બજારની વાત .
જાપાનમાં જુલાઈમાં ભયંકર સુનામીની આગાહીથી ફફડાટ
જાપાનના જાણીતા ભવિષ્યવેત્તા રિયો તાત્સુકીની આગાહીએ આખી દુનિયામાં ફફડાટ પેદા કરી દીધો છે. તાત્સુકીએ પોતાના પુસ્તક 'ધ ફ્યુચર આઈ સો'માં આગાહી કરી છે કે, ૨૦૨૫ના જુલાઈમાં જાપાનમાં સાઉથ સીનું પાણી ઉકળવા માંડશે અને પછી પાણીની નીચે જ્વાળામુખી ફાટશે. તેના કારણે ભયંકર સુનામી આવશે અને અકલ્પનિય તબાહી થશે. તાત્સુકીની આગાહી પ્રમાણે, સાવચેતીનાં પગલાં નહીં લેવામાં આવે તો આ સુનામી ૨૦૧૧ની ફુકુશિમા સુનામી કરતાં પણ ખતરનાક સાબિત થશે અને હજારો લોકોનાં મોત થશે. જાપાન ઉપરાંત ઈન્ડોનેશિયા અને તાઈવાનમાં પણ આ સુનામીની અસર વર્તાશે. તાત્સુકીએ ૨૦૧૧ની ફુકુશિમા સુનામીની આગાહી કરી ત્યારે તેને કોઈએ ગંભીરતાથી નહોતી લીધી. ૧૯૯૯માં 'ધ ફ્યુચર આઈ સો' પુસ્તક પ્રકાશિત થયું ત્યારે સૌએ તેને કાલ્પનિક ગપગોળા ગણાવેલા પણ ૨૦૧૧માં સુનામીની આ આગાહી સાચી પડી પછી આખી દુનિયા તાત્સુકીની વાતોને ગંભીરતાથી લે છે તેથી ભારે ડર ફેલાયેલો છે.
અમેરિકાના ફાઈટર જેટને એલિયન્સના જેટે ટક્કર મારી
પૃથ્વી સિવાયના બીજા ગ્રહો પર પણ જીવન શક્ય હોવાનું આપણે સાંભળીએ છીએ પણ હજુ સુધી તેના કોઈ પુરાવા આપણને મળ્યા નથી. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ) દ્વારા બહાર પડાયેલા રીપોર્ટમાં એલિયન્સ અસ્તિત્વમાં હોવાના પુરાવા હોવાનો દાવો કરાયો છે. આ રીપોર્ટ પ્રમાણે, ૧૯ જાન્યુઆરી, ૨૦૨૩ના રોજ એરિઝોનામાં યુએસ એરફોર્સના એફ-૧૬ વાઈપર ફાઈટર જેટને સફેદ રંગના એક યુએફઓએ ટક્કર મારતાં થયેલા નુકસાનના કારણે ફાઈટર જેટને નીચે ઉતારવાની ફરજ પડી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, પાયલોટના રક્ષણ માટેનું કેનોપી એટલે કે સુરક્ષા કવચ પણ તૂટી ગયું હતું. આ ઘટના એરફોર્સના ટ્રેઈનિંગ સેન્ટર બેરી ગોલ્ડવોટર રેન્જ પાસે બની હતી. એ જ દિવસે રેન્જની નજીકમાં બીજાં ત્રણ ભેદી વિમાનો પણ ચક્કર મારતાં દેખાયાં હતાં. બેરી ગોલ્ડવોટર રેન્જ એરિઝોના-મેક્સિકો સરહદે આવેલા વિશાળ રણમાં છે. એરિઝોના યુએફઓ માટેનું હોટ સ્પોટ છે અને આ વિસ્તારમાં વારંવાર યુએફઓ દેખાયાના દાવા કરાય છે.
ચેન્નાઈમાં બીજા વિશ્વયુધ્ધમાં જાપાને ફેંકેલો બોમ્બ મળ્યો
બીજા વિશ્વયુધ્ધ વખતે ભારતમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં જંગ થયો હતો એ સૌને ખબર છે પણ દક્ષિણ ભારત પર પણ જાપાને આક્રમણ કરેલું એ સામાન્ય લોકો નથી જાણતાં. હમણાં ચેન્નાઈના એન્નોર વિસ્તારમાં મુસ્તફા પોતાના નવા ઘરના પાયા ખોદાવતો હતો ત્યારે બોમ્બ જેવો લાગતો પદાર્થ મળતાં તેણે પોલીસને જાણ કરી. પોલીસે આવીને તપાસ કરી તો ખબર પડી કે, બીજા વિશ્વ યુધ્ધ વખતે ફેંકાયેલો બોમ્બ છે કે જે ફૂટયા વિના જમીનમાં દટાયેલો પડયો હતો. મુસ્તફાના પ્લોટમાંથી મળેલા બોમ્બે જાપાને ૩ એપ્રિલ, ૧૯૪૨ના રોજ મદ્રાસ પોર્ટ પર કરેલા હુમલાની યાદોને તાજી કરી દીધી છે. જાપાનના બોમ્બમારાના કારણે મદ્રાસ બંદર અને કેટલીક ઈમારતોને નુકસાન થયેલું પણ સામાન્ય લોકોને કંઈ નહોતું થયું કેમ કે જાપાની લશ્કરનું ટાર્ગેટ બ્રિટિશ લશ્કરને મળતો પુરવઠો રોકવા માટે બંદરને નુકસાન કરવાનું હતું. એ વખતે વરસાદ પડતો હતો તેથી લોકોને હુમલો થયાની ખબર પણ થોડાક દિવસો પછી પડી હતી.
શરીર પર 96 ચમચી, હ્યુમન મેગ્નેટનો વર્લ્ડ રેકોર્ડ
ઈરાનના અબુલફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર ૯૬ સ્ટીલની ચમચી ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડયો છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સની માહિતી પ્રમાણે, ૨૦૨૧માં મોખતારીએ પોતાના શરીર પર ૬૪ ચમચી લગાવીને પહેલી વાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ૨૦૨૩માં ૮૫ ચમચી સાથે તેણે આ રેકોર્ડ તોડેલો અને હવે ૯૬ ચમચી સાથે નવો રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીનું હવે પછીનું ટાર્ગેટ ચમચીની સેન્ચુરી સાથેના વર્લ્ડ રેકોર્ડનું છે. મોખતારીને હ્યુમન મેગ્નેટ કહેવામાં આવે છે. તેના શરીરમાં કુદરતી રીતે જ ચુંબકીય તત્વ હોવાથી લોખંડ કે સ્ટીલની વસ્તુઓ તેના શરીર પર આપોઆપ ચોંટી જાય છે. મોખતારીએ પહેલી વાર રેકોર્ડ બનાવ્યો ત્યારે ચમચી પર ગુંદર લગાવેલું હોવાના આક્ષેપો થયેલા પણ ગિનેસ બુકે જાહેરમાં પ્રયોગ કરીને તેના શરીરમાં ચુંબકીય તત્વ હોવાનું સાબિત કર્યું પછી હવે આક્ષેપો થતા નથી.
એક પણ એરપોર્ટ નહીં છતાં ટુરિઝમની ધૂમ
દુનિયાના કોઈ પણ દેશમાં પ્રવાસન માટે જોરદાર એરપોર્ટ નેટવર્ક અનિવાર્ય મનાય છે પણ દુનિયામાં પાંચ એવા ગજબ દેશો છે કે જ્યાં એરપોર્ટ જ નથી છતાં દર વરસે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. એન્ડોરા, મોનેકો, સાન મારીનો, વેટિકન સિટી અને લિશ્ટનસ્ટેઈન એ પાંચ દેશો ટચૂકડા હોવાથી વધારે પ્રવાસીઓને સમાવી શકાય એવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી તેથી મર્યાદિત પ્રમાણમાં પ્રવાસીઓને પ્રવેશ અપાય છે. આ પાંચેય દેશો યુરોપમાં આવેલા છે. ફ્રાન્સ, સ્વિત્ઝર્લેન્ડ અને ઈટાલીની નજીક છે. ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ અને ઈટાલી એ ત્રણેય દેશો વિશ્વમાં સૌથી વધારે પ્રવાસીઓને આકર્ષતા દેશો છે. આ દેશોમાં મોટા પ્રમાણમાં એરપોર્ટ્સ સહિતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે તેથી પ્રવાસીઓ ત્યાંથી સરળતાથી જઈ શકે છે. આ દેશો ધનિક છે તેથી એરપોર્ટ બનાવી શકે પણ રસપ્રદ વાત એ છે કે, પર્યાવરણ અને કુદરતી સૌંદર્ય જળવાય એ માટે આ દેશો પોતાને ત્યાં એરપોર્ટ બનાવવા જ નથી માગતા.
બ્રિટિશ યુ-ટયુબર ઉત્તર કોરીયા જવા દોડવીર બન્યો
સરમુખત્યાર કિમ ઉન જોંગનું ઉત્તર કોરીયા કેવું છે એ બહારની દુનિયાને ખબર જ નથી કેમ કે ઉત્તર કોરીયામાં બહારનાં લોકોને એન્ટ્રી જ નથી. ઉત્તર કોરીયા વિદેશી પ્રવાસીઓને પણ મંજૂરી નથી આપતું ત્યારે બ્રિટિશ યુ-ટયુબર હેરી જેગાર્ડ ઉત્તર કોરીયામાં પ્રવેશવામાં સફળ થઈ ગયો. જેગાર્ડે ઉત્તર કોરીયામાં જવા માટે અલગ તિકડમ ચલાવેલું. કોરીયાની રાજધાની પ્યોંગયાંગમં યોજાતી ઈન્ટરનેશનલ મેરેથોનમાં ભાગ લેવા તેણે અરજી કરી હતી. તેનાં સારાં નસીબે અરજી મંજૂર થઈ જતાં જેગાર્ડ ૫ દિવસ ઉત્તર કોરીયામાં રહી શક્યો. જેગાર્ડે ૩ કલાક અને ૪૦ મિનિટમાં મેરેથોન પૂરી કરી અને ભરપૂર શૂટિંગ પણ કર્યું. જેગાર્ડ દોડવીર નથી પણ એક મહિનામાં જોરદાર તૈયારી કરીને દોડવીર બની ગયો હતો. જેગાર્ડને શૂટિંગ કરવા દેવાશે એવી આશા નહોતી પણ તેના આશ્ચર્ય વચ્ચે પોલીસ જ તમામ એથ્લેટ્સને અલગ અલગ સ્થળે લઈ ગઈ અને ભૂરપૂર શૂટિંગ કરવા દીધું પણ સામાન્ય લોકોને નહોતા મળવા દેવાયા.