Get The App

આર્થિક જોખમના કાળા ડિબાંગ વાદળો ઉછઇ : WAR & WEALTH આર્થિક તંત્રને લપસતું બચાવી લેવા પ્રયાસો

Updated: Mar 8th, 2026

GS TEAM

Google News
Google News
આર્થિક જોખમના કાળા ડિબાંગ વાદળો ઉછઇ : WAR & WEALTH આર્થિક તંત્રને લપસતું બચાવી લેવા પ્રયાસો 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ત્રણ મુદ્દે ચિંતા છે તેમાં ઓઇલના ભાવો, તૂટતો રૂપિયો અને  વિદેશી રોકાણનો સમાવેશ થાય છે

- હાલમાં પેટ્રોલ ડિઝલ માટે જે સ્થિતિ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં છે તેના કરતાં અનેકગણી સારી હાલત ભારતમાં છે

- આપણે અહીં આર્થિક ખુવારીની વાત કરી રહ્યા છીએ. યુધ્ધના કારણે  માત્ર આર્થિક ખુવારી નહીં પણ રાજદ્વારી સંબંધો પર પણ કુહાડો ફરી વળે છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેની વોરમાં ભારત ચૂપ રહે તેજ તેના લાભમાં છે

વિશ્વમાં ત્રણ સ્થળો પર યુધ્ધ ચાલે છે. ત્રણેય સ્થળો પર બળીયાઓ બાથે વળગ્યા જેવી સ્થિતિ છે. કોઇ દેશ ઝૂકવા તૈયાર નથી કે સરંડર થવા તૈયાર નથી. યુધ્ધમાં વિશ્વની મહાસત્તા અમેરિકાએ સીધું ઝુકાવ્યું હોવા છતાં વિશ્વના અર્થતંત્ર ખાસ કરીને ભારતના અર્થતંત્ર પર કોઇ ચિંતા જનક અસર પડી નથી. અખાતી દેશો વચ્ચેની સીધી લડાઇના કારણે ઓઇલનો સપ્લાય ઘટવાની ભીતી સેવાઇ રહી છે પરંતુ તે પણ તબક્કે અન્ય દેશો પાસેથી પૂરવઠો મંગાવીને આસાન બનાવી શકાય છે.

આપણે અહીં આર્થિક ખુવારીની વાત કરી રહ્યા છીયે. યુધ્ધના કારણે  માત્ર આર્થિક ખુવારી નહીં પણ રાજદ્વારી સંબંધો પર પણ કુહાડો ફરી વળે છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચેની વોરમાં ભારત ચૂપ રહે તેજ તેના લાભમાં છે. કેમકે બંને એક સમયે ભારતના મિત્રો હતા. ઇઝરાયલ સાથે ભારતની વધતી દોસ્તી જેમ ઇરાનને ખૂંચતી હતી એમ ભારતમાં રહેલા ઇરાનના સમર્થકોને પણ ખૂંચે છે.

ભારત સરકારને ચિંતા એ વાતની છે કે જો ઓઇલના ભાવો વધશે તો દેશના આર્થિક તંત્રને લપસતું બચાવી શકાશે નહીં. યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધના કારણે ભારતના અર્થતંત્રને કોઇ નુકશાન થવાનું નથી. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના યુધ્ધમાં પણ ભારતના આર્થિક તંત્રને નુકશાન થવાનું નથી પરંતુ ભારતે અફઘાનિસ્તાનના હાથે ખોખરા થઇ રહેલા પાકિસ્તાનનો આનંદ ઉઠાવવાનો ચાન્સ છે.

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુધ્ધની અસર ભારત પર ઓઇલ સપ્લાયની અછતની રૂપે વહેલી મોડી થવાની છે. આ અછત ભારતમાં મોંઘવારી ખેંચી લાવશે.

અમેરિકા-ઇઝરાયલ-ઇરાન વચ્ચેનું યુધ્ધ લાંબુ ખેંચાઇ રહ્યું છે. આ યુધ્ધ જેટલું લાંબું ખેંચાશે તેની સાથે ભારતની આર્થિક ચિંતાના વાદળો વધુ ઘનઘોર થતા રહેશે. ભારત સરકાર જોણે છેકે ત્રણેય બળિયા લોકો છે. ભારતના આર્થિક તંત્ર પર રશિયા- યુક્રેન કે પાકિસ્તાન-અફઘાનિસ્તાનના યુધ્ધની નહિવત અસર થવાની છે પરંતુ ઇઝરાયલ-ઇરાક વચ્ચેનું યુધ્ધ ભારતને અનેક રીતે દઝાડી શકે છે. 

ભારતના નાણાપ્રધાનને યુધ્ધના પગલે જે ત્રણ મુદ્દે ચિંતા છે તેમાં ઓઇલના ભાવો, તૂટતો રૂપિયો અને  વિદેશી રોકાણના સમાવેશ થાય છે.ભારતના કેટલાક આર્થિક પરિબળો અને ઉદ્યોગો પર ઇરાન-ઇરાક યુધ્ધની સીધી અને આડકતરી અસરો પડવાની છે. હોર્મૂઝની ખાડી પરનો વિવાદ ભારતમાં ઓઇલના ભાવને ભડકે બાળી શકે છે.

સોના ચાંદીના માર્કેટને સેફ હેવન ગણવામાં આવે છે. લોકો તેમાં રોકાણ કરતા થયા છે. તેનો સપ્લાય ઓછો હોઇ ભાવ વધારો જોવા મળી શકે છે. સોના ચાંદીની ખરીદી હાઇ નેટવર્થ અને ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોનેા વિષય હોઇ શકે છે પરંતુ સેમિ કન્ડક્ટર અને સોલાર એનર્જી ઉદ્યોગોમાં વપરાતી ચાંદી ભાવ વધારાના કારણે મૂળ પ્રોડક્ટની કિંમતમાં  વધારો કરી શકે છે.

વિદેશી રોકાણ ક્ષેત્રે ભારતને અવાર નવાર ફટકા પડતા રહે છે. ૨૦૨૦માં કોરોના કાળમાં, ત્યારબાદ ૨૦૨૨માં રશિયા-યુક્રેન વોર અને હવે ૨૦૨૬માં ઇરાન-ઇરાક વોર.વિદેશના રોકાણકારો ચીન છોડીને ભારત આવ્યા હતા હવે તે ફરી ભારત છોડી રહ્યા છે. તેમના રોકાણો પાછા ખેંચવાની  સીધી અસર શેરબજાર પર થતી દેખાઇ છે.

ભારત સરકારની સદ્દનસીબી એ છેકે અનાજના ભંડારો ભરેલા છે. મોંઘવારી વધશે તો સૌથી વધુ અસર મધ્યમ અને ગરીબ વર્ગને થઇ શકે છે. તેમના માટે સરકારી અનાજના ભરેલા ગોદામમાં કામ આવશે. ઓઇલના ભાવો વધશે તો સરકાર પેટ્રોલ-ડિઝલ પર ટેમ્પરરી યુધ્ધ પરનો ટેક્ષ જેવું કોઇ આકરૂં પગલું ભરી શકે છે.

ઓઇલનો સપ્લાય ઘટશે તો મોંઘવારી વધશે તેવી તકની રાહ જોઇને બેઠેલા કેટલાક ટ્રેડર્સ અત્યારથીજ સંગ્રહ કરનારાઓ સાથે હાથ મિલાવીને જીવન જરૂરીયાતની ચીજોનો જથ્થો સગેવગે કરી રહ્યા છે. યુધ્ધના કારણે જેમ શેરબજારના નિફટી અને સેન્સેક્સ કાબુમાં નથી એમ ઓઇલના ભાવો પણ કાબુમાં નથી. આ લખાય છે ત્યારે ક્રૂડ ઓઇલના ભાવ બેરલે ૯૦ને વટાવી ચૂક્યા છે. આ ભાવ એકાદ અઠવાડિયામાં ૧૦૦ ડોલરને વટાવી જશે. તો ભારત રિસ્ક મોડ પર આવી જશે.

ભારતના સંગ્રહાખોરો આવી તકની રાહ જોઇને બેઠા છે. પેટ્રેાલમાં પાંચ રૂપિયા વધશે તો તે પોતાની પ્રોડક્ટમાં ૫૦ રૂપિયા વધારી દેશે.          અહીં આપણે વોર એન્ડ વેલ્થની ચર્ચા કરી રહ્યા છીયે. ભારત સરકાર કેટલીક વ્યૂહરચનાના જોરે આગળ વધી રહી છે. હાલમાં પેટ્રોલ ડિઝલ માટે જે સ્થિતિ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં છે તેના કરતાં અનેકગણી સારી હાલત ભારતમાં છે. પાકિસ્તાનમાં ૨૪ કલાક લાઇનમાં ઉભા રહ્યા બાદ માંડ એક લીટર પેટ્રોલ મળે છે. શ્રીલંકા અને બાંગ્લાદેશમાં આવીજ કફોડી હાલત છે. પાકિસ્તાનમાં પહેલાં વર્ક ફ્રોમ હોમની સલાહ સરકારે આપી હતી અને હવે સ્કુલો બંધ કરી દીધી છે. પેટ્રોલ માટે થતા ઝગડામાં બે લોકોના મોત પણ થયા છે.

પાકિસ્તાનની હાલત એવી છે કે તે આર્થિક રીતે બેહાલ હોઇ ઓઇલના પૈસા ચૂકવી શકતું નથી. ઓઇલ સપ્લાય કરતી કંપનીઓ આગળના બાકીના પૈસા માંગે છે. રશિયા સહિતના દેશો તેને ઉધાર આપવા તૈયાર નથી. એક અહેવાલ અનુસાર પાકિસ્તાન પાસે ૨૦ દિવસ ચાલે એેટલુંજ બળતણ છે. એવુંજ બાંગ્લાદેશ અને શ્રીલંકામાં છે. 

પાડોશી દેશોની સાથે ભારતની આર્થિક સમૃધ્ધિની ચર્ચા થઇ શકે એમ નથી કેમકે ભારત વિશ્વમાં ચોથા નંબરની આર્થિક તાકાત સાથે ઉભરી રહ્યું છે. ભારતને મળતો ઓઇલ સપ્લાય કદાચ ઓછો થઇ શકે છે પરંતુ ભારતને રશિયા પાસેથી મળતું ઓઇલ ચાલુ રહેવાનું છે.

એક દિવસ અગાઉ શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છેકે રવિવારની રાત્રે અમે ઇરાન પર વધુ આક્રમક હુમલા કરીશું. જો એમ થશે તો સોમવારનું શેર બજાર વધુ ડામાડોળ જોવા મળશે.

- યુધ્ધના સમયમાં રોકાણકારોએ નિર્ણય શક્તિ વધારવી જોઇએ

યુધ્ધના સમયમાં દરેક ક્ષેત્રે અનિશ્ચિતતા જોવા મળે છે. અફવા બજાર ગરમ હોય છે એમ રોકાણ ક્ષેત્રે લોકોને ડરાવતી  એક લોબી સક્રીય થાય છે. યુધ્ધમાં દેખાતી અનિશ્ચિત સ્થિતિ કાયમી રહેતી નથી. શેરબજારમાં રોકાણ કરતા લોકોએ થોડી ઉથલ પાથલથી ડરવાની જરૂર નથી. શેરબજારના પાયા મજબૂત છે. કેટલાક રોકાણો અને સ્ક્રીપ્ટમાં યુધ્ધની અસરો હેઠળ ટેમ્પરરી ફેરફાર જોવા મળે છે. શેરબજારમાં નેગેટિવ પરિસ્થતિને સૂંઘવાની તાકાત હોય છે. યુધ્ધના પગલે બજારોમાં આવતી નરમાઇના અહેવાલો નાના રોકાણકારોને ડરાવે તે સ્વભાવિક છે પરંતુ શેરબજારની ઉથલપાથલો ટેમ્પરરી હોય છે તે ધ્યાનમાં રાખીને રોકાણ કરવાના કે પાછા ખેંચવામાં બહુ ઉતાવળ ના કરવી જોઇએ. લાંબો સમય યુધ્ધ ચાલવાની સંભાવના ઉભી થાય ત્યારે શેરબજાર પર તેની આડકતરી અસરો થયા વિના રહેતી નથી. ભારતનું શેરબજાર લજામણીના છોડ જેવું છે. એકાદ વૈશ્વિક આર્થિક મુદ્દે નેગેટિવીટી જોવા મળે કે તરતજ તેના પર અસર વર્તાય છે. લજામણીના છોડની ખાસિયત એ છે કે તેના પાંદડા કાયમ માટે બીડાઇ નથી જતા,થોડા સમય બાદ ફરી તે ખીલી ઉઠે છે. યુધ્ધ દરમ્યાન શાણા રોકાણકારો પોતાની પાસે જેે છે તેને ચીપકીને બેસી રહે છે. આર્થિક ક્ષેત્રે ભારતની સમૃધ્ધિનો વ્યાપ વધી રહ્યો છે. યુધ્ધની સ્થિતિ હંમેશા વિનાશક હોય છે. ઇઝરાયલ-ઇરાન યુધ્ધમાં ભારતની સીધી સંડોવણી નથી માટે તેના બજારોને બહુ અસર થાય એવું લાગતું નથી. સેન્સેક્સની ચડઉતરથી રોકાણકારોએેે ડરી જવાનીની જરૂર નથી. પોતાની રોકાણ માટેની નિર્ણય શક્તિને વધુ શાર્પ બનાવવાની જરૂર છે.