વેચાણવેરો - સોહમ મશરુવાળા
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઈમર્સન પ્રોસેસ મેનેજમેન્ટ (ઈન્ડીયા) પ્રા.લી. વિ. યૂનિયન ઓફ ઈન્ડીયા (R/SCA 7006 of 2024 તારીખ ૫.૩.૨૦૨૬) તાજેતરમાં ખૂબ જ રસપ્રદ ચૂકાદો આપ્યો છે જેની આજના લેખમાં ચર્ચા કરવામાં આવી છે. અગાઉ બોમ્બે હાઈકોર્ટ દ્વારા આ બાબતે હકારત્મક ચૂકાદો ઉમિકોર ઓટોકેટ (ઈન્ડીયા) પ્રા.લી. વિ. યૂનિયન ઓફ ઈન્ડીયા (2025) 176 taxmann.com 616 (Bombay માં આપેલો છે. ઘણી વખત અપીલ તબક્કે તેમ અધિકારી દ્વારા અભિગમ રાખવામાં આવે છે કે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો કોઈ મુદ્દા ઉપર નથી આવેલ જેનાથી અન્ય હાઈકોર્ટના ચૂકાદા લાગુ પડે નહીં. આ બાબતે પ્રથમ અપીલ તબક્કે સુધારાની ખૂબ જ જરૂર છે.
કેસની હકીકત
અરજદાર કંપની મહારાષ્ટ્ર GST કાયદા હેઠળ પૂણા ખાતે GST નો નોંધણી નંબર ધરાવતા હતા. અરજદાર કંપની NCLT ના આદેશ મુજબ મર્જરની સ્કીમ ફાઇનલ થયા બાદ બીજી કંપની એબઝોર્બ કરી હતી. મર્જર બાદ ટ્રાન્સફરર કંપનીની બધી સંપત્તિ અને જવાબદારીઓ ટ્રાન્સફરી કંપની પાસે ગઈ હતી જેમાં ITC પણ સામેલ હતી. પરંતુ જ્યારેGST ITC-02 ભરવા ગયા તે સમયે GST પોર્ટલ દ્વારા તેવી ફરજીયાત માંગણી કરી કે ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી કંપની એક જ રાજ્યમાં સ્થીત હોવી જોઈએ.
અરજદારની દલીલ
અરજદાર દ્વારા દલીલ કરવામાં આવી કે GST કાયદા હેઠળ એવું કોઈ બંધન નથી અને બીજા રાજ્યમાં કંપની પાસે GST નો દાખલો હોય તેમાં વેરાશાખ ટ્રાન્સફર થઈ ના શકે તેવી કોઈ જોગવાઈ નથી. વધુમાં IGST કાયદાની કલમ ૨૦ પ્રમાણે CGST કાયદા હેઠળ વેરાશાખની જોગવાઈ હુબહુ લાગુ પડશે તેમ જોગવાઈ છે માટે વેરાશાખ ટ્રાન્સફર કરવા ઉપર કોઈ બાધ્ય નથી.
સરકારની રજૂઆત
સરકારે રજૂઆત કરી કે બોમ્બે હાઈકોર્ટનો ચૂકાદો સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને અલગ રાજ્યમાં સ્થિત કંપની વચ્ચે ITC-02 અન્વયે વેરાશાખ તબદીલ થઈ ના શકે.
ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો
ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું અને ઠરાવ્યું કે વેરાશાખ ટ્રાન્સફર ન કરવી તે CGST કાયદાની કલમ ૧૮(૩) તથા નિયમ ૪૧ વિરૂદ્ધ છે. મેન્યૂઅલ ફોર્મ ITC-02 ભરવાનો અને વેરાશાખ મજરે આપવાનો આદેશ કર્યો.


