તહેવારોની મોસમ : બજારોમાં ૩ ટ્રિલિયન રૂપિયા ઠલવાશે : ટ્રાવેલ, સ્વીટ, ગિફ્ટ, કપડાં, લકઝરી ચીજો
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- રક્ષાબંધન ટુ દિવાળીના તહેવારો તેજી ખેંચી લાવશે નવી ઉર્જાનો સંચાર : ઇ કોમર્સ જાયન્ટસના શરૂ થયેલા ઇન્ડિપેન્ડન્સ ડેના સેલ વિવિધ નામે ક્રિસમસ સુધી ચાલશે
- રક્ષાબંધનનો તહેવાર ભલે એક દિવસનો હોય પરંતુ ભાઇ બહેનની લાગણી સાથે જોડાયેલો આ તહેવાર ૧૮,૦૦૦ કરોડ બજારમાં ઠાલવે છે જેમાં મહત્વ સ્વીટની આપ લે હોય છે. ફેમિલી સાથે બહાર હોટલમાં જમવાના વધતા ટ્રેન્ડના કારણે હોટલ બિઝનેસ પણ તહેવારોમાં ખીલી ઉઠે છે
- જ્યારે બજારોમાં કરોડો રૂપિયા પમ્પ થશે ત્યારે વેપારી આલમના ચહેરા પર લાલી આવશે. તહેવારોમાં સૌથી વધુ લાભ નાના વેપારીઓને થાય છે. ઓનલાઇન ખરીદી કરનારા પણ દિવાળી જેવા તહેવારોમાં બજારોમાં ખરીદી કરવા જતા હોય છે
તહેવારોની મોસમની શરૂઆત થઇ ગઇ છે. રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણપતિ સ્થાપન, નવરાત્રી, દશેરા અને દિવાળી જેવા તહેવારોમાં લોકો પ્રસંગોપાત અને પરંપરાગત ખરીદી કરતા હોય છે. કેટલાક ખર્ચા પ્રસંગો સાચવવા થતા હોય છે તો કેટલાક તહેવારોના પર્વને ઉજવવા થતા હોય છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સી અને ડિજીટલ ટ્રાન્સફોર્મેશનના ચોમેર અમલીકરણ વચ્ચે પણ પ્રાચીન તહેવારો રંગેચંગે ઉજવાઇ રહ્યા છે તે આવકારદાયક વાત છે. દરેક ઉજવણી પાછળ પૈસો ખર્ચાતો હોય છે. દેશના ૭૦ ટકા લોકોના ઘરોમાં તહેવારોની ઉજવણી થાય છે અને દરેક ઘરનું બજેટ પ્રતિવર્ષ વધતું જાય છે.
જ્યારે બજારોમાં કરોડો રૂપિયા પમ્પ થશે ત્યારે વેપારી આલમના ચહેરા પર લાલી આવશે. તહેવારોમાં સૌથી વધુ લાભ નાના વેપારીઓને થાય છે. ઓનલાઇન ખરીદી કરનારા પણ દિવાળી જેવા તહેવારોમાં બજારોમાં ખરીદી કરવા જતા હોય છે. તહેવારો લોકોમાં નવી ઉર્જાનો સંચાર થતો જોવા મળે છે.
જે રીતે લોકો ઇ કોમર્સ અને ૧૦ મિનિટની ડિલીવરીને આવકારતા થયા છેે તે જોતાં એમ લાગે છે કે લોકોની ખરીદશક્તિ વધી છે અને ખરીદીમાં ઇનોવેશનને આવકારતા થયા છે. હાઇ નેટવર્થ ધરાવનારાઓની સંખ્યા વધ્યા બાદ તેની અસર બ્રાન્ડેડ ચીજોની ખરીદી પર વર્તાઇ રહી છે.
વિશ્વની ટોચની ૨૦ બ્રાન્ડ ભારતમાં ઉપલબ્ધ છે. અન્ય અનેક બ્રાન્ડ ભારતમાં વેચાણ માટે થનગની રહી છે અને ભારતમાં સ્ટોર્સ ઉભા કરવા પ્રયાસ કરી રહી છે. આ બ્રાન્ડનું માર્કેટીંગ કરનારા જાણે છે કે હવે ઠેઠ ક્રિસમસ સુધી ખરીદીનો માહોલ જોવા મળશે. તહેવારોની ઉજવણી માટે નવા કપડાં, સુશોભનની ચીજો, જર ઝવેરાતની ખરીદી, મિષ્ઠાન ખરીદવાની યાદી, આનંદ પ્રમોદની ચીજો, મનોરંજનના પ્લાનીંગ, વિદેશની ટુર કે વતન જવાના પ્લાનીંગ વગેરે જોવા મળે છે. આ દરેક મુદ્દે પૈસો બજારમાં ઠલવાય છે. તહેવારોની ઉજવણી સાથે દરેકની વ્યક્તિગત લાગણી જોવા મળે છે. ગણપતિ ઉત્સવ અને નવરાત્રીમાં તે વિશેષ જોવા મળે છે. જ્યાં લાગણીની વાત આવે છે ત્યાં ખર્ચાની ગણત્રી કોઇ કરતું નથી.
તહેવારો સાથે અનેક પરંપરા જોડાયેલી હોય છે. જેેમકે ગીફ્ટની આપ-લે, કોઇના ઘેર જવાની પરમ્પરામાં ભલે ઓટ આવી હોય પણ આખું ફેમિલી એક સાથે કોઇ રિસોર્ટમાં જઇને તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે.
કુટુંબો ભલે સંયુક્ત ના રહ્યા હોય પણ દરેક તહેવારોમાં તે એક થઇને ઉજવણી કરતા હોય છે. તહેવારોમાં લોકો માદરે વતનમાં જઇને દિવાળી ઉજવતા હોવાનું જણાયું છે. લોકો તેમના કુટુંબની નવી પેઢીને વતન બતાવે છે અને જુના સંસ્મરણો તાજા કરે છે. ભારતમાં દરેક તહેવારો રંગેચંગે ઉજવાય છે. દરેક તહેવારોની ઉજવણી પાછળ લોકો ચોક્કસ ખર્ચ કરતા હોય છે. આ ખર્ચ સતત વધી રહ્યો છે. હાઇ નેટવર્થ ધરાવતા લોકોની યાદી વધતી જાય છે એમ ઉચ્ચ મધ્યમ વર્ગ પણ વધતો જાય છે. કોરોના કાળ પછી લોકો દરેક ઉત્સવ અને પ્રસંગો ધૂમધામથી ઉજવતા થયા છે. દરેક ધૂમધામ પાછળ લાખોનો ખર્ચ પણ કરાય છે.
ઘરમાં રોશની કરી આપતી ઝગમગ દિવાની લૂમ પણ લાખો રૂપિયાની વેચાય છે. ગિફ્ટ આર્ટિકલો, સ્વીટ વગેરે પણ લાખોની કિમતના વેચાય છે. તહેવારો ભગવાનની આસપાસ વીટળાયેલા રહે છે. દરેક મંદિરોમાં દર્શનાર્થીઓનો બમણો વધારો જોવા મળશે જેના પગલે મંદિરોની આવકમાં પણ ઉછાળો જોવા મળશે.
ઉત્સવોની ઉજવણી પરંપરાને આગળ ધપાવે છે. તહેવારોમાં ખર્ચ કરવાનો એક એવો માહોલ ઉભો થાય છે કે દરેક વર્ગ તેમાં તણાતો જોવા મળે છે. તહેવારો સંબંધો મજબૂત બનાવે છે.
દશેરાના દિવસે વાહનોની ખરીદી માટે લોકો એડવાન્સમાં બુકીંગ કરાવે છે. રોજીંદા વપરાશની ચીજો ઉપરાંત તહેવારોમાં પહેરવાની ચીજોની ડિમાન્ડ ઉભી થતી હોય છે. લોકોની આવક વધતાં તેમનામાં બ્રાન્ડેડ ચીજો ખરીદવાનો ક્રેઝ ઉભો થયો છે. દરેકના ઘરમાં માથાદીઠ ટુ વ્હીલર હોવા ઉપરાંત હવે વધારાનું ફોર વ્હીલર તેમજ હોલી ડેહોમનો ટ્રેન્ડ વધ્યો છે.
દિવાળીમાં ખરીદનારાઓને આકર્ષવા મોટી કંપનીઓ પણ સ્કીમ મુકતી થઇ છે અને ખરીદનારને પોતાની તરફ ખેંચે છે. ભૂતકાળમાં આવી સ્કીમો બહુ સારો બિઝનેસ ખેંચી શકી હતી એટલેજ આ વર્ષે નવી સ્કીમો અત્યારથીજ મુકાઇ રહી છે. તહેવારો દરમ્યાન ભારતના પરિવારો વિવિધ ખર્ચા કરવાનો ટ્રેન્ડ ધરાવે છે. અનેક પરિવારોમાં દરેક તહેવારોમાં કપડાં ખરીદવાની ટેવ હોય છે. નવરાત્રીના તહેવારોમાં પહેરવાની ચણિયા-ચોળી ડ્રેસની ખરીદી અત્યારથી જોવા મળે છે. અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં ખરીદનારાઓની ભીડ અત્યારથીજ જોવા મળે છે.
રક્ષાબંધનનો તહેવાર ભલે એક દિવસનો હોય પરંતુ ભાઇ બહેનની લાગણી સાથે જોડાયેલો આ તહેવાર ૧૮,૦૦૦ કરોડ બજારમાં ઠાલવે છે જેમાં મહત્વ સ્વીટની આપલે હોય છે. ફેમિલી સાથે બહાર હોટલમાં જમવાના વધતા ટ્રેન્ડના કારણે હોટલ બિઝનેસ પણ તહેવારોમાં ખીલી ઉઠે છે.
તહેવારોમાં ખરીદીને બૂસ્ટ આપતું સૌથી મોટું પરિબળ દિવાળી બોનસ, એડવાન્સ પગાર વગેરે હોય છે. નીચલા મધ્યમ વર્ગમાં દિવાળી બોનસની રાહ જોવાતી હોય છે કેમકે તેમને ખર્ચ કરવા માટે જોઇતો વધારાનો પૈસો બોનસમાંથી મળી રહે છે.
તહેવારોમાં ખરીદીનો ટ્રેન્ડ એવો હોય છે કે લોકો ઓનલાઇન ખરીદીના બદલે બજારમાં રૂબરૂ જઇને ખરીદીનો આનંદ લે છે. દેશના ૭૦ ટકા ઘરોમાં વર્તમાનમાં આવી રહેલા તહેવારોમાં ખરીદીનું પ્લાનીંગ થઇ રહ્યું છે. એક અંદાજ અનુસાર ખરીદી કરવા માંગતા ઘરોમાં ૧૦,૦૦૦ રૂપિયાનો ખર્ચ કરાશે. એક અંદાજ અનુસાર તહેવારોમાં ત્રણ ટ્રિલિયન રૂપિયાની ખરીદી થશે. જેમાં ઘરમાં વપરાશમાં લેવામાં આવતી ચીજો ઉપરાંત લકઝરી આઇટમોનો પણ સમાવેશ થશે.
હવે ઇ-કોમર્સની સાઇટો પર પણ સેલનું પ્લેટફોર્મ ઉભું કરાય છે. લગભગ દરેક ઇ કોમર્સ જાયન્ટ સેલ રાખે છે. જેમાં ૧૦થી ૧૫ ટકા ભાવ ઘટાડયા હોવાની જાહેરાત કરાય છે. ગયા વર્ષે ૨૦૨૪માં તહેવારોના સેલમાં ઇકોમર્સ કંપનીએાએ ૬ અબજ ડોલરનો માલ વેચ્યો હતો. ઇકોમર્સ પર છાશવારે આવતા સેલના કારણે લોકો ખરીદી માટે સેલની રાહજોતા હોય છે. હાલમાં ૧૫ ઓગષ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે ના સેલથી શરૂ થાય છે. જે ક્રિસમસ સુધી વિવિધ નામો હેઠળ ચાલશે.
તહેવારોમાં ખરીદીના ટ્રેન્ડ પર એક નજર
કેટલાક લોકો તહેવારોમાં ખરીદી કરવા ટાંપીને બેઠા હોય છે કેમકે તહેવારોમાં વસ્તુઓ સસ્તી તેમજ સ્કીમ હેઠળ જોવા મળે છે. ઇ કોમર્સ જાયન્ટ કંપનીઓ દરેક તહેવારોને ધ્યાનમાં રાખીને ઓનલાઇન સેલ મુકતી હોય છે. દરેક સ્કીમ આપે છે અને રીટર્નની સવલતો પણ આપે છે. લોકોની ખરીદીનો ટ્રેન્ડ પણ જાણવા મળી રહ્યો છે. લોકો સૌથી વધુ ખર્ચ દિવાળીના પૂજાપો જેવાં કે હાર, દિવા, ઘરમંદિર સુશોભન,પોતાના ઘરના દેવી દેવતાને પ્રસાદ-ભોગ વગેરે પાછળ કરે છે. ખર્ચમાં બીજા નંબરે હોમ ડકોરેશન એટલેકે સોફાના કવર, ઘરના પડદાં, નવું ફર્નિચર વગેરેનો સમાવેશ થાય છે. સ્માર્ટફોન અને ટેબલેટ જેવી ઇલેકટ્રોનિક આઇટમોની ખરીદી ત્રીજા નંબરે આવે છે. ચોથે બ્યૂટી અને ફેશનની ચીજોની ખરીદી આવે છે જ્યારે પાંચમે ઝવેરાતની ખરીદી અને ઓેટોમોબાઇલની ખરીદીનો સમાવેશ થાય છે.
તહેવારોમાં થતા અંદાજીત ટર્ન ઓવર પર એક નજર |
|
રક્ષા બંધન |
૧૮,૦૦૦ કરોડ |
જન્માષ્ટમી |
૨૫,૦૦૦ કરોડ |
ગણપતિ |
૪,૦૦૦ કરોડ |
નવરાત્રી |
૭૦,૦૦૦ કરોડ |
ધનતેરસ |
૧૦,૦૦૦ કરોડ |
દિવાળી |
૪ લાખ કરોડ |
ટ્રાવેલ્સ |
૨૦,૦૦૦ કરોડ |