Get The App

સુપ્રિમનો ચૂકાદો GST કાયદા હેઠળ પણ લાભદાયક

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
સુપ્રિમનો ચૂકાદો GST કાયદા હેઠળ પણ લાભદાયક 1 - image

- વેચાણવેરો - સોહમ મશરુવાળા

GST કાયદા હેઠળ સરકારે વેરાશાખને લઈને ખુબ જ જડબેસલાક જોગવાઈ કરી છે. સપ્લાયર દ્વારા વેરો ઉઘરાવ્યા બાદ સરકારની તિજોરીમાં તે જમા કરાવવામાં ના આવે તો રેસીપીઅન્ટને વેરાશાખ માટે ત્રાહિમામ પુકાર કરવો પડે છે. 

GST પોર્ટલ પર અવારનવાર વેરાશાખ મજરે લેવા માટે વિભિન્ન અટકળો જેવી કે IMS, GSTR2B વિગેરે કરવામાં આવતી હોય છે. વળી પાછું વેપારી આલમ ઉપર નિયમ ૩૭ એ હેઠળ જવાબદારી ઠાલવી છે કે જો સપ્લાયર વેરો ના ભરે ત્યારે પોતે ભોગવેલ વેરાશાખ પરત કરવાની થાય વ્યાજ સાથે. અગાઉ સેલ્સ ટેક્સ કાયદાના સમયે આવી જવાબદારી કદી પણ ખરીદનાર ઉપર હતી નહિ. 

ઘણીવખત કોઈ કારણસર વેચનારનો નોંધણીનંબર વેટ કાયદા હેઠળ પૂર્વ તારીખથી રદબાતલ થયેલ હોય ત્યારે વેરાશાખનો દાવો ડામાડોળ થઈ જતો અને વેચનાર દ્વારા વેરો ભરવામાં આવેલ ના હોય તો શું કરવું ? માનનીય સુપ્રિમ કોર્ટ સમક્ષ દિલ્હીના વેટકાયદા સમયના કિસ્સામાં શાંતિકિરણ ઇન્ડિયા પ્રા.લી. સીવીલ અપીલ નં. ૨૦૪૨-૨૦૪૭/૨૦૧૫માં આવો પ્રશ્ન ઉપસ્થિત થયો. જેમાં તેમ ઠરાવ્યું કે ખરીદવેચાણ જેન્યુઈન હોય તે વખતે વેચનાર દ્વારા વેરો ભરાયેલ ના હોય તો ખરીદનારની વેરાશાખ અટકાવી શકાય નહિ. આજના લેખમાં આ ચુકાદા બાબતે છણાવટ કરવામાં આવી છે.

કેસની હકીકત

વેપારી આલમ દિલ્હી હાઈકોર્ટ સમક્ષ કેસ જીતી ગયા હતા. અને સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટ સમક્ષ દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો પડકારવામાં આવેલો હતો. વેચનાર દ્વારા વેરો ઉઘરાવીને સરકારની તિજોરીમાં જમા કરાવેલ હતો નહિ અને વેચાણ થયા બાદ તેઓનો નોંધણી નંબર રદબાતલ થયેલ હતો. 

દિલ્હી હાઈકોર્ટે ખાસ ભાર મુક્યો કે પ્રામાણિક વ્યવહાર છે અને તેનાથી કોઈ શંકાસ્પદ વ્યવહાર ઉપસ્થિત થતા નથી. આમ, વેરાશાખનો દાવો માન્ય રાખતા ચુકાદા સમક્ષ દિલ્હી સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરવામાં આવી.

સુપ્રિમ કોર્ટનો નિર્ણય

સુપ્રિમ કોર્ટ દ્વારા ખાસ નોંધવામાં આવ્યું કે પ્રસ્તુત કેસમાં વ્યવહાર બાબતે કોઈ શંકા નથી તથા જ્યારે વેચનાર દ્વારા માલ વેચવામાં આવેલ હતો તે સમયે નોંધણી નંબર જીવંત હતો. વધુમાં ખરીદ વેચાણના વ્યવહાર બાબતે તથા ઇન્વોઈસ માટે કોઈ શંકા કે વિવાદ નથી. આમ, આવી પરિસ્થિતિમાં વેરાશાખનો દાવો માન્ય રાખતો ચુકાદો આપતા સુપ્રિમ કોર્ટ દ્વારા દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો અને સરકારની અરજી ફગાવી નાંખી.

GST હેઠળ ચુકાદાની અસર

એક વસ્તુની ખાસ નોંધ લેવાની થાય કે વ્યવહારની ગરિમા જળવાઈ રહેવી જોઈએ અને બોગસ વ્યવહાર હોવા ના જોઈે. માલ વાહનના પુરાવા અને માલ હેરફેર ખરેખર થયો હોવો જોઈએ. 

માત્ર બિલ રજુ કરવાથી અને ચેક દ્વારા રકમનું ચુકવણું કરવાથી વ્યવહારની યથાર્થતા પુરવાર થતી નથી. GST કાયદાની કલમ ૧૫૫ હેઠળ વેરાશાખનો દાવો અને વ્યવહાર યોગ્ય છે તે પુરવાર કરવાની જવાબદારી વેરાશાખનો દાવો કરનાર ઉપર છે. GST  કાયદા હેઠળ ખુબ જ મોટી તકરાર ઊભી છે અને સુપ્રિમ કોર્ટના ચુકાદાથી એ સિદ્ધાંત તરી આવે છે કે પ્રામાણિક વ્યવહારમાં વેચનાર દ્વારા વેરો ભરવામાં ન આવે તેવા કિસ્સામાં વેરાશાખ માન્ય રાખવી જોઈએ.

 ખાસ જાણવું કે GSTR2Bએ નિયમ ૩૭ એના આગમનથી સરકાર પાસે અપાર શક્તિ છે વેરાશાખનો દાવો આંચકી લેવા માટે.