Get The App

સતત કામ કરવાની ચાઇના સ્ટાઇલ 9-9-6 ગમે કે 10 to 5 ? માનો તો તક અને ના માનો તો વૈતરૂં

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
સતત કામ કરવાની ચાઇના સ્ટાઇલ 9-9-6 ગમે કે 10 to 5 ?  માનો તો તક અને ના માનો તો વૈતરૂં 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ચીનમાં પ્રતિબંધ મૂકાયો છે પરંતુ ભારતમાં આ 9-9-6 નો નિયમ અમલમાં મૂકવા માટેનો વિચાર વહેતો કરાયો છે

- યુરોપના દેશોમાં કામના કલાકો સવારે ૧૦ થી સાંજે ૫ અને અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરવાની સિસ્ટમ છે 

- ચીનમાં આ ૭૨ કલાકના કામનો વિરોધ થયો એટલે પ્રતિબંધ મૂકાયો છે પરંતુ ભારતમાં તે બિલ્લી પગે પ્રવેશી રહ્યો છે. નારાયણ મૂર્તિ ૯-૯-૬ સિસ્ટમના હિમાયતી હોય એમ લાગી રહ્યું છે

ભારતની કોર્પોરેટ કંપનીઓમાં એક નવા વિવાદનો ફણગો ફૂટયો છે. સ્ટાફના કામના કલાકો ૯-૯-૬ પ્રમાણે કરવા પર ચીનમાં પ્રતિબંધ મુકાયો છે પરંતુ ભારતમાં આ ૯-૯-૬ નો નિયમ અમલમાં મુકવા માટેનો વિચાર વહેતો કરાયો છે. એટલે દિવસમાં રોજ સવાર નવ થી મોડી સાંજ સુધી નવ વાગ્યા સુધી કામ કરવું . એટલેકે રોજના ૧૨ કલાક અને તે સતત છ દિવસ માટે કરવું એટલે અઠવાડિયામાં કુલ ૭૨ કલાક કામ થયું. 

ચીનમાં આ ૭૨ કલાકના કામનો વિરોધ થયો એટલે પ્રતિબંધ મુકાયો છે પરંતુ ભારતમાં તે બિલ્લી પગે પ્રવેશી રહ્યો છે. ઇન્ફોસિસ કંપનીના ફાઉન્ડર એન આર નારાયણ મૂર્તિ 

૯-૯-૬ સિસ્ટમના હિમાયતી હોય એમ લાગી રહ્યું છે. 

ઇન્ફોસિસ દેશની નામાંકીત કંપની છે. તેમના ફાઉન્ડર નારાયણમૂર્તિ પણ બિન્દાસ્ત ઓપિનીયન માટે બહુ જાણીતા છે. તે અવાર નવાર કહેતા હોય છેકે દેશમાં ઉત્પાદન વધારવા લોકોએે વધુ કલાકો કામ કરવું પડશે.

દાખલો વડાપ્રધાન મોદીનો અપાય  છે. મોદી અઠવાડિયામાં ૧૦૦ કલાક કામ કરે છે તો તમે કેમ ના કરી શકો? કેટલીક વાર આવી વાતો વાજબી છે પરંતુ કામગીરી  ઉંમર અને  નોકરીમાં કેટલા વર્ષ થયા તે પ્રમાણે થતું હોય છે. કંપનીમાં નવો જોડાયેલ સ્ટાફ વધુ કામ કરે છે જ્યારે વર્ષોથી કામ કરતો સ્ટાફ ખઇ બદેલો હોય છે. 

૯-૯-૬ નો કોન્સેપ્ટ ભારતમાં ફીટ બેસી શકે છે પરંતુ કંપનીઓ માટે તેે ફીટ બેસી શકે એમ નથી. જ્યારે મૂનલાઇટીંગનો વિવાદ થયો ત્યારે કંપનીઓને જવાબદાર ગણાઇ હતી.

મૂનલાઇટીંગ એટલે જોબ ઉપરાંત વધારાનું કામ કરતા લોકો. પોતાના કુટુંબના ખર્ચા ઉઠાવવા તેમજ વધારાની આવક મેળવવા લોકો વધારાનું કામ કરે છે. જેમાં તેમની ફૂલટાઇમ જોબને બહુ વાંધો નથી આવતો. પરંતુ જ્યારે મૂનલાઇટીંગનો વિવાદ ચગ્યો ત્યારે ભારતની કંપનીઓ પૈકી કેટલીક મૂનલાઇટીંગ જોબ કરનારા સામે પગલાં લેવા તૈયાર થઇ હતી. લોકોએ કહ્યું કે અમારે કામની સાથે પૈસાની જરૂર છે તમે પૈસા આપોતો વધારાનું કામ તમારે ત્યાં કરીયે. 

જોકે જેવી પૈસાની વાત આવી એટલે મૂનલાઇટીંગનો મુદ્દો દબાઇ ગયો હતો.સતત કામ કરવાની ચાઇના સ્ટાઇલ 9-9-6 ગમે કે 10 to 5 ?  માનો તો તક અને ના માનો તો વૈતરૂં 2 - image

આપણે ત્યાં કામના કલાકો બાબતે વારંવાર વિવાદ ઉભા થતા હોય છે. જે કર્મચારીઓ તેના માલિકની ગુડ બુકમાં આવવા મથતા હોય છે તેવા લોકો કામના કલાકો પર ક્યારેય નજર રાખતા નથી. સરકારી કર્મચારીઓ અને પ્રાઇવેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓના કામના કલાકોમાં અને કામના નિયમોમાં ધણો ફર્ક રહેલો છે. માત્ર ભારત નહીં પણ વિશ્વના અન્ય દેશોમાં પણ કામના કલાકો બાબતે વિવાદ ચાલે છે.

ભારતથી અમેરિકા જતા એચ વન બી વિઝા ધરાવનારા અમેરિકી કંપનીઓમાં પ્રિય એટલા માટે છે કે તે લોકો સખત કામ કરે છે અને કલાકો સામું જોતા નથી. અમેરિકાના સ્થાનિક લોકો સમયસર જોબ પર આવે છે અને સમયસર ખુરશી છોડી દે છે. વધારાના કલાક માટે કામ કરવા માટે રાજી નથી હોતા જ્યારે એચ વન બી વિઝા ધરાવનારા વધારાના કલાકોમાં પણ હોંશે હોંશે કામ કરે છે.

વધારાના કલાકો કામ કરનારા પૈકી કેટલાક તેને વૈતરૂં ગણે છે તો કેટલાક તેને વધુ શીખવા મળે તેવી તક ગણે છે. વધુ કામ કરનારા ઇનેાવેશન માટે વિચારે છે. તેમનામાં કંઇક નવું કરવાની સ્ફૂર્ણા થતી હોય છે. એપલે તેની ઓફિસોમાં નવા આઇડયા અને ઇનોવેશન માટે ડ્રેાપ બોક્સ રાખ્યા છે. કોઇ પણ કર્મચારી કંઇક નવું કરવા માંગતો હોય કે તેના મનમાં ઇનોવેશનનો કોઇ વિચાર ચાલતો હોય તો તે ડ્રેાપ બોક્સમાં તેનો પ્લાન નાખી શકે છે.

આ ડ્રેાપ બોક્સ દર ત્રણ દિવસે ખોલવામાં આવે છે. જેમણે ઇનોવેશનના આઇડયા આપ્યા હોય તેમને કંપનીની બ્રેન સ્ટોર્મીંગ ટીમ બોલાવે છે અને ચર્ચા કરે છે. જો ઇનોવેશન ચીલા ચાલું હોય તો તેના પર આઇડયા આપનારનું અપમાન કરવાના બદલે  તેને કંઇક નવું આપવા કહેવાય છે. જે ઇનોવેશન કંપની માટે ઉપયોગી હોય તો તેની વધુ વિગતો આપવા કહીને તેને એક અલગ ટીમ ફાળવવામાં આવે છે.

એપલનું જોઇને ભારતની ઇન્ફોસિસે પણ સ્ટાફના આઇડયા મેળવવાનું શરૂ કર્યું હતું. અનેક કંપનીઓ પોતાના સ્ટાફમાં કહેલી ઇનોવેશનની સેન્સને બહાર લાવવા ગૃપ મિટીંગ જેવું ખાસ વાતાવરણ ઉભું કરે છે.

કોણ જાણે કેમ પણ મોટી કંપનીઓ પોતાના સ્ટાફ પાસે વધુ કામ કરાવવા તલપાપડ હોય છે પરંતુ વધુ કલાકના કામનું વળતર આપવાની ચર્ચા ક્યારેય નથી કરતી.  ભારતમાં અવારનવાર સ્ટાફના કામના કલાકો અંગે ચર્ચા થાય છે પરંતુ સ્ટાફના પોતાના જીવનનું તેમજ તેમના કટુંબ પાછળ વધુ સમય કેવી રીતે ફાળવશે તે ક્યારેય વિચારાતું નથી. સ્ટાફને પોતાનું કૌટુંબીક જીવન હોય છે. જો તે કંપનીમાં નવનવ કલાક કામ કરે તો કુટુંબ માટે સમય ફાળવી શકતો નથી. કંપનીઓ લાંબુ ક્યારેય વિચારતી નથી.

રાષ્ટ્રના ઉત્થાન માટે લોકોએ અઠવાડીયે ૭૨ કલાક કામ કરવું જોઇએ એમ ૭૯ વર્ષના અબજો પતિ નારાયણમૂર્તિએ એક મુલાકાતમાં કહ્યું ત્યારે વિવાદ થયો હતો. ચીનની અલિબાબા અને હૂવાઇ જેવી મોટી કંપનીઓે જ્યારે ૯-૯-૬ના કોન્સેપ્ટનો અમલ કર્યો ત્યારે સ્ટાફના આરોગ્યની પણ કંપનીઓએ ચિંતા કરવી જોઇએ એમ કહીને મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. ચીનના શ્રમ કાયદા પ્રમાણે અઠવાડિયામાં ૪૦ કલાક કામ લઇ શકાય છે. ૨૦૧૯માં અલીબાબાના ફાઉન્ડર જેક માએ કહ્યું હતું કે ૯-૯-૬ નો કોન્સેપ્ટ સ્ટાફ માટે આશિર્વાદ સમાન છે. જે તેમને શીખવાની તક આપે છે. કેટલાકે તેને આળસુ સ્ટાફ માટે જોખમી ગણાવ્યું હતું.

ચીને ૧૯૨૧માં  ૯-૯-૬ પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં કેટલીક કંપનીઓેએ તે રીતે કામ ચાલુ રાખ્યું હતું પરંતુ હવે તો યુવાનોજ વધુ કલાકો સુધી કામ કરવાની ના પાડતા થયા છે.

યુરોપના દેશોમાં કામના કલાકો સવારે ૧૦ થી સાંજે ૫ અને અઠવાડીયામાં પાંચ દિવસ કામ કરવાની સિસ્ટમ છે. જેના કારણે કુટુંબ અને જોબ સાથે તાલમેલ કરી શકાય છે.

પોતાના સ્ટાફ પાસેથી વધુ કામ ખેંચી લેવાને કંપનીની આવડત કહેવામાં આવે છે.ભારતમાં વધુ પૈસા મળતા હોય તો લોકો નવ નવ કલાક કામ કરવા તૈયાર હોય છે. આપણે ત્યાં કમનસીબી એ છેકે કંપનીઓ ઇચ્છે છેકે લોકો વધુ કલાક કામ કરે પરંતુ કામનું વળતર ચૂકવવામાં ધાંધીયા કરે છે. નારાયણ મૂર્તિની ૯-૯-૬ વાળી સ્કીમને ઇન્ફોસિસના ભતપૂર્વ સીએફઓ મોહનદાસ પાઇએ ટેકો આપતા કહ્યું છે કે સ્ટાફના ચોક્કસ ગૃપ માટે ૯-૯-૬ અમલી બનાવી શકાય.

નારાયણ મૂર્તિની વાતને ટેકો આપનારા છે એમ વિરોધ કરનારાઓ પણ છે. સોશ્યલ નેટ વર્ક પર લોકો કહે છે કે કામના કલાકોની વાતો કરો છો પણ પગાર વધારો આપવાની વાત પણ કરવાનું રાખો. 

હજુતો ગઇકાલેજ નવા શ્રમ કાયદા આવ્યા છે પરંતુ તેમાં કામના કલાકોનો કોઇ ખાસ ઉલ્લેખ નથી.ભારતમાં 

૯-૯-૬નો કોન્સેપ્ટ આગળ વધી શકે એમ નથી કેમકે કેટલાકે તેને વૈતરૂં કહ્યું છે તો કેટલાકે તેને આધુનિક ગુલામી કહ્યું છે.

9-9-6 નો કોન્સેપ્ટ ભારતમાં 

ફીટ બેસી શકે છે પરંતુ કંપનીઓ માટે 

તે ફીટ બેસી શકે એમ નથી. જ્યારે મૂનલાઇટીંગનો 

વિવાદ થયો ત્યારે કંપનીઓને જવાબદાર ગણાઇ હતી

ઇલોન મસ્ક કંપનીના વિઝિટીંગ રૂમના સોફા પર ઊંધી જતા હતા...

9-9-6 સિસ્ટમ હેઠળ અનેક લોકો કામ કરે છે. સમાચાર માધ્યમો સાથે સંકળાયેલા લોકો કામના કલાકો સામે જોઇ શકતા નથી. પોતાનું ઉદ્યોગ સાહસ કરનારા કે સ્ટાર્ટઅપ તૈયાર કરનારા ક્યારેય કામના કલાકો ગણતા નથી. વિશ્વના અબજોપતિ અને ટેસ્લા કાર ફેઇમ ઇલોન મસ્કે કહ્યું હતું કે ઘણી વાર હું કામ કરતાં મોડી રાત થાય તો કંપનીના વિઝિટીંગ રુમના સોફા પર ઊંધી જઉં છું. મેં સતત કામ કર્યું છે. બેંગલુરૂમાં સ્ટાર્ટઅપ કામ કરનારા માટે મોડી રાત સુધી હોટલો ખુલ્લી રખાય છે. પોતાની કંપની હોય અને બીજાને ત્યાં કામ કરવાનું હોય તેમાં આસમાન જમીનનો ફર્ક છે. પોતાને ત્યાં લોકો સતત કામ કરે છે પરંતુ અન્યને ત્યાં નેાકરી કરનારને સમય યાદ આવે છે. જ્યાં લોકો પોતાનું સમજીને કામ કરે છે તેની પ્રગતિ વધુ થાય છે. સ્ટાર્ટઅપ કેે નવો બિઝનેસ કરનારા ખઇ ખપૂચીને કામમાં વ્યસ્ત રહે છે. સફળતાનું એકાદ કિરણ ના દેખાય ત્યાં સુધી તે કામ કર્યા કરે છે.

વર્તમાન ઉદ્યોગપતિઓની સફળતાના પાયા પર નજર કરો તો દરેકે સંઘર્ષ કર્યો છે અને હવે તેના મીઠા ફળ ભોગવી રહ્યા છે. ૯-૯-૬ની હિમાયત કરનારા ઇન્ફોસિસના વડા નારાયણમૂર્તિએ સખત પરિશ્રમના આગ્રહી એટલા માટે છેકે તેમણે પણ કંપની ઉભી કરી ત્યારે દિવસ રાત જોયા નથી. તેમના પત્ની સુધા મૂર્તિએ અનેક વાર કહ્યું છે કે નારાયણ મૂર્તિએ કુટુંબ કરતાં પહેલાં ઇન્ફોસિસને મહત્વ આપ્યું છે. પત્નીના  દાગીના વેચીને ઉભી કરેલી કંપની આજે ભારતમાં બીજા નંબરની આઇટી કંપની છે જેનું ટર્નઓવરરૂપિયા ૧.૬૩૯ લાખ કરોડછે.