટી રાખો છો? ચીન પાસેથી ભીખ માગીને લીધાં છે એટલે?'
'તમે સમજ્યા નહીં. પાકિસ્તાનમાં બચ્ચાંઓને રમવાના રમકડાં એટલે બોમ્બ. અમારાં છોકરાં નાનપણથી જ બોમ્બ રમીને મોટાં થાય છે. રમતરમતમાં અહીં ને અહીં ફેકે ને મોટા થાય પછી ચાન્સ મળે તો ભારતમાં જઈને ફોડે. તમે અહીં ડ્રિલિંગ કરશો ને એકાદો બોમ્બ ફાટયો તો હું કે તમે કોઈ એ તેલના ફૂવારા જોવા નહીં રહીએ.'
અમેરિકી અધિકારીએ મોઢું બગાડયું. ૫૦ કિમી દૂર જઈને બીજી એક જગ્યા નક્કી કરી. 'ચાલો, અહીંં શારડી ફેરવો. તેલ તો અહીં પણ મળે એવું લાગે છે.'
ફરી પાકિસ્તાની અધિકારી દોડતા આવ્યા. 'જનાબ, રહેવા દો.'
'કેમ? અહીં ચીને દાનમાં આપેલા કટોરા રાખ્યા છે? ચિંતા ના કરો. શારકામમાં એ કટોરા તૂટી જશે તો અમે તમને અમેરિકાના નવા હાઈક્લાસ કટોરા લાવી આપીશું. આખી દુનિયામાં એ લઈને ફરશો તો ચાર દેશો કદાચ તમને વધારે સારી ભીખ આપશે.'
'જનાબ, આ જગ્યાએ અમે બોલિવુડ ફિલ્મોની જૂની વીડિયો કેસેટો, ઓડિયો કેસેટો, સીડી, ફિલ્મનાં પોસ્ટરો બધું સાચવીરાખ્યું છે. અમારા માટે છાના ખૂણે આ મનોરંજન સિવાય બીજો કોઈ આશરો નથી.'
'આખી દુનિયા તમને બેવકૂફ માને છે એ બરાબર છે. ઈન્ટરનેટના જમાનામાં આવી કેસેટો કોણ સાચવે છે હવે? સાલું આખે આખો દેશ કોઈ સ્ક્રેપયાર્ડ જેવો છે.' અમેરિકી અધિકારીએ પિત્તો ગુમાવ્યો.
'જનાબ,ખોટું ન લગાડશો.પણ ઈન્ટરનેટ માટે સારી ક્વોલિટીના ફોન જોઈએ, ઈન્ટરનેટની કનેક્ટિવિટી જોઈએ,પાકિસ્તાનમાં એ ક્યાંથી કાઢવું.'
'અરે યાર, હવે તમે જ જગ્યા બતાવો. અમારા ટ્રમ્પ સાહેબ તો માને છે કે પાકિસ્તાનમાં આંગળી મૂૂકશો ત્યાંથી તેલ નીકળશે.'
'જનાબ, અમારે ત્યાં બહુ બધી શાળા-કોલેજોની જગ્યા ખાલી પડી છે. તમતમારે ત્યાં જે ડ્રિલ કરવું હોય તે કરો. કોઈ તમારું નામ નહીં લે.'
અમેરિકી અધિકારી હવે ડ્રિલિંગનો ફાઈનલ ઓર્ડર આપે તે પહેલાં સડસડાટ એક ગાડી આવી. એમાંથી ચાઈનીઝ અધિકારીઓ ઉતર્યા. તેમણે પેલા પાક અધિકારીને ધમકાવ્યો. 'અમેરિકાવાળા ખાલી કૂવો ખોદીને જતા રહેશે પછી ચકલી લગાવવાની, પાઈપલાઈન નાખવી, પીપડાં ગોઠવવા, ટેન્કર ભરવાં એ બધું અમારા સિવાય કોણ કરશે? ને દુનિયાના જે દેશોએ તમારી પાસેથી તેલ લેવું હશે તેમણે કાં તો ભીખ માગવી પડશે ને કાં તો લોન પેટે લેવું પડશે, કારણ કે તમને લોકોને એ સિવાય કોઈ ચીજના સીધેસીધાં ખરીદવેચાણનો હિસાબ જ ક્યાં આવડે છે? ને કોઈ દેશ તમારુ ંઓઈલ લઈને તેમાંથી પેટ્રોલ બનાવીને ગાડી દોડાવે તેણે ખાસ ખ્યાલ રાખવો પડશે કે પાકિસ્તાની પેટ્રોલની ગાડીઓ રિવર્સ ગિયરમાં જ સારી એવરેજ આપશે.'
પાક અધિકારીએ બેબસ નજરે અમેરિકી અધિકારી સામે જોયું. અમેરિકી અધિકારી કહે, ' હવે તમારે ચાઈનાની શેહમાં રહેવાની જરુર નથી. આ તેલ વેચીને તમારી પાસે સાઉદી અરેબિયા, દુબઈ, કતાર જેટલા પૈસા આવી જશે. અત્યારના ભાવે તમને એક બેરલના ૭૦ ડોલર મળશે, સમજ્યા?'
'૭૦ ડોલર... એટલા બધા ....!' આવું બોલતાં પાક અધિકારી ચક્કર ખાઈને ઢળી પડયા.
- સ્માઈલ ટિપ : ઓઈલ ઈકોનોમી બન્યા પછી પાકિસ્તાનનું મોટામાં મોટું ટેન્શન, ક્રૂડ, બેરલ, રિફાઈનરી, ડ્રમ, નેપ્થા... કેટકેટલા નવા અંગ્રેજી શબ્દો શીખવા પડશે.


