સમયની અછતને કારણે મનસ્વી રીતે કલમ 74 નોટીસ અપાય નહીં
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
GST કાયદા હેઠળ, યોગ્ય અધિકારીઓને વ્યાપક અને સંપૂર્ણ સત્તાઓ આપવામાં આવી છે. કેટલીકવાર અધિકારીઓ CGST/SGST કાયદાની કલમ ૭૪ ( હવે કલમ 74A) હેઠળની સત્તાનો દુરુપયોગ કરે છે અને આડેધડ કરદાતાઓને નોટિસ ફટકારવા માટે ઉત્સુક હોય છે. કલમ ૭૪ હેઠળ કાર્યવાહી કરવા માટે ત્રણ તત્વોની આવશ્યકતા છે છેતરપિંડી, ઇચ્છાપૂર્વક ખોટી રજૂઆત, કરચોરીના ઇરાદે માહિતી છુપાવવી. હાલના સંજોગોમાં, કલમ ૭૪ હેઠળ ડુપ્લિકેટ ઇ-વે બિલ માટે અનેક નોટિસ મોકલવામાં આવી રહી છે અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે કલમ ૭૩ હેઠળ DRC 01A ફોર્મમાં અનેક નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં કોઈપણ કાર્યવાહી કે નક્કર માહિતીનો સમાવેશ થતો નથી. GST અધિકારીઓમાં એક ખોટી માન્યતા છે કે કોઈપણ કાર્યવાહી પહેલાં, તેઓ CGST કાયદાની કલમ ૭૩ અથવા કલમ ૭૪ હેઠળ કોઈપણ નોટિસ સીધી જ તેમની પાસે જારી કરવાની સત્તા છે, ઘણી વખત સમયની અછતને કારણે કલમ ૭૩ હેઠળની નોટિસનો નિર્ણય અધૂરો રહી શકે છે અને બાકીની વિગતો એવી વિશેષ ટિપ્પણી સાથે આગળ પસાર કરવામાં આવે છે કે તેને વધુ વિગતવાર ચકાસણીની જરૂર છે. આનો અર્થ એ નથી કે અધિકારી કલમ ૭૪ હેઠળ સત્તા ધારણ કરી શકે છે. આવો જ મુદ્દો ભારત મિન્ટ એન્ડ એલાઈડ કેમિકલ્સ વિરુધ્ધ યુપી રાજયના કેસમાં માનનીય અલ્હાબાદ હાઈકોર્ટ (૨૦૨૫) 175 taxmann.com 182 (Allahabad) સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેની ચર્ચા આજે લેખમાં કરવામાં આવી છે.
કેસની હકીકતો
ભારત મિન્ટ એન્ડ એલાઈડ કેમિકલ્સ સામે રાજ્યના કર વિભાગ દ્વારા પહેલેથી જ કલમ ૭૩ હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં કુલ દસ મુદ્દાઓ અંગે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું. અરજદારે દરેક મુદ્દા અંગે જવાબ આપ્યો હતો. આ મુદ્દાઓ ઉપર નિર્ણય કર્યા વગર, અચાનક કલમ ૭૪ હેઠળ નવી નોટિસ ફટકારી. આ નોટિસને હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવી હતી.
અરજદારની દલીલ
અરજદાર તરફથી દલીલ કરવામાં આવી કે કલમ ૭૪ હેઠળ નોટિસ જારી કરવા માટે ત્રણ તત્વોની આવશ્યકતા છે છેતરપિંડી, ઇચ્છાપૂર્વક ખોટી રજૂઆત, કરચોરીના ઇરાદે માહિતી છુપાવવી. કોઈ જ જગ્યાએ છેતરપિંડી અથવા ખોટી રજૂઆત કે માહિતી છુપાવવાની સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો નથી. નોટિસમાં આવા કોઈ આરોપો નોંધાયા નથી. ઉપરાંત પૂર્વની કલમ ૭૩ હેઠળની કાર્યવાહી અધૂરી રાખીને કલમ ૭૪ હેઠળ કડક દંડની કાર્યવાહી શરૂ કરી હતી, જે બંધારણ વિરુધ્ધ છે. આમ નોટિસ આપતી વખતે કાયદેસરની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી.
સરકારની દલીલ
સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે કલમ ૭૪ હેઠળ નોટિસમાં ખાસ શબ્દોનો ઉપયોગ જરૂરી નથી. આપેલ તર્ક પોતે જ સાબિત કરે છે કે છેતરપિંડીનો કેસ છે. આમ જે તથ્યો રજૂ કરવામાં આવ્યા છે તે પોતે જ નિર્દેશ આપે છે કે છેતરપિંડી થઈ છે.
અલ્હાબાદ હાઈકોર્ટનો નિર્ણય
અલ્હાબાદ હાઈકોર્ટે નોંધ્યું કે કલમ ૭૪ હેઠળ આપવામાં આવેલી નોટિસમાં કોઈપણ જગ્યાએ પણ છેતરપિંડી કે કોઈ સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવી નથી. અગાઉ કલમ ૭૩ હેઠળ જે નિર્ણય લેવાયો હતો તેમાં પણ અમુક મુદ્દાઓનું નિરાકરણ ન થઈ શક્યાને લઈને આગળ સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે એ સમયે પણ કોઈ ગુનાહિત આશય ન હતો. વડીલાલ એન્ટરપ્રાઈઝિસ વિ.યુ.પી. રાજ્ય અને ૨ અન્ય (WritTax No.2486 of 2025) કેસને આધારે અદાલતે નક્કી કર્યું. નોટિસ Jurisdiction વગરની છે, કોઈ પણ પ્રકારની છેતરપિંડીના પુરાવા નથી. આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે કલમ ૭૪નો ઉપયોગ માત્ર ત્યારે જ થઈ શકે જ્યારે તેના માટે કાયદેસર પૂર્વશરતો હોવી જોઈએ. ખેર અંધેરી નગરી અને ગંડુ રાજા, નિરાધાર કરદાતાઓ આડેધડ કાર્યવાહીનો ભોગ બનશે.