GST કાયદામાં નોંધણી નંબર વિષે નવી સૂચના
- વેચાણવેરો - સોહમ મશરુવાળા
ભાગ ૧
GST કાયદા હેઠળ બીન જરૂરી કાગળ નોંધણીનો દાખલો લેતી વખતે અને નોંધણીનો દાખલો રદ કરાવતી વખતે માંગવાનું ચલણ ઘણું વધારે છે. જ્યારે નોંધણી નંબર પરત અને રદ્દ કરવાની અરજી કરવામાં આવે છે તે સમયે કોઈ પણ જોગવાઈ અને સત્તા વગર ટેક્ષપેયર પાસેથી સોગંદનામુ નોટરી કરેલું માંગવામાં આવે છે કે તે વ્યક્તિ ભૂતકાળના વ્યવહાર માટે કોઈ જવાબદારી ઉપસ્થિત થાય તે ચુકવવા બંધાયેલા છે. હવે CGST/SGST કાયદાની કલમ ૨૯(૩) હેઠળ સ્પષ્ટ જોગવાઈ છે કે નોંધણી રદ થવાથી જે સમયે GSTIN ચાલુ હતો તે સમયના વ્યવહાર માટેની જવાબદારી ઉપર કોઈ અસર થતી નથી.
કોઈ વ્યક્તિ જ્યારે નવો GST નોંધણી નંબર લેવા જાય તે સમયે લગભગ ૧ માસથી વધુ સમય વિતી જતો નોંધણી નંબર આવતા અને આનુ નિવારણ લાવવા માટે CBIC દ્વારા તારીખ ૧૭-૪-૨૦૨૫ ના રોજ સૂચના ક્રમાંક ૦૩/૨૦૨૫-GST બહાર પાડવામાં આવેલ છે. સૂચના ઘણી લાંબી હોવાથી એક કરતાં વધુ ભાગમાં તેની ચર્ચા કરવામાં આવશે. ખાસ નોંધ લેવી CBIC દ્વારા અગાઉ આપવામાં આવેલ સૂચના ક્રમાંક ૦૩/૨૦૨૩- GST તારીખ ૧૪ જૂન ૨૦૨૩ જાહેર કરેલ રદ ગણવાની થાય. નવી સૂચના નીચે પ્રમાણે છે.
અનુમાન આધારિત લઠ્ઠા ન લેવા
બોર્ડ (CBIC)ના ધ્યાને આવ્યું છે કે અધિકારીઓ દ્વારા અનુમાનના આધારે પ્રશ્ન ઉપસ્થિત કરી બીન જરૂરી દસ્તાવેજની માંગણી કરાય છે અને અરજીમાં આપવામાં આવેલ માહિતી સાથે બીન જોડાયેલ નીચે મુજબ મુદ્દા ઉભા કરે છે જે હવે કરવાના નથી.
૧. જ્યાં નોંધણી લેવાતી હોય તે જગ્યામાં સ્થિત કોઈ લોકલ પ્રતિનિધિ કે માલિક હોય તેનો રહેઠાણનો પૂરાવો માંગતા પ્રશ્નો.
૨. જે ધંધો કરવાનું દર્શાવેલ હોય તે ધંધો કરવા માટે જે સ્થળ દર્શાવ્યું છે તે સ્થળ ઉપર જણાવેલ પ્રવૃત્તિ કરી શકાય તેમ નથી તે વિષે મુદ્દા.
૩. નોંધણીની અરજીમાં દર્શાવેલ HSN કોડ વાળો માલ તે રાજ્યમાં પ્રતિબંધિત છે તે વિષે પ્રશ્ન વિગેરે.
આવા અનુમાન આધારિત પ્રશ્ન વિષે પૃચ્છા કરવાની થાય નહીં.
ધંધાની જગ્યા માટે દસ્તાવેજ
I. મુખ્ય ધંધાના સ્થળ માટે પૂરાવા.
૧. જે જગ્યા અરજદારની માલિકીની હોય તેવા કિસ્સામાં ટેક્ષ બીલ અથવા મ્યુનિસિપલ ખાતા કોપી અથવા વિજ બીલ આમાંથી કોઈ પણ એક દસ્તાવેજ અથવા આના સમાંતર જે માલિકી દર્શાવતો કોઈ દસ્તાવેજ મૂકવાનો થાય જે પૂરતા ગણાશે અને આનાથી વિશેષ કોઈ અન્ય દસ્તાવેજ કે તેની અસલ નકલની માંગણી કરવાની નથી.
૨. ભાડાની જગ્યા માટે ભાડા કરાર અને જગ્યાના માલિકનો માલિકી પૂરાવો પૂરવાર કરવા માટે ટેક્ષબીલ (છેલ્લું), અથવા મ્યુનિસિપલ ખાતાની નકલ વીજ બીલ આપ્યા હોય તો અન્ય દસ્તાવેજ જેમ કે માલિકનું પાન/આધાર માંગવાના નથી. બીન નોંધાયેલ ભાડા કરારના કેસમાં સૂચિત દસ્તાવેજ ઉપર પ્રમાણે અને જગ્યા ભાડે લેનારની ઓળખ આપતા પૂરાવા પૂરતા ગણાશે.
૩. ઉપર મુજબ ૧ અથવા ૨ સિવાયના કેસમાં સમ્મતિ પત્ર તથા સૂચિત દસ્તાવેજ એટલે કે ટેક્ષબીલ, મ્યુનિસિપલ ખાતા કોપી અથવા વિજ બીલ પૂરતા દસ્તાવેજ ગણવાના થાય. આ સિવાય કોઈ અન્ય દસ્તાવેજ માંગવાના થાય નહીં.
૪. એકથી વધુ વ્યક્તિ એક જ જગ્યા ભાડે લેવામાં આવી હોય ત્યારે શેરડ પ્રિમાસિસના કિસ્સામાં ભાડાનો કરાર તથા માલિકી દર્શાવતા સૂચિત દસ્તાવેજ પૂરતા ગણાશે. બીન નોંધાયેલ ભાડા કરાર માટે માલિકની ઓળખાણનો પૂરાવો આપવો જરૂરી છે.
૫. સંમતિ પત્ર આપવામાં આવી હોય ત્યારે તે સાદા કાગળ ઉપર આપવાની થાય અને ત્રણ સૂચિત યાદી પ્રમાણે કોઈ એક દસ્તાવેજ આપવાનો થાય તથા જમીન/જગ્યા માલિકને ઓળખ આપતો પુરાવો આપવો પડે.