સારા વરસાદને પરિણામે દાળ તથા તેલીબીયાના વાવેતરમાં વધારો
- કોમોડિટી કરંટ
- ખેડૂત આવકો કપાતાં એરંડા, જીરૂ, ધાણા, મેથી જેવી ચીજોની બજાર સુધારા ઉપર
ગુજરાત સહિત દેશભરમાં પ્રથમ તબક્કે મોટેભાગે ખેતીલાયક વરસાદ થતાં તેલીબીયાં તથા કઠોળનું વાવેતરનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખેડૂતવર્ગ વાવેતરમાં વ્યસ્ત થવાને કારણે કૃષિ બજારોમાં ખેડૂત માલોની આવકો ઓછી થવાને લીધે કેટલીક ચીજોમાં બજારો સુધારો પણ ગયા અઠવાડિયે જોવા મળ્યો છે. એરંડા, જીરૂ, ધાણા, મેથી જેવી ચીજોના ભાવો તુટતા અટકી ગયા છે. એક્સપોર્ટ ડિમાન્ડ તથા તણાવ ઘટવાને કારણે તેમજ જીરાની ખેડૂત આવકો ઓછી થવાથી વેપારી લેવાલી વધતાં જીરા હાજર તથા વાયદામાં બજારો સુધારો ઉપર રહ્યા છે. જીરા વાયદો પ્રતિ કિવન્ટલે ૧૯૮૦૦ રૂપિયા સ્તરે અને હાજરમાં પ્રતિ મણે ૩૮૦૦ થી ૪૦૦૦ ની સપાટીએ બજાર ટકેલી છે. વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે જીરાની વિદેશી ડિમાન્ડ નબળી રહેવાને કારણે એપ્રિલ-૨૦૨૫માં જીરાની નિકાસ વર્ષે દહાડે સરેરાશ અડધી જેવી થઈ છે. એક વર્ષ પહેલા જીરાની નિકાસ લગભગ આડત્રીસ હજાર ટન આસપાસ હતી. જે હાલમાં તુટીને માંડ ૧૯૭૦૦ ટનની આસપાસના સ્તરે હોવાના અહેવાલો છે. ખેડૂતો પાસે હજી પણ વીસેક લાખ બોરી હોવા પૈકી સીઝન પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજી ૩ થી ૪ લાખ બોરીની ખપત બાદ કરતાં લગભગ ૧૫ થી ૧૬ લાખ બોરી જીરાનો માલ કેરી ફોરવર્ડ સ્ટોક રહે તેવી ગણત્રી છે. જે નવા નિકાસ ઓર્ડર મળે ત્યાં સુધી બજાર ઉપર અસર પાડી શકે તેમ છે. ઘાણામાં નિકાસની વધેલી પૂછપરછને કારણે વાયદામાં ધીમી ગતિએ બજારો સુધારા તરફ જઈ રહી છે. જુલાઈ ઓગસ્ટમાં તહેવારોની સીઝન દરમ્યાન સ્થાનિક તથા વિદેશી માંગ નીકળવાની અપેક્ષાએ બજારમાં થોડી મુવમેન્ટ જોવા મળી રહી છે. ધાણા વાયદો ૭૫૦૦ની સપાટીએ પહોચે તે પહેલાં એકવાર બજાર તુટીને ૬૭૦૦ થી ૬૮૦૦ ના સ્તરે રહે તેવી સંભાવના વેપારી વર્ગમાં પ્રબળ છે. અજમામાં પણ આવકો ઘટવા છતાં ઘરાકી સારી હોવાને લીધે બજાર ટકેલી છે. ઉઝા યાર્ડમાં અજમાની સરેરાશ ૧૫૦૦ બોરી આવક સામે સુપર ગ્રીન અજમાની બજાર ૨૦૦૦ થી ૨૫૦૦ ની રેન્જમાં ટકેલી હોવાનું કોમોડિટીના જયવદનગાંધીએ જણાવેલ છે. ગત વર્ષની સરખામણીએ કપાસ તથા સોયાબીનના વાવેતરમાં ઘટાડો થઈને આ વર્ષે મગફળીનું વાવેતર વધે તેવી શક્યતાઓ હાલમાં પ્રવર્તી રહી છે. આ વર્ષે લગભગ ૨૫ ટકાનો મગફળીના વાવેતરમાં વધારો થાય તેમ છે. જો પાકને અનુકૂળ મોસમ રહે તો મગફળીનો ૫૫ થી ૬૦ લાખ ટન આસપાસ ઉત્પાદન થાય તેવી વકી છે. જેના લીધે હાલના ભાવો ૫૪૦૦ થી તુટીને ૫૨૦૦ થાય તેવી શક્યતા પણ જોવાઈ રહી છે. રાજય સરકારે કુલ ૧૩.૫૭ લાખ ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરી છે. મગફળી ઉપરાંત અન્ય તેલીબીયાં એરંડા બજાર આજકાલ ભારે ચર્ચાસ્પદ બની રહી છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલને લીધે પીઠાઓમાં આવકો તુટતાં હાજર તથા વાયદામાં બજારો સુધારા ઉપર જઈ રહી છે. છેલ્લા દશેક દિવસમાં પ્રતિ મણે ૫૦ થી ૬૦ રૂપિયાના સુધારા સાથે ભાવો ૧૩૫૦ ની આસપાસની સપાટીએ રહેતાં એરંડાનો સ્ટોક ધરાવતા વેપારીઓ તથા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
આ વર્ષે સારા ચોમાસાને કારણે દાળોનું વાવેતર લગભગ ત્રણ ગણા ઉછળીને નવ લાખ હેકટરમાં થવાના અંદાજ સામે ડિમાન્ડમાં પણ નોંધપાત્ર ઘટાડો થવાના પગલે છેલ્લા બે માસમાં દાળોની આયાતમાં લગભગ ૩૫ થી ૩૭ ટકાનો નોંધપાત્ર ઘટાડો થાય છે. સાથે સાથે દાળોની બજાર પણ છેલ્લા સાત વર્ષના નીચા સ્તરે ખૂબ સસ્તી ચાલી રહી છે. હોલસેલ બજારમાં છેલ્લા એક વર્ષમાં અડદની દાળ ૨૧ ટકાના ઘટાડા સાથે પ્રતિકિવન્ટલે ૯૭૨૫ રૂપિયાથી તુટીને ૭૬૫૦ રૂપિયાના નીચા સ્તરે ચાલી રહી છે. તેજ પ્રમાણે ચણાની દાળ પણ ૧૮ ટકાના ઘટાડા સાથે ૭૧૫૦ થી ઘટીને ૫૮૨૫ રૂપિયા આસપાસ તેમજ મગની દાળ પણ ૮૪૦૦ રૂપિયાથી તુટીને ૭૧૦૦ રૂપિયા ચાલી રહી છે. મસુર દાળ પણ ૬૨૫૦ થી ઘટીને ૬૧૫૦ રૂપિયા પ્રતિ કિવન્ટલે આવી છે. વર્ષ ૨૦૨૪ એપ્રિલ- મે માસમાં દાળોની આયાત ૭૮૨ મિલિયન ડોલરની હતી જે વર્ષ ૨૦૨૫ એપ્રિલ-મે દરમ્યાન તુટીને ૪૯૨ મિલિયન ડોલરના નીચા સ્તરે જોવા મળી રહી છે. સરકારે ટેકાના ભાવે દાળોની નોધપાત્ર ખરીદી ચાલુ રાખતાં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતાં દાળોની ખેતીમાં આ વર્ષે ત્રણ ગણો વધારો નોંધાયો છે. આજ પ્રમાણે તેલીબીયામાં પણ આયાત-નિકાસ ડયુટી છાશવારે બદલ્યા સિવાય ખેડૂતોને લાભ થાય તેવી પોલિસી બનાવે તો તેલીબીયાં પણ ટૂંકાગાળામાં ઝડપથી સ્વનિર્ભર બની શકાય તેમ છે.