- કોમોડિટી કરંટ
- ટ્રમ્પના યુટર્નથી ખાદ્ય નિકાસકારોને ભારે રાહત : ખાદ્ય નિકાસને કરોડનો ફાયદો થવાની વકી
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગયા અઠવાડિયે અચાનક યુ-ટર્ન લઈને ખાદ્ય પદાર્થો ઉપર લાદેલ ટેરિફ હટાવી લેતાં ભારતીય નિકાસકારોએ રાહતનો દમ ખેંચ્યો છે. ટ્રમ્પે ટેરિફ દૂર કરવા પાછળ અમેરિકનોની વધુ પડતી નારાજગી બહાર આવી હોવાનું પરિબળ મુખ્ય રહ્યું છે. ટ્રમ્પના બીજા કાર્યકાળની ચૂંટણીઓ આવી રહી હોવાથી ટ્રમ્પ સરકારે પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી છે. અમેરિકામાં ખાદ્ય ચીજોની મોંઘવારીના ઇસ્યુએ ટ્રમ્પ સરકારની ઉંઘ ઉડાડી દીધી છે. ચા, કોફી, ફળફળાદિ, મસાલા સહિત ૨૦૦ ઉપરાંત ખાદ્ય ચીજો કે જેનું ઉત્પાદન અમેરિકામાં થતુ નથી તે તમામ ઉપરની આયાત ડયુટી ટેરિફ રાતોરાત હટાવી લેવા ટ્રમ્પ સરકાર મજબૂર બની હોવાનું ચર્ચાસ્પદ રહ્યું છે. જે હોય તે પણ આખરે ભારતીય નિકાસ ઉદ્યોગને ટ્રમ્પના ઉપરોકત નિર્ણયના કારણે લગભગ ૨૨ થી ૨૬ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થવાની ગણતરી સેવાઈ રહી છે. કાળા મરી, મરચાં, ઇલાયચી, જીરૂ, આદુ, હળદર, ચા, કોફી સહિત વિવિધ કૃષિ ઉત્પાદનોને ભારે ફાયદો થવાની સંભાવના છે. અગાઉ ટ્રમ્પ સરકારે ૫૦ ટકાસુધી ટેરિફ ડયૂટી લાદવાને કારણે ભારતીય કૃષિ નિકાસને નોંધપાત્ર ફટકો પડયો હતો. ટ્રમ્પના નિર્ણયને ફેડરેશન ઓફ ઇન્ડીયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન (ખૈંઈર્ં) એ પણ આવકાર્યું છે. સપ્ટેમ્બર- ૨૦૨૫ થી ટેરિફ વધ્યા બાદ અમેરિકામાં થતી ભારતીય નિકાસને લગભગ ૧૨ ટકા ઉપરાંત ફટકો રહ્યો છે. હવે ભારતીય નિકાસને સકારાત્મક અસરોને લીધે નિકાસકારોને વિયતનામ તથા બ્રાઝીલ જેવા હરિફોની સાપેક્ષો પ્રોત્સાહન વધુ રહેશે તેમ છે.
જો કે બીજી તરફ બુલિયન કોમોડિટી ઉપરના ભારે ટેરિફને લીધે રત્ન તથા આભૂષણોની નિકાસમાં ઓકટોબરમાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. ભારતમાંથી હીરા, સોનું, ચાંદી પ્લેટિનમની સાથે સાથે નકલી આભૂષણોની પણ મોટે પાયે નિકાસ થાય છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોથી આભૂષણોની નિકાસમાં દશેક ટકા ઉપરાંત ઘટાડો થઈ રહ્યો હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવી રહ્યા છે.
દરમ્યાન ગયા ખરીફ સીઝનમાં માવઠાઓના કારણે કૃષિ ઉત્પાદન ઉપર માઠી આસરને કારણે અપેક્ષિત લક્ષ્યાંકમાં પણ ગાબડા પડવાની ભીતિ સેવાઈ રહી છે. જેના લીધે વિદેશી દાળોની આયાત આગામી સમયમાં જળવાઈ રહે તેવી વકી છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયના અહેવાલો પ્રમાણે દાળોમાં સૌથી વધુ વપરાશ ધરાવતી તુવેરનું ગત વર્ષે ૩૬ લાખ ટન ઉત્પાદન સામે આ વર્ષે ખરીફ સીઝનમાં પાંચ થી છ લાખ ટનનો ઘટાડો થાય તેમ છે. સાથે સાથે અડદ, મગ, મસુરમાં પણ ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે. વૈશ્વિક સ્તરે દાળોના વ્યાપક ઉત્પાદનને લીધે બજાર ખાસુ નીચે રહેતાં હરિફાઈ વધી ગઈ છે. સ્થાનિક સ્તરે દાળોનું ઉત્પાદન નબળું રહેવા સામે વૈશ્વિક બજાર સસ્તુ હોવાથી પ્રમુખ દાળોની આયાત સતત રહે તેમ છે. રવિ સીઝનમાં દાળો તથા અન્ય કૃષિ ઉત્પાદન કેવું રહે છે તેની ઉપર આયાદ-નિકાસની પોલિસી બદલાય તેવી સ્થિતિ છે. હાલમાં મસુર બજાર નીચી હોવાથી આગામીસમયમાં આયાત કંટ્રોલ કરવા માટે ૩૦ ટકા આયાત ડયુટી સરકાર લાદે તેવી સંભાવના બજારમાં ભારે ચર્ચાસ્પદ બની છે.બીજી તરફ ઊંઝા સહિત રાજ્યના કૃષિ બજારોમાં મસાલા ચીજોની આવક પ્રમાણમાં મર્યાદિત છે. જો કે ડોમેસ્ટિક તથા વિદેશી નબળી માંગને કારણે સ્થાનિક બજારમાં સુસ્તી પ્રવર્તી રહી છે. જીરા બજારમાં માંગની સામે પૂરતો પુરવઠો ઉપલબ્ધ હોવાથી રેન્જ બાઉન્ડ ભાવો રહે છે. મીડલ ઇસ્ટ દેશોમાંથી અપૂરતી ડિમાન્ડની સામે ગલ્ફ દેશો તથા ચીન તરફથી જીરાની ડિમાન્ડમાં સુધારો રહેતાં બજાર સેન્સીટીવ થઈ રહ્યું છે. જો કે એપ્રિલથી ઓગસ્ટ-૨૫ દરમ્યાન એક્સપોર્ટ વોલ્યુમમાં લગભગ પંદરેક ટકાનો ઘટાડો રહ્યો હોવાની ચર્ચા છે. જીરાનું રવિ સીઝનમાં કેવું વાવેતર રહે છે તેની ઉપર મીટ મંડાઈ છે. ગુજરાત તથા રાજસ્થાનમાં જીરાનું સવિશેષ ઉત્પાદન થાય છે. હાલમાં ચીન, સીરિયા, તુર્કી અને અફઘાનીસ્તાન જેવા જીરા ઉત્પાદક અન્ય દેશોમાં ખરાબ મોસમને કારણે ગ્લોબલ પ્રોડકશન ઉપર અસર પડે તેમ છે. હળદરમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક જેવા વિસ્તારોમાં માવઠાઓને કારણે રોગાચળો ફેલાતાં ઉત્પાદન ઉપર અસર પડવાની વકી છે. જેના લીધે ઉત્પાદન ઘટે તો તેજી થવાની સંભાવના બજારમાં ચર્ચાસ્પદ બન્યું છે.


