- સ્માઇલ ઇન્ડેક્સ - વ્યર્થશાસ્ત્રી
- સ્પાય યુનિવર્સની ફિલ્મો અને ઓટીટીની બધી સ્પેશિયલ એજન્ટ સીરિઝોની લિંક ટ્રમ્પને ડરાવવા મોકલી દો
ટ્રમ્પના ટેરિફને કારણે શેરબજારો પડી ગયાં, નિકાસકારો રડી ઉઠયા, ચારેબાજુ રોકકળ અને ચીસાચીસ મચી ગઈ એટલે દિલ્હી બેઠેલા તમામ ખાતાંના ટોચના બાબુઓ ભેગા થયા.
'હવે આપણે અમેરિકાને પણ ખબર પાડી દેવાનો સમય આવી ગયો છે,' વિદેશ ખાતાંવાળાએ મૂછ મરડી.
સંરક્ષણ ખાતાં વાળો એને હેઠે બેસાડતાં કહે, 'લ્યા, ભાઈ તમે તો યાદી લાંબી પણ કરતા જાઓ છો ને પાછા બદલતા પણ જાઓ છો. આપણે દર બે-ચાર વર્ષે પાકિસ્તાનને દેખાડી દેવાનો સમય આવે છે. ચીનને ક્યારેક આપણી દોસ્તી દેખાડવાનો તો ક્યારેક દુશ્મની દેખાડવાનો સમય આવે છે. માલદિવને ક્યારેક ધમકાવવાનો તો ક્યારેક વ્હાલ વરસાવવાનો સમય આવી જાય છે. હવે અમેરિકાને શું દેખાડવાનું છે તેનો ફોડ પાડો જરાક.'
'સોફ્ટ પાવર. ટ્રમ્પને આપણે આપણો સોફ્ટ પાવર દેખાડી દઈશું,' આ વખતે આઈ એન્ડ બી મિનિસ્ટ્રીવાળાએ છાતી ફુલાવી.
કોમર્સ ખાતાવાળો માથું ખંજવાળતાં કહે, 'આપણે જરા સોફ્ટ છીએ એની ટ્રમ્પને ખબર પડી ગઈ છે. એટલે જ તો એ આટલો બધો પાવર કરે છે.'
આઈ એન્ડ બીવાળો ઉશ્કેરાઈને કહે, 'ભલા માણસ, મારી પ્રપોઝલ તો આખી સાંભળો. હું સોફ્ટ પાવર એટલે આપણી ફિલ્મો અને ઓટીટી સીરિઝની વાત કરું છું. આપણે ટ્રમ્પને એ દેખાડી દઈએ.'
સાંસ્કૃતિક બાબતોવાળા અધિકારી કહે, 'ગયે વખતે આપણે ટ્રમ્પને વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમા ંબોલાવીને આદર સત્કાર કર્યો હતો. તો હવે ટ્રમ્પને આપણી ફિલ્મ અને સીરિઝો બતાવવા વિશ્વનું સૌથી મોટુું થિયેટર શોધવું પડશે.'
ફાઈનાન્સ ખાતા વાળા સાહેબ નારાજ થઈ ગયા. 'અરે યાર, જે માણસ આપણી આખી ઈકોનોમીની પથારી ફેરવવા બેઠો છે એનું તમારે મનોરંજન કરવું છે ? આપણે પબ્લિકનુ મનોરંજન કરીએ એટલે પબ્લિક ખુશ થઈને આપણને વોટ આપી દે ત્યાં સુધી બરાબર પણ ટ્રમ્પ પાસે તો ક્યાં આપણે વોટ લેવા જવાનો છે.'
સંરક્ષણ ખાતાવાળાએ આળસ મરડી. 'આમ તો બરાબર છે. આપણી ફિલ્મો દેખાડવી એટલે અમેરિકનો માટે તો મિસાઈલ ફટકારવા કરતાં પણ મોટી સજા જ છે. બિચારા...'
આઈ એન્ડ બી વાળા કહે, 'અરે આખો આઇડિયા તો સાંભળો. આપણી ઓટીટીની દર દસમાંથી નવ સીરિઝમાં પાકિસ્તાન જઈ સ્પેશ્યલ ઓપરેશનો કરતા એજન્ટની વાતો હોય છે. આવી જ વાર્તા પરથી આખેઆખું સ્પાય યુનિવર્સ ફિલ્મોમાં ઊભું કરી દેવાયું છે. આ બધું જોઈને ટ્રમ્પને ખ્યાલ આવશે કે આપણે ત્યાં કેવા કેવા બાહોશ એજન્ટો પડયા છે. અને છેલ્લે આપણે આપણું અમોઘ હથિયાર ઉતારશું. ટ્રમ્પને અક્ષયકુમારની બધી દેશભક્તિની ફિલ્મોની પણ લિન્ક મોકલીશું અને મેસેજ મોકલીશું કે હજુ પણ ટેરીફ પાછું નહીં ખેંચો તો અમે અક્ષયકુમાર અમેરિકા આવીને કેવી રીતે ટેરિફ ટેરરનો ખાત્મો કરે છે તેવી જોરદાર ફિલ્મ બનાવી નાખીશું. ટ્રમ્પને અગાઉ મોકલેલી તમામ ફિલ્મો અને સીરિઝો જોયા પછી થશે કે સાવ આવી પિક્ચરમાં અને તે પણ અક્ષયકુમાર જેવાના હાથે ટેરીફ ખતમ થતી જોવાની બદનામી વેઠવી એના કરતાં ઈન્ડિયાવાળા કહે છે એમ સીધેસીધા ટેરીફ ઘટાડી દઈશ તો મારું ઓછું ખરાબ દેખાશે...'
આમ કહેતાં કહેતાં અમલદારશ્રી પોતે જ હસી પડયા. બાકીના બાબુઓ પણ મલકાયા. બસ, આમ હસી-મજાકના વાતાવરણમાં ટેરીફ વિશેની વધુ એક મીટિંગ આટોપાઈ ગઈ
- સ્માઈલ ટિપ
અક્ષયકુમાર ટેરીફ ખતમ કરવા જાય એ પિક્ચરનું સજેસ્ટિવ ટાઈટલ છે - 'દોસ્ત કી દુશ્મની'!


