- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- તૂટતા બજારેાએ રોકાણકારોને સ્પીડ બ્રેકર ગણવા જોઇએ. શેરબજારે અનેક ઝાટકા સહન કર્યા છે પરંતુ રિકવર પણ થયું છે
- છેલ્લા બે અઠવાડિયામાં રોકાણકારોના 30 ટ્રિલિયન રૂપિયાનું (30 લાખ કરોડ) ધોવાણ થયું છે બીએસઇની લીસ્ટેડ કંપની માર્કેટ કેપમાં ૧૫.૯ ટ્રિલિયનનું ધોવાણ થયું છે
યુધ્ધ અને વૈશ્વિક કટેકટી ઉભી થાય ત્યારે ભારતનું શેર બજાર હચમચી જાય છે તે વાત જેટલી સાચી છે એટલીજ એવાત પણ સાચી છે કે તૂટેલા બજારો ફરી આળસ ખાઇને બેઠા થઇને રિકવરી મોડ પર આવી જાય છે. અહીં યુધ્ધમાં તૂટતા બજારો અને બજારો પરની સીધી અસર ઉપરાંત સિક્કાની બીજી બાજુ પણ આપવામાં આવી છે.
ભારતના શેરબજારે ભૂતકાળમાં અનેક વાર ઝાટકા સહન કર્યા છે. દરેક વાર બજારે શરુઆતમાં પીછેહઠ કરી હોય છે અને પછી રિકવરી મોડ પર આવી જાય છે. જોકે વર્તમાન યુદ્ધના સમયમાં બજારમાં એક પ્રકારનો વિચિત્ર ગભરાટ જોવા મળે છે. પરંતુ અહીં યાદ રહેકે યુધ્ધ ઠંડુ પડતાંજ બજારો રિકવર થવાના શરૂ થશે.
અખાતી યુધ્ધના પગલે ભારતના અર્થતંત્ર ખાસકરીને શેરબજારમાં મોટી ઉથલ પાથલ થઇ રહી છે. છેલ્લા બે અઠવાડિયામાં રોકાણકારોના ૩૦ ટ્રિલિયન રૂપિયાનું (૩૦ લાખ કરોડ) ધોવાણ થયું છે. બીએસઇની લીસ્ટેડ કંપની માર્કેટ કેપમાં ૧૫.૯ ટ્રિલિયનનું ધોવાણ થયું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુધ્ધના કારણે અનેક દેશોને નુકશાન થયું છે. ગઇ ૨૮ ફેબુ્રઆરીથી શરૂ થયેલા યુધ્ધના કારણે ભારત પર મંદીના વાદળો બંધાવા શરૂ થયા હતા જે દશ દિવસમાં તે કાળા ડિબાંગ બનીને રોકાણકારોને ડરાવવા લાગ્યા હતા.
ઇરાને યુધ્ધમાં જ્યારથી વળતા હુમલા શરૂ કરીને હોર્મુઝની ખાડીને ટાર્ગેટ બનાવી ત્યારથી રાંધણ ગેસ, ઓઇલના સપ્લાય વગેરેમાં અછત ઉભી થઇ હતી. વિશ્વભરના શેરબજારો તૂટતાં તેની અસર ભારતના શેરબજાર પર પણ પડી હતી.
અખાતની વિનાશક યુધ્ધમાં સામેલ ત્રણેય દેશો અમેરિકા, ઇઝરાયલ અને ઇરાન ઝૂકવા તૈયાર નથી. જેના કારણે યુધ્ધ લાંબું ચાલે એવા સંકેતો મળી રહ્યા છે. બીજી તરફ અફધાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ શરૂ થયું છે. પાકિસ્તાનમાં આંતર વિગ્રહ જેવી સ્થિતિ હોવા છતાં તે યુધ્ધે ચઢ્યું છે.
અનેક કંપનીઓની માર્કેટ કેપ તૂટી છે. તે રકમ ૧.૦૭ ટ્રિલિયન પર પહોંચી છે. જે કંપનીઓની માર્કેટ કેપ તૂટી છે તેમાં મુખ્યત્વે એચડીએફસી બેંક(૮૪,૪૯૩ કરોડ), બજાજ ફાયનાન્સ(૮૨, ૭૨૮ કરોડ),આઇસીઆઇસીઆઇ(૮૦૭૪૭ કરોડ),લાર્સન એન્ડ ટૂબ્રો(૭૬,૯૭૦ કરોડ)નો સમાવેશ થાય છે.
જોકે બીજી તરફ કેલ ઇન્ડિયાની માર્કેટ કેપમાં ૨૪,૩૧૨નો વધારો થયો છે, સન ફાર્માસ્યુટીકલમાં ૨૦,૮૫૦ કરોડ, એનટીપીસીમાં ૮,૪૮૫ કરોડ જ્યારે પાવર ગ્રીડમાં ૪૬૦૪ કરોડનો વધારો થયો છે.
વૈશ્વિક બજારો પણ યુધ્ધની અસર હેઠળ આવીને ડામાડોળ બની ગયા છે. એશિયાના માર્કેટમાં સાઉથ કોરીયાનો બેન્ચ માર્ક કોસ્પી, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ,શાંગહાઇનો એસએસઇ કોમ્પોસાઇટ ઇન્ડેક્સ તેમજ હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ પણ નેગેટીવ અસરો વાળા રહ્યા હતા.
સૌથી મોટી અસર ૧૦૦ ડોલર પર પહોંચેલા ઓઇલના ભાવોના કારણે થઇ હતી. ભારતનું અર્થતંત્ર ઓઇલના વધતા ભાવોમાં લપસી પડે એવી સ્થિતિ ઉભી થઇ છે. ભારત જ્યારે તેની જરૂરીયાતનું ૮૫ ટકા ઓઇલ આયાત કરે છે ત્યારે ભારતમાં મોંઘવારી વધે તે નિશ્ચિત બનતું જાય છે. ઓઇલના ભાવો વધશે એટલે પેટ્રોલ-ડિઝલના ભાવો પણ વધશે. જેના કારણે રોજીંદી જરૂરીયાતની ચીજોના ભાવમાં સીધોજ દશ ટકાનો વધારો થવાનો સંભવ છે.
મોંઘવારી વધશે એટલે રૂપિયો પણ તૂટશે. વિદેશના રોકાણકારો બજારનું ટેન્શન વધારી રહ્યા છે. ગયા ગુરૂવારે શેરબજારમાંથી વિદેશના રોકાણકારોએ ૭૦૪૯.૮૭ કરોડ પાછા ખેંચ્યા હતા.
વૈશ્વિક ઉથલપાથલો ખાસ કરીને યુદ્ધ જેવા સમયમાં ઘણીવાર બજારમાં ભય અને તીવ્ર ઉથલપાથલ ઉભી કરે છે, જે આપણે હાલ જોઈ જ રહ્યા છીએ. અમેરિકા- ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ શરૂ થયું ત્યારથી ભારતીય શેરબજારમાં સતત પીછેહઠ થઇ રહી છે. અમેરિકા- ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ અંગેના અહેવાલો પાછળ શેરબજારમાં પેનિકનો માહોલ ઉદભવ્યો છે. લોકો ભાવો વધુ તૂટશે એવા ડરના પગલે પોતાની પાસેના શેર્સ સસ્તા ભાવે ફૂંકી મારે છે. ભૂરાજકીય કટોકટી દરમિયાન ડરી જઇને લીધેલા નિર્ણયો ઘણીવાર વાસ્તવિક કટોકટી કરતાં રોકાણકારો માટે વધુ નુકસાનકારક સાબિત થાય છે. બજારના નિષ્ણાતો કહે છે કે દરેક મોટી કટોકટી પછી બજાર સુધરતું હોય છે. ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા, કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધ આના મુખ્ય ઉદાહરણો છે. વિશ્લેષકો માને છે કે કટોકટીના સમયે ગભરાટમાં વેચાણ ટાળવું જોઈએ અને સંપત્તિ ફાળવણી પર વિચાર કરવો જોઈએ.
વિશ્લેષકોએ રજૂ કરેલા અહેવાલમાં જણાવાયું છે કે ભૂરાજકીય ઘટનાઓ સામાન્ય રીતે રોકાણકારોની ભાવનાને પ્રભાવિત કરે છે. અને ભય, અસ્થિરતા પેદા કરે છે, પરંતુ તેઓ ભાગ્યે જ અર્થતંત્રના મૂળભૂત માળખાને વિક્ષેપિત કરે છે. બજાર મુખ્યત્વે કોર્પોરેટ કમાણી, વ્યાજ દર અને સ્ટોક મૂલ્યાંકન જેવા કેટલાક મૂળભૂત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભૌગોલિક રાજકીય ઘટનાઓ સામાન્ય રીતે આ મૂળભૂત બાબતોને કાયમી ધોરણે બદલતી નથી, અને તેથી, તેમની અસર અલ્પજીવી હોય છે. નિષ્ણાતો કહે છે કે દરેક કટોકટી,પહેલી નજરે ગંભીર દેખાતી હોવા છતાં, આખરે બજારની લાંબી મુસાફરીમાં માત્ર એક કામચલાઉ ઘટાડો સાબિત થાય છે.
ઉદાહરણ તરીકે, રશિયા-યુક્રેન યુદ્ધની વાત કરીએ તો, આ યુદ્ધ દરમિયાન, ઊર્જાના ભાવમાં વધારો થયો, પુરવઠા શૃંખલા ખોરવાઈ ગઈ અને ફુગાવો વધ્યો હતો. આ બધા પરિબળોએ બજારમાં કામચલાઉ અસ્થિરતા પેદા કરી, પરંતુ શું આનાથી ભારતીય કંપનીઓની કમાણીની મૂળભૂત દિશામાં ફેરફાર થયો ખરો? વાસ્તવમાં, એવું ન થયું. ્ભજી એ સોફ્ટવેર સેવાઓ પૂરી પાડવાનું ચાલુ રાખ્યું, ૈંભૈંભૈં બેંકે ધિરાણ આપવાનું ચાલુ રાખ્યું, એશિયન પેઇન્ટ્સે પેઇન્ટ વેચવાનું ચાલુ રાખ્યું, અને ટાઇટન કંપનીએ ઘરેણાં વેચવાનું ચાલુ રાખ્યું. યુદ્ધ એક ગંભીર ઘટના હતી, પરંતુ તેણે લોકોને બેંકિંગ, ઘર ખરીદવાથી રોક્યા નહીં.
ભારતીય કંપનીઓ પરિસ્થિતિને અનુરૂપ બનીને તેઓએ વધતા ખર્ચમાંથી કેટલાકને પોતે જ શોષી લીધા અને બાકીના ગ્રાહકોને માથે નાખ્યાં, તેઓએ નવા સપ્લાયર્સ અને ગ્રાહકો પણ શોધી કાઢયા અને તેમની કામગીરી ચાલુ રાખી. ફક્ત એક વર્ષમાં, મોટાભાગની કંપનીઓની કમાણી તેમના પાછલા સ્તરો પર પાછી આવી અથવા તો તેનાથી પણ વધી ગઈ.
આની સરખામણી ૨૦૦૮ના નાણાકીય કટોકટી સાથે કરીએ તો, આ કોઈ ભૂરાજકીય ઘટના નહોતી, પરંતુ એક ગંભીર આર્થિક કટોકટી હતી. તેણે અર્થતંત્રના મૂળભૂત માળખાને બદલી નાખ્યું. બેંકિંગ સિસ્ટમ લગભગ પડી ભાંગી હતી, ક્રેડિટ મેળવવી મુશ્કેલ બની ગઈ હતી, અને કંપનીઓ માટે સામાન્ય રીતે કામ કરવું મુશ્કેલ બન્યું હતું. આ જ કારણ છે કે તે કટોકટીમાંથી બહાર નીકળવામાં ઘણા વર્ષો લાગ્યા, કારણ કે નુકસાન ફક્ત ભાવનાને જ નહીં પરંતુ સમગ્ર આર્થિક માળખાને થયું હતું.
ભૂરાજકીય આંચકા ઘણીવાર રોકાણકારોની ભાવનાને અસર કરે છે. ખાસ કરીને જો તમે ટીવી ન્યૂઝ ચેનલો જુઓ છો, જેનાથી પરિસ્થિતિ ભયંકર લાગે છે. પરંતુ મોટાભાગના કિસ્સાઓમાં, તેઓ અર્થતંત્રના મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડતા નથી. તેથી, યોગ્ય વ્યૂહરચના એ નથી કે રોકાણકારો ભૂરાજકીય અસ્થિરતા દરમિયાન તેમના પોર્ટફોલિયોને બદલી નાખે. વધુ સારો અભિગમ એ છે કે શિસ્ત સાથે તેમની સ્થાપિત સંપત્તિ ફાળવણી વ્યૂહરચનાને વળગી રહેવું અને ધીરજ સાથે બજારની અસ્થિરતાના સમયગાળાને પાર કરવો જોઈએ.
- ડર કે આગે જીત હૈ, રોકાણકારો યાદ રાખે કે યુદ્ધ જેવી ઘટનાઓ પછી બજારો રિકવર થાય છે
- જ્યારે પણ કોઈ કટોકટી આવે છે, ત્યારે તે અત્યંત ગંભીર અને સર્વનાશક લાગે છે
- ઇરાને યુધ્ધમાં જ્યારથી વળતા હુમલા શરૂ કરીને હોર્મુઝની ખાડીને ટાર્ગેટ બનાવી ત્યારથી રાંધણ ગેસ, ઓઇલના સપ્લાય વગેરેમાં અછત ઉભી થઇ હતી
છેલ્લા કેટલાક દાયકાઓમાં, ઘણી મોટી ઘટનાઓ બની છે, આમ છતાં દરેક કટોકટી પછી બજાર મજબુત રીતે રિકવર થયું છે. વિવિધ કટોકટી અને તે પછી બજારની ચાલ પર નજર કરીએ તો,
૧૯૯૮ રશિયન દેવાની કટોકટી :
આ કટોકટી દરમિયાન, સેન્સેક્સ ૧૦%થી વધુ ઘટયો હતો. જોકે, છ મહિનામાં બજાર સંપૂર્ણપણે સુધર્યું હતું. રોકાણ કરનારા રોકાણકારોએ આગામી પાંચ વર્ષમાં સરેરાશ વાર્ષિક આશરે ૧૫% વળતર મેળવ્યું હતું.
૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના હુમલા :
આ હુમલાઓ પછી વૈશ્વિક બજારોમાં ઘટાડો થયો હતો. લાંબા સંઘર્ષ, આતંકવાદ અને આર્થિક કટોકટીના ભયથી ભય વધ્યો હતો. નિફ્ટી બે અઠવાડિયામાં લગભગ ૧૭% ઘટયો હતો, પરંતુ ડિસેમ્બર ૨૦૦૧ સુધીમાં, તે હુમલા પહેલાના સ્તરે પાછો આવી ગયો હતો. ત્યાર બાદના દાયકામાં બજારે મજબૂત વળતર આપ્યું હતું.
૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલો :
આ હુમલા સમયે, વૈશ્વિક નાણાકીય કટોકટીને કારણે બજારો પહેલાથી જ નબળા હતા. આ નવા આતંકવાદી હુમલાઓએ બજારને વધુ નબળું પાડયું હતું. સેન્સેક્સ લગભગ ૮,૫૦૦ના સ્તરે પહોંચ્યો હતો. તે સુધરીને ૨૦૧૦ સુધીમાં ૨૧,૦૦૦ની નજીક પહોંચ્યો હતો.
૨૦૧૬ સર્જિકલ સ્ટ્રાઈક :
સર્જિકલ સ્ટ્રાઈક પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો હતો, અને પરિસ્થિતિ વધુ ખરાબ થવાની આશંકા ઉભી થઈ હતી. આ સમયગાળા દરમિયાન બજારમાં આશરે ૨-૩%નો ઘટાડો થયો, પરંતુ તે પછી ટૂંક સમયમાં સુધારો થયો હતો. પાછળથી આ ઘટના બજાર માટે વર્ચ્યુઅલ રીતે બિનઅસરકારક સાબિત થઈ હતી.
૨૦૧૯ બાલાકોટ એરસ્ટ્રાઈક :
એરસ્ટ્રાઈક પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બજારમાં લગભગ બે અઠવાડિયા સુધી નોંધપાત્ર વધઘટનો અનુભવ થયો હતો. જો કે, છ મહિના પછી, લગભગ કોઈને તે ઘટાડો યાદ નહોતો.
૨૦૨૦ કોરોના મહામારી :
કોરોના મહામારી દરમિયાન, માર્ચ અને એપ્રિલ વચ્ચે બજારમાં આશરે ૩૨%નો ઘટાડો થયો હતો. જો કે, બજાર માત્ર ચાર મહિનામાં સંપૂર્ણપણે સુધર્યું હતું.
૨૦૨૨ રશિયા-યુક્રેન યુદ્ધ :
રશિયા-યુક્રેન યુદ્ધને તે સમયે એક મોટી વૈશ્વિક કટોકટી તરીકે જોવામાં આવતું હતું, જાણે કે તે ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત હોઈ શકે. ઊર્જાના ભાવમાં તીવ્ર વધારો થયો, અને ખાદ્ય સંકટનો ભય વધ્યો હતો. પરમાણુ યુદ્ધનો ભય પણ હતો. આ સમયગાળા દરમિયાન, નિફ્ટી ૧૮,૦૦૦થી ઘટીને ૧૫,૨૦૦ થઈ ગયો, જે લગભગ ૧૬%નો ઘટાડો હતો. જોકે, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં, નિફ્ટી ૨૫,૦૦૦ ને વટાવી ગયો હતો.
આમ આ તમામ કટોકટી પછી બજાર મજબૂત રીતે રિકવર થયું છે. જ્યારે પણ કોઈ કટોકટી આવે છે, ત્યારે તે અત્યંત ગંભીર અને સર્વનાશક લાગે છે. પરંતુ પાછળથી, તે જ કટોકટી બજારની લાંબી મુસાફરીમાં માત્ર એક ગતિ ભંગ કરનાર એટલે કે 'સ્પીડ બ્રેકર' સમાન સાબિત થાય છે.


