Get The App

વધુ વળતર મેળવવાની ભ્રમણા ફિનફ્લ્યુએન્સરોની ટ્રેપ ઉઘાડી લૂંટ : રોકાણકારો ફસાય છે

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
વધુ વળતર મેળવવાની ભ્રમણા ફિનફ્લ્યુએન્સરોની ટ્રેપ ઉઘાડી લૂંટ : રોકાણકારો ફસાય છે 1 - image

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- ફાયનાન્સ ક્યાં કરવું તેની સોશ્યલ નેટવર્ક પર સલાહ આપનારા પૈકી લાખો પૈકી માંડ બે ટકાને સેબીએ માન્યતા આપેલી છે...

- ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેેવી વાત સેબી કરે છે. સેંકડો રોકાણકારોને વધુ પૈસા કમાવી આપવાની મોહજાળમાં ફસાવીને લૂંટયા છે કેમકે તેમની વાતો એટલી લોભામણી હોવાની સાથે શરૂઆતના રોકાણમાં વિશ્વાસ ઉભો કરનાર હોય છે

- ફાયનાન્સની સલાહ આપનારાઓનો રાફડો ફાટયો છે. જ્યારે વધુ કમાવવાની લાલચ જાગે ત્યારે ફ્રોડ કરનારા ટાંપીને બેઠા હોય છે. રોકાણકારોનો ભરોસો જીતવા શરૂઆતમાં તેમને નિયમિત વળતર મળતું રહે તેવી વ્યવસ્થા કરાય છે. ત્યારબાદ ફરી એકાદ વધુ વળતરની સ્કીમ મૂકીને તેના ટ્રેપમાં લાલચુ રોકાણકારોને ફસાવવામાં આવે છે.

- ભારતમાં થતા ભપકાદાર લગ્નો પાછળ બોલીવૂડની ફિલ્મોમાં દર્શાવાતા લગ્નોની ઇન્ફલ્યૂઅન્સ દેખાઇ આવે છે. એવું જ સેલિબ્રિટિની મુવમેન્ટ પર હોય છે

- ફોલોઅર્સ બહુ મોટું ડીંડક છે. ફોલોઅર્સની સંખ્યા વધારી આપનારા પણ તગડું કમાય છે. લોકોને ફોલોઅર્સની સંખ્યાના જોરે ટ્રેપમાં ફસાવાય છે

ફાયનાનન્સ ક્ષેત્રે રોકાણની સલાહ-ટીપ્સ આપનારા ફિન ફ્લ્યુએન્સર સામે પગલાં લેવાની માંગ ઘણા સમયથી ચાલી રહી છે. તાજેતરમાં શેરબજારના રોકાણકારોને આવા ફિનફલ્યુએન્સરોની ટ્રેપમાંથી છોડાવવા સેબીએ સોશ્યલ નેટવર્ક સાથે સંકળાયેલા ઇન્ટરનેટ જાયન્ટ્સ સાથે હાથ મિલાવવાની તૈયારી બતાવી છે. બિન રજીર્સ્ટ્ર્ડ એટલેકે સેબીની માન્યતા વિનાના આર્થિક સલાહકારોનો રાફડો ફાટેલો છે. કહે છે કે ફાયનાન્સ ક્યાં કરવું તેની સોશ્યલ નેટવર્ક પર સલાહ આપનારા પૈકી લાખો પૈકી માંડ બે ટકાને સેબીએ માન્યતા આપેલી છે.

સેબીની માન્યતા મેળવનાર આર્થિક સલાહકારો કરતાં માન્યતા નહીં મેળવનાર આર્થિક સલાહકારો વધુ સ્માર્ટ અને સોશ્યલ નેટવર્ક પર વધુ સક્રીય હોય છે. લોકોને વધુ વળતર આપવાની ભ્રમણામાં રાખીને તેમને લૂંટી લેવાનું નેટવર્ક સોશ્યલ નેટવર્ક પર ધમધોકાર ચાલી રહ્યું છે.

ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જેેવી વાત સેબી કરે છે. સેંકડો રોકાણકારોને વધુ પૈસા કમાવી આપવાની મોહજાળમાં ફસાવીને લૂંટયા છે કેમકે તેમની વાતો એટલી લોભામણી હોવાની સાથે શરૂઆતના રોકાણમાં વિશ્વાસ ઉભો કરનાર હોય છે. ઉદાહરણ તરીકે પૂણેના સિનીયર રોકાણકારોને શરૂઆતમાં દર્શાવેલ પ્રોફીટ પ્રમાણે નાણા નું વળતર ૨૦ ટકા મળતું હતું. તેમણે તેમના ૨૦૦  સિનીયર મિત્રોને પણ પૈસા રોકવા કહ્યું હતું.  તેમને ફસાવનારે જોયું કે આ ૨૦૦ રોકાણકારો વધુ વળતર મેળવવા લાલચુ છે કે તરતજ તેમના માટે એક લાખ રોકો અને દર મિહને ૧૦,૦૦૦ રોકડા મેળવોની સ્કીમ મુકી હતી. ૨૦૦ રોકાણકારાએેે એક લાખ રૂપિયા રોક્યા. દરેકને પહેલા ૧૦,૦૦૦ સમયસર મળ્યા પછી સ્કીમ મુકનાર છૂ થઇ ગયો હતો.

આવા તો અનેક કિસ્સા પોલીસ ચોપડે નોંધાયેલા છે. આવા કિસ્સામાં પોલીસ પગલાં લે છે પરંતુ ફ્રોડ કરનારા સુધી પહોંચતા બહુ સમય લાગે છે. ઇન્ફલ્યુએન્સરને એક પ્રકારના સાયકોલોજીસ્ટ કહી શકાય. સર્ફીંગ કરનારા ક્યા વિષયનું વધુ સર્ચ કરે છે તે પરથી તેની મેન્ટાલીટી જાણી લે છે.

સમાજનો બહુ વગદાર માણસ કે બહુ સફળ માણસ શું પહેરે છે? કેવી ગાડીમાં ફરે છેે? તેની બેસવા ઉઠવાની સ્ટાઇલ કેવી છે? વગેરે પર તેને ફોલો કરનાર નજર રાખે છે અને તેવું કરવા વિચારે છે. ભારતમાં થતા ભપકાદાર લગ્નો પાછળ બોલીવૂડની ફિલ્મોમાં દર્શાવાતા લગ્નોની ઇન્ફલ્યૂઅન્સ દેખાઇ આવે છે. એવું જ સેલિબ્રિટિની મુવમેન્ટ પર હોય છે. તે કઇ ઘડીયાળ પહેરે છે, તેની બેસવાની સ્ટાઇલ કે લોકોને હળવા મળવાની સ્ટાઇલ વગેરેની વત્તી ઓછી નકલ લોકો કરતા હોય છે. એવુંજ રોકાણ કરનારા માટે હોય છે. કોણ ક્યાંથી કેટલું કમાય છે અને ક્યા શેર્સ તેની પાસે છે વગેરે જાણવાની જીગ્નાશા લોકોને ફિનફલ્યૂએન્સર  પહોંચાડે છે. આર્થિક આવક મેળવવાની દિશા સૌ પકડે છે કેમકે બેંકોમાં ફિક્સ ડિપોઝીટનું વ્યાજ માંડ સાત ટકા જેટલું હોય છે. એક સમય હતો કે લોકો બેંક સિવાય અન્ય સ્કીમોમાં પૈસા રોકતા પહેલાં સો વાર વિચારતા હતા. તે સમયમાં પણ પોન્ઝી સ્કીમો ચાલતી હતી લોકો વધુ વ્યાજની લાલચે છેતરાતા હતા. ઇન્ટરનેટનો વ્યાપ વધ્યા પછી જ્યારથી સોશ્યલ નેટવર્ક છવાયેલું છે ત્યારથી તે પ્લેટફોર્મ ફ્રોડ કરનારા માટે આસાન બની ગયું છે.

જે લોકોના પાંચ દશ હજાર જેટલા ફોલોઅર્સ હોય છે તે પણ જાહેરાતની આવકની શોધમાં હોય છે. જે લોકોના લાખથી વધુ ફોેલોઅર્સ હોય છેે તેમને જાહેરાત આપનારા શોધતા હોય છે. જેમના પાંચ-દશ લાખથી વધુ ફોલોઅર્સ હોય છે તેમને ફ્રોડ કરનારાની ટીમ વિવિધ સ્કીમ મુકવા કરગરતી હોય છે. સેલિબ્રિટીઓના લાખો ફોલોઓર્સ હોય છે પરંતુ તેમની ટીમ ફ્રોડ કરનારાથી ચેતીને ચાલે છે.  સેલિબ્રીટીના ફોલોર્સના પેજ પર સ્થાન મેળવવા શેરબજારના કૌભાંડીઓ અને ધાર્મિક સંપ્રદાય સાથે સંકળાયેલા લોકો બહુ પ્રયાસો કરે છે.

મોટી બ્રાન્ડ ધરાવતી કંપનીઓ ઇન્ફલ્યૂએન્સરોનો મોટાપાયે ઉપયોગ કરે છે અને ત્વરીત રિસ્પોન્સ પણ મેળવે છે. સેલિબ્રિટી શું પહેરવાનો આગ્રહ કરે છે અને પોતે કેવો લાગે છે તે જોઇને અન્ય લોકો તેની તરફ આકર્ષાય છે.

ફાયનાન્સની સલાહ આપનારાનો રાફડો ફાટયો છે. જ્યારે વધુ કમાવવાની લાલચ જાગે ત્યારે ફ્રોડ કરનારા ટાંપીને બેઠા હોય છે. રોકાણકારોનો ભરોસો જીતવા શરૂઆતમાં તેમને નિયમિત વળતર મળતું રહે તેવી વ્યવસ્થા કરાય છે. ત્યારબાદ ફરી એકાદ વધુ વળતરની સ્કીમ મુકીને તેના ટ્રેપમાં લાલચુ રોકાણકારોને ફસાવવામાં આવે છે.

ફોલોઅર્સ બહુ મોટું ડીંડક છે. ફોલોઅર્સની સંખ્યા વધારી આપનારા પણ તગડું કમાય છે. લોકોને ફોલોઅર્સની સંખ્યાના જોરે ટ્રેપમાં ફસાવાય છે.

રોકાણકારોને ટ્રેપમાં ફસાવવા કેવી કેવી જાહેરાતો કરાય છે તે પર એક નજર..

..અમે રોજના ૧૦૦૦ લોકોને એક લાખ રૂપિયાના વળતર સામે પાંચ ટકા રકમ છૂટે એવી સ્કીંમ હેઠળ પૈસા કમાવી આપીયે છીયે.  સ્કીમમાં કમાનારાના નામ એડ્રેસ પણ હોય છે.

...પહેલાં રોકાણ ક્યાં કરવું તેનું શિક્ષણ લો અને પછી જાતેજ રોકાણ કરો એમ કહીને કેટલાક ઓનલાઇન મફત શિક્ષણ આપે છે એમ કહીને લોકોને ટ્રેપમાં ફસાવે છે.

...આજે ૧૦,૦૦૦ રોકો અને એક લાખ રૂપિયા મેળવો. આવી વાત પર આકર્ષાઇને કોઇ તેના પર ક્લીક કરે તો તેમાં એક સમાન્ય માહિતીનું ફોર્મ ભરવાનું કહેવાય છે. જેમાં ઇમેલ અને ફોન નંબર હોય છે. ફોન કરનાર શરૂઆતમાં કહે છે કે અમે કોઇ  ફ્રોડ નથી પણ એક સિસ્ટમ ચલાવીએ છીયે જે ૧૦,૦૦૦ના એક વર્ષમાં એક લાખ રૂપિયા મેળવી આપે છે.

.. કેટલાક લોકો ચોક્કસ સ્ક્રીપ્ટમાં રોકાણ કરાવે છે અને પછી તેને યોગ્ય સમયે વેચવાની આખી સિસ્ટમ ગોઠવી આપે છે. આવા વ્યવહાર શિડયુલ બેંક મારફતે થતો હોવાથી લોકોને ભરોસો બેસે છે.

...ખોટી માહિતી, ખોટા પ્રોમીસ વગેરેના જોરે ફિનફલ્યૂએન્સર રોકાણકારોને વિવિધ સ્કીમ બતાવીને લોકોને ફસાવે છે.

માર્ચ ૨૦૨૫ના એક અહેવાલમાં લખ્યું છેકે ૮૨ ટકા રોકાણકારો ફિનફ્લેયુન્સરની વાતોમાં આવી જઇને રોકાણ કરે છે. કેટલાકે તેમાંથી નફો પણ કમાયો છે પરંતુ મોટાભાગના છેતરાયા છે. તમારૂં એકાઉન્ટ તમે જાતે ઓપરેટ કરી શકો છો એવું કહીને લોકોનો વિશ્વાસ જીતવામાં આવે છે. જ્યારે કોઇ જાગૃત વ્યક્તિને ખાતામાંથી પૈસા ઉપાડવાનું કહેવાય છે ત્યારે તેને વિવિધ બહાના બતાવીને અટકાવી દેવાય છે અથવા તો ઉપાડની મર્યાદા બાંધી દેવાય છે.

સેબી હવે સોશ્યલ નેટવર્ક જાયન્ટ્સ સાથે હાથ મિલાવીને બોગસ ફિનફલ્યૂએન્સરો સામે પગલાં લેશે પરંતુ રોકાણકારોને તે લાભદાયી થશે કે કેમ તે જોવા માટે રાહ જોવી પડશે. લોકોમાં જાગૃતીનો ગમે તેટલો પવન ફૂંકવામાં આવે પણ તેનો કોઇ  અર્થ નથી કેમકે માણસમાં રહેલી લાલચનો લાભ ઉઠાવનારા બહુ ચતુર હોય છે.

ભારતમાં 25 લાખ ઇન્ફલ્યુએન્સર દરેકની નજર આવક પર હોય છે

ભારતમાં માત્ર મોટા શહેરોમાં ઇન્ફલ્યુએન્સરો છે  એવું નથી  ટાઉન લેવલે અને ગામડામાં પણ ઇન્ફલ્યુએન્સરો હોય છે. બોલીવૂડ સેલિબ્રિટી ઇન્ફલ્યૂએન્સર તરીકે છવાઇ શકે એમાં કોઇ નવાઇની વાત નથી પરંતુ રોજે રોજ સારા કન્ટેન્ટ મુકનારા પણ સરકાર ઇન્ફલ્યુએન્સરો બની શકે છે. ભારતમાં જે ૨૫ લાખ ઇન્ફલ્યુએન્સરો છે તે પૈકીના અડધો અડધને તો માંડ ૧૦૦૦ ફોલોઅર્સ હોય છે. ફોલોઅર્સ મેળવવા આ લોકો વિવિધ આઇડયા કરે છેે અને જોખમી સ્ટંટ કરતા પણ અચકાતા નથી. જેમના ઓછા ફોલોઅર્સ હોય છે તે ફોલોઅર્સ વધારવા પ્રયાસ કરે છે અને જેમના લાખો ફોલોઅર્સ હોય છે તે તેને ટકાવી રાખવા પ્રયાસ કરે છે.

લાખ જેટલા ફોલોઅર્સ ઉભા કરનારા માંડ મહિને ૧૫,૦૦૦ રૂપિયા કમાય છે. તેમની મહેનતના દશ ટકા વળતર પણ તેેમને મળતું નથી. સવારથી સાંજ તે લોકોનું ધ્યાન ખેંચાય તેવા કોન્ટેન્ટ શોધવા રચ્યા પચ્યા રહે છે અને આવા લોકોને મોટી કંપનીઓ કોઇ સહાય નથી કરતી. ચૂંટણી આવે ત્યારે રાજકીય પક્ષો તેમનો ઉપયોગ કરે છે અને પછી ભૂલી જાય છે. ભારતના ૫૦ ટકા જેટલા ઇન્ફલ્યુએેન્સરો નેનો અને માઇક્રો ઇન્ફલ્યૂએન્સરની યાદીમાં આવે છે.

લાખો ઇન્ફલ્યુએન્સરો આરંભે શૂરા સાબિત થયા છે. બહુ મોટી આશાએ તે સાઇટ શરૂ કરે છે અને પછી હાંફી જાય છે.