- એક તરફ રીયલ્ટીક્ષેત્રે મંદીની બૂમો પડી છે, સ્કીમો અનેક છે પરંતુ ખરીદનારા નથી જ્યારે લકઝરી બંગલો અને ફ્લેટો માટે વર્લી, બેંગલુરૂ ગુરૂગ્રામ જેવા વિસ્તારોમાં ૧૦૦ કરોડના ફ્લેટ ચપટીમાં વેચાઇ જાય છે.
- કોર્પોરેટ પ્લસ - ગણેશ દત્તા
- ભારતમાં ૮૦ ટકા લોકો એક ઘર હો સપનાકા ના સપના જોતાં જોતાં દિવસો પસાર કરે છે. મધ્યમ વર્ગ ૪૦-૫૦ લાખ રૂપિયાનો ફ્લેટ લેતા પહેલાં બેંકની લોન અને હપ્તા કેવી રીતે ભરાશે તેનું ગણિત માંડતો હોય છે
- મુંબઇનું વર્લી લકઝરી રેસીડેન્સના માર્કેટમાં ટોપ પર છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ૩૦ સોદા એવા થયા છે કે જેમાં ૪,૮૬૨ કરોડ રૂપિયા ખર્ચાયા છે
રીયલ એસ્ટેટ ક્ષેત્રે થઇ રહેલા સોદાને જોઇને એમ કહી શકાય કે જમીન-મકાન ખરીદવા લોકો આંખો મીંચીને પૈસા રોકી રહ્યા છે. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં ૩૦,૮૨૫ કરોડની જમીન અને રેસીડેન્સ ખરીદવાના સોદા થયા હતા. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં જંગી સોદા થયા હોય તો બાકીના છ મહિના એેટલે ડિસેમ્બરના અંત સુધીમાં તો રીયલટી ક્ષેત્રે ફાટ ફાટ તેજી જોવા મળી શકે છે. આ લખાય છે ત્યારે ઓગષ્ટના અંતમાં પણ અનેક નવી સ્કીમો મુકાઇ છે અને રોકાણકારોએ તેમાં રોકાણ પણ કર્યું છે.
બ્રિટનના બિઝનેસ મેન સુખપાલ સિંહ અહલુવાલીયાએ ગુરૂગ્રામમાં ડીએલએફના એક અલ્ટ્રા લકઝરી પ્રોજકેટમાં ૧૦૦ કરોડનો ફ્લેટ ગયા અઠવાડીયે ખરીદ્યો ત્યારે તે સમાચાર અખબારોમાં છવાઇ ગયા હતા. થોડું ફંફોસતા ખબર પડી હતી કે ગુરૂગ્રામમાં ૧૦૦ કરોડના ફ્લેટની સ્કીમ ચપટી વગાડતામાંજ વેચાઇ ગઇ હતી.
એક તરફ રીયલ્ટી ક્ષેત્રે મંદીની બૂમો પડે છે તો બીજી તરફ છ મહિનામાં ૩૦,૮૨૫ કરોડના સોદાના અહેવાલો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અનેક પ્રોજક્ટો ચાલી રહ્યા છે એવીજ રીતે લીઝ પર જગ્યા લેવી અને લકઝરી રેસીડેન્સ માટેની માંગ ઉભી થઇ છે.
હાઇનેટવર્થ ધરાવતા લોકો, સેલિબ્રિટી અને મોટી કોર્પોરેટ કંપનીઓ ઓફિસો લીઝ પર લઇ રહ્યા છે, પોતાના અધિકારી સ્તરના સ્ટાફ માટે લકઝરી ફ્લેટ ખરીદી રહ્યા છે. ૨૦૨૫ના શરૂના છ મહિનામાં કુલ ૨૮૯૮ એકર જમીનના થયેલા સોદા માટે ૭૬ ડીલ થયા હતા જે મોટી રીયલ્ટી કંપનીઓ મારફતે થયા હતા. આવી કંપનીઓમાં ગોદરેજ પ્રોપર્ટી, લાસ સર્ચ, સિગ્નેચર ગ્લોબલ, એમ૩એમ ગૃપ, બ્રિગેડ ગૃપ,મેક્રોટોક ડેવલોપર્સ (લોધા), પ્રેસ્ટીજ ગૃપ, કોલ્ટે પાટીલ ડેવલોપર્સ વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૨૪ના આખા વર્ષ દરમ્યાન કુલ ૨૫૧૫ એકર જમીન માટે સોદા થયા હતા. ૨૦૨૫માં શરૂઆતના છ મહિનામાં ૭૬ સોદા ૨૮૯૮ એકર જમીન માટે થયા છે. ૨૦૨૫ના શરૂઆતના છ મહિનામાં થયેલા મુખ્ય સોદામાં ગોદરેજ પ્રેાપર્ટીએ ઇન્દોરમાં ૨૪ એકર જમીન ૧૨૦ કરોડમાં ખરીદી હતી.મેક્સ હેલ્થ કેર ગૃપે નોઇડામાં ૧૦.૩૩ એકર જમીન ૭૧૧ કરોડમાં ખરીદી હતી, એમ૩ એમ ગૃપે નોઇડામાં કોમર્શીયલ વપરાશ માટે ૫.૮૨ એકર જમીન ૪૦૦ કરોડમાં ખરીદી હતી.રેસીડેન્શ્યલ પ્રોજક્ટ માટે બ્રિગેડ ગૃપે ૨૨૦ કરોડમાં ૪.૪ એકર જમીન ખરીદી હતી.
ત્રણ કંપનીઓે ભેગા થઇને મુંબઇમાં ૮.૩૧ એકરની કોમર્શીયલ સાઇટ ૧૩૦૨ કરોડમાં ખરીદી હતી. ઓમેક્સે અમૃતસરમાં ૧૦૦૦ કરોડમાં ટાઉનશીપ માટે ૨૬૦ એકર જમીન ખરીદી હતી.
અમેરિકાની ચીપ મેકર કંપની લેમ રીસર્ચે સેમીકન્ડક્ટર ઇક્વિપમેન્ટ પ્લાંટ માટે બેંગલુરૂમાં ૧૧૨૫ કરોડમાં ૨૫ એકર જમીન ખરીદી છે. એવીજ રીતે એનટીટી ગ્લોબલ ડેટા સેન્ટરે ડેટાસેન્ટર ઉભું કરવા મુંબઇમાં ૮૫૫ કરોડમાં ૨.૩૯ એકર જમીન ખરીદી છે.
રેસીડેન્શયલ માર્કેટ એટલેકે રહેણાંક માટેની જમીનોમાં સૌથી મોખરે ચેન્નાઇ આવે છે. ચેન્નાઇમાં એપ્રિલ અને જુન ૨૦૨૫ દરમ્યાન ૫,૬૬૦ ફ્લેટ વેચાયા હતા.
અહીં મહત્વની વાત એ છેકે મધ્યમ વર્ગ માટે થ્રી બીએચકે ખરીદવો તે સપનાં સમાન હોય છે ડાઉન પેમેન્ટથી માંડીને બેંકનો હપ્તો કેવી રીતે ભરાશે તેની ચિંતામાંજ તે ડિપ્રેશનમાં આવી જાય છે. નવો ફ્લેટ ખરીદવાના આનંદ સાથે તે હપ્તા ચૂકવણીની ચિંતામાં સરકી પડતો હોય છે. રીયલ્ટી ક્ષેત્રે જે તેજી જોવાઈ રહી છે તેની પાછળના કરાણો સમજવા જેવાં છે. કોર્પોરેટ કંપનીઓ, વિદેશી કંપનીઓ અને હાઇનેટવર્થ ધરાવતા લોકો જમીન ખરીદીમાં તેમજ લકઝરી ફ્લેટ ખરીદવામાં રસ લઇ રહ્યા છે.
નાના શહેરોમાં અનેક તૈયાર ફ્લેટો ખાલી પડી રહ્યા છે. રોકાણકારોએ પૈસા રોક્યા છે પણ તેમની સંપત્તિ ભાડે લેનાર કોઇ નથી. તેમના રોકાણનું વળતર તેમને નથી મળતું.જમીનના જે મોટા સોદા થયા છે બેંગલુરૂ, હૈદ્રાબાદ, મુંબઇ અને પૂણેનો સમાવેશ થાય છે. નાના શહેરોમાં રીયલ્ટી ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે.
મુંબઇનું વર્લી લકઝરી રેસીડેન્સના માર્કેટમાં ટોપ પર છે. છેલ્લા બે વર્ષમાં માત્ર ૩૦ સોદા એવા થયા છે કે જેમાં ૪,૮૬૨ કરોડ રૂપિયા ખર્ચાયા છે. વરલીના ફ્લેટની કિંમત ૪૦ કરોડથી શરૂ થાય છે. હાઇ નેટવર્થ ધરાવનારા માને છેકે વર્લીમાં ફ્લેટ હોય તો સ્ટેટસમાં વધારો થાય છે. રહેઠાણનું એડ્રેસ બાન્દ્રા વર્લી સી લીંક હોય તો પણ સ્ટેટસમાં વધારો જોવા મળે છે. ઓબેરોય રીયલ્ટી,બિરલા એસ્ટેટ, રનવેલ રીયલ્ટી ,સુમીટોમો રીયલ્ટી જેવી રીયલ એસ્ટેટ કંપનીઓએે વર્લીમાં ફ્લેટ બાંધવા ૭૦૨૬ કરોડની જમીન ખરીદી છે.
હાલમાં વર્લીમાં ભાડું દર મહિને સ્કેવર ફૂટે ૨૫૦ થી ૨૮૦ રૂપિયા ચાલે છે. કહે છેકે વર્લીમાં રોકાણ કરનારાને ૧૮ ટકા જેટલું વળતર મળે છે.
મુંબઇનું વર્લી લકઝરી રેસીડેન્સના માર્કેટમાં ટોપ પર છે. છેલ્લા બે વર્ષમાં માત્ર વર્લીમાં ૩૦ સોદા એવા થયા છે કે જેમાં ૪,૮૬૨ કરોડ રૂપિયા ખર્ચાયા છે. ૨૦૨૫ના પહેલા છ મહિનામાં મુંબઇના લકઝરી માર્કેટમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રે ૧૪,૭૫૦ કરોડના સોદા થયા હતા.
ભારતમાં વધતી અબજોપતિની સંખ્યા અને વધતા હાઇ નેટવર્થ ઘરાવતા લોકોના કારણે લકઝરી રેસીડેન્સ માર્કેટમાં ઉછાળો નોંધાયો હતો. મુંબઇના લકઝરી રેસીડેન્સ માર્કેટમાં વર્લી ટોપ પર છે જ્યારે બાન્દ્રા વેસ્ટ અને તારદેવ બીજા નંબરે આવે છે. ભારતમાં ૨૦૨૫માં ૨૮૪ અબજપતિઓ છે. ૨૦૨૪માં તે સંખ્યા ૧૮૫ની હતી.
ભારતમાં ૮૦ ટકા લોકો એક ઘર હો સપનાકા ના સપના જોતાં જોતાં દિવસો પસાર કરે છે. મધ્યમ વર્ગ ૪૦-૫૦ લાખ રૂપિયાનો ફ્લેટ લેતા પહેલાં બેંકની લોન અને હપ્તા કેવી રીતે ભરાશે તેનું ગણિત માંડતો હોય છે. બેંકના હપ્તાની સાથે સંતાનોના ભણવાની ફી ટયુશન ફી, નાના મોટા શોખ સંતોષવાનો ખર્ચ વગેરેના ટેન્શનમાં તે બાકીની જીંદગી વિતાવે છે. એક કરોડની કિંમતના ફ્લેટનું સપનું જોતા પણ લોકો ડરે છે.
અહીં ૧૦૦ કરોડના ફ્લેટની વાત છે. જે લોકો સપનાનાનું ઘર લેવા મથે તેમના માટે આશ્ચર્યજનક અહેવાલ એ છે કે મુંબઇમાં ૧૦૦ કરોડની કિંમતના ફ્લેટ ચપટી વગાડતામાંજ વેચાઇ જાયછે. કહે છેકે હાઇ રાઇઝ ફ્લેટની સ્કીમના પ્રી બુકીંગ થઇ રહ્યા છે.
અહીં આપેલી કિંમત ફ્લેટોની વેચાણ કિંમતના રજીસ્ટ્ેશન પરથી અપાઇ છે. કરોડો રપિયાનો નફો રળતી કંપનીઓ પોતાના સ્ટાફ માટે મેટ્રો સિટીમાં ફ્લેટ રાખે છે. આવી કંપનીઓ સારી લોકાલીટી અને સિક્યોરીટી વાળી જગ્યા શોધતી હોય છે. બેંગલુરૂમાં જ્યાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપનીઓના ડાયરેકટરો રહે છે ત્યાં તેા ફ્લેટ ભાડે કે વેચાતા પણ મળતા નથી. ત્યાંના ફ્લેટની કિંમત ૨૦૦ કરોડ ઉપરની હોય છે.
ઉંચી કિંમતના ફ્લેટો ખરીદવા પાછળનું મુખ્ય કારણ સોશ્યલ સ્ટેટસમાં વધારો કરવાનું હોય છે. તમે ક્યાં રહો છો તે જગ્યાના સ્કેવર ફૂટના ભાવ પરથી લિવીંગ સ્ટેટસ નક્કી થતું હોય છે. બિઝનેસમેન અદાર પૂનાવાલાએ લંડનમાં ૧૪૪૪ કરોડમાં મે ફેર મેન્શન ખરીદ્યું હતું જે દર્શાવે છે કે ભારતના બિઝનેસમેન રેસીડેન્સ પાછળ કરોડો ખર્ચતાં અચકાતા નથી. ભારતમાં લકઝરી હોમની ડિમાન્ડ વધી છે. લોકો હાઇફાઇ જીવન જીવવા લકઝરી ફ્લેટ મેળવવા પ્રયાસ કરે છે. હાઇ નેટવર્થ ધરાવનારા અને અબજો પતિ લોકો ૧૦૦ કરોડની પ્રોપર્ટી ફટોફટ ખરીદી લે છે.
એટલેજ અબજો પતિ લોકો જ્યાં રહે છે ત્યાં મુકાતી નવી સ્કીમો જાહેરાત આવતાં પહેલાંજ પ્રી બુકીંગમાં વેચાઇ જાય છે. કેટલાક બિલ્ડરો જે રેસીડેન્સી ઉભી કરે છે તે બ્રાન્ડેડ બની જાય છે. આવા બિલ્ડરોની નવી સ્કીમ પ્રી બુકીંગમાંજ ભરાઇ જાય છે. સ્માર્ટ હોમની બોલબાલા વધી છે. પોતાના ફ્લેટમાં સ્વિમીંગ પુલ હોય, જીમ સહીતની સવલતો હોય અને સેવન સ્ટાર હોટલ જેવા રૂમો હોય તે દરેક અબજોપતિને ગમતી જગ્યા હોય છે. દરેક અબજોપતિ સેવન સ્ટાર જેવા ધરમાં રહેવા માંગે છે. જેની પાસે પૈસો છે તેને દરેક સવલતો પણ મળી રહે છે. ભારતમાં અબજોપતિઓની સંખ્યા સતત વધી રહી છે તેના પાછળ હાઇ નેટવર્થ ર્વાળા લોકો છે અને તેની પાછળ ઉચ્ચ મધ્યમ વર્ગ છે.
અનેક લોકો સપનું જુવે છે કે ઘર સામે દરિયા કિનારો હોય અને દરિયાના ઉછળતા મોજા જોતા જોતા પોતાના ઘરની બાલ્કનીમાં બેઠા બેઠા ગરમ ચાની ચુસકી લેતા લેતાં વાંચન કરતા હોઇએ કે ગમતાં સોંગ સાંભળવાનું દ્રશ્ય આંખ આગળ લાવીને તે મીંચી દે છે.
એક તરફ લોકો કોરોના કાળના જડબામાંથી મુક્ત થઇને પોતાના માટે આરામ દાયક જીવન જીવવા મથે છે તો બીજી તરફ ભારતમાં આર્થિક સમૃધ્ધ્ધિનો દોર ચાલે છે.
જ્યારે ડી માર્ટ ફેઇમ રાધાકૃષ્ણ દાલમીયાએ સાઉથ મુંબઇના મલબાર હીલમાં રૂપિયા ૧૦૦૧ કરોડમાં બંગલો ખરીદ્યો ત્યારે તે અહેવાલ હેડલાઇન ન્યુઝ તરીકે ચમક્યા હતા. ત્યારે એપ્રિલ ૨૦૨૧માં આ સોદો બહુ આશ્ચર્યજનક લાગતો હતો પરંતુ હવે આવા સોદા રૂટીન બની રહ્યા છે.
હવે સિસ્ટમ બદલાઇ છે. લકઝરી રેસીડેન્સીમાં લાવો...લાવોની બૂમ ચાલે છે . કોઇ સ્કેવર ફૂટના ભાવ નથી પૂછતું . ગમવું જોઇએ તે પહેલી પ્રાયેારીટી હોય છે. એમ લાગે છે કે લકઝરી હોમ લેવાની લોકોની ભૂખ ઉઘડી છે. છેલ્લા ૧૨ મહિનામાં લકઝરી એપાર્ટમેન્ટના વેચાણમાં ૬૪૮ ટકાનો વધારો થયો છે. ૨૦૨૧ બાદ એટલેકે કોરાના કાળ બાદ ૧૯,૩૮૫ લકઝરી એપાર્ટમેન્ટ વેચાયા છે. એક નોન બેંકીંગ રીયલ એસ્ટેટ ફંડના ડેટા અનુસાર છેલ્લા ૧મહિનામાં ૧૭,૩૦૪ કરોડ રૂપિયામાં ૨૫૯૦ એપાર્ટમેન્ટ વેચાયા હતા.
જેમ જેમ ભારતમાં અલ્ટ્રા હાઇ નેટવર્થ ધરાવનારા વધે છે એમ લકઝરી ફ્લેટો વધુ વેચાય છે. એક અહેવાલ અનુસાર ૨૦૨૮માં હાઇનેટવર્થ ધરાવનારાની સંખ્યા ૧૯,૯૦૮ પર પહોંચી શકે છે. ૨૦૨૩માં આ સંખ્યા ૧૩,૨૬૩ની હતી. આ ગ્રોથ ૫૦ ટકાનો છે. કોઇપણ દેશમાં હાઇ નેટવર્થવાળાની સંખ્યામાં ૫૦ ટકા જેટલો ગ્રોથ નથી.
હાઇનેટવર્થ ધરાવનારાની સંપત્તિ ૩૦ મિલીયન ડોલર જેટલી આંકવામાં આવી છે તેમાંથી ૩૨ ટકા વેલ્થ તો પોતાના રેસીડેન્સ પાછળ ખર્ચાય છે. પ્રાઇમ લકઝરી રેસીડેનશ્યલ એસેટ્સમાં આવતી મિલક્તો નેાન રેસિડેન્ટ ઇન્ડિયન (શઇૈં) માટે રોકાણનું આકર્ષણ બની રહ્યા છે. ૧૦૦ કરોડના રોકાણવાળા ફ્લેટનું ભાડું મહિને પાંચ લાખ રૂપિયા મળે તો તેને આદર્શ રોકાણ કહેવાય છે.
તાજેતરમાં યુરોપીયન એરબસે બેંગલુરૂમાં ૫૦૦ કરોડના ભાડા વાળી જમીન ૧૦ વર્ષ માટે લીઝ પર લીધી છે, તેના એક્ઝીક્યુટીવો માટે પાંચ લાખના ભાડાના ૪૦ ફ્લેટ શોધે છે. વિમાનો બનાવતી એરબસ અન્ય સ્ટાફ માટે ૧ લાખ રૂપિયા ભાડા વાળા ૨૦૦ ફલેટ શોધે છે.
પહેલાં એમ મનાતું હતું કે વિદેશની કંપનીઓ ભારતમાં આવ્યા બાદ ફ્લેટોના ભાવ ઉંચકાયા છે પરંતુ હકીકત એ છે કે ભારતના લોકો વધુ પૈસાદાર બન્યા છે અને વધુ આરામદાયક લાઇફ જીવવા તરફ વળ્યા છે.
રીયાલ્ટી ક્ષેત્રમાં માર્કેટ કેપની દ્રષ્ટીએ સૌથી મોટી મનાતી કંપની એ ગુરૂગામના ગોલ્ફ કોર્સ રોડ નજીક ૧૦૦ કરોડના ફ્લેટની સ્કીમ બે મહિના અગાઉ મુકી છે. ૪૦૦ ફ્લેટની આ રેસીડન્સીમાં સ્કેવર ફૂટનો ભાવ ૮૦,૦૦૦ રૂપિયા છે. એક ફ્લેટની કિંમત અંદાજે ૧૦૦ કરોડ ઉપરની છે. ગુરૂગામની સૌથી ઉંચી મનાતી કેમેલીસની પ્રોપર્ટી કરતાં પણ ડીએલએફનો ભાવ ઉંચો છે.
ડીએલએફ ૨૯ ફ્લેટના ટાવર બાંધશે અને ત્યાં ૪૦૦ જેટલા સુપર લકઝરી રેસીડેન્સ બાંધશે.
તાજેતરમાંજ રીટેલ જાયન્ટ વી-બજારના હેમંત અગ્રવાલની પત્નીએ સ્મૃતિ અગ્રવાલે કેમેલીસમાં ૯૫ કરોડનો ફ્લેટ ખરીદ્યો હતો.
- USની કંપનીઓએ ૨૦૨૨થી ૨૦૨૪ સુધી ૬૫ મિલીયન સ્કે.ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર લીધી
... ૪ સપ્ટેમ્બરે એપલ ભારતમાં પૂણે ખાતે તેનો ચોથો ર્સ્ટાર્સ ખોલી રહ્યું છે
...ઓપન એઆઇ ભારતના વિદ્યાર્થીઓ અને ટીચર્સને પાંચ લાખ જેટલા ચેટ જીપીટીના લાયસન્સ વહેંચ્યા છે.
...માઇક્રોસોફ્ટે હૈદ્રાબાદમાં મહિને ૫.૪ કરોડ રૂપિયાના માસિક ભાડામાં ૨.૬૫ લાખ સ્કેવર ફૂટ જગ્યા લીઝ પર લીધી છે.
...ઓપન એઆઇવાળા નવી દિલ્હીમાં આ વર્ષના અંતે ભારતમાં પોતાની ઓફિસ ખોલી રહ્યા છે.
....એપલે ગયા મહિને ૧૦૧૦ કરોડના ભાડા પર બેંગલુરૂમાં ઓફિસ માટે આખો ફલોર ૧૦ વર્ષ માટે લીઝ પર લીધો છે.
...ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ બેંગલુરૂમાં નવી ઓફિસ ખોલવાની જાહેરાત પણ કરી છે અને તેમાટેનો સ્ટાફ પણ લેવાનું શરૂ કરી દીધું છે.
.... અમેરિકાની કંપનીઓએ ૨૦૨૨થી ૨૦૨૪ દરમ્યાન ૬૫ મિલીયન સ્કેવર ફીટ ઓફિસ સ્પેસ લીઝ પર લીધી છે. જે ભારતની કુલ ઓફિસ સ્પેસ ડીમાન્ડના ૩૨ ટકા જેટલી છે.


