- કોમોડિટી કરંટ
- જીરૂ, મરચાં, હળદરમાં તેજીનો ખેલ પાડવાની આશંકા
આજકાલ વૈશ્વિક તણાવ ભરી સ્થિતિને કારણે ભારતીય કૃષિ નિકાસને અસર પડી રહી છે ત્યારે કૃષિ પેદાશોની નિકાસને પ્રોત્સાહન મળે તે હેતુથી ભારત સરકારે કમર કસી છે. આ સંદર્ભે આજે સોમવાર ૨૬ જાન્યુઆરીથી પાંચ દિવસના શરૂ થયેલા ગુલફુડ ૨૦૨૬ એક્ઝીબિશનમાં દેશના ૨૫ રાજ્યોના ૧૬૦ ઉપરાંત સ્પર્ધકોએ ભાગ લીધો છે. દુનિયાના ૧૯૫ દેશોમાંથી લગભગ ૮૫૦૦ ઉપરાંત સ્પર્ધકોની ઉપસ્થિતિમાં ભારતીય પ્રોસેસ ફુડ, ફ્રોઝન ફુડ તથા વિવિધ દાળો સહિત ભારતીય ફુડનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે.
ભારતીય ફુડની વિવિધતાઓનું પ્રદર્શનના માધ્યમથી વૈશ્વિક બજારમાં બહાર આવવાની તક ભારતે ઝડપીને એડીચોટીનું જોર લગાવ્યું છે. ગુલફુડ એ દુનિયાનો સૌથી મોટો વાર્ષિક ખાદ્ય તથા પીણાનો વેપાર મેળો છે.
દરમ્યાન રાજ્યમાં રવિ સીઝનમાં વાવેતર લગભગ ગત વર્ષ જેટલું રહ્યું છે. જેમાં ઘઉં, મકાઈ, જવ જેવા અનાજોનું વાવેતર વધેલ છે. સામે દાળો તથા તેલીબીયાંનું વાવેતર પણ સંતોષકારક રીતે વધેલ છે. જો કે મસાલામાં જીરૂ તથા ધાણાનું વાવેતર ગતવર્ષની સરખામણીએ ઓછું રહ્યું છે. જેમાં જીરાનું વાવેતર લગભગ ૭૫ હજાર હેકટરના ઘટાડા સાથે સરેરાશ ચારેક લાખ હેકટર અને ધાણાનું ચાર હજાર હેકટરના ઘટાડા સાથે સવા લાખ હેકટરની આસપાસ રહ્યું હોવાના અહેવાલો છે.
આજકાલ રવિપાક હવે તૈયાર થવાના છેલ્લા તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવામાન ખાતાના બદલાવથી માવઠા થવાની ભીતિથી ખેડૂતોના પેટમાં તેલ રેડાયું છે. જેના લીધે જીરા જેવી સેન્સીટીવ કોમોડિટીમાં ઘણા સમયથી સટ્ટાખોરો તેજીનો ખેલ પાડવા સક્રિય થયા હોવાની ચર્ચાઓ છે.
ઊંઝા બજારમાં જીરાની ઓછી આવકો જેમાં સારી ક્વોલીટીવાળા માલોની પ્રિમીયમ ભાવોને કારણે બજારને સપોર્ટ મળી રહ્યો છે. જીરા ઉત્પાદિત અન્ય દેશો તુર્કી, સિરીયા, અફઘાનીસ્તાનમાં રાજકીય અશાંત માહોલને કારણે ઉત્પાદન ઉપર નેગેટીવ અસરો પડી રહી છે. આ વર્ષે જીરાનું રવિ સીઝનમાં ઉત્પાદન ૯૦થી ૯૨ લાખ બોરીની આસપાસ રહે તેવી ગણત્રી છે. જીરા વાયદો પણ ગયા અઠવાડિયે પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૨૪૮૦૦ થી ૨૫૩૦૦ની રેન્જમાં હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે.
સાથે સાથે હળદરમાં આ વર્ષે વાવેતરમાં લગભગ પાંચેક ટકાના વધારા સાથે ત્રણેક લાખ હેકટરમાં થતાં સરેરાશ ૧૧.૪૦ લાખ ટન ઉત્પાદન થવાની ધારણાઓ છે.
જો કે સ્ટોકિસ્ટો તથા ખેડૂતોએ ઉંચા ભાવો મળવાની ગણત્રીએ નવો માલ બજારમાં ઓછો લાવી રહ્યા હોવાથી હળદરની આવકો તુટી છે. ચાલુ સીઝનમાં કુલ સરેરાશ ઉત્પાદન લગભગ સવા કરોડ બોરીની આસપાસ રહે તેવી ધારણાઓ છે. કર્ણાટકમાં ઉત્પાદન ઓછું છે. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ સાતેક માસમાં લાલ મરચાની નિકાસ સરેરાશ ૪.૩૨ લાખ ટન થતાં કુલ ૫૮૦૦ કરોડ રૂપિયાની આસપાસ આવક રહી છે.
જો કે ભારત તથા યુરોપિયન સંઘ વચ્ચે ચાલી રહેલ દ્વિપક્ષીય મુક્ત વેપાર સમજુતીઓમાં કૃષિ ઉપજોને સામેલ નહિ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવી રહ્યો છે. જો કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જી.એમ. (જિનેટિકલી મોડીફાઇડ) સરસવ હાઈબ્રીડનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદનની લીલી ઝંડી આપવા આગળ વધી હોવાના અહેવાલો છે.
જો મંજુરી મળે તો દેશમાં તેલીબીયાના સરેરાશ ઉત્પાદનમાં સુધારો થવાની ગણત્રી છે. જેના લીધે વિદેશી તેલોની આયાત ઓછી થવાની શક્યતાઓ છે. ભારતમાં સરેરાશ ૧૫૦ લાખ ટનની આસપાસ વાર્ષિક ખાદ્યતેલની આયાત થાય છે જે નિયંત્રિત કરવું હાલમાં અત્યંત જરૂરી બન્યું છે.


