Get The App

ઈજારાશાહી : ગ્રાહક હિતમાં ભાવ નિયંત્રણની યંત્રણાને કાર્ટેલ રચી નિષ્ફળ બનાવતા ઉદ્યોગો

Updated: Jan 11th, 2026

GS TEAM

Google News
Google News
ઈજારાશાહી : ગ્રાહક હિતમાં ભાવ નિયંત્રણની યંત્રણાને કાર્ટેલ રચી નિષ્ફળ બનાવતા ઉદ્યોગો 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- હરિફોને ખતમ કરોનો યુગ ગયો, સંપીને પ્રજાને લૂંટતા રહોનો કળીયુગ

- મોનોપોલીનો દાનવ પ્રજાને મોંઘવારીના ડામ દેવા સાથે દેશના ઉગતા અનેક નાનાથી મધ્યમ કદના એકમોને ભરખી જશે 

- વિશ્વબજારમાં સ્પર્ધાત્મક કિંમતે ઉત્પાદનોની નિકાસ માટે કાચામાલના પુરવઠાની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા કૃત્રિમ અછત ઊભી કરનારા સામે કડક હાથે સમયસર પગલાં લેવા જરૂરી

ગ્રાહક સર્વોપરીતા, ગ્રાહક માયબાપ, ગ્રાહક દેવતા, કન્ઝયુમર ઈઝ કિંગ....જેવા કોર્પોરેટ વર્લ્ડ, ઉદ્યોગ વિશ્વમાં વર્ષોથી કરાતાં ઉદ્દબોધનો...હવે નિષ્પ્રાણ બનાવી દેવાયા છે. જેને બદલે લૂંટી શકો એટલું લૂંટો, ફરી મોકો નહીં મળે, સઘળું ઘરભેગું કરો જેવા નૈતિકતાને નેવે મૂકનારી કપટી નીતિ-રિતીને નફાખોર કોર્પોરેટ જગત દ્વારા આત્મસાત કરી લેવાઈ છે. સરકારની ઐસી તૈસી, તંત્ર આપણું કંઈ બગાડી  લેવાનું નથી, એવી કોઈની શેહશરમ રાખ્યા વિના ઉદ્યોગો-કોર્પોરેટ વિશ્વ પ્રમાણિકતાને નેવે મૂકીને દે ધનાધન ભાવ લૂંટ ચલાવી રહ્યા છે.

સ્ટીલ, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ-પોલીમર્સથી લઈને ટેલીકોમ સર્વિસિઝ, એવીએશન સહિતના મોટાભાગના ઉદ્યોગોમાં પહેલા હરિફોને ખત્તમ કરોની વ્યુહરચના અપનાવીને ખમતીધર કોર્પોરેટ સાહસિક જૂથો દ્વારા વર્ષોથી અપનાવાતી આવી છે. લોકોને શરૂઆતના વર્ષોમાં સસ્તા દરે સર્વિસિઝ કે પ્રોડક્ટસ પૂરી પાડીને એના એડિક્ટ બનાવી દેવાય છે,  અને વધારે હરિફો હોય તો ઐ પૈકી નાનાથી મધ્યમ સાહસિકોને શટર પાડી દેવા મજબૂર કરી આ ડિપ પોકેટ કોર્પોરેટ જૂથો પુરવઠા પર પોતાનો ઈજારો સ્થાપિત કરીને ગ્રાહકો પાસેથી મનમરજીએ ભાવો પડાવીને લૂંટતા આવ્યા છે. સરકાર, તંત્ર દ્વારા ગ્રાહક સુરક્ષા, ગ્રાહક હિતને ધ્યાનમાં લઈ વખતો વખત આ માટે પગલાં લેવામાં આવી રહ્યાનું અને કોમ્પિટીશનને ખતમ કરીને સપ્લાય ચેઈન, પુરવઠા પર નિયંત્રણ મેળવીને મનફાવે એવી કિંમતો પડવનારા સામે પગલાં લેવાતા હોવાનો ક્યારેક ક્યારેક પ્રજાને અહેસાસ કરાવતો રહે છે.

વિશ્વમાં નાનાથી મધ્યમ ઉદ્યોગોને તેમના કાચામાલની પૂરતી પર્યાપ્ત અને યોગ્ય કિંમતે થતી રહે એ સુનિશ્ચિત કરનાર અને એના થકી વિશ્વભરમાં પોતાના સ્પર્ધાત્મક દરે ઉત્પાદનોની નિકાસો કરીને વિશ્વબજારમાં પોતાનું આધિપત્ય સ્થાપનાર ચીન ઉત્તમ ઉદ્દાહરણ છે. જ્યારે બીજી તરફ ભારતમાં ચીન જેવા દેશો દ્વારા સસ્તી કિંમતો પર ઉત્પાદનોના થતાં ડમ્પિંગને રોકવા એન્ટિ-ડમ્પિંગ જેવા પગલાં તો લેવાય છે, પરંતુ સ્વદેશી ઉત્પાદકોને ઉત્પાદન માટે જરૂરી કાચોમાલ યોગ્ય કિંમતે અને પર્યાપ્ત પુરવઠામાં મળી રહે એ સુનિશ્ચિત કરવાની યંત્રણા હોવા છતાં સમયસર પગલાં લેવાની નિષ્ઠા પર સવાલ થાય એ રીતે મોડે મોડે પગલાં લેવાય છે. દેશમાં ખમત્તીધર કાચામાલના ઉત્પાદકો પોતાના કાચામાલના ભાવ ઉંચા ઉપજે એ માટે એન્ટિ-ડમ્પિંગ માટેનું લોબિંગ કરીને કૃત્રિમ પુરવઠા ખેંચ ઊભી કરી પોતાનું સાજંા કરે છે. જ્યારે ફિનિશ્ડ ગુડઝના ઉત્પાદકો કાચામાલ-રો મટીરિયલની પુરવઠા ખેંચના કારણે ક્યાં તો ઉંચા ભાવ આપવા મજબૂર બને છે, અથવા તો ઉત્પાદન કરવા અને આયાતી ફિનિશ્ડ ગુડઝ સામે ટકી રહેવા કે વિશ્વબજારમાં સ્પર્ધાત્મક દરે પોતાના ઉત્પાદનોની નિકાસ કરવા અસક્ષમ બની મેન્યુફેકચરીંગને અલવિદા કહી દે છે. જેમાં મોટાભાગે તો નાનાથી મધ્યમ કદના એકમોનો જ ઓથ નીકળી જતો હોય છે.

અગાઉ દેશમાં એમઆરટીપીસી એટલે કે મોનોપોલીઝ એન્ડ રિસ્ટ્રીક્ટિવ ટ્રેડ પ્રેકટાઈઝ કમિશન કાર્યરત હતું, એ પછી એનું સ્થાન સીસીઆઈ એટલે કે કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ લીધેલું છે, સીસીઆઈએ જેએસડબલ્યુ, ટાટા સ્ટીલના ઉચ્ચ અધિકારીઓ અને સેઈલના પૂર્વ ચાર ચેરમેનો સહિત ૫૬ વરિષ્ઠ અધિકારીઓ અને ૨૫ કંપનીઓ સહિત ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ સહિતના ચાર મોટા સ્ટીલ ઉત્પાદકોને  વર્ષ ૨૦૧૫થી ૨૦૨૩ દરમિયાન ભાવમાં ગેરરીતિ બદલ જવાબદાર ઠેરવ્યાનો કિસ્સો ચર્ચામાં આવ્યો છે. કંપનીઓ સ્ટીલના ભાવને પ્રભાવિત કરવા માટે એક એગ્રીમેન્ટ કર્યો હોવાનું જણાવ્યું હતું. સ્ટીલના કાચામાલના ખરીદદારોને સ્પર્ધાત્મક બજારના લાભોથી વંચિત રાખવામાં આવ્યા હતા. આમ પુરવઠા પર અંકુશ મેળવી કંપનીઓ પોતાની મનમરજીથી કાર્ટેલથી ભાવોનું નિર્ધારણ કરીને ઊંચા ભાવ પડાવી રહ્યાની ફરિયાદો થયા બાદ રહી રહીને તપાસના ચક્રો ગતિમાન થયા હતા. ટૂંકમાં ૨૦૧૫થી શરૂ થયેલું કાર્ટેલ ૨૦૨૩ સુધીના વિવિધ સમયગાળામાં  બેરોકટોક ચાલ્યું એ આશ્ચર્યની વાત છે. હવે આ મામલામાં અંતિમ આદેશ આવે ત્યારે ખરૂ. અહીં તો સ્ટીલ ઉત્પાદકોનો કાર્ટેલનો કિસ્સો આવ્યો છે. વખતો વખત અગાઉ  સિમેન્ટ ઉત્પાદકો દ્વારા પણ કાર્ટેલ રચીને પુરવઠા અછત ઊભી કરીને ભાવોમાં વધારો કરવામાં આવતો હતો એ જગજાહેર છે. ઉદ્યોગમાં મધ્યમ કદના સાહસિકો-ઉત્પાદકોનો કાંટો કાઢીને કે તેમની મેન્યુફેકચરીંગ ક્ષમતાઓનું એક્વિઝિશન કરીને સિમેન્ટ હોય કે સ્ટીલ હોય કે પછી ટેલીકોમ ક્ષેત્રે સર્વિસ પ્રોવાઈડરો કે પછી પોલીમર્સ-પેટ્રોકેમિકલ્સ ઉત્પાદકો વખતોવખત પોતાનો ઈજારો મેળવીને પોતાની મનસૂફી મુજબ ભાવ નિર્ધારણ કરતાં આવ્યા છે. આ ખતરનાક ઈજારાશાહીના શરણે ખરીદદારોએ જવાની અને ઊંચા ભાવ ચૂકવવાની ફરજ પડતી હોય છે. જો કોઈ ખરીદદાર સસ્તા આયાત વિકલ્પ તરફ નજર કરીને આયાત કરવા જાય તો તેમને ઈમ્પોર્ટ ચક્રવ્યુહમાં ફસાવીને ખમતીધર કંપનીઓ પોતાનો જ માલ ખરીદવા મજબૂર કરી દેતી હોવાના કિસ્સાઓ અવારનવાર ચર્ચામાં આવ્યા છે. ટૂંકમાં આવા મહાકાય કોર્પોરેટ કાર્ટેલ રચીને ગ્રાહક હિતમાં ભાવ નિયંત્રણની સરકારી યંત્રણાને નિષ્ફળ બનાવતા આવ્યા છે.

સ્ટીલ ઉત્પાદકોના કાર્ટેલનો કિસ્સો હમણા  હમણા કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયા-સીસીઆઈની ઝપટે ચડતાં ચર્ચામાં આવ્યો છે. અગાઉ આ જ પ્રમાણે સિમેન્ટ ઉદ્યોગ થતાં કાર્ટેલમાં બે મોટી કંપનીઓનું વર્ચસ્વ અને સાઉથમાં એક-બે કંપનીઓના ઈજારાએ પ્રદેશ-પ્રદેશે બજારનો ઈજારો મેળવી ભાવોનું કાર્ટેલ રચીને દેશના ઘણા લોકોના ઘરના ઘરના સ્વપ્નને દોહલું બનાવી દેવાના અને સરકારના ઈન્ફ્રાસ્ટ્રકચર બજેટને બેફામ વધારી દેવાના બન્યા છે. હવે સિમેન્ટ ઉદ્યોગમાં  અગાઉ ઘણી કંપનીઓ અસ્તિત્વમાં હતી, હવે આ ક્ષેત્રે કોન્સોલિડેશન-એક્વિઝિશન થકી ફરી ઈજારાશાહીની સ્થિતિનું નિર્માણ થવા લાગ્યું છે. જે આગળ જતાં દેશના ઈન્ફ્રાસ્ટ્રકચર બજેટને ડામાડોળ કરે તો નવાઈ ન પામશો.

સર્વિસિઝ ઉદ્યોગમાં ટેલીકોમ સર્વિસિઝ પણ ઈજારાશાહી-મોનીપોલીની નજીક આવી ગયું હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. અગાઉ આ ક્ષેત્રે બીએસએનએલ, એમટીએનએલ, એરટેલ, વોડાફોન, આઈડીયા, જિયો, આરકોમ સહિતના સાહસિકો અસ્તિત્વમાં હતા. લોકોને થોડા સમય માટે અત્યંત સસ્તા ટેરિફ પર ટેલીકોમ સર્વિસિઝ પૂરી પાડીને મજબૂત કોર્પોરેટ જૂથોએ ગ્રાહક બેઝ મજબૂત બનાવી, ડિપ પોકેટ નહીં ધરાવતા સાહસિકોનું અસ્તિત્વ જોખમમાં મૂકી દીધું અને બીએસએનએલ, એમટીએનએલ જેવી સરકારી કંપનીઓના પણ આ હરીફાઈમાં શ્વાસ રૂંધાઈ ગયા. હવે વોડાફોન જેવી વોડાફોન અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ કરી રહી છે. રહી ગયેલા અન્ય એકલ-દોકલ સાહસિકો સંપીને ટેરિફ વધારવાનો નિર્ણય લેતા થયા છે.

ઈજારાશાહીનું તાજુ વરવું ઉદાહરણ નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર છે.  તાજેતરના ભૂતકાળમાં ઈન્ડિગોની સેવામાં જોવા મળેલી કટોકટી બદલ ભારતીય ઉડ્ડયન ક્ષેત્રે નબળા કારભાર તથા ઈજારાશાહીની સ્થિતિ જવાબદાર રહી હોવાનું ભારતનું કોમ્પિટિશન કમિશન ઉડ્ડયન ક્ષેત્રે ઈજારાશાહી તોડવામાં નિષ્ફળ રહ્યાનો આક્ષેપ થવા લાગ્યા છે. મુસાફરો અટવાઈ પડતાં અન્ય એરલાઈન્સો દ્વારા બેફામ ભાડા વસુલવામાં આવ્યાની ઘટના જગજાહેર છે. ભારતમાં હાલમાં બેજ મુખ્ય વિમાની સેવાઓ ઈન્ડિગો  તથા તાતા જૂથ મળીને ઉડ્ડયન ક્ષેત્રે ૯૫ ટકા હિસ્સો ધરાવે છે. આ બેજ કંપનીઓ સંપૂર્ણ મુલકી ઉડ્ડયન ઉદ્યોગ ચલાવે છે, તે જોખમી છે. જો કે ઈન્ડિગો કટોકટી બાદ ભારત સરકારે દેશમાં વધુ બે વિમાની સેવાઓને મંજુરી આપી છે, જેને કાર્યરત થતા ઘણો સમય નીકળી શકે એમ છે. ૨૦૦૪માં દેશમાં ૧૦ વિમાનીસેવાઓ હતી જે હાલમાં ઘટી મુખ્ય બે રહી ગઈ છે.  ટૂંકમાં હરીફોને ખતમ કરોનો યુગ પૂરો થયો છે, હવે સંપીને પ્રજાને લૂંટતા રહોનો કળયુગ આવી ગયો છે. 

છેલ્લે અહીં પેટ્રીક બેટ-ડેવિડનો એક ક્વોટ ટાંકવો રહ્યો, જેમણે કહેલું કે, એનીટાઈમ યુ સી એ બિઝનેસ ધેટ્સ ગોટ અ મોનોપોલી, લુક ફોર પોલીટિશિયન વુ ગોટ પેઈડ બિગ ડોલર્સ બિહાઈન્ડ ક્લોઝ્ડ ડોર્સ.