- કોમોડિટી કરંટ
- અનાજ સિવાય તમામ કૃષિ ઉત્પાદનોમાં મંદીનો માહોલ
કેન્દ્ર સરકારે ખરીફ ઉપજ ખાસ કરીને દાળો તથા તેલીબીયાંનાં ટેકાના ભાવો જાહેર કરી ખેડૂતોને આપેલ આશ્વાસન અંતર્ગત તાજેતરમાં ઉત્તર પ્રદેશ તથા ગુજરાતની પ્રમુખ કૃષિ ઉપજોની સરકારી ખરીદી માટે લગભગ ૧૩ થી ૧૪ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. કેન્દ્રિય કૃષિ મંત્રીએ અગાઉ પણ ખેડૂતોની તમામ કૃષિ ઉપજો સરકાર ખરીદ કરશે તેવી અનેક વાર ઇચ્છા દર્શાવી હતી. ખેડૂતોને ઘણા વર્ષોથી કઠોળ તથા તેલીબીયાંના ઉત્પાદન બાદ અપેક્ષિત પોષણક્ષમ ભાવો નહિ મળવાની વ્યાપક રાવ છે. તાજેતરમાં ગુજરાતમાંથી ખરીદી માટે કેન્દ્ર સરકારે તૈયારી દર્શાવી છે. જેમાં ૪૭ થી ૪૮ હજાર ટન અડદની ખરીદી માટે ૩૭૫ કરોડ રૂપિયા, એકાદ લાખ ટન સોયાબીનની ખરીદી માટે ૫૮૦ થી ૫૯૦ કરોડ રૂપિયા અને ૧૦ થી ૧૨ લાખ ટન મગફળી માટે નવેક હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે. સામે ઉત્તર પ્રદેશમાંથી અડદનો તમામ માલ લગભગ ૨૨ થી ૨૩ હજાર ટનની ખરીદી માટે ૧૭૦૦ થી ૧૮૦૦ કરોડ રૂપિયા, તુવેર ખરીદી માટે ૯૧૦ કરોડ, ૩૦ કરોડ તલ અને ૭૦૦ થી ૮૦૦ કરોડ રૂપિયા મગફળીની ખરીદી માટે ફાળવ્યા હોવાના અહેવાલો છે.
જો કે હાલમાં પ્રમુખ દાળો જેવી કે અડદ, મગ, તુવેર, મસુર ઉપરાંત સોયાબીન-મગફળી જેવા તેલીબીયાંની બજાર ટેકાના ભાવો કરતાં નીચી ચાલી રહી છે. જો કે, ઘઉં, જવ, જવાર, બાજરી, મકાઇ જેવા પાકોની બજારો ટેકાના ભાવો કરતાં ઉંચી પણ જોવા મળી રહી છે. સરકારે ઘઉંના ટેકાના ભાવો પ્રતિ કિવન્ટલે રૂપિયા ૨૪૨૫ જાહેર કર્યા છે. આજકાલ ઘઉંનો આટો બનાવતી કંપનીઓ ફલોર મિલરોની લેવાલીના પ્રેસરના કારણે ઘઉં બજારમાં તેજીનું મોજુ ફેલાયું છે. આ ઉપરાંત સરકારે જાહેર વિતરણ માટે પણ લગભગ ત્રીસેક લાખ ટન ઘઉંની ફાળવણી કરી છે. સ્થાનિક બજારોમાં સ્ટોકિસ્ટો પાસે પણ સારા પ્રમાણમાં ઘઉંનો જથ્થો સંગ્રહિત છે. ઘઉંનો નવો પાક બજારમાં આવવાને હજી છ થી સાત મહિનાનો સમય બાકી છે. આગામી સમયમાં દશેરાથી માંડીને દિવાળી સુધીના તહેવારો અને નવેમ્બર-ડિસેમ્બરથી લગ્નસરાની સીઝન ચાલુ હોવાથી માંગ પણ સતત રહે છે. સરકારે પોતાનો ઘઉં સ્ટોક બજારમાં ખુલ્લા વેચાણ માટેની કોઈ તારીખો જાહેર નહિ કરી હોવાથી સ્ટોકીસ્ટોની વેચવાલી ઓછી થઈ ગઈ છે. અને ફલોર મિલરોની ખરીદી નીકળતાં સ્થાનિક બજારમાં તેજીની હવા ચાલી રહી છે. સરકાર પાસે હજુ પણ છેલ્લા ચાર વર્ષના ઉંચા સ્તર સુધીનો સ્ટોક પડયો હોવાની ચર્ચા વ્યાપક છે. આજે ૨૮૦૦ થી ૩૦૦૦ ની રેન્જમાં ઘઉંની બજાર જોવા મળી રહી છે.
તેલીબીયાં સૌથી વધુ ઉત્પાદન ધરાવતા મગફળીના દાણાની નિકાસમાં આજકાલ ભારે બ્રેક જોવા મળી રહી છે. ઇન્ડોનેશિયાએ ભારતીય સીંગદાણાની આયાત ઉપર આલ્ફાટોકશિનના પ્રશ્ને પ્રતિબંધ લાદયો છે. જેથી ભારતીય સીંગદાણાની નિકાસને અસર થઈ છે. સાથે સાથે ભારતીય એગ્રી કોમોડિટીની નિકાસ માટે કામ કરતી સંસ્થા અપેડાએ સીંગદાણાની નિકાસ માટે નવા કડક નિયમો લાગુ કરતાં દેશમાંથી સીંગદાણાની નિકાસ ઉપર ભારે ફટકો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવી વધુમાં ઉલ્લેખ કરેલ છે કે અપેડાએ યુરોપ યુનિયનમાં નિકાસ માટે જે કડક નિયમો છે તે તમામ નોન યુરોપ દેશો માટે લાગુ કર્યા છે. જેમાં નિકાસકારોએ હવેથી અપેડામાં રજીસ્ટર્ડ હોય તેવા કારખાનાઓ પાસેથી દાણો ખરીદ કરવો ઉપરાંત મગફળીની ખરીદી પણ માર્કેટીંગ યાર્ડ તથા અપેડા રજીસ્ટર્ડ વેપારી પાસેથી કરવી તેવા પ્રકારના નિયમો લાગુ કરવાની સામે સાથે જીયો ટેગ પણ ફરજિયાત અમલી કરતાં નિકાસકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
બીજી તરફ ઘઉંની નિકાસમાં છુટછાટ આપવા ઉઠેલી માંગ સંદર્ભે સરકારે દેશની ખાધ સુરક્ષાની ચકાસણી બાદ નિર્ણય લેવાની તૈયારી દર્શાવી છે. હાલમાં ઘઉંના આટાની નિકાસને મંજુરી છે. ઘઉંની નવી સીઝન પહેલાં નિકાસને હાલમાં લીલી ઝંડી મળે તેવી શક્યતા જણાતી નથી. આ ઉપરાંત વટાણાની ડયુટી મુક્ત આયાતની મુદત ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી લંબાવવાના પગલે સમગ્ર મામલો કોર્ટ સુધી લાંબો થયો છે. આ નિતી માર્ચ-૨૦૨૪ માં પૂર્ણ થનાર હતી પરંતુ તબક્કાવાર સતત મુદત વધારવામાં આવતાં સ્થાનિક સ્તરે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહિ મળતાં વ્યાપક નારાજગી છવાઈ છે.


