Get The App

બાલાજી વેફર્સનો 10 ટકા હિસ્સો ખરીદવા અમેરિકી જાયન્ટ સહિતની ડઝનબંધ કંપનીઓ લાઇનમાં ઉભી છે

Updated: Sep 21st, 2025

GS TEAM

Google News
Google News
બાલાજી વેફર્સનો 10 ટકા હિસ્સો ખરીદવા અમેરિકી જાયન્ટ સહિતની ડઝનબંધ કંપનીઓ લાઇનમાં ઉભી છે 1 - image

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- ભારતમાં સ્નેક્સનો તીખો તમતમતો બિઝનેસ : ભારતની સ્નેક્સ બ્રાન્ડ વિદેશમાં પણ હોટ ફેવરીટ

- ૨૦૨૪માં ભારતનું સ્નેક્સ માર્કેટ ૨૨,૭૮૩.૨ મિલિયન ડોલરનું હતું. જે ૨૦૩૦માં  ૩૩,૪૮૭.૩ મિલિયન ડોલર પર પહોંચવાની સંભાવના છે.

- બાલાજી વેફર્સ રાજકોટની વિરાણી બ્રધર્સે ૧૯૭૨માં શરૂ કરી હતી. ૪૦ વર્ષમાં સ્નેક્સ માર્કેટ તેનો ડંકો વાગી રહ્યો છે. ૧૯૯૨માં બાલાજી વેફર્સ લિમિટેડની શરૂઆત કરાઇ હતી. 

- બાલાજી વેફર્સે જ્યારે ૧૦ ટકા હિસ્સો વેચવાની વાત કરી ત્યારે શરૂઆતમાં બે ત્રણ વિદેશી કંપનીઓ સહિત એકાદ ડઝન કંપનીઓ ખરીદવા માંગતી હોવાના અહેવાલો વહેતા થયા હતા. પરંતુ જ્યારે અમેરિકાની જનરલ મિલ્સે પોતાની ઇચ્છા બતાવી ત્યારે સ્નેક માર્કેટમાં ટોકિંગ પોઇન્ટ બની ગયું હતું.

ભારતના નાસ્તાનો ચટપટો ચટાકો વિદેશમાં પણ પ્રશંસા મેળવી રહ્યો છે. ભારતની અનેક કંપનીઓે નાસ્તાના (સ્નેક્સ)માર્કેટમાં ઝંપલાવ્યું છે. લોકો પોતાના રોજીંદા બિઝી શિડયુલમાં કામ કરતાં કરતાં નાસ્તો ઝાપટી લે છે. મુંબઇમાં જેમ વડાપાંઉ હોટ ફેવરીટ છે એમ અમદાવાદમાં નાસ્તામાં ખમણ, ફાફડા અને ભજીયા જેવી ચીજો લોકોમાં પ્રિય છે. પરંતુ પેકેટ ફૂડમાં બહુ ઓછી કંપનીઓ સફળ થઇ શકી છે. પેકેટ ફૂડમાં પણ લોકો પોતાની પસંદગીની બ્રાન્ડની વેફર્સ કે અન્ય નાસ્તાનો આગ્રહ રાખે છે.

લોકોની જીભ પરનો સ્વાદ પારખવો બહુ અઘરી વાત છે. સ્વાદ પારખીને તેને સતત વર્ષો સુધી જાળવી રાખવો અને જનરેશન બદલવા સાથે તેમાં બદલો કરવો વગેરે બહુ સિક્સથ સેન્સ વાળું ગણિત હોય છે. લોકોને સૂકો નાસ્તો ગમે છે કે રસ્સાદાર ચીજો ગમે છે તે સમજવા માટે અનુભવની જરૂર પડે છે. 

સ્નેક એટલેકે નાસ્તા બનાવતી કંપનીઓનું ટર્નઓવર આંખો ફાટી જાય એટલું મોટું હોય છે.

ભારતની ટોપની સ્નેક્સ કંપનીઓમાં બાલાજી વેફર્સ, હલ્દીરામ, બિકાનેરી વાલા વગેરેનો સમાવેશ થાય છે. ભારતની સ્નેકસ કંપનીઓના ટર્ન ઓવર પર વિદેશની કંપનીઓની નજર રહેલી છે. 

ભારતમાં સ્નેક્સ બનાવતી કંપનીઓ બાલાજી વેફર્સ એન્ડ નમકીન ટોપ ફાઇવમાં આવે છે.  વિદેશની તમામ સ્નેક કંપનીઓની નજર બાલાજી વેફર્સના નેટવર્ક  અને નિત નવી પ્રોડક્ટ પર રહી છે.

ભારતના સ્નેક બિઝનેસ મારફતે ભારતના માર્કેટમાં ઘૂસવા વિદેશની ટોચની સ્નેક કંપનીઓ તલપાપડ જોવા મળે છે. ગયા વર્ષે હલ્દીરામ કંપનીએ તેનો ૧૦ ટકા હીસ્સો વેચવા કાઢ્યો ત્યારે ભારતની કંપનીઓ કરતાં વિદેશની કંપનીઆએેે તે ખરીદવામાં વધુ રસ બતાવ્યો હતો.

તાજેતરમાં ભારતની ટોપની સ્નેક કંપની  ગુજરાતની બાલાજી વેફર્સે તેનો ૧૦ ટકો હિસ્સો વેચવાની વાત કરી ત્યારે પણ ડઝન જેટલી કંપનીઓએ પોતાની ઇચ્છા બતાવી હતી તેમાં વિદેશની કંપનીઓ પણ હતી.

ભારતનું સ્નેક માર્કેટ ઝડપભેર વધી રહ્યું છે. તેમા નવા નાસ્તા અને નવી બ્રાન્ડ ઉમેરાતી જાય છે.

ખરેખર ભારતનું નમકીન માર્કેટ તીખું તમતમતું જોવા મળી રહ્યું છે. અમેરિકાની જનરલ મીલ્સ અને પેપ્સીકો જેવી કંપનીઓ બાલાજી વેફર્સનો ૧૦ ટકા હીસ્સો ખરીદવા લોબીંગ શરૂ કરે ત્યારે સમજી શકાય કે આ કંપનીઓ ભારતમાં પગદંડો જમાવવા માંગે છે. આવી જાયન્ટ કંપનીઓને બાલાજી વેફર્સનો દશ ટકા હીસ્સો ખરીદીને ભારતમાં પોતાની હાજરી બતાવવી છે.

બાલાજી વેફર્સે જ્યારે ૧૦ ટકા હીસ્સો વેચવાની વાત કરી ત્યારે શરૂઆતમાં બે ત્રણ વિદેશી કંપનીઓ સહીત એકાદ ડઝન કંપનીઓ  ખરીદવા માંગતી હોવાના અહેવાલો વહેતા થયા હતા. પરંતુ જ્યારે અમેરિકાની જનરલ મિલ્સે પોતાની ઇચ્છા બતાવી ત્યારે સ્નેક માર્કેટમાં ટોકિંગ પોઇન્ટ બની ગયું હતું.

    શા માટે સ્નેક માર્કેટ આટલું ઉછાળા મારી રહ્યું છે તે પણ સમજવા જેવું છે. ઘરનો નાસ્તો ભૂલીને લોકો પેક નાસ્તા તરફ કે ગરમ નાસ્તા તરફ વળ્યા છે. કહે છે કે લોકોની પસંદ પણ પેક નાસ્તા તરફ વળી છે. લોકોની ખાવાની પસંદગીમાં પણ ફેર આવ્યો છે. શહેરી વિસ્તારોમાં આવેલી દુકાનોમાં બપોરનો નાસ્તો ગરમા ગરમ જોવા મળે છે. રેલ્વેમાં બસમાં પ્રવાસ કરનારાઓ પણ નાસ્તાનું પેકેટ લઇને જીભના ચટાકાને સંતોષતા હોય છે. 

    દરેક રેલ્વે સ્ટેશન પર કે બસ સ્ટેન્ડની બહાર આવેલા ગલ્લાઓ પર પેકેટમાંના નાસ્તા મોટાપાયે મળેે છે.

ભારતમાં વધી રહેલા શહેરીકરણના પગલે લોકોની ફૂડ હેબીટ પણ બદલાઇ છે. સ્કુલે જતા બાળકોથી માંડીને ઓફિસે જતા લોકો સુધીના અને ગૃહિણીઓથી માંડીને જોબ કરતી યુવતી સુધીનાઓ બહારનું ખાતા ટેવાઇ ગયા છે. 

એક જનરેશન બદલાઇ ગઇ છે. એક સમયે સ્કુલે જતા વિદ્યાર્થીઓ ઘેરથી નાસ્તાનો ડબ્બો પોતાના દફતરમાં મુકીને જતા હતા. નાસ્તાના ડબા પણ ફેશનેબલ આવતા હતા. હવે સ્કુલમાં નાસ્તાનો ડબો લઇ જનારને જુનવાણી ગણવામાં આવે છે. દરેક નાસ્તાના પેકેટ કે સ્કુલની કેન્ટીનની સેન્ડવીચ ખાતા થઇ ગયા છે.

  કહે છે કે કુટુંબો તૂટવા લાગ્યા અને લોકો એકલ દોકલ રહેવા લાગ્યા ત્યારથી ઘરના નાસ્તાની પરંપરા તૂટી છે અને લોકો બહારના નાસ્તાના પેક્ટ ખાવા તરફ વળ્યા છે. ઘરમાં જ્યારે બંને જોબ કરતા હોય ત્યારે તેમની ભૂખ નાસ્તાના પેકેટો આસાનીથી સંતોષી શકે છે તે પણ સ્નેેક્સનું વેચાણ વધવા પાછળનું એક કારણ કહી શકાય.

 લાંબા કલાકો સુધી કામ કરનારા રેડી ટુ ઇટ ફૂડ વધારે પસંદ કરે છે. પાર્કમાં જનારા કે ફિલ્મો જોનારા કે ઝૂ વગેરેમાં ફરનારા હાથમાં નાસ્તાના પેક્ટ રાખે છે. દરેક ચટાકેદાર નાસ્તો પસંદ કરે છે. બાલાજી વેફર્સનો ચટાકો એક વાર દાઢે વળગે પછી કોઇ બીજી બ્રાન્ડની વેફર્સ નથી ખરીદતું. દરેકની અલગ પસંદ હોય છે પરંતુ બાલાજી વેફર્સને પસંદ કરનારા અનેક લોકો છે.

ભારતની કુલ વસ્તીમાં ૩૦ વર્ષની અંદરના યુવાનો અડધો અડધ જેટલા છે. તેમની પસંદગીના નાસ્તાના પેકેટ તે ખરીદતા હોય છે.

પાતળી અને કડક વેફર્સ દરેકને પસંદ પડે છે. ખાતી વખતે પહેલા બાઇટથીજ તેનો અવાજ આજુ બાજુ ઉભેલાઓને પણ આકર્ષે છે. જેને આપણે ક્રંચી કહીએ છીયે. એક સમયે સિનેમાં થિયેટરોમાં ઇન્ટરવલ પછી પાપડ ખાવાના અવાજ વધુ આવતા હતા હવે વેફર્સ ખાવાના અવાજ આવે છે.

  બાલાજી વેફર્સ રાજકોટની વિરાણી બ્રધર્સે ૧૯૭૨માં શરૂ કરી હતી. ૪૦ વર્ષમાં સ્નેક્સ માર્કેટ તેનો ડંકો વાગી રહ્યો છે. ૧૯૯૨માં બાલાજી વેફર્સ લિમિટેડની શરૂઆત કરાઇ હતી. બટાકાની વેફર્સનું બીજું નામ બાલાજી વેફર્સ પડી ગયું છે. બજારમાં લોકોની જરૂરિયાત પ્રમાણેના નાસ્તા બનાવીને સ્નેકસ માર્ટેમાં તેમને પગદંડો મજબૂત બનાવી દીધો હતો.  વિરાણી બ્રધર્સની સંઘર્ષ કથા નવોદિત બિઝનેસ કરનારાઓ માટે અનુકરણીય બની શકે છે.

૨૦૨૪માં ભારતનું સ્નેક્સ માર્કેટ ૨૨,૭૮૩.૨ મિલીયન ડોલરનું હતું. જે ૨૦૩૦માં  ૩૩,૪૮૭.૩ મિલીયન ડોલર પર પહોંચવાની સંભાવના છે.