Get The App

બ્રિટન સાથેનો ફ્રી ટ્રેડ કરાર ખેડૂતો અને નિકાસકારો માટે ગેમ ચેન્જર બનશે ખરો ?

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
બ્રિટન સાથેનો ફ્રી ટ્રેડ કરાર ખેડૂતો અને નિકાસકારો માટે ગેમ ચેન્જર બનશે ખરો ? 1 - image


- કોમોડિટી કરંટ

- બ્રિટન સાથે 80 ટકા સુધીની ડયુટી ઝીરો થતાં નિકાસકારોમાં સળવળાટ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની તાજેતરની બ્રિટનની મુલાકાત દરમ્યાન ભારત તથા બ્રિટન વચ્ચે કોઈપણ પ્રકારની ડયુટી વગર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)  બાબતે થયેલી સમજૂતીઓ બાદ ભારતીય ખેડૂતોને અને કૃષિ વેપારને કેટલો ફાયદો થશે તે બાબતે મિડીયામાં અનેક પ્રકારની વાતો પ્રકાશિત થઈ રહી છે. ન્યૂઝ એજન્સી PTI ના અહેવાલો પ્રમાણે ફ્રી ટ્રેડ કરારોના કારણે ભારતીય ખેડૂતોને તેમજ નિકાસકારોને ભારે ફાયદો થવાનો દાવો છે. જેમાં ફળો, શાકભાજી, મસાલા, રેડી-ટુ-ઈટ તૈયાર ફૂડ પ્રોડક્સ સહિત ૯૫ પ્રકારની આઈટમોનો સમાવેશ FTA કેટેગરીમાં કરવામાં આવ્યો છે. બ્રિટનના પ્રિમીયમ બજારોમાં ભારતીય ખાદ્યચીજોને ખાસ જગ્યા પર મળનાર છે. આયાત ડયુટી મુક્ત વેપારને કારણે અન્ય દેશોની સરખામણીએ ભારતીય ખાદ્યચીજો ભાવોમાં પણ હરિફાઈ કરી શકશે તેવી હાલમાં વાતો ચર્ચાસ્પદ છે. આગામી ત્રણેક વર્ષોમાં ભારતીય કૃષિ નિકાસમાં લગભગ વીસેક ટકાનો વધારો થવાની સંભાવના દર્શાવાઈ છે. ભારતીય અનાજ, મસાલા, ઓર્ગેનિક જડી બુટ્ટીઓ તેમજ દરિયાઈ ખાદ્ય ઉત્પાદનોની પણ બ્રિટનમાં ડયુટી વિના બ્રિટનમાં વેચાણ થઈ શકશે તેવા અહેવાલો છે. ભારતીય બ્રાન્ડેડ ઉત્પાદનો જેવા કે કોફી, ચા, મસાલા તેમજ પીણાઓ, આચાર સહિત અનેક ખાદ્ય ઉત્પાદનો હવે બ્રિટનના બજારમાં ધૂમ મચાવશે તેવી આશાઓ ઉદ્ભવી છે. ઉપરોક્ત ઉત્પાદનો ઉપર આ અગાઉ બ્રિટનમાં ૭૦ ટકા જેટલી ભારે ડયુટી લાગતી હતી. જે હવે ઘટીને શૂન્ય થઈ જતાં બ્રિટન સાથે ભારતીય ખાદ્ય ચીજોનો વેપાર આગામી સમયમાં ખૂબ વિકાસ કરશે તેવી અપેક્ષાઓ અને ગણતરીઓ સેવાઈ રહી છે. જો કે ભારતીય ડેરી ઉત્પાદનો તથા ખાદ્ય તેલોનો સમાવેશ નહિ હોવાના પણ  અહેવાલો મીડીયામાં પ્રવર્તી રહ્યાં છે. અત્યાર સુધી બ્રિટન સાથે વર્ષે દહાડે ૧૪ બિલીયન ડોલરનો નિકાસ વેપાર ભારતનો રહ્યો છે. જેમાં ડયુટી વિના નિકાસની છૂટ મળતાં  વર્ષે દહાડે ૨૦ થી ૨૫ ટકા નિકાસનો વધારો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.

ઉપરોક્ત બંને દેશો વચ્ચેની સમજૂતીને કારણે દેશના ઘણા રાજ્યોને ફાયદો થવાની શક્યતાઓ છે. જેમ કે મહારાષ્ટ્રમાં ડુંગળી, હળદર, દ્રાક્ષ જેવી ચીજો તથા ગુજરાતમાં કપાસ, મગફળીને અને હરિયાણા-પંજાબને બાસમતી ચોખાને તેમજ કેરળને મસાલા ચીજોની બ્રિટનના બજારમાં સ્પેશિયલ ઓળખ ઉભી થશે તેવી સંભાવનાઓ તેજ છે. મસાલા ચીજોમાં ભારતીય હળદરની નિકાસ નવા કરારોને કારણે નોંધપાત્ર વધવાની શક્યતા છે. હળદરના ઉત્પાદન તેમજ નિકાસમાં વિશ્વાસમાં ભારત સૌથી આગળ છે. ભારતમાં વર્ષે દહાડે ૧૦ થી ૧૧ લાખ ટન હળદરનું ઉત્પાદન થાય છે. એટલે કે ૮૦ ટકા ઉત્પાદન એકલા ભારતમાં થાય છે. બીજા સ્થાને ચીનમાં માંડ ૮ થી ૧૦ ટકા હળદરનું ઉત્પાદન છે. ભારતીય હળદરની ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ૧.૩૫ લાખ ટન ઉપરાંતની નિકાસ થઈ હતી. જેમાં બાંગ્લાદેશમાં ૨૫ થી ૨૬ હજાર ટન, સંયુક્ત આરબ અમીરાતમાં ૨૨ હજાર ટન, મલેશિયામાં છ થી સાડ છ હજાર ટન તથા અમેરિકામાં પણ છ હજાર ટન આસપાસની નિકાસ થઈ છે. હળદરના હાલના ભાવો પ્રતિ ટને ૧૨૯૦૦થી ૧૩૨૦૦ રૂપિયાની આસપાસના છે. હળદરની નવી સીઝન છ-સાત મહિના બાદ ફેબુ્રઆરીથી એપ્રિલ-૨૦૨૬ દરમ્યાન આવનાર હોવાથી ત્યાં સુધીનો ૧૨ થી ૧૩ હજાર રૂપિયાનસ રેન્જમાં બજાર રહેશે તેવી વકી છે. બીજી તરફ જીરા બજારમાં હાલમાં માલના સપ્લાય સામે નબળી ઘરાકીના કારણે વેપારોમાં ભારે સુસ્તી પ્રવર્તી રહી છે. જીરા વાયદો ગત અઠવાડિયે તુટીને ૧૮૯૦૦થી ૧૮૭૦૦ની રેન્જમાં નીચા સ્તરે રહ્યો છે. ખેડૂતો પાસે હજી પણ વીસેક લાખ બોરી જેટલો સ્ટોક હોવાની શક્યતા વ્યક્ત કરતાં કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ વધુમાં જણાવેલ છે કે ઉભી બજારમાં જીરા ભરેલા ગોડાઉનો હજી પણ ચિક્કાર છે.

Tags :