ભારે વરસાદથી ખરીફ પાકોને નુકશાનની ભીતિ-કઠોળમાં તેજીની વકી
- કોમોડિટી કરંટ
NCDEXમાંથી હલકા માલોની ડિલીવરી મળતાં ભારે બબાલ : સાંગલી હળદર બજાર અનિશ્ચિત મુદત સુધી બંધ
ગયા અઠવાડિયે NCDEXમાંથી ખરાબ ક્વોલીટીની હળદરની ડિલેવરી વેપારીઓને મળતાં ભારે હોબાળો વચ્ચે મોટો વિવાદ થયો છે. હલકી ગુણવત્તાવાળી હળદર સામે વિરોધ દર્શાવી મહારાષ્ટ્રના સાંગલી હળદર બજાર અનિશ્ચિત મુદત માટે બંધ કરી દેવામાં આવ્યું છે. વેપારીઓમાં ચર્ચાસ્પદ થવા મુજબ નિઝામાબાદ માર્કેટમાં હળદરના નવા કોન્ટ્રાક્ટ વધતા જતા હોવાથી કેટલાક વેપારીઓને આશંકા ગઈ હતી કે હળદરની સીમિત આવકો છતાં કોન્ટ્રાક્ટ્સ કેમ થાય છે ? આ બાબતે ફરિયાદો એક્સચેન્જ સુધી પહોંચતાં તપાસ ટીમની જાણકારીમાં આવ્યું કે હળદરના કોન્ટ્રાક્ટ જ ડિલેવરીમાં મળતો માલ ખરાબ ગુણવત્તા વાળો હતો. જેમાં કેટલાક વેપારીઓ હલકી ક્વોલીટીના માલોને નિઝામાબાદનો માલ ગણાવી ભેળસેળ કરી ખરાબ માલ એક્સચેન્જને પધરાવી દેવાનો મોટે પાસે કારસો કર્યો હોવાનું ખુલ્યું હતું. આ રેકેટમાં કોની સંડોવણી છે તે બાબતે તપાસ કરવા માંગ ઉઠી છે. ખાસ કરીને હળદરના મોટા પીઠા સાંગલી APMC તથા વેપારીઓએ ભારે વિરોધ દર્શાવી અનિશ્ચિત સમય સુધી બજાર બંધ કરી દેતાં ભારે વિવાદાસ્પદ મામલો બન્યો છે. જોકે કોઈ બાયર એક્સચેન્જમાંથી હળદરની ડિલેવરી લેવા આવે ત્યારે હળદર એક્સચેન્જના પેરામીટર મુજબ હોય તેવો માલ મળે તે ઈચ્છનીય હોય છે. નવી સીઝનની હળદર સારી ગુણવત્તાવાળી હોવાથી જુના માલોની સરખામણીયે પ્રિમીયમ પર ચાલી રહી છે. લોકલ માંગની સાથે સાથે નિકાસમાં પણ ત્રણેક ટકાના વધારા સાથે એપ્રિલ-જુન-૨૦૨૫ દરમ્યાન લગભગ ૪૮ હજાર ટનની આસપાસ રહી છે. હાલમાં પણ ૧૩૨૦૦ થી ૧૩૪૦૦ રૂપિયાની રેન્જમાં હળદર બજાર ચાલી રહી છે. આ ઉપરાંત જીરૂ, મેથી, ઈસબગુલ, વરીયાળી રાય તમામ મસાલા બજારોમાં પણ માંગના અભાવે વેપારોમાં ભારે સુસ્તી છે જીરા NCDEX વાયદામાં પણ ૩૩૦૦થી ૩૩૫૦ ટનનો સ્ટોક ઉપલબ્ધ રહ્યો છે. જે પહેલાં કરતાં અડધો થયો છે. ઘણા સમયથી વાયદામાં વેચવાલીનું પ્રેસર સતત વધી રહ્યું છે. જોકે શોર્ટ કવરિંગને કારણે જીરા વાયદો મામુલી વધારા સાથે પ્રતિ કિન્ટલે ૧૯૬૦૦ થી ૧૯૮૦૦ સુધી રેન્જમાં ચાલી રહ્યો છે. સીઝનના અંત સુધીમાં હજુ ૩ થી ૪ લાખ બોરીના વેપારો થવાની ગણત્રી સાથે ૧૫ થી ૧૬ લાખ બોરી માલ કેરીફોરવર્ડ રહે તેમ છે. ભારતની સાથે સાથે જીરાના અન્ય ઉત્પાદક દેશો ચીનમાં ૭૦ થી ૮૦ હજાર ટન, સીરિયામાં ૯થી ૧૦ હજાર ટન, તુકીમાં ૧૦થી ૧૧ હજાર ટન તથા અફઘાનીસ્તાનમાં ૧૦થી ૧૨ હજાર ટન જીરાનો માલ હોવાની ધારણા પ્રવર્તી રહી છે. ભારતીય જીરાની નિકાસ પણ એપ્રિલથી જૂન-૨૦૨૫ દરમ્યાન લગભગ વીસેક ટાકાના ઘટાડા સાથે સાઈઠ હજાર ટનની આસપાસ થઈ છે.
અન્ય મસાલા પાક મેથીમાં પણ ઘટાડાના અભાવે બજારો સ્થિર બની છે. જો આવકોનું પ્રેસર ઓછું થતાં ભાવોમાં સામાન્ય ૫૦થી ૧૦૦ રૂપિયાની વધ-ઘટ સાથે સરેરાશ પ્રતિ કિવન્ટલે રૂપિયા ૪૭૦૦થી ૫૨૦૦ની રેન્જમાં બજાર છે. આ વર્ષે ખેડૂતોને મેથીના પોષણક્ષમ ભાવો નહિ મળવાને કારણે આગામી સમયમાં મેથીનું વાવેતર તૂટે તેવી સંભાવના છે. મેથી ઉત્પાદક રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા ગુજરાતમાં વધુ વાવેતર ઓક્ટોબરમાં શરૂ થવાની ગણત્રી છે તેમ કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે.
દરમ્યાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદને કારણે ખરીફ પાકોમાં નુકશાનની ભીતિ ખાસ કરીને કઠોળનો પાક બગડવાની શક્યતાઓ વધુ છે. જેના લીધે કઠોળ બજાર તેજી વધવાની દિશામાં જઈ રહી છે. હાલમાં મગના ભાવો ૧૪૦૦થી ૧૫૦૦, અડદના ૧૬૦૦ થી ૧૬૫૦, ચણાના ૧૦૦૦ થી ૧૨૦૦ તથા તુવેરના ભાવો ૯૦૦થી ૧૦૦૦ની રેન્જમાં તેજી તરફી રહ્યા છે. મસાલામાં પણ જીરા બજાર પ્રતિ મણે ૩૧૦૦થી વધીને ૩૪૦૦, ધાણા બજાર ૯૦૦થી ઉછળીને ૧૩૦૦ રૂપિયા અને રાયડા ભાવો પણ ૧૧૫૦થી વધીને ૧૨૧૫ રૂપિયા સરેરાશ તેજી તરફી ચોમાસામાં ઓછા માલ સપ્લાયને કારણે વધી રહ્યા છે. તેલીબીયામાં કપાસની કિંમતો ૯૦૦થી વધીને ૧૬૫૦ તથા એરંડિયાના ૧૧૫૦થી વધીને ૧૨૫૦ રૂપિયા જોવા મળી રહી છે. જોકે આ વર્ષે સીઝનમાં ૭૦થી ૭૫ ટકા વરસાદ થઈ જતાં ખેડૂતોએ રાહતનો દમ ખેચ્યો છે.