- કોમોડિટી કરંટ
- અમેરિકી જીએમ મકાઈને ભારતમાં મંજુરી મળે તો ખેડૂતોમાં ભારે નારાજગીના એંધાણ
ગુજરાતમાં સરેરાશ ૩૮ થી ૪૦ ઇંચ વરસાદ બાદ હવે ચોમાસું છેલ્લા તબક્કામાંથી પસાર થઈ રહ્યું હોવાથી ખેડૂતો હવે આગામી રવિ વાવેતરના અભ્યાસમાં લાગી ગયા છે. જોકે આયાત-નિકાસ તથા ટેક્સની સરકારી નીતિઓને કારણે ખેતીમાં ખાસ કરીને કઠોળ તથા તેલીબિયાંમાં સ્વનિર્ભર થઈ શક્યા નથી. આ બાબતે ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો નહિ મળવાને કારણે સરકાર સામે વ્યાપક નારાજગી પ્રવર્તી રહી છે. સસ્તા વિદેશી માલો સ્થાનિક સ્તરે ઠલવાતાં કઠોળ ઉત્પાદકોને યોગ્ય ભાવો નહિ મળવાની પણ રાવ વ્યાપક છે. ટેકાના ભાવો કરતાં નીચી બજાર હોવાથી દાળો તથા તેલીબિયાંમાં ખેડૂતોને ભારે નુકશાની થવાની રાવ છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે ટેકાના ભાવો મગમાં પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૮૭૬૮, અડદના ૭૮૦૦ તથા તુવેરના ૮૦૦૦ રૂપિયા જાહેર કર્યા છે. જેની સામે ખુલ્લા બજારમાં પ્રતિ ક્વિન્ટલે મગના ૭૨૨૦, અડદના ૬૩૬૮ તથા તુવેરના ૬૨૨૨ રૂપિયા જથ્થાબંધ સ્તરે જોવા મળી રહ્યા છે. આ જ પ્રમાણે તેલીબિયાંમાં મગફળીના ટેકાના ભાવો ૭૨૬૩ તથા સોયાબીનના ૫૩૨૮ રૂપિયા છે જ્યારે બજાર ભાવો અનુક્રમે ૫૬૮૨ તથા ૪૨૬૨ છે.
આમ સરેરાશ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૧૦૦૦ થી ૧૮૦૦ સુધી નીચે સ્તરે બજાર ટેકાના ભાવો કરતાં ચાલી રહી છે. જો આ સ્થિતિ રહે આગામી મહિનાથી શરૂ થતા રવિ વાવેતરમાં કઠોળ તથા તેલીબીયાંનું વાવેતરમાં ઘટાડો થઇ શકે તેવી દહેશત પણ છે. જો કે ચાલુ ખરીફ સીઝનમાં ગુજરાતમાં સૌથી વધુ વાવેતર મગફળીનું રહ્યું છે. મગફળીના વાવેતરમાં સરેરાશ ત્રણેક લાખ હૅક્ટરનો ઉછાળો નોંધાયો છે. એરંડાનું વાવેતર પણ પ્રમાણમાં વધુ છે જ્યારે સોયાબીનના વાવેતરમાં થોડો ઘટાડો થયો છે. દાળોમાં સૌથી વધુ તુવેરમાં ૬૦ થી ૬૫ હજાર હેક્ટરના વધારો રહ્યો છે. આ ઉપરાંત અડદ તથા મગમાં પણ ગત વર્ષ જેટલું વાવેતર રહ્યું છે. કપાસનું વાવેતર ચાલુ વર્ષે લગભગ અઢીથી પોણા ત્રણ લાખ હૅક્ટર જેટલું કપાયું છે.
દરમ્યાન દેશના ટોચના વૈજ્ઞાનિકોએ જીનેટિકલી મોડિફાઈડ જીએમ સરસવની ખેતી ઉપર લાગેલ પ્રતિબંધ હટાવવાની માંગ કરી છે. રવિ વાવેતર શરૂ થાય તે પહેલાં પ્રતિબંધ દૂર થાય તો જીએમ સરસવની ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહિત તથા માર્ગદર્શન માટેનો સમય મળી રહે તેવી રજૂઆત કેન્દ્ર સરકાર સમક્ષ કરી કૃષિ વૈજ્ઞાનિકોએ વધુ જણાવ્યું છે કે જીએમ સરસવ બીજ સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી વિકસીત કરવામાં આવ્યું છે. ખાદ્યતેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર થવા માટે જીએમ સરસવનું બિયારણ ખૂબ મદદરૂપ થઈ શકે તેમ હોવાથી સત્વરે લીલીઝંડી મળે તેવો આગ્રહ છે. DMH-11 નામની ઉચ્ચ ઉપજવાળી જીએમ હાઈબ્રિડ પ્રજાતિનું ડેવલપમેન્ટ સ્વદેશી સ્તરે તૈયાર કરાયું હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો છે. જો કે જીએમ સરસવ માટેનું ક્લીયરન્સ કેન્દ્રિય પર્યાવરણ તથા વન મંત્રાલય દ્વારા ઓક્ટોબર ૨૦૨૨માં આપવામાં આવેલ હતું પરંતુ સમગ્ર મામલો સુપ્રિમ કોર્ટમાં જતાં હાલમાં પ્રોસેસ અટકી છે.
બીજી તરફ તાજેતરમાં ભારત-અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય બેઠકમાં અમેરિકા તેની જીએમ મકાઈ ભારતને વેચવા માટે ખૂબ દબાણ કરી રહ્યું છે. જો અમેરિકી જીએમ મકાઈ આયાત શરૂ થાય તો સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી તથા આઘાત લાગશે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હાલમાં ભારતમાં જીએમ ખાદ્ય ચીજોના ઉત્પાદન, આયાત, કારોબાર તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ છે. જેમાં મકાઈ તથા સોયાબીન પણ સામેલ છે. એકમાત્ર BT કપાસને લીલી ઝંડી છે. પેટ્રોલમાં મિશ્રણ થતું ઇથેનોલના ઉત્પાદનમાં મકાઈનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. જેના લીધે છેલ્લા બે વર્ષથી મકાઈ બજાર મજબૂત બની રહી છે. ખેડૂતો પણ મકાઈની ખેતી માટે વધુ પ્રોત્સાહિત થઈ રહ્યા છે. હાલની ખરીફ સીઝનમાં પણ મકાઈનું વાવેતર રેકોર્ડ બ્રેક સ્તરે છે.


