Get The App

બે રાજ્યો કર્ણાટક અને આંધ્ર વચ્ચે વિદેશી રોકાણ માટે વોર ખેંચાખેંચી અને આક્ષેપ બાજીનો દોર

Updated: Nov 2nd, 2025

GS TEAM

Google News
Google News
બે રાજ્યો કર્ણાટક અને આંધ્ર વચ્ચે વિદેશી રોકાણ માટે વોર ખેંચાખેંચી અને આક્ષેપ બાજીનો દોર 1 - image

- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા

- ગુગલે આંધ્રમાં ૧૫ અબજ ડોલરના રોકાણની જાહેરાત કરતાં પાડોશી કર્ણાટકને મરચાં લાગ્યા

- બેંગલુરૂને આઇટી ક્ષેત્રે કોઇ રાજ્ય હંફાવી શકે એમ નથી પરંતુ કંપનીઓને સવલતો આપવામાં રાજ્ય નિષ્ફળ જઇ રહ્યું છે. તેમ છતાં કોઇ કંપની કર્ણાટક છોડીને આંધ્રમાં હજુ સુધી ગઇ નથી. આંધ્રના નારા લોકેશે સોશ્યલ નેટવર્ક પર ટીમ તૈયાર કરી છે જે વિદેશની કંપનીઓને રોજ આંધ્રમાં રોકાણના લાભ દર્શાવે છે.

- આઇટીક્ષેત્રે રોકાણ મેળવવામાં કર્ર્ણાટક હોટ ફેવરીટ છે. આન્દ્ર પ્રદેશમાં જ્યારથી ગુગલે રોકાણની જાહેરાત કરી ત્યારથી બંને રાજ્યો વચ્ચે ખેંચા ખેંચી શરૂ થઇ છે.

- તાજેતરમાં જ્યારે બેંગલુરૂના રોડ પરના ખાડા અને જાહેરમાં ઉકરડાના વિવાદ  બાબતે કર્ણાટક સરકારની  ટીકા થઇ ત્યારે પણ લોકેશે કંપનીઓને આંધ્ર પ્રદેશમાં સેટ થવા આમંત્રી હતી...બે રાજ્યો કર્ણાટક અને આંધ્ર વચ્ચે વિદેશી રોકાણ માટે વોર ખેંચાખેંચી અને આક્ષેપ બાજીનો દોર 2 - image

દક્ષિણના બે રાજ્યો વચ્ચે વિદેશના રોકાણો મેળવવા ચાલતી કોલ્ડ વોર હવે સપાટી પર આવી ગઇ છે. આ બે રાજ્યો એટલે આંધ્ર પ્રદેશ અને કર્ણાટક. એક છેડે આંધ્ર પ્રદેશના ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના પ્રધાન નારા લોકેશ છે જ્યારે સામે છેડે કર્ણાટકના આઇટી પ્રધાન પ્રિયાંક ખડગે છે. આ બંને પોતાના રાજ્યમાં વિદેશી રોકાણો તેમજ મોટી કંપનીઓ ખેંચવા પ્રયાસ કરે છે. પોતાનું રાજ્ય રોકાણકારો માટેનું સ્વર્ગ છે એમ કહી રહ્યા છે. વિદેશી રોકાણ મેળવવા આ બંને વચ્ચે ચાલતી શાબ્દિક ટપાટપી હવે ઉગ્ર બની ગઇ છે.

નારા લોકેશ કહે છે કે કેટલાક રાજ્યો (કર્ણાટક એમ વાંચોે) તેમને ત્યાં આવતી કંપનીઓને આપેલા પ્રોમીસ પ્રમાણેની સવલતો આપતા નથી જ્યારે આંધ્ર પ્રદેશ કંપનીઓ માટે લાલજાજમ બિછાવે છે અને તમામ સવલતો પુરી પાડે છે. તાજેતરમાં જ્યારે બેંગલુરૂના રોડ પરના ખાડા અને જાહેરમાં ઉકરડાના વિવાદ  બાબતે કર્ણાટક સરકારની  ટીકા થઇ ત્યારે પણ લોકેશે કંપનીઓને આંધ્ર પ્રદેશમાં સેટ થવા આમંત્રી હતી.

જ્યારથી આંધ્રપ્રદેશમાં ગુગલે ડેટા સેન્ટર ઉભું કરવા ૧૫ અબજ ડોલર રોકવાની જાહેરાત કરી છે ત્યારથી આંધ્ર પ્રદેશ તાનમાં આવી ગયું છે અને ગુગલના પગલે અન્ય કંપનીઓ આંધ્ર પ્રદેશમાં આવશે એવો દાવો કરાઇ રહ્યો છે. બંને રાજ્યો વચ્ચે વિદેશી રોકાણ મેળવવાના દાવા વચ્ચે જ્યારે કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડીકે શિવકુમારે કહ્યું કે કર્ણાટક મિન્સ બિઝનેસ ત્યારે નારા લોકેશ તે વાતનું ખંડન કરવા તૂટી પડયા હતા. 

વિશાખાપટ્ટનમમાં ગુગલે ૧૫ અબજ ડોલર રોકીને છૈં ડેટા સેન્ટર ઉભી કરવાની જાહેરાત કરી ત્યારે વિશ્વભરમાં આ રોકાણની પ્રશંસા થઇ હતી. કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન એવો દાવો કરતા હતા કે આઇટી કેપિટલ તરીકે બેંગલુરૂને કોઇ પડકારી શકે નહીં પરંતુ ગુગલના રોકાણથી આંધ્ર પ્રદેશને બૂસ્ટ મળ્યો છે તે હકીકત ભૂલવી ના જોઇએ.

બેંગલુરૂને ભારતની સિલેકોન વેલી કહેવાય છે. વિદેશના લોકોની અવરજવર પણ બેંગલુરૂમાં બહુ મોટા પાયે જોવા મળે છે. જોકે બેંગલુરૂનો વહિવટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાડે ગયેલા છે. બેંગલુરૂની અનેક કંપનીઓ ખાસ કરીને વિપ્રો અને બાયોકેમ જાહેરમાં કર્ણાટકની સરકારની આળસની ટીકા કરી ચૂક્યા છે. 

કર્ણાટકની સરકારે બેંગલુરૂમાં ટ્રાફિક હળવો કરવા વિપ્રો કંપનીના અજીમ પ્રેમજી પાસે તેમની કંપનીમાંથી રસ્તો આપવા કહ્યું હતું. અઝીમ પ્રેમજીએ સરકારને સ્પષ્ટ ના પાડી હતી અને તે વાતને જાહેર કરી દીધી હતી. પ્રેમજીએ ના કહ્યા પછી અનેક કંપનીઓે કર્ણાટક સરકારની ટીકા કરી હતી.

કોઇ પ્રાઇવેટ કંપની પાસેથી તેમની જગ્યામાંથી રસ્તો કેવી રીતે માંગી શકાય ? એવી જ રીતે પ્રતિષ્ઠીત કંપની બાયોકેમના ફાઉન્ડર સાથે પણ કર્ણાટકની સરકાર લડી પડી હતી. કિરણ મજમૂદાર શો આવી ધટનાઓના કારણે મોટી કંપનીઓને બેંગલુરૂના શાસકો પસંદ નથી પડતા. સોશ્યલ નેટવર્ક થકી બેંગલુરૂની અનેક કંપનીઓ પાતાની નારાજગી બતાવી ચૂકી છે.

રોકાણ મેળવવા પાછળની આ બે રાજ્યો વચ્ચેની વોર પાછળ ભારતનું રાજકારણ પણ જોવા મળે છે. આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ અને ભાજપની સંયુક્ત સરકાર છે. તેલુગુ દેશમ કેન્દ્ર સરકારનો મહત્વનો ટેકેદાર પક્ષ છે જ્યારે કર્ણાટકમાં કોંગ્રેસનું શાસન ચાલે છે. અન્ય એક પાસું એ છે કે આંધ્રના નારા લોકેશ એ મુખ્યપ્રધાન ચન્દ્રાબાબુ નાયડુના પુત્ર છે જ્યારે તેમને સતત પડકારનાર કર્ણાટકના આઇટી પ્રધાન પ્રિયાંક ખડગે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર છે.

ગુગલના ૧૫ અબજ ડોલરના રોકાણનું માર્કેટીંગ આંધ્ર પ્રદેશ કરી રહ્યું છે જેની મારફતે તે અન્ય કંપનીઓને પણ આંધ્રમાં ખેંચવા માંગે છે. લોકેશ એવું માર્કેટીંગ કરે છે કે આંધ્રને મળેલું રોકાણ એ કર્ણાટકને મોટા ફટકા સમાન છે. લોકેશ કહે છે કે અમને મળેલું રોકાણ મરચાં જેવું તીખું તમતમતું છે જેના કારણે પાડોશી રાજ્ય કર્ણાટકને મરચાં લાગ્યા છે. તેતો નજીકના રાજ્ય તમિળનાડુને પણ વિવાદમાં ખેંચી લાવીને કહે છે કે સુંદર પિચાઇ તો તમિળનાડુના છે છતાં ગુગલે આંધ્રમાં રોકાણ કર્યું છે.

નારા લોકેશની વાતોના જવાબ નાયબ મુખ્યપ્રધાને કર્ણાટકની વિધાનસભામાં આપતા કહ્યું હતું કે બેંગલુરૂની સ્પર્ધા કોઇ કરી શકે નહીં. અહીં ૨૫ લાખ જેટલા આઇટી પ્રોફેશનલ્સ છે અને બે લાખ જેટલા વિદેશના આઇટી નિષ્ણાતો રહે છે. ગુગલે આંધ્રમાં જંગી રોકાણ કર્યું તે બાબતે તેમણે કહ્યુ ંહતું કે કોઇ કંપનીને આપણે રોકી શકીયે નહીં તેમજ આંધ્ર કંપનીઓને અનેક રાહતો આપી રહી છે.

આપણે ત્યાંથી કોઇ કંપની જવાની નથી એવું તેમણે ભલે કહ્યું હોય પરંતુ ગુગલે કર્ણાટક સરકારની ઉંધ ઉડાડી નાખી છે તે હીકીત છે. જે કર્ણાટક વિદેશની આઇટી કંપનીઓ માટે રોકાણોનું હબ હતું તે પ્રતિષ્ઠામાં પંચર પડયું છે.

આંધ્ર પ્રદેશ નવું બનેલું રાજ્ય છે. તે વિદેશી રોકાણો ખેંચવા પ્રયાસ કરે તે સ્વભાવિક છે. જોકે તેનું પાડોશી રાજ્ય કર્ણાટક દેશના આઇટી હબ તરીકે જાણીતું છે જ્યારે બેંગલુરૂને તો સિલ્કોન વેલી કહેવાય છે.

આઇટીક્ષેત્રે રોકાણ મેળવવામાં કર્ર્ણાટક હોટ ફેવરીટ છે. આન્દ્ર પ્રદેશમાં જ્યારથી ગુગલે રોકાણની જાહેરાત કરી ત્યારથી બંને રાજ્યો વચ્ચે ખેંચા ખેંચી શરૂ થઇ છે. બેંગલુરૂમાં જેમ રાજકીય ઉથલપાથલો જોવા મળે છે એમ વહિવટી સમસ્યાઓ પણ ભડકે બળે છે. બેંગલુરૂમાં વરસાદી પાણી ભરાઇ જવા, ટોપની કંપનીઓ હોડીમાં અવરજવર કરતા જોવા મળવા, ચારેબાજુ કચરાના ઢગલા, ખાડા વાળા રોડ જેવી સમસ્યાને નજીકનું રાજ્ય આંધ્ર પ્રદેશ લાભ ઉઠાવવા મથે છે.

બેંગલુરૂને આઇટી ક્ષેત્રે કોઇ રાજ્ય હંફાવી શકે એમ નથી પરંતુ કંપનીઓને સવલતો આપવામાં રાજ્ય નિષ્ફળ જઇ રહ્યું છે. તેમ છતાં કોઇ કંપની કર્ણાટક છોડીને આંધ્રમાં હજુ સુધી ગઇ નથી. આંધ્રના નારા લોકેશે સોશ્યલ નેટવર્ક પર ટીમ તૈયાર કરી છે જે વિદેશની કંપનીઓને રોજ આંધ્રમાં રોકાણના લાભ દર્શાવે છે.

વિદેશના રોકાણોથી કંપનીઓ સારૂં ઉત્પાદન કરી શકે છે જે અંતે રોજગારી વધારે છે.આંધ્ર અને કર્ણાટક વચ્ચે શરૂ થયેલી એફડીઆઇની ખેંચા ખેંચી હજુ વધુ તીવ્ર બનશે કેમકે આંધ્ર કંપનીઓને વધુ સવલતોની લાલચ આપીને કર્ણાટકના આઇટી ક્ષેત્રે ગાબડું પાડી શકે છે.

- સૌથી વધુ એફડીઆઇ મેળવતા  ટોપ પાંચ રાજ્યોબે રાજ્યો કર્ણાટક અને આંધ્ર વચ્ચે વિદેશી રોકાણ માટે વોર ખેંચાખેંચી અને આક્ષેપ બાજીનો દોર 3 - image

વિદેશના રોકાણ અને વિદેશી કંપનીઓને પોતાના રાજ્યમાં ખેંચી લાવવા દરેક રાજ્ય પ્રયાસ કરતા હોય છે. નવી કંપનીઓ આવતા રાજ્યમાં રોજગારીના ચાન્સ વધતા હોય છે. ૨૦૨૪-૨૫ના આંકડા અનુસાર સૌથી વધુ એફડીઆઇ મેળવનાર રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશમાં આવતી એફડીઆઇના ૩૯ ટકા મહારાષ્ટ્રમાં જાય છે તો કર્ણાટક ૩૧ ટકા અને દિલ્હી ૧૨ ટકા ખેંચી જાય છે. સૌથી વધુ એફડીઆઇ મેળવતા ટોપના પાંચ રાજ્યોની યાદી અહીં આપી છે. આંકડા કરોડમાં છે.

૧..મહારાષ્ટ્ર...૧૬૪,૮૭૫ કરોડ

૨...કર્ણાટક....૫૬,૦૩૦ 

૩...ગુજરાત.....૪૭,૯૪૭

૪...દિલ્હી.......૫૧,૫૪૦

૫....તમિળનાડુ...૩૧,૧૦૩