બજારની વાત .
ટિકટોકની લેપટોપ સળગાવવાની ચેલેન્જથી અમેરિકામાં ચિંતા
ટિકટોક પર હમણાં શરૂ થયેલી ક્રોમબુક ચેલેન્જના કારણે અમેરિકાના સત્તાવાળા ભારે ચિંતામાં છે. ક્રોમબુકચેલેન્જ, ક્રોમબુકડયુરેબિલિટીટેસ્ટ, એફસ્ટુડન્ટ વગેરે હેશટેગ સાથેની આ ચેલેન્જમાં સ્કૂલમાં ભણતાં બાળકોને તેમનાં પોતાનાં લપટોપ કોઈ પણ જ્વલનશીલ પદાર્થ કે દિવાસળીનો ઉપયોગ કર્યા વિના સળગાવી દેવાની ચેલેન્જ અપાય છે. આ વીડિયો ટિકટોક પર મૂકાય છે ને તેને લાખોમાં વ્યૂ મળે છે તેથી પબ્લિસિટીની લાલચમાં વિદ્યાર્થીઓ સ્કૂલે આપેલાં લેપટોપ જાત જાતનાં તિકડમ અપનાવીને સળગાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ એલ્યુમિનિયમ ફોઈલ સહિતના સુવાહકોને ચાર્જિંગ પોર્ટમાં નાંખવા સહિતના નુસખા અપનાવે છે. અમેરિકાને લાગે છે કે, અમેરિકામાં અશાંતિ ઉભી કરવાનો આ ચીનનો નવો દાવ છે. ચીન પોતાની લોકપ્રિય એપ ટિકટોકનો ઉપયોગ કરીને અમેરિકાની સંપત્તિ જ નાશ નથી કરી રહ્યું પણ સ્કૂલોની સુરક્ષા સામે પણ સવાલ ઉભા કરી રહ્યું છે.
હવે ડાયનાસોરની ચામડીની બેગ બજારમાં આવશે
ધનિકોમાં કોઈની પાસે ન હોય એની ચીજો ખરીદવાની ઘેલછા હોય છે. આ ઘેલછાના કારણે ધનિક મહિલાઓ એકદમ દુર્લભ પ્રાણીઓના ચામડાથી બનેલી બેગ્સ કે જૂતાં સહિતની ચીજો મોં માગી કિંમતે ખરીદતી હોય છે. આ ઘેલછાનો લાભ ઉઠાવવા માટે અમેરિકાની ન્યુકેસલ યુનિવર્સિટીએ એક ફેશન બ્રાન્ડ સાથે ડાયનાસોરની ચામડીમાંથી બનેલી બેગ્સ બનાવવા કરાર કર્યો છે.
ટી-રેક્સ તરીકે ઓળખાતા ડાયનાસોરનું લગભગ ૪૦ ફૂટ લાંબું ચામડું લેબોરેટરીમાં તૈયાર કરાયું છે. તેમાંથી તૈયાર થનારી આ બેગની કિંમત શું હશે એ જાહેર નથી કરાયું પણ તેની હરાજી કરાશે ત્યારે ઓછામાં ઓછી કિંમત ૧૦ લાખ ડોલર એટલે કે લગભગ ૮.૮૦ કરોડ રૂપિયા હશે એવું મનાય છે. ટી રેક્સ પૃથ્વી પર ૬.૮૦ કરોડ વર્ષ પહેલાં અસ્તિત્વમાં હતા. વિજ્ઞાાનીઓએ તેના શરીરના બંધારણને સમજીને તેના આધારે તેનું ચામડું તૈયાર કર્યું છે. તેમાંથી ત્રણ કંપનીઓ ભેગી કરીને યુનિક બેગ બનાવી રહી છે.
8 વર્ષના છોકરાએ 70 હજાર લોલિપોપનો ઓર્ડર આપી દીધો
બાળકોના હાથમાં મોબાઈલ ફોન જાય તેની આકરી કિંમત ઘણી વાર ચૂકવવી પડે છે. અમેરિકાના કેન્ટુકી સ્ટેટના લેક્સિંગ્ટનમાં હોલી લાફેવર્સને તેનો પાકો અનુભવ થઈ ગયો. હોલીના ૮ વર્ષનો દીકરા લિયામે તેના મોબાઈલ ફોન પર રમતાં રમતાં એમેઝોન પર ૭૦ હજાર ડમ-ડમ્સ લોલિપોપનો ઓર્ડર આપી દીધો. હોલીના ખાતામાંથી ૭૦ હજાર કેન્ડીના ૪૨૦૦ ડોલર એટલે કે લગભગ ૩.૫૫ લાખ રૂપિયા કપાયા હોવાનો મેસેજ આવતાં હોલીએ તરત ઓર્ડર કેન્સલ કરાવવા માટે એમેઝોનનો સંપર્ક કર્યો.
એમેઝોન દ્વારા સલાહ અપાઈ કે, હોલી ડીલિવરી નહીં લે તો તેને પૂરેપૂરી રકમનું રીફંડ મળી જશે. હોલી નોકરીમાં રજા રાખીને ઘરે બેસી રહી કે જેથી ડીલિવરી આપવા આવે ત્યારે એ રીજેક્ટ કરી દે પણ ડ્રાઈવર ડોરબેલ વગાડયા વિના ૨૨ બોક્સ ભરેલી લોલિપોપ બારણે મૂકીને જતી રહેતા હવે એમેઝોન વેચેલો માલ પાછો લેવા તૈયાર નથી તેથી હોલીને ૩.૫૫ લાખનો ચૂનો લાગી ગયો છે.
દીકરીના માથા પર ઈંડું ફોડવા બદલ યુવતી જેલમાં
સોશિયલ મીડિયાના ચેલેન્જિંગ ટ્રેન્ડ ઘણી વાર ભારે મુશ્કેલીમાં મૂકી દેતા હોય છે. સ્વીડનની ૨૪ વર્ષની યુવતીને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કોઈના માથા પર ઈંડું મૂકવાની ચેલેન્જના કારણે ૨૦૭૦ ડોલર (લગભગ રૂપિયા ૧.૭૭ લાખ)નો દંડ થઈ ગયો અને ભવિષ્યમાં આ પ્રકારની હરકત કરી તો જેલની સજા થવાની ચીમકી પણ મળી ગઈ.
હેલસિનબોર્ગમાં રહેતી આ યુવતીએ ઈંડું ફોડવાની ચેલેન્જ પૂરી કરવા માટે પોતાની નાનકડી દીકરીને પસંદ કરી હતી. યુવતીએ દીકરીના માથા પર ઈંડું મૂક્યું ત્યારે જ દીકરી રડવા માંડેલી. યુવતીએ તેની પરવા કર્યા વિના ઈંડું મૂકીને ફોડયું અને તેનો વીડિયો અપલોડ પણ કરી દીધો. સ્વીડનના સત્તાવાળાઓના ધ્યાન પર વીડિયો આવતાં તેમણે યુવતી પર બાળકો સાથે ક્રૂરતાનો કેસ ઠોકી દીધો. યુવતીને જેલમાં ધકેલી દેવાઈ પણ દીકરી નાની હોવાથી તેની સંભાળ રાખવા માટે દયા દાખવીને છેવટે દંડ કરીને જવા દેવાઈ.
એનાકોન્ડાના પાણીમાં તરતા વીડિયોની ધૂમ
એનાકોન્ડા પાણીમાં તરી શકે ખરો ? એનાકોન્ડાનું વિશાળ કદ જોતાં એ પાણીમાં તરી શકે કે કેમ તે વિશે શંકા છે ત્યારે હમણાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં વિશાળકાય એનાકોન્ડા એમેઝોનનાં જંગલોમાં પાણીમાં તરી રહેલો દેખાય છે.
હેલિકોપ્ટરમાંથી લીધેલા આ વીડિયોને લાખો વ્યૂ મળ્યા છે ત્યારે ઘણા તેને આર્ટિફિશિયલ ઈન્ટિલેજન્સ (એઆઈ)ની કમાલ ગણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, એનાકોન્ડા એકદમ આળસુ પ્રાણી છે. એમેઝોનનાં જંગલોમાં જોવા મળતા એનાકોન્ડા ઝાડીમાં પડયા રહે છે. લગભગ ૨૦ ફૂટ સુધીની લંબાઈ ધરાવતા એનાકોન્ડા બિન ઝેરી છે પણ પોતાના શિકારને ગૂંગળાવીને મારી નાંખે છે. લગભગ ૯૦ કિલોનું વજન ધરાવતા એનાકોન્ડા માટે પાણીમાં તરવું લગભગ અશક્ય છે. જો કે એનાકોન્ડા પાણીમાં તરતો હોય એવો વીડિયો થોડા સમય પહેલાં પણ વાયરલ થયો હતો. બ્રાઝિલના કેટલાક ટુરિસ્ટે એમેઝોનનાં જંગલોમાં વિશાળ એનાકોન્ડાને સાવ નજીકથી તરતો જોયો હતો. એ વખતે પણ આ વીડિયો એઆઈ દ્વારા બનાવાયો હોવાનો દાવો કરાયો હતો.
વીક-ઓફના દિવસે નોકરીમાંથી કાઢી મૂકવું કંપનીને ભારે પડયું
યુકેમાં જાણીતી સ્કીનકેર કંપની ડર્માલોજિકાને વીક-ઓફના દિવસો જોન નેઈલ નામની યુવતીને નોકરીમાંથી કાઢી મૂકવું ભારે પડી ગયું છે. નેઈલે કંપની સામે કેસ ઠોકી દીધો હતો. કોર્ટે નેઈલની તરફેણમાં ચુકાદો આપીને કંપનીને ૨૫ હજાર પાઉન્ડ એટલે કે લગભગ ૨૮ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
નેઈલને વીક-ઓફના દિવસે ઓનલાઈન મીટિંગમાં હાજર રહેવા કહેવાયું હતું. નેઈલ મીટિંગમાં હાજર થઈ કે તરત એચઆર એક્ઝીક્યુટિવ દ્વારા તેને કોઈ પણ ખુલાસાની તક આપ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકાઈ હોવાની જાણ કરાઈ હતી. નેઈલે કોર્ટમાં દાવો કર્યો હતો કે, એકદમ ટૂંકી નોટિસ આપીને નોકરીમાંથી કાઢી મૂકવાના આ નિર્ણયના કારણે તેના માનસિક સ્વાસ્થ્ય પર અત્યંત ખરાબ અસર પડી હતી તેથી કંપનીએ તેને વળતર ચૂકવવું જોઈએ. સાઉથ લંડનની ક્રોયડોનની ટ્રિબ્યુનલે નેઈસની દલીલને માન્ય રાખી છે. સાથે સાથે કંપનીને નેઈલને ફરી નોકરી પર લેવાનો આદેશ પણ આપ્યો છે.