Get The App

ઈન્શ્યોરન્સ ક્ષેત્રે 100 ટકા FDI વીમા ગ્રાહકો અટવાયેલા છે હેલ્થ ટ્રીટમેન્ટમાં રાહત મળે તે જરૂરી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
ઈન્શ્યોરન્સ ક્ષેત્રે 100 ટકા FDI વીમા ગ્રાહકો અટવાયેલા છે હેલ્થ ટ્રીટમેન્ટમાં રાહત મળે તે જરૂરી 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- 100 ટકા એફડીઆઇ આવ્યા પછી કંપનીઓ સીનિયર સિટિઝનોના લાભમાં કોઇ નિર્ણય લઇ શકે છે...

- 100 ટકા એફડીઆઇ આવવાથી ગ્રાહકોને નવી સવલતો મળશે, કંપની પ્રમાણે નવી સ્કીમો અને સવલતો મળશે પરંતુ ગ્રાહકોને વીમો નહીં ચૂકવીને દાદાગીરી કરતી કંપનીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરવાની પણ જરૂર હતી

- ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (IRDAI) દેશભરમાં સો ટકા સારવાર કેશલેસ કરવા મથે છે પરંતુ તેની બધી વાતો કાગળ પર રહી જાય છે. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓનું જોર અને પ્રભાવ બંને સરકાર પર વધુ છે

ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ૧૦૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને લીલીઝંડી આપીને સરકારે વાહ વાહી લૂંટી લીધી છે પરંતુ વર્તમાન વીમા કંપનીઓ ગ્રાહકોને કેટલા પરેશાન કરે છે તે દિશામાં સરકારનું ધ્યાન ગયું હોય એમ લાગતું નથી. ૧૦૦ ટકા એફડીઆઇ આવવાથી ગ્રાહકોને નવી સવલતો મળશે, કંપની પ્રમાણે નવી સ્કીમો અને સવલતો મળશે  પરંતુ ગ્રાહકોને વીમો નહીં ચૂકવીને દાદાગીરી કરતી કંપનીઓ સામે પગલાં લેવાની જાહેરાત કરવાની પણ જરૂર હતી.

ઈન્શ્યોરન્સ કંપનીઓ ગમે તેટલી બજારમાં આવે પરંતુ તેના ગ્રાહકોને કેવી સવલતો આપે છે તે મહત્વનું છે. વર્તમાન ઈન્શ્યોરન્સ કંપનીઓ સામે લોકપાલમાં ૧૩,૦૦૦ જેટલી ફરિયાદો છે. ૧૦૦ ટકા એફડીઆઇથી ઈન્શ્યોરન્સ ક્ષેત્રે પરિવર્તન જોવા મળશે અને નવી કંપનીઓ આવશે પરંતુ કોર્પોરેટ ટચવાળી કંપનીઓ ગ્રાહકની સમસ્યાનો ઉકેલ લાવશે કે નહીં તે બહુ મોટો પ્રશ્ન છે.

દરેક ઈન્શ્યોરન્સ કંપનીઓ સામે વીમો ચૂકવવાની ઢીલ સામે ફરીયાદો છે. દરેકને વીમાના પૈસા ચૂકવતા ચૂંક આવે છે. વીમાની નીકળતી રકમ પર વિવિધ વાંધા રજૂ કરીને તેને ટલ્લે ચઢાવાય છે. સરકારે કંટાળીને લોકપાલ નિમ્યા છે જે કંપનીઓને તતડાવીને અટવાયેલી વીમાની રકમ ચૂકવવા આદેશ આપે છે.

ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇથી કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધશે જેનો લાભ ગ્રાહકોને મળશે. વિદેશની કંપનીઓ ભારતમાં પ્રવેશસે તો નવી સ્કીમો અને સસ્તા દરના પ્રિમિયમનો લાભ પ્રજાને મળી શકે છે. જોકે દરેક કંપની કમાવવા આવશે માટે સસ્તું પ્રિમિયમ ભાગ્યેજ જોવા મળશે.

ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ઘણી ગરબડો ચાલે છે. એસોસીયેશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર્સ-ઇન્ડિયા (છલ્લઁૈં),જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સીલ વગેરે પાસે સત્તા હોવા છતાં પ્રભાવી નથી. એમ પણ કહી શકાય કે પ્રાઇવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓ તેમને ગાંઠતી નથી. બજાજ એલ્યાન્ઝ અને કેર હેલ્થ જેવી કંપનીઓ ગ્રાહકોને પરેશાન કરી નાખ્યા હોવા છતાં સરકારની તપાસ એજંસીઓ તેમની સામે કોઇ દંડકીય કાર્યવાહી કરી શકી નહોતી. 

કેર હેલ્થ જેવી કંપનીઓ આજે પણ ગ્રાહકોના વીમાની રકમ દબાવી રાખીને બેઠી છે. આવી કંપનીઓને જોઇને વિદેશી કંપનીઓ પણ તેમના રવાડે ચઢીને ગ્રાહકોને પરેશાન કરી શકે છે. પ્રાઇવેટ કંપનીઓ જવાબદેહી બને તેવા પગલાં લેવા જરૂરી છે.

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલોપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ૈંઇઘછૈં) દેશભરમાં સો ટકા સારવાર કેશલેસ કરવા મથે છે પરંતુ તેની બધી વાતો કાગળ પર રહી જાય છે. પ્રાઇવેટ ઈન્શ્યોરન્સ કંપનીઓનું જોર અને પ્રભાવ બંને સરકાર પર વધુ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં હલ્થકેર સિસ્ટમમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રાઇવેટ હોસ્પિટલો આધુનિક સારવારના નામે દરેક ટ્રીટમેન્ટમાં જંગી ભાવ વધારો કરી રહી છે જેથી મધ્યમ વર્ગ માટે હેલ્થકેર વીમો ફરજીયાત બની ગયો છે.  હેલ્થકેર વીમાનું પ્રિમિયમ પણ બહુ ઉંચું હોઇ મધ્યમ વર્ગ નિયમિત ભરી શકતો નથી અને વીમો ખોઇ બેસે છે.

ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇ આવકાર્ય છે તેના કારણે ગ્રાહકોને કદાચ વધુ સારી સવલતો મળી શકે છે પરંતુ આખી સિસ્ટમ પર કડક નજર રાખનાર એજંસીઓને વધુ પાવર આપવાની જરૂર પડશે.

જેમની પાસે બજાજ એલયાન્ઝનો વીમો હતો તેમની સામે એવી મુશ્કેલી ઉભી થઇ હતી કે તેમને કેશલેસ વીમો રાતોરાત દેશની ૧૫,૨૦૦ જેટલી હોસ્પિટલોએ બંધ કરી દીધો હતો. ગ્રાહકોને રિએમ્બર્સમેન્ટ રૂપે આપવાની થતી રકમમાં પણ એક તરફી કાપકૂપ કરવાની શરૂઆત કરી હતી.

હવે જ્યારે નવા રોગ અને ઇમર્જન્સી સારવારની માત્રા વધી છે ત્યારે વીમાં લેનારાની સંખ્યા પણ વધશે. અનેક કંપનીઓ પોતાના સ્ટાફને વીમાનું કવર આપે છે. કોવિડના સમય દરમિયાન દરેકે હેલ્થ વીમો ફરજીયાત હોવો જોઇએ એમ સ્વિકાર્યું હતું. આજે પણ શિક્ષિત ઘરોમાં ઘરના દરેક સભ્યનો હેલ્થનો વીમો હોય છે. જીવન અનિશ્ચતતાઓથી ભરેલું છે માટે વીમો ફરજીયાત બની જાય છે.

૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી આપીને સરકારે વધુને વધુ લોકો વીમાનું કવચ મેળવે તેમ વિચાર્યું હશે પરંતુ વીમો ઉતરાવનાર ગ્રાહકની હીતનું પણ વિચારવાની જરૂર છે. બજાજ એલયાન્ઝના ગ્રાહકોને ખુબ પરેશાન કરાયા હતા. નિયમિત પ્રિમિયમ ભરનારાઓને એમ હતું કે હોસ્પિટલ સારવાર માટે આપણે નિશ્ચિંત છીયે પરંતુ હોસ્પિટલો એ વીમાં કંપનીનું કાર્ડ ચલાવવાની ના પાડી દેતાં દરેકે ઘરના પૈસા કાઢીને સારવાર લેવી પડી હતી. જ્યારે ગ્રાહકે રિએમ્બર્સમેન્ટ માટે ફાઇલ મોકલી ત્યારે મૂળ રકમમાં કાપકૂપ કરાઇ હતી.

  કેશલેસ સિસ્ટમમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ હોસ્પિટલોને નાણા ચૂકવવામાં ધાંધિયા કરે છે. કંપનીઓ કહે છે કે હોસ્પિટલો ઓવર બિલીંગ કરીને વધુ પૈસા આંચકી લે છે. સામાન્ય લોકોના મનમાં એવો ખ્યાલ છે કે હોસ્પિટલો કેશલેસ સિસ્ટમનો ખોટો ઉપયોગ કરે છે અને મોટા બિલો મુકીને કંપનીઓ પાસે થી વધુ પૈસા મેળવી લે છે. સામસામે અનેક આક્ષેપો છે પરંતુ ગ્રાહકો આ કોલ્ડવોરમાં પીસાઇ રહ્યા છે. એવી જાહેરાતો જોવા મળે છે કે તમે આજે વીમો ઉતરાવો અને ત્વરીત મફત સારવાર શરૂ થઇ જાય છે. આવી જાહેરાતો ગેરમાર્ગે દોરનારી હોય છે પરંતુ તેના પર કોઇ નિયંત્રણ નથી.

  સિનિયર સિટીઝનોને તો વિમા કંપનીઓ કોઇ સવલતો નથી આપતી. તેનો મેડિકલ હિસ્ટ્રી જાણ્યા પછી તેમનો વીમો ક્યારથી શરૂ થશે તે જણાવે છે. જે ગાળો બે વર્ષનો હોઇ શકે છે.

   ૧૦૦  ટકા એફડીઆઇ આવ્યા પછી કંપનીઓ સિનિયર સિટીઝનોના લાભમાં કોઇ નિર્ણય લઇ શકે છે. ૧૦૦ ટકા એફડીઆઇના કારણે 

બજાજ એલ્યાન્ઝ અને કેર હેલ્થ જેવી કંપનીઓ ગ્રાહકો સાથે સારો વર્તાવ કરવાની ફરજ પડશે.

ઈન્શ્યોરન્સ ઉતાર્યા પછી પણ મેડિકલ સારવારમાં સમસ્યા રહે છે તે વાતમાં  ૧૦૦ ટકા એફડીઆઇ  આવ્યા પછી સુધારો થઇ શકે છે. ઈન્શ્યોરન્સ ક્ષેત્રે સ્પર્ધા જરૂરી બની ગઇ હતી. 

ભારતમાં ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ૭૪ ટકા એફડીઆઇ હતી જેને ૧૦૦ ટકા કરવામાં આવી છે. સરકાર પરિવર્તન માટે પગલાં ભરે છે પરંતુ પાછળ જોઇને તેની આડે આવતી સમસ્યાનો હલ શોધતી નથી. ઈન્શ્યોરન્સ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇ લાવીને સરકાર રોજગારી વધારી શકશે.

હેલ્થ ક્ષેત્રે ૧૦૦ ટકા એફડીઆઇથી આવી રહેલા નવા છૈં-આધારીત સંશોધનો વધું મહત્વના સાબિત થશે. વધુને વધુ લોકો વીમો ઉતરાવે તે જરૂરી છે. એક અંદાજ અનુસાર ૭૦ ટકા ભારતીયો પાસે હેલ્થ વીમો નથી. જે ૩૦ ટકા લોકો પાસે વીમો છે તેમને વીમા કંપનીઓ પર ભરોસો નથી. આશા રાખીયેકે ૧૦૦ ટકા એફડીઆઇ વધુને વધુ લોકોને વીમા કવચ હેઠળ લાવી શકશે.

- વીમો ચૂકવતા દરેક કંપનીને ચૂંક આવે છે

ઈન્શ્યોરન્સ કંપનીઓ સામે ૧૩,૦૦૦ ફરિયાદો  સૈાથી વધુ સ્ટાર હેલ્થ સામે, બીજા નંબરે કેર હેલ્થ

કોઇ વ્યક્તિ એમ ના માને કે ઈન્શ્યોરન્સ ઉતરાવ્યો છે માટે સલામત છે એવું ક્યારેય માનવું નહીં. કેટલીક વાર પ્રાઇવેટ હોસ્પિટલો નાટકબાજી કરે છે તો કેટલીકવાર  ઈન્શ્યોરન્સ કંપનીઓ પોતાની મનમાની કરીને ગ્રાહકને પરેશાન કરે છે. કેશલેસ સિસ્ટમ હોય ત્યાં સુધી ઠીક છે પરંતુ અનેક કંપનીઓની કેશલેસ સિસ્ટમ હોસ્પિટલોમાં ચાલતી નથી. ૨૦૨૩-૨૪ના કાઉન્સીલ ઓફ ઈન્શ્યોરન્સઓમબડ્સમેન (લોકપાલ)ના રિપોર્ટ પર નજર કરીયેતો તેમને ઈન્શ્યોરન્સ કંપનીઓ વીમો નથી ચૂકવતી તે સંદર્ભની ૧૩,૦૦૦ ફરિયાદો મળી હતી. સૌથી વધુ ફરિયાદ સ્ટાર હેલ્થ સામેની હતી અને  બીજા નંબરે કેરહેલ્થ આવતી હતી. લોકપાલ આગળ આવી કંપનીઓ ડાહી ડમરી થઇ જાય છે પરંતુ ગ્રાહકને ધક્કા ખવડાવવામાં તે નિષ્ણાત હોય છે. પ્રાઇવેટ કોર્પોરેટ ઈન્શ્યોરન્સ કંપનીઓ ગ્રાહકને સાંભળવા કે રૂબરૂ ફરિયાદ સાંભળવા તૈયાર જ નથી હોતી. આવી કંપનીઓ ઇમેલ પર વ્યવહાર કરે છે જેના કારણે નાના ટાઉન કે ગામડાના ગ્રાહકે ધક્કા ખાવા પડે છે. આવી કંપનીઓ ખાસ કરીને સ્ટાર હેલ્થ અને કેર હેલ્થ જેવી કંપનીઓ ગ્રાહકોને સવલત આપવાના બદલે તેમને ધક્કા ખવડાવ્યા કરે છે. નાની ભૂલોને બહુ મોટી ગણાવીને ગ્રાહકને વીમાની રકમ ના મળે તેવા ત્રાગડા કરવામાં આવે છે. આવી કંપનીઓ પ્રિમિયમની રકમની મર્યાદામાં રહીને વીમા પાસ કરવાની વૃત્તિ રાખે છે. એટલેકે પ્રિમિયમની રકમ બે-ત્રણ કરવામાં આવે છે.જેટલી થઇ હોય તેની આસપાસનો વીમો સરળતાથી પાસ કરી દે છે પરંતુ જો ભરેલા પ્રિમિયમ કરતાં ત્રણ-ચાર ગણી વધુ રકમ વીમા તરીકે ચૂકવવાની આવે તો તેમની નિષ્ણાતોની ટીમ ફાઇલમાં એવા વાંધા ઉભા કરે છે તે તેનું નિરાકરણ ગ્રાહક ચોક્કસ સમય મર્યાદામાં લાવી શકતો નથી અને છેલ્લે તેની ફાઇલને કેન્સલ કરાય છે.

લોકપાલને ત્યાં ફરિયાદ કરવાની બહુ ઓછા લોકોને ખબર હોય છે. લોકપાલ કડક હાથે કામ લઇને વિમો અપાવડાવે છે. પરંતુ ત્યાં સુધીમાં તો કંપનીઓ ગ્રાહકને થકવી નાખે છે. વિમો ઉતારતી વખતે તમામ સવલતોની વાતો કરતાં એજન્ટોને કંપનીઓ સાંભળતી પણ નથી.