Get The App

માવઠાને કારણે રવિ પાકોના ઉત્પાદનમાં નુકશાનીની ભીતિ

Updated: Mar 22nd, 2026

GS TEAM

Google News
Google News
માવઠાને કારણે રવિ પાકોના ઉત્પાદનમાં નુકશાનીની ભીતિ 1 - image

- કોમોડિટી કરંટ

- જીરૂ, ધાણા,ઇસબગુલમાં માલ શોર્ટેજ થવાની શક્યતાઓને પગલે તેજીના એંધાણ

ગુજરાત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં ગયા અઠવાડિયે થયેલા ભારે વાવાઝોડા તથા માવઠાને કારણે રવિ પાકના અનાજ, દાળો, તેલીબીયાંની સાથે સાથે કેળાં, કેરી, ચીકુ તેમજ મસાલા પાકને નુકશાન ભીતિ વધુ છે. રવિ સીઝનના અંતિમ તબક્કામાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોને નોંધપાત્ર નુકશાન થવાની દહેશત છે. રવિ સીઝનમાં દેશમાં ૧૭૪૫ લાખ મેટ્રિક ટન ખાદ્ય અનાજ ઉત્પાદનની અપેક્ષા સરકારને છે. દાળોના ઉત્પાદનમાં સાતેક ટકાનો વધારો અંદાજ છે. પાકની કાપણીના સમયે અચાનક ગરમી વધી જવી તેમજ માવઠાને કારણે પાક સર્વેના અનુમાનો ઉપર પાણી ફરી શકે છે. સરકારે ઘઉંના ટેકાના ભાવોમાં વધારો કરતા આ વર્ષે ઘઉંનું ઉત્પાદન પણ બમ્બર સ્તરે લગભગ ૧૧૭ મિલીયન મેટ્રિક ટનના સ્તરે છે. તેલીબીયાંમાં રાયડાનું ઉત્પાદન દસેક ટકાનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ સોયાબીનમાં ઉત્પાદન ઓછું છે. યુદ્ધની સ્થિતિને ધ્યાને રાખીને સરકારે હાલમાં આયાત નીતિ યથાવત્ રાખી છે. તુવેર, ચણા, અડદની આયાત ડયુટી મુક્ત છે. મસુર ઉપર ૧૦ ટકા તથા પીળી મટર ઉપર ૩૦ ટકા આયાત ડયુટી છે. દેશમાં દર વર્ષે લગભગ ૫૦થી ૬૦ લાખ ટન દાળોની આયાત થાય છે. ડોલરની સામે રૂપિયો સતત તુટવાની સાથે સાથે યુદ્ધને કારણે ખાદ્ય ચીજોની આયાત પણ મોંઘી પડી રહી છે. યુદ્ધ લાંબુ ચાલે તો દેશમાં ખાદ્ય ચીજોના ભાવો પણ વધી શકે છે.

દરમ્યાન રાજ્યના કૃષિ બજારોમાં આજકાલ રવિ પાકોની આવકો સતત વધી રહી છે. રાજ્યના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની ૩૫ થી ૪૦ હજાર બોરી, વરીયાળી, ૫૦૦૦ બોરી, ઇસબગુલ ૧૫૦૦ બોરી ઉપરાંત ધાણા, સુવા, અજમો, તલ જેવા પાકોની નવી આવકો ઠલવાઈ રહી છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે ઊંઝા યાર્ડમાં નવા માલોની સાથે સાથે જીરાના જુના માલોની પણ ૩૫૦૦ થી ૪૦૦૦ બોરી આવકો છે. સરેરાશ ભાવો ૩૯૦૦ થી ૪૨૦૦ ની રેન્જમાં રેન્જ બાઉન્ડ સ્થિતિમાં છે. જીરા વાયદો પણ પ્રતિ ક્વિન્ટલે ૨૧૯૦૦ થી ૨૨૦૦૦ ની રેન્જ છે. જોકે જીરાના બેસ્ટ માલોની ડિમાન્ડ વધુ છે. યુદ્ધના કારણે જીરાના અન્ય ઉત્પાદિત દેશો ઈરાન, ઇરાક, સિરીયા, તુર્કી દેશોના માલો પણ અટવાશે તેવી ભીતિ છે.

હાલમાં જીરાના નિકાસના કામકાજ લગભગ બંધ સ્થિતિ છે. પોર્ટ ઉપર કેટલાય કન્ટેનરો અટવાઈ જતાં નિકાસકારોના જીવ તાળવે ચોંટયા છે. શિપમેન્ટ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે કંડલા પોર્ટ ઉપર પડી રહેલા કન્ટેનરોના પાર્કીંગ ભાડામાં છુટછાટ આપી ભાડાં માફ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે. કંડલા પોર્ટ ઓથોરિટી દ્વારા આયાત નિકાસના કન્ટેનરોના પાર્કીંગ ભાડાં તેમજ અન્ય સગવડો પણ ઉપલબ્ધ થાય તેવી રાહતો શરૂ કરી રહ્યા છે. સ્ટોકિસ્ટો પણ હવે તેજીની સંભાવનાએ જરૂરિયાત મુજબનો માલ ખરીદી રહ્યા છે. આ વર્ષે જીરાનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ ઓછું રહેવા ઉપરાંત હાલની યુદ્ધની અનિશ્ચિત કટોકટીના કારણે લાંબે ગાળે તેજીની શક્યતાઓ બજારમાં ચર્ચાસ્પદ છે.

જીરાની સમાંતર સૌરાષ્ટ્ર તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશના પીઠાઓમાં ધાણાની આવકોનું પ્રેસર વધી રહ્યું છે. ગુજરાતમાં દૈનિક ૩૫ થી ૪૦ હજાર બોરીની આવકો સામે ઘરાકી ચાલુ હોવાથી સરેરાશ ૯ થી ૧૦ હજાર રૂપિયાની આસપાસની બજાર છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ સરેરાશ ૬૦ થી ૭૦ હજાર બોરીની આવકો પીઠાઓમાં છે. યુદ્ધની અસરથી જીરાની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એપ્રિલથી ડિસેમ્બર-૨૦૨૫ ની સરખામણીએ આ વર્ષે લગભગ ૧૦ થી ૧૨ ટકાનો સરેરાશ નિકાસમાં ઘટાડો નોંધાયો છે.

ઇસબગુલ ઉત્પાદિત રાજસ્થાનના બાડમેર, જેસલમેર, જાલોર, નોખા જેવા વિસ્તારોમાં માવઠાને કારણે ઉત્પાદન ઉપર ૧૦ થી ૧૫ ટકાનું નુકશાનની ભીતિ છે. ઇસબગુલના વાવેતરમાં મોટા કાપની સાથે સાથે ઉત્પાદન સમયે કુદરતી કહેરના કારણે ઉતારો કપાતાં ચાલુ વર્ષે દેશમાં ઇસબગુલનું ઉત્પાદન સરેરાશ ૨૦ થી ૨૨ લાખ બોરી થવાની સંભાવના છે. જે ગત વર્ષે ૨૦૨૫ માં ૨૮ થી ૩૦ લાખ બોરી અને ૨૦૨૪ માં ૩૮ થી ૪૦ લાખ બોરી આસપાસ નોંધાયું હતું. ઇસબગુલની નિકાસ પણ બે-ત્રણ વર્ષથી સતત ઘટીને ૪૮ થી ૫૦ હજાર ટનની આસપાસ સીમીત રહી છે.