Get The App

ગણપતિ બાપ્પા પછી હવે મા અંબા આર્થિક ઇન્ફલ્યૂએન્સરો બજારમાં કરોડો રૂપિયા ઠલવાશે

Updated: Sep 14th, 2025

GS TEAM

Google News
Google News
ગણપતિ બાપ્પા પછી હવે મા અંબા આર્થિક ઇન્ફલ્યૂએન્સરો બજારમાં કરોડો રૂપિયા ઠલવાશે 1 - image

- કોર્પોરેટ પ્લસ -  ગણેશ દત્તા

- ગણપતિ મહોત્સવમાં ૪૫,૦૦૦ તો નવરાત્રીમાં ૬૦,૦૦૦ કરોડનો બિઝનેસ

- મહત્વની વાત એ છે કે દશ દિવસ સુધી ચાલતા ધાર્મિક મહોત્સવો અર્થતંત્રના પાયામાં રહેલા ગામડાના અર્થતંત્રને વિકસીત બનાવે છે અને આમ તે ઓવર ઓેલ અર્થતંત્રને મજબૂત બનાવે છે.

- નવરાત્રીના દિવસોમાં રીટેલ દુકાનોમાં ૪૩ ટકાથી વધુની ઘરાકી થાય છે. તેમા દિવા,અબીલ,ગુલાલ,હાર, પૂજાપો, મિઠાઇ, નાળીયેર જેવી ચીજોના વેચાણમાં ૪૩ ટકા જેવો વધારો જોવા મળેે છે.

- અમેરિકાની ટેરિફના કારણે શેરબજારમાં થનારો સંભવિત ધબડકો અટકી ગયો છે અને શેર બજાર તેજીનો ટોન દર્શાવે છે. સોના-ચાંદીના ભાવ એક લાખને વટાવી ગયા તે પણ નવરાત્રીના ઉત્સાહ પાછળના પોઝિટીવ સંકેતોમાં આવે છે.

દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં તહેવારોનો ફાળો બહુ મહત્વનો બની રહ્યો છે. ગયા અઠવાડીયે જ્યારે ડૂંડાળા દેવને અશ્રુભીની વિદાય અપાઇ ત્યારે ભારતના અર્થતંત્રમાં સીધા અને આડકતરી રીતે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઠલવાયા હતા.

 જેના કારણે ભારતના અર્થતંત્રમાં વિશ્વાસનો નવો સંચાર ઉભો થયો હતો. ભારતના અર્થતંત્રમાં તહેવારો બૂસ્ટ બનીને આવે છે અને તે અર્થતંત્રને પુશ કરે છે.     મહત્વની વાત એ છે કે દશ દિવસ સુધી ચાલતા ધાર્મિક મહોત્સવો અર્થતંત્રના પાયામાં રહેલા ગામડાના અર્થતંત્રને વિકસીત બનાવે છે અને આમ તે ઓવર ઓેલ અર્થતંત્રને મજબૂત બનાવે છે.

આર્થિક તંત્રના નિષ્ણાતો વારંવાર કહેતા આવ્યા છે કે ગ્રામ્ય સ્તરે અર્થતંત્ર મજબૂત બનશે તોજ તેની અસર ઓવરઓલ અર્થતંત્રને વેગવંતુ બનાવશે.

ગણપતિ મહોત્સવે ભારતના અર્થતંત્રમાં અંદાજે ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ફરતા કર્યા છે ત્યાંતો ૨૨મી થી શરૂ થતો નવરાત્રી  મહોત્સવ પણ અર્થતંત્રમાં બીજા અંદાજે ૬૦,૦૦૦ કરોડ ઠાલવવા રૂમઝૂમ કરતો આવી ગયો છે.

નવરાત્રી માં પણ ગણપતિ મહોત્સવની જેમ દરેક વર્ગ ઉજવણીમાં ભાગ લેતો હોય છે. શેરી ગરબા વગેરેનું આજે પણ વર્ચસ્વ છે. મોટા શહેરોમાં ક્લબ કલ્ચર શરૂ થયું છે જ્યાં વિશેષ રાસ ગરબા યોજાય છે. તે ખર્ચાળ હોવા છતાં ખેલૈયાઓ ત્યાં મોડી રાત સુધી અડીંગો જમાવીને મા અંબાને રીઝવવા પ્રયાસ કરતા હોય છે. જેમની પાસે ખરીદ શક્તિ છે એવો યુવા વર્ગ હિલોળે ચઢેલો નજરે પડશે.

નવરાત્રી મહોત્સવેની ખાસિયત એ છે કે તે છૂટક રીટેલ બિઝનેસને વેગ આપે છે, નવરાત્રી સાથે સંકળાયેલા દરેક દિવસે થતા રાસ ગરબા અને આરતી કે અનુષ્ટાન વગેરેમાં નાના મોટા વેપાર સાથે સંકળાયેલો સમાજનો દરેક વર્ગ ચાર પાંચ મહિનાની કમાણી એક સાથે કરી લે છે. ઝવેરાતથી માંડીને નાના રમકડાંની દુકાન ધરાવતા લોકો સુધીના વ્યવસાયો નવરાત્રીમાં ખુલતી ઘરાકીનો લાભ ઉઠાવતા હોય છે.

વેપારી સંગઠન કોન્ફીડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ માને છેકે નવરાત્રીના દિવસોમાં રીટેલ દુકાનોમાં ૪૩ ટકાથી વધુની ઘરાકી થાય છે. તેમાં દિવા,અબીલ,ગુલાલ,હાર, પૂજાપો, મિઠાઇ, નાળીયેર જેવી ચીજોના વેચાણમાં ૪૩ ટકા જેવો વધારો જોવા મળેે છે. નવરાત્રીના દિવસો સાથે સંકળાયેલા રામ નવમી અને દુર્ગા પૂજા જેવા તહેવારોમાં થતી ખરીદીમાં ૩૫ ટકા જેટલો વધરો જોવા મળશે.

ઢોલ નગારાં, મ્યુઝીક સિસ્ટમ અને સંગીત પાર્ટી વગેરે માટે તો મહિનાઓ અગાઉથી બુકીંગ કરી દેવાય છે. ગુજરાતના અનેક ગરબા ગાયકો અમેરિકા પહોંચી ગયા છે.

આપણા તહેવારો આર્થિક તંત્રને વેગ આપનારા સૌથી મોટા ઇન્ફલ્યૂએન્સરો છે એમ કહી શકાય. ભગવાન ગણેશ પછી હવે અંબા માતા અને છેલ્લે દિવાળીમાં લક્ષ્મીજી એમ ત્રણેય ધાર્મિક મહોત્સવો કરોડો રૂપિયા બજારમાં રમતા કરી દે છે. જેને આપણે ફેસ્ટિવલ ઇકોનોમી કહી શકીયે. 

   ફેસ્ટિવલ ટ્રેન, ધાર્મિક પ્રવાસો અને હીલ સ્ટેશન વગેરે સ્થળો પર એક મહિના પહેલાંથી બુકીંગ થઇ ગયા છે. નવરાત્રીમાં ખરાદીના માહોલ અલગ પ્રકારનો હોય છે. યુવાનોના ગૃપ જથ્થાબંધ ખરીદી કરીને પોતાના ગૃપની અલગ ઓળખ માટે એક સમાન ડ્રેસ અને મેચીંગ કરતા હોય છે.

   આપણે જ્યારે અર્થતંત્રના પાયામાં રહેલી ગ્રામીણ ઇકોનોમીને મજબૂત કરવાની વાત કરીયે છીયે ત્યારે નવરાત્રીના તહેવારોમાં નાના ઉદ્યોગ કરનારા, કુટીર ઉદ્યોગ, કેટરીંગ કરનારા,હેન્ડીક્રાફ્ટ બનાવનારા,ભરતકામ કરનારા  મૂર્તિ બનાવનારા, ડોકોરેટર્સ, મંડપ બાંધનારા વગેરે માટે આર્થિક સ્તરે  સધ્ધર થવાની તક ઉભી થાય છે. ગામડામાં રમકડાં બનાવનારા, ખાણી પીણીની રેંકડી ચલાવનારા દરેકના બિઝનેસ સધ્ધરતા મેળવી શકે છે.

ગામડા સ્તરે થતા ઉત્પાદનો તહેવારોના સમયે સારૂં વેચાણ કરતા હોય છે. તહેવારોમાં મંદિરોમાં થતી ભીડનો લાભ તે ગામની પ્રોડક્ટના વેચાણને મળતો હોય છે. દરેક ગામની વિશિષ્ઠ વાનગીની ઓળખ હોય છે. ઉદાહરણ તરીકે ડાકોરના ગોટાનું નામ આપી શકાય.

૨૨ મી સપ્ટેમ્બરે આર્થિક તંત્રમાં બે ફેરફાર આવી રહ્યા છે. બંને આર્થિક તંત્રને વેગવંતુ બનાવી શકે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષમાં (જીએસટી)આવી રહેલા ફેરફાર ૨૨મીથી અમલી બનશે તેના કારણે રોજીંદી અનેક ચીજોના ભાવ ઓછા થશે તેમજ ૨૨મીથી શરૂ થઇ રહેલી નવરાત્રીને લોકો  રંગે ચંગે ઉજવશે. નવરાત્રીની ઉજવણીના ઉત્સાહ પાછળના કેટલાક કારણો છે જેમકે ગુજરાતમાં વરસાદ સંતોષ કારક છે. વૈશ્વિક સ્તરે ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે. ભારત વિશ્વમાં ચોેથા નંબરની આર્થિક તાકાત તરીકે સ્થાયી થઇ ગયું છે.  અમેરિકાની ટેરિફના કારણે શેરબજારમાં થનારો સંભવિત ધબડકો અટકી ગયો છે અને શેર બજાર તેજીનો ટોન દર્શાવે છે. સોના-ચાંદીના ભાવ એક લાખને વટાવી ગયા તે પણ નવરાત્રીના ઉત્સાહમાં પોઝિટીવ સંકેતોમાં આવે છે.