ભારત -પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ વિરામથી ત્રણ ક્ષેત્રો મરણતોલ ફટકાથી બચી ગયા
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ત્રાસવાદનો બહુ મોટા પાયે સફાયો વિશ્વના હીતમાં હોઇ દરેક દેશ ભારતને યુધ્ધમાં ટેકો આપતો હતો..
- યુધ્ધની અસરના કારણે કેટલાક બિઝનેસ આગામી એક વર્ષ માટે મંદીની પકડમાં આવી જશે અને લોકોનો ભરોસો પણ ગુમાવી દેશે એવી શક્યતા ઉભી થઇ હતી
- ભારતે કરાચી પર કરેલા હુમલાના કારણે કરાચી સ્ટોક એક્સચેન્જ અચોક્કસ મુદત માટે બંધ કરાયું છે. તેની અસર ગયા શુક્રવારના શેરબજાર પર થઇ હતી અને સેન્સેક્સ તૂટયો હતો, યુધ્ધવિરામ બાદનો પહેલો સોમવાર શેરબજારના રોકાણકારો માટે સ્પેશ્યલ બની રહેશે એમ લાગી રહ્યું છે
ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધ વિરામના પગલે બે દેશો વચ્ચેના અબજોના વેપારને થોડી રાહત મળી છે અને ભારત સાથે સીધો અને આડકતરા વેપારની હેરાફેરી કરનારાઓએ રાહતનો શ્વાસ લીધો છે. પાકિસ્તાને ચાર દિવસમાં પાંચ અબજ ડોલરનો ફટકો ખાધો છે. બંને દેશના લોકોએ ખાસ કરીને બિઝનેસ સાથે સંકળાયેલા લોકોએ યુધ્ધવિરામને આવકાર્યું છે.
જેમ જેમ ભારત પાકિસ્તાન વચ્ચેનું યુધ્ધ આગળ વધતું હતું એમ એમ બંને દેશના વેપાર જગતનું ટેન્શન વધી રહ્યું હતું. ઓપરેશન સિંદુરમાં ભારતે ત્રાસવાદી છાવણીઓ ફૂંકી માર્યા પછી બંને દેશો વચ્ચે યુધ્ધ શરૂ થઇ ગયું હતું. પાકિસ્તાન કેટલા દિવસ માટે ટકી શકશે તે પર સૌની નજર હતી.
છેલ્લે એવી સ્થિતિ હતી કેે યુધ્ધ એક તરફી બની ગયું હતું અને પાકિસ્તાનમાં હાહાકાર સર્જાયો હતો.શનિવારે જ્યારે યુધ્ધવિરામની જાહેરાત થઇ ત્યારે બિઝનેસ ક્ષેત્રેે હાશકારાનો અનુભવ થયો હતો.
પાકિસ્તાન ત્રાસવાદને પ્રોત્સાહન આપતો દેશ હોવાનું સાબિત થયા પછી પણ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે ()તેને જંગી લોન ફાળવીને થોડો આર્થિક સધિયારો આપ્યો છે પરંતુ પાકિસ્તાનના માથે અન્ય દેવા ધણા છે. લોનની આ સહાય પાકિસ્તાન માટે પંદર દિવસના ઓક્સિજન સમાન છે. ભારતે પાકિસ્તાનને લોન આપતી બેઠકમાં હાજર નહીં રહીને તેના તરફી મતદાનનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાનને આઇએમએફએ ગઇકાલે ૧ અબજ ડોલરની લોન આપી ત્યારે અનેક દેશોએ તેનો વિરોધ પણ કર્યો હતો.
ભારત પાકિસ્તાન વચ્ચેનું યુધ્ધ બંને દેશોમાં વત્તે ઓછે અંશે ખુવારી કરી ગયું છે, સાથે સાથે બંને દશોના વેપાર વ્યવસાયને આર્થિક ફટકો પણ મારી ગયું છે. ગયા મહિનાથીજ પાકિસ્તાનના શરીર પર ચોંટેલી ત્રાસવાદી ચરબી ઉતારવા ભારત કટીબધ્ધ હોવાનું જણાઇ રહ્યું હતું. ત્રાસવાદનો બહુ મોટા પાયે સફાયો વિશ્વના હીતમાં છે એમ દરેક દેશ સમજતો હોઇ તે ભારતને યુધ્ધમાં ટેકો આપતા હતા. ચીન જેવી મહાસત્તા પણ દુર બેસીને તમાશો જોવા તૈયાર થઇ હતી.
આમ પણ, યુધ્ધ પહેલાં માનવ જીવનને અસર કરે છેે અને પછી બિઝનેસને ફટકો મારે છે. આ બંનેને ફરી પૂર્વવત થતાં છ મહિના લાગી જાય છે.
ભારતનું અર્થતંત્ર હજુ હાલમાંજ ચાર ટ્રિલીયન ડોલર પર પહોંચ્યું છે અને ફ્રાંસને દુર હડસેલીને ચોથા નંબરે આવી ગયું છે. પાકિસ્તાન સાથેના યુધ્ધની અસર હેઠળ ભારતનું અર્થતંત્ર આવી જશે તો તે ફરી નીચે ઉતરીને પાંચમા ક્રમે આવી શકે એમ જણાતું હતું.
મહત્વની વાત વિદેશી રોકાણકારોની હતી. પાકિસ્તાન સાથેના યુધ્ધના કારણે વિદેશી રોકાણકારો ચીન તરફ જઇ શકે એમ આર્થિક નિષ્ણાતોને લાગી રહ્યું હતું. અમેરિકાના પ્રમુખે ટેરિફનું શસ્ત્ર ઉગામ્યા પછી વિદેશી રોકાણ કારો ભારતમાંથી પીછેહટ કરી રહ્યા હતા પરંતુ ટ્રમ્પે ભારતને ટેરિફમાંથી છ મહિનાની રાહત આપતા ફરી વિદેશના રોકાણકારો ભારત તરફ વળ્યા હતા.
ભારતે કરાચી પર કરેલા હુમલાના કારણે કરાચી સ્ટોક એક્સચેન્જ અચોક્કસ મુદત માટે બંધ કરાયું છે. તેની અસર ગયા શુક્રવારના શેરબજાર પર થઇ હતી અને સેન્સેક્સ તૂટયો હતો જેના કારણે રોકાણકારોના ૫ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. કેટલાક આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ભૂતકાળમાં ભારત પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં ભારતના બજારો પર કોઇ ખાસ અસર નોંધાઇ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરેલી ટેરિફ વોર વખતે પણ સ્થાનિક રોકાણકારો બહુ ડર્યા નહોતો. જોકે આ વખતે મામલો પેચીદો હતો. ભારતે અર્થતંત્રનો વેગ જાળવી પણ રાખવો છે અને વેપાર વ્યવસાય પર નહીંવત અસર થાય તેવા પગલાં ભરવા વિચારતું હતું.
પેહલગામ પરના ત્રાસવાદી હુમલાને ભારત માફ કરવાના મૂડમાં હોય એમ લાગતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના ઝીનપીંગ કહી ચૂક્યા છે કે તે મધ્યસ્થી કરવા તૈયાર છે. પરંતુ ભારત પાકિસ્તાનની સાથે જીવતી ત્રાસવાદી લીંકનો સફાયો કરવામાં વ્યસ્ત હતું.
ભારતે પાક્સ્તિાનને મળતી પાણી અને વેપાર સહીતની મદદ પર બ્રેક મારી દીધી હતી. ભારત અને પાક્સ્તિાન વચ્ચેના યુધ્ધની અસર વેપાર વ્યવસાય પર બહુ ગંભીર રીતે થવાની સંભાવના હતી.આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે બેઠક થશે અને તેમાં બંને દેશવચ્ચેની યુધ્ધ વિરામ ની ફોર્મ્યુલા જાણવા મળશે.
ભારત-પાક્સ્તિાન વચ્ચે યુધ્ધ વિરામની પહેલી અસર સોમવારના શેરબજાર પર જોવા મળશે. અહીં દર્શાવેલા અન્ય ક્ષેત્રોમાં વેપાર પૂર્વવત થતાં છ મહિનાનો સમય નીકળી શકે છે પરંતુ શેરબજારમાં યુધ્ધની તેમજ યુધ્ધ વિરામની ત્વરીત અસર જોવા મળતી હોય છે. શનિવારની સાંજે યુધ્ધ વિરામ જાહેર થયા બાદનો શેરબજારનો પહેલો દિવસ આજે ૧૨મી તારીખનો છે. એટલે બજારમાં ત્વરીત ઉછાળા વાળી સ્થિતિ જોવા મળશે એમ બજાર સાથે સંકળાયેલા સૂત્રો જણાવી રહ્યા છે.
શેરબજારને અવારનવાર લજામણીના છોડ સાથે સરખાવવામાં આવે છે. યુધ્ધની અસર વર્તાશે તો શેરબજાર લજામણીના છોડના પાંદડાની જેમ સંકોચાતું હોય છે અને યુધ્ધની અસરમાંથી મુક્ત થતાં તેના પાંદડા ફરી પૂર્વવત થઇ જાય છે. બહારની ધટનાઓ ખાસ કરીને યુધ્ધના માહોલની અસર શેરબજાર પર ત્વરીત જોવા મળતી હોય છે. યુધ્ધના મેદાનમાં થોડી પણ ઉથલપાથલથી બજારમાં નેગેટીવ સ્થિતિ જોવા મળે છે.
અહીં મહત્વનું એ છે કે વર્તમાનમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં શેરબજાર પર કોઇ ખાસ નેગેટીવ અસર જોવા મળી નહોતી. ગયા શુક્રવારનું શેર બજાર તૂટયું હતું. શુક્રવારનું શેરબજાર ૮૮૦ પોઇન્ટ તૂટયાબાદ શેરબજારના રોકાણકારોને સોમવારના શેર બજારની ચિંતા જોવા મળતી હતી. જોકે શનિવારે સાંજે યુધ્ધ વિરામના નગારાં વાગતાંજ સોમવારના (તાઃ ૧૨-૫) સંભવિત નેગેટિવ બજારની ચિંતા ટળી હતી.
ભારતનું શેરબજાર પર યુધ્ધ વખતે સંકોચાતું જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે ૨૦૨૨ની ૨૪ ફેબુ્રઆરીએ જ્યારે રશિયાએ યુક્રેન પર જોરદાર આક્રમણ કર્યું ત્યારે તેના બીજા દિવસે ભારતનું શેરબજાર ૨૭૦૨ પોઇન્ટ તૂટયું હતું. લોકો વેચવાલી માટે દોડયા હતા. કોરોના કાળમાં પણ શેરબજાર તૂટયું હતું.
વર્તમાન ભારત-પાક યુધ્ધમાં શેરબજારમાં કોઇ મોટો ફટકો જોવા મળ્યો નહોતો કેમકે યુધ્ધમાં શરૂઆતથીજ ભારતે સુપ્રીમસી જાળવી રાખી હતી. કરાંચીનું શેરબજાર યુધ્ધના કારણે બંધ રહેતા તેની વિપરીત અસર શુક્રવારના શેરબજાર પર જોવા મળી હતી.ભારત પાકિસ્તાનના યુધ્ધની શરૂઆતની સાથેજ શેરબજારના નિષ્ણાતોએ મધ્યમ વર્ગના રોકાણકારોને સલાહ આપી હતી કે રોકાણ પાછું ના ખેંચો, યુધ્ધમાં પાકિસ્તાનને ફટકો પડી રહ્યો છે માટે બજાર પર તેની કોઇ ખાસ અસર થવાની નથી.
- ટુરીઝમ ક્ષેત્ર
પહેલગામ પરના ત્રાસવાદી હુમલા પછી કાશ્મીરના ટુરીઝમ પર સીધી અસર જોવા મળે છે. કેટલાક પ્રવાસીઓને કાશ્મીરમાં બતાવીને સરકાર બધુ પૂર્વવત થઇ ગયું છે એવું બતાવવા પ્રયાસ કરે છે પરંતુ હકીકત બહુ કડવી છે. ભાગ્યેજ કોઇ કાશ્મીર જવાનું બુકીંગ કરાવે છે. ૨૦૨૪માં કાશ્મીર પ્રવાસીઓથી છલકાતું હતું અને આજે પહેલગામની ધટના બાદ હોટલોના બુકીંગ કેન્સલ થઇ ગયા છે.મોટા ભાગની હોટલો ખાલી છે. ૨૦૨૪માં ૩૦ લાખ પ્રવાસીઓ આવ્યા હતા. હોટલોના ભાડા ત્યારે બમણાં થઇ ગયા હતા. આજે તેજ હોટલો ખાલીખટ પડેલી છે. ૨૮ રાજ્યોમાં તો ભારતે ટ્રાવેલ એલર્ટ જાહેર કરેલું છે. અમેરિકા, યુકે અને રશિયાએ કાશ્મીર જતા પ્રવાસીઓને ચેતળણી આપીને કાશ્મીરથી દુર રહેવાની સલાહ અપાઇ છે. હવે ભલે યુધ્ધ વિરામની જાહેરાત થઇ હોય પણ લોકો કાશ્મીર જેવા સ્થળો પર ભરોસો મુકતાં પહેલાં સો વાર વિચારશે.
- ટ્રેડ અને એક્સપોર્ટ ક્ષેત્ર
પહેલગામ પરના ત્રાસવાદી હુમલા પછી પાકિસ્તાન સાથેના વેપારી સંબંધો પર બ્રેક લાગેલી છે. પાકિસ્તાન સાથે સીધો કે આડકતરો તમામ વેપાર બંધ છે. મેઇન રૂટ સમાન જે અટારી વાધા બોર્ડર પરથી વર્ષે દહાડે ૩,૮૮૬.૫૩ કરોડ રૂપિયાનો (૪૭૦ મિલીયન ડોલર) વહેવાર થતો હતો તે રૂટ બંધ છે. મેડિસીન, કૃષિ ઉત્પાદનો સાથે સંકળાયેલી ચીજો વગેરે માટે પાકિસ્તાનને ફાંફા પડવાના છે. પાકિસ્તાની વહાણોને પણ ભારતીય બંદરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મકાયો છે. અન્ય શીપ મારફતે આવતા પાક્સ્તિાનના માલ પર પણ પ્રતિબંધ છે. જેના કારણે વૈશ્વિક સ્તરે વેપાર કરતી કંપનીઓ પણ ભારત અને પાકિસ્તાન સાથે બિઝનેસ કરવાનું ટાળશે. જેના કારણેે ભારતને વધુ નુકશાન થઇ શકે છે.
- ઉડ્ડયન ક્ષેત્ર..૪૩૦ ફ્લાઇટ કેન્સલ
ઉડ્ડયન ક્ષેત્ર ટુરીઝમ સાથે સંકલળાયેલું છે. જ્યારે ટુરીસ્ટ નહીં આવે ત્યારે વિમાન પ્રવાસ કોણ કરવાનું છે? એવીયેશન ક્ષેત્ર (ઉડ્ડયન) નો આધાર જ ટુરીસ્ટ પર છે. પહેલગામની ધટના પછી બંને દેશોએ એક બીજાની એર સ્પેસ વાપરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો. આ ઉપરાંત ભારતે ૨૭ જેટલા એરપોર્ટ પરના ટ્રાફિક પર વોચ શરૂ કરી છે. લગભગ બંધ જેવા આ એરપોર્ટ પરની ૪૩૦ જેટલી ફ્લાઇટ કેન્સલ કરાઇ છે. ભારત અને યુરોપ વચ્ચે ઉડતી ફ્લાઇટોને લાંબુ અંતર કાપવામાં આવતું હોઇ તે ટિકિટની કિંમત વધારશે એમ મનાતું હતું. ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની એર સ્પેસ એક બીજા માટેે બંધ હોવાથી મોટા ભાગની એરલાઇન્સે વધતા બળતળના કારણે ખોટ ખાવી પડશે. યુધ્ધવિરામ પછી આ સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે.