વેચાણવેરો - સોહમ મશરુવાળા
અરજદાર વેપારી GST હેઠળ નિયમિત રીતે નોંધાયેલ હતો. તેણે માલ ખરીદ્યો, ઇન્વોઇસ મેળવી, બેંક મારફતે ચુકવણી કરી અને માલનો ઉપયોગ પોતાના વ્યવસાયમાં કર્યો. એટલે કે GST કાયદા મુજબ જરૂરી તમામ તત્ત્વો પૂર્ણ થયા હતા.
પરંતુ બાદમાં GST વિભાગે તપાસ દરમિયાન એવું કહ્યું કે જે સપ્લાયર્સ પાસેથી માલ ખરીદાયો હતો, તે સપ્લાયર્સ ''નકલી'' અથવા ''બોગસ'' હતા, કેટલાક સપ્લાયર્સે GSTR-1 કે GSTR-3B દાખલ કર્યા નહોતા, સપ્લાયર્સ પછીથી ટ્રેસ ન થતા હતા. આ આધારે અરજદારની સંપૂર્ણ ITC નકારી, અને સાથે વ્યાજ તથા દંડની કાર્યવાહી શરૂ કરી. આ આદેશથી અસંતોષ પામીને અરજદારે ત્રિપુરા હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો.
અરજદારની દલીલો
અરજદાર તરફથી હાઇકોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી કે GST કાયદો ખરીદદારને સપ્લાયરનું પોલીસિંગ કરવાની ફરજ પાડતો નથી. જો સપ્લાયર બાદમાં કાયદાનું પાલન ન કરે તો તેનો ભોગ બનનાર ખરીદદાર બની શકે નહીં.
સેકશન ૧૬(૨) મુજબ ખરીદદાર માટે જરૂરી શરતો તેણે પૂર્ણ કરી છે, ટેક્સ સપ્લાયરને ચૂકવવામાં આવ્યો છે, સરકારને ટેક્સ ન પહોંચ્યો હોય તો તેની જવાબદારી સપ્લાયર પર આવે.
સરકારની દલીલો
સરકાર તરફથી સેકશન ૧૬(૨)(બ) નો આશ્રય લઈને કહ્યું કે ITC ત્યારે જ મળશે જ્યારે સપ્લાયર દ્વારા ટેક્સ સરકારને ચૂકવવામાં આવ્યો હોય. વિભાગનું કહેવું હતું કે જો સપ્લાયર ટેક્સ ચૂકવે નહીં તો ખરીદદારને ITC મળવાનો અધિકાર નથી. વધુમાં એવો અભિગમ લીધો કે ITC એક લાભ છે, સ્વતઃ અધિકાર નહીં, અને તેથી તેની શરતો કડક રીતે પૂર્ણ થવી જરૂરી છે.
ત્રિપુરા હાઇકોર્ટનો અંતિમ હુકમ
હાઇકોર્ટએ નોંધ્યું કે GST વિભાગે સપ્લાયર્સ સામે અસરકારક કાર્યવાહી કર્યા વિના સીધા ખરીદદાર પર ભાર મૂક્યો છે, જે કાયદેસર નથી. કોર્ટે વધુમાં જણાવ્યું કે રાજ્ય પોતાની પ્રશાસકીય નિષ્ફળતાનો ભાર વેપારીઓ પર નાખી શકતું નથી. આ પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું ખુલ્લું ઉલ્લંઘન છે.
જ્યાં વેપાર સાચો છે, ત્યાં ટેક્સ ક્રેડિટ રોકવી એ ન્યાય નથી. કોર્ટે ITC નકારવાનો આદેશ રદ કર્યો. અરજદારના પક્ષમાં રાહત આપતા કહ્યું કે યોગ્ય પુરાવા હાજર હોય ત્યારે ITC થી વંચિત રાખી શકાય નહીં. ત્રિપુરા હાઈકોર્ટનો આ ચુકાદો એ વાતનો પુરાવો છે કે કાયદો માત્ર કર વસૂલવા માટે નથી, જ્યાં વેપાર સાચો છે, ત્યાં ટેક્સ ક્રેડિટ રોકવી એ ન્યાય નથી. આ ચુકાદો GST કાયદામાં માનવતા, વ્યવહારિકતા અને ન્યાયિક સંતુલન પાછું લાવે છે.


