Get The App

તુવેરમાં ખેડૂત વિરોધી આયાત પોલિસીને કારણે ભારે નારાજગી

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
તુવેરમાં ખેડૂત વિરોધી આયાત પોલિસીને કારણે ભારે નારાજગી 1 - image

- કોમોડિટી કરંટ

આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસાના પ્રભાવ હેઠળ દેશના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં સરેરાશ નવથી દશ ટકા વધુ વરસાદ થવાને કારણે ગુજરાત સહિત દેશના ૧૬૦ ઉપરાંત જળાશયોમાં પાણીના સંગ્રહનું સ્તર વધીને ૫૫ ટકા ઉપરાંતનું થયું છે. છેલ્લા એકાદ માસથી સતત વરસાદને કારણે સરેરાશ ૧૮થી ૨૦ ઇંચનો આંકડો પાર થઇ ગયો છે. રાજ્યમાં પણ વરસાદ ૫૧ ટકા ઉપરાંત થતાં ખરીફ વાવેતરનું કામકાજ પૂરજોસમાં ચાલતાં ૫૫થી ૬૦ ટકા વાવણી સંપન્ન થઇ છે. તેલીબીયાં તેમજ કઠોળનું વાવેતર પ્રમાણમાં નોંધપાત્ર થયેલ છે. તેલીબીયામાં આ વર્ષે કપાસનું વાવેતર ઘટવા સામે મગફળીનું વાવેતર નોંધપાત્ર વધેલ છે. ગત વર્ષે કપાસમાં અપેક્ષિત વળતર નહિ મળવાને કારણે ખેડૂત વર્ગ મગફળી તરફ ફંટાયો છે. દાળોના વાવેતરમાં ગત વર્ષ કરતાં દોઢાથી બમણો વધારો થયો છે. ખાસ તુવેર આયાતમાં કેન્દ્ર સરકારની હાલની નીતિને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મેળવવામાં નુકસાનકર્તા પૂરવાર થઇ રહી હોવાની વ્યાપક રાવ ઉઠી છે. ગતવર્ષથી ચાલી રહેલી વિદેશી તુવેર આયાતમાં જીરો ટકા ડયુટીને કારણે ભાવો તળિયે આવી ગયા છે. સરકારની આ પ્રકારની નીતિ ચાલુ રહેશે તો દાળોમાં આત્મનિર્ભર થવાનું લક્ષ્ય ક્યારેય પૂરૂ નહિ થાય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. જીરો ટકા આયાત ડયુટીનો દરવાજો સરકારે માર્ચ ૨૦૨૬ સુધી ખુલ્લો રાખતાં ખેડૂતો માટે ઘાતક પૂરવાર થઇ રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક વર્ષથી સરેરાશ ૨.૩૦ લાખ હેક્ટરમાં તુવેરની ખેતી થાય છે. અગાઉના બે વર્ષ દરમ્યાન દેશમાં તુવેરના પુરવઠાની અછતના કારણે ખેડૂતોને પ્રતિ મણે બે હજાર પ્લસના બજાર ભાવો મળ્યા હતા. પરંતુ જીરો ડયુટી આયાતથી મોટે પાયે વિદેશી દાળો દેશમાં ઠલવાતાં ભાવો પ્રતિ મણે ૧૩૦૦ થી ૧૫૦૦ની રેન્જમાં નીચે સરક્યા હતા. સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં તુવેરના ટેકાના ભાવો ૧૪૦૦ કર્યા હતા. જે વર્ષે ૨૦૨૫-૨૬ માટે ૧૬૦૦ રૂપિયા કર્યા છે.

સરકાર મ્યાનમાર તથા આફ્રિકી દેશોમાંથી મોટી માત્રામાં તુવેરની આયાત કરી રહી છે. ચાલુ વર્ષે એપ્રિલથી જુન ૨૦૨૫ના ત્રિમાસિક ગાળા દરમ્યાન તુવેરની આયાત વધીને ૨.૪૨ લાખ ટનની સપાટી પાર કરી છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમ્યાન વર્ષે દહાડે લગભગ સાતથી આઠ લાખ ટનની આસપાસ હતી. જે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન વધીને બાર લાખ ટન ઉપરાંતની સપાટી પાર કરી છે. દેશમાં તુવેરનું સારા પ્રમાણમાં ઉત્પાદન છતાં વિદેશી તુવેરની ભરપૂર આયાત થઇ રહી હોવાથી તુવેરનો પુરવઠો વધી જતાં બજારમાં તેજીના કોઈ ચાન્સ રહ્યા નથી. ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળવાની અપેક્ષા ઉપર હાલમાં પાણી ફેરવાઈ રહ્યું હોવાની વ્યાપક રાવ પ્રવર્તી રહી છે.

મગફળીનું વાવેતર પણ આ વર્ષે તેજ રફતાર પકડી છે. દેશમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તેલાંગણ તેમજ મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં પણ મગફળીનું વાવેતર સારા પ્રમાણમાં થાય છે. ગત વર્ષથી સરખામણીએ ગુજરાતમાં મગફળીની વાવણી વધીને ૧૮થી ૧૯ લાખ હેકટરમાં, રાજસ્થાનમાં આઠથી નવ લાખ હેકટરમાં થઇ છે. હજી ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વાવેતર ચાલુ રહે તો વાવણીના આંકડા વધી શકે છે. ટૂંકમાં દેશમાં આ વર્ષે મગફળીનું સરેરાશ વાવેતર ૨૮ લાખ હેકટરથી વધીને ૩૩થી ૩૫ લાખ હેકટર ઉપરાંત થઇ શકે હોવાનું જયવદન ગાંધીએ જણાવેલ છે.

દરમ્યાન દેશમાં ઘઉંના પૂરતા સ્ટોકને પગલે ઘઉંની પ્રોડક્ટસની નિકાસને છૂટછાટ મળે તેવી શક્યતાઓ વધી છે. દેશમાં ઘઉંનો પુરવઠો અને સ્ટોક પર્યાપ્ત માત્રામાં હોવાના ઉપરાંત ઉત્પાદન પણ સારા પ્રમાણમાં થઇ રહ્યું હોવાથી નિકાસમાં છુટછાટ મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨માં રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે વૈશ્વિક અનિશ્ચિતતા તેમજ દેશમાં ઘઉંનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં જળવાઈ રહે તે માટે મે-૨૦૨૨માં ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તેમજ ત્રણ-ચાર માસ બાદ ઓગસ્ટ-૨૦૨૨થી ઘઉંના લોટની નિકાસ ઉપર પાબંધી લાદી હતી. તેમ છતાં કેટલીક છુટછાટને કારણે વર્ષ ૨૦૨૫માં નેપાળ, ઇરાક, સંયુક્ત આરબ અમીરાત જેવા દેશોમાં ઘઉંની નિકાસ થઇ હતી.