Get The App

NSELના હજારો ટ્રેડર્સને લાભ ઐતિહાસિક સેટલમેન્ટ રૂ.1950 કરોડની ચૂકવણી કરાશે

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
NSELના હજારો ટ્રેડર્સને લાભ ઐતિહાસિક સેટલમેન્ટ રૂ.1950 કરોડની ચૂકવણી કરાશે 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ભારતના કોર્પોરેટના ઈતિહાસમાં નાણાકીય કટોકટીનું સેટલમેન્ટથી સમાધાન થયું નથી

- 31 જુલાઈ 2024ના રોજ લેણી નીકળતી રકમના આધારે ચૂકવણી કરાશે, સરકાર ધારે તો સેટલમેન્ટ કરાવી શકે તે મહારાષ્ટ્રની સરકારે સાબિત કરી બતાવ્યું છે

- લોકો વર્ષોથી આ કેસનો નિવેડો આવે એવી આશા રાખીને બેઠા હતા. હવે સ્કીમ મંજૂર થતાં અમે હવે ખુશ છીએ. વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમનો સત્વરે અમલ કરે અને ટ્રેડર્સને નાણા પાછા અપાવે તે જરૂરી છે

- કેન્દ્રની તથા મહારાષ્ટ્રની વર્તમાન ભાજપ સરકારે સકારાત્મક અભિગમ અપનાવીને એનએસઇએલના 

કિસ્સામાં વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા નિવેડો આવે એમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું ટ્રેડર્સનું કહેવું છે

- રૂ. ૧૦ લાખ કરતાં વધુ લેણી રકમ ધરાવતા ટ્રેડર્સને એમના ક્લેઈમની સામે ૪૯.૩ ટકાથી લઈ ૬૪ ટકા સુધીની રકમ પાછી મળી જશે

આખરે બાર વર્ષ પછી નેશનલ સ્પોટ એક્સચેન્જ (એનએસઇએલ)ના ટ્રેડર્સે રાહતનો શ્વાસ લીધો છે. જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી તે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ (ઓટીએસ)ને મુંબઇની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) એ ગત સપ્તાહે મંજૂરી આપી દીધી. આ મંજૂરીની સાથે એનએસઇએલના રૂ. ૧૦ લાખથી વધુ એક્સપોઝર ધરાવતા ટ્રેડર્સને ૫૦ ટકા કરતાં પણ વધુ રકમ વન ટાઇમ સેટલમેન્ટ મારફતે પરત મળશે.

જો કે, એનએસઇએલે રૂ. ૧૦ લાખ કરતાં ઓછું એક્સપોઝર ધરાવતા ટ્રેડર્સને સો ટકા રકમની ચુકવણી ઘણા સમય અગાઉ કરી દીધી છે. એનએસઇએલના ટ્રેડર્સે આ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમને અદ્વિતીય અને ઐતિહાસિક ગણાવી છે. ભારતીય કોર્પોરેટ ઇતિહાસમાં ભૂતકાળમાં ક્યારે પણ કોઇપણ પ્રકારની નાણાકીય કટોકટી કે પ્રકરણનું આ રીતે સમાધાન થયું નથી.

વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ ઘડવામાં સિંહફાળો આપનારા સંગઠન - એનએસઇએલના ઇન્વેસ્ટર્સ ફોરમ (એનઆઇએફ) ના ચેરમેન શરદ સરાફે પણ કહ્યું છે કે આ સેટલમેન્ટ ઐતિહાસિક છે. દેશમાં સૌ પ્રથમ વખત નાણાકીય કટોકટીના પ્રકરણનો પરસ્પર સમજૂતીથી નિવેડો આવ્યો છે. ૧૦ લાખ કરતાં વધુ લેણી રકમ ધરાવતા ટ્રેડર્સને એમના ક્લેમની કુલ રકમમાંથી ૫૦ ટકા રકમ પાછી મળશે.

 જે અત્યાર સુધી કોઈ પણ નાણાકીય પ્રકરણમાં બન્યું નથી. એનસીએલટીમાં આવતા અન્ય કંપનીઓના કિસ્સાઓમાં પણ સેટલમેન્ટનો દર માત્ર બેથી પચ્ચીસ ટકા જેટલો હોય છે. એની તુલનાએ એનએસઇએલની વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ તમામ ટ્રેડર્સ માટે ખૂબ જ સારું સેટલમેન્ટ કહેવાય.

એનએસઇએલ નાણાકીય કટોકટીના કિસ્સામાં ઘણી સરકારી એજન્સીઓ સંકળાયેલી હોવાથી અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ આ સ્કીમનો ઝડપથી અમલ કરાવે જેથી ટ્રેડર્સને એમના નાણા વહેલામાં વહેલી તકે મળી જાય, તેવું શ્રી સરાફે જણાવ્યું છે.

અહીં જણાવવું રહ્યું કે વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમને મંજૂરી આપતો ચુકાદો એનસીએલટીની મુંબઇ બેન્ચે ૨૮નવેમ્બર, ૨૦૨૫ ના રોજ આપ્યોહતો. આ રીતે કટોકટીના પ્રકરણનો અંત આવ્યો છે. સેટલમેન્ટ સ્કીમ દ્વારા ૫૬૮૨ ટ્રેડર્સને ૩૧ જુલાઈ ૨૦૨૪ના રોજ એમની લેણી નીકળતી રકમના આધારેકુલ ૧૯૫૦ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે. આ રીતે ૬૩ મૂન્સ ટેકનોલોજીસ ગુ્રપની સામેના તમામ કાનૂની કેસો પડતા મુકવામાં આવશે અને ટ્રેડર્સના તમામ હક ૬૩ મુન્સના હસ્તક આપવામાં આવશે.

એનએસઇએલે ઓગસ્ટ ૨૦૧૩માં ૬૩ મૂન્સના સહયોગથીરૂ. ૧૦ લાખ કરતાં ઓછી લેણીરકમ ધરાવતા ટ્રેડર્સને કુલ ૧૭૯ કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. હવે એનસીએલટીએ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ મંજૂર કરી દીધી હોવાથી રૂ.૧૦ લાખ કરતાં વધુ લેણી રકમ ધરાવતા ટ્રેડર્સને એમના ક્લેમની સામે ૪૯.૩ ટકાથી લઇને ૬૪ ટકા સુધીની રકમ પાછી મળી જશે. 

એનએસઇએલના એક ટ્રેડરે કહ્યું છે કે ૧૨ વર્ષે આ પ્રકરણનો અંત આવ્યો હોવાથી હવે ટ્રેડર્સને ઘણી મોટી રાહત થઈ છે. રોકાણકારોની દ્રષ્ટિએ એ ખૂબ જ આવકારદાયક ઘટના છે અને ભારતમાં આ પ્રકારનું આવું પહેલું સેટલમેન્ટ હોવાથી એ અનોખું કહેવાય.

આ ઓટીએસ અનેક રીતે ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. એનએસઇએલની પેમેન્ટ કટોકટી ૫૬૦૦ કરોડ રૂપિયાની હતી. એ સંપૂર્ણ રકમ ૨૨ ડિફોલ્ટિંગ એન્ટિટીઝે ઉચાપત કરી હોવાનું સ્પષ્ટપણે મની ટ્રેઇલમાં દેખાઈ આવ્યું છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબ્લ્યુ) ઉપરાંત એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી), સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) તથા સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (એસએફઆઈઓ) જેવી તમામ અગ્રણી તપાસનીશ એજન્સીઓએ કરેલી તપાસમાં જણાઇ આવ્યું હતું કે એનએસઇએલ પેમેન્ટ કટોકટીના એક પણ પૈસાની મની ટ્રેઈલ એનએસઇએલ ૬૩ મૂન્સ કે તેમના સ્થાપકો પાસે નથી. માનનીય મુંબઇ હાઇકોર્ટે પણ આ જ હકીકતની નોંધ પોતાના ચુકાદામાં કરી છે.

આની પહેલાં થયેલા બીજા અમુક સેટલમેન્ટમાં લેણદારોને કુલ કલેમમાંથી માત્ર ૨૦ થી ૨૫ ટકા રકમ જ મળી છે. જે કિસ્સાઓમાં એનસીએલટીએ નાણાકીય જોગવાઈ કરાવી હતી એમાં પણ બેન્કોએ ૭૦ થી ૮૦ ટકા રકમ જપ્ત કરવી પડી હતી. એમાં નોંધનીય ઉદાહરણ આઇએલએન્ડએફએસનું છે. એ કિસ્સામાં તો સ્પષ્ટ થઈ ગયું હતું કે ગુનામાં સંકળાયેલી રકમ કંપની તથા એના પ્રમોટરોએ લીધી હતી. આઇએલએન્ડએફએસના રૂ. ૯૦૦૦૦ કરોડના પ્રકરણમાં કિસ્સામાં ૫૦ ટકા રકમ ચૂકવવાનો નિર્ણય આવ્યો હોવા છતાં કોઈને હજી સુધી નાણાંની ચુકવણી કરવામાં આવી નથી.

એનએસઇએલના કિસ્સામાં વન ટાઇમ સેટલમેન્ટ માટેનો પ્રસ્તાવ એનએસઇએલ ઇન્વેસ્ટર્સ ફોરમ (એનઆઇએફ) એ મૂકયો હતો. આ પ્રસ્તાવને પગલે ટ્રેડર્સને મોટી રાહત થઈ જાય એવું હોવાથી ૬૩ મૂન્સ ટેકનોલોજીસના બોર્ડ ઓફ ડિરેકટર્સે પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. એનએસઇએલે પોતાની પેરન્ટ કંપની ૬૩ મૂન્સ ટેકનોલોજીસના સહયોગથી માનનીય એનસીએલટીની મુંબઇ બેન્ચ સમક્ષ વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમ રજૂ કરી હતી. એનએસએલટીએ આ સ્કીમ સંબંધે કરાવેલા મતદાનમાં સંખ્યાની દ્રષ્ટિએ ૯૨.૮૧ ટકા તથા લેણી રકમની દ્રષ્ટિએ ૯૧.૩૫ ટકા રકમ ધરાવતા ટ્રેડર્સે સ્કીમની તરફેણમાં મત આપ્યો હતો.

એનએસઇએલના એક ટ્રેડર કહે છે કે અમે આટલાં બધા વર્ષોથી આ કેસનો નિવેડો આવે એવી આશા રાખીને બેઠા હતા. હવે સ્કીમ મંજૂર થતાં અમે હવે ખુશ છીએ. વન ટાઇમ સેટલમેન્ટ સ્કીમનો સત્વરે અમલ કરે અને ટ્રેડર્સને નાણા પાછા અપાવે તે જરૂરી છે.

અહીં ઉલ્લેખનીય છે કે કોમોડિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા - તત્કાલીન એફએમસી (ફોરવર્ડ માર્કેટસ કમિશન)નના એ વખતના ચેરમેનના અન્યાયી પગલાઓને કારણે એનએસઇએલની પેમેન્ટ કટોકટી સર્જાઈ હતી.

 એમણે આર્થિક બાબતોના ખાતાના તત્કાલીન સંયુકત સચિવ કે. પી. કૃષ્ણન અને તત્કાલીન નાણાપ્રધાન પી. ચિદમ્બરમના ઇશારે આ કટોકટી સરજ્વામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાસ્તવમાં કટોકટીનો હલ લાવવાનું સહેલું હતું, છતાં એને વકરવા દીધી. એમણે ૬૩ મૂન્સ (એ વખતની ફાઇનાન્સિયલ ટેકનોલોજીસ ઇન્ડિયા લિમિટેડ) ગુ્રપના કાર્યરત એક્સચેન્જ એનએસઇએલને તત્કાળ બંધ કરી દેવાનો આદેશ બહાર પાડયો હતો. એક્સચેન્જના કામકાજ સંબંધે કાનુની અભિપ્રાય આવે એની પહેલાં જ આ અન્યાયી પગલું ભર્યું હતું. એટલું જ નહીં, ૬૩ મૂન્સ ગુ્રપની વિરુદ્ધ અનેક ગેરકાનૂની પગલાઓ ભરવામાં આવ્યા હતા. એમાંથી મોટાભાગની કાર્યવાહીને અદાલતોએ રદબાતલ કરી દીધી છે.

કેન્દ્રની તથા મહારાષ્ટ્રની વર્તમાન ભાજપ સરકારે સકારાત્મક અભિગમ અપનાવીને એનએસઇએલના કિસ્સામાં વન ટાઇમ સેટલમેન્ટ દ્વારા નિવેડો આવે એમાં મોટી ભૂમિકા ભજવી હોવાનું ટ્રેડર્સનું કહેવું છે. તેઓ કહે છે કે કટોકટી સર્જાઈ એ વખતે નાણાપ્રધાન તરીકે પી. ચિદમ્બરમ તથા એ વખતની યુપીએ સરકાર પણ હલ લાવી શક્યા હોત, પરંતુ અકળ કારણોસર એમણે કોઈ પગલાઓ ભર્યા નહીં.