Get The App

ફેડરલ રિઝર્વના ઈસ્યૂના કારણે સોના-ચાંદીમાં ધડાકો થયો હોવાની આશંકા

Updated: Feb 1st, 2026

GS TEAM

Google News
Google News
ફેડરલ રિઝર્વના ઈસ્યૂના કારણે સોના-ચાંદીમાં ધડાકો થયો હોવાની આશંકા 1 - image

- કોમોડિટી કરંટ

- કૃષિ બજારોમાં રવિ પાકોની નવી આવકોના શ્રીગણેશ વેપારોમાં વધેલો ધમધમાટ

ગત સપ્તાહમાં કોમોડિટી સેક્ટરમાં ખાસ કરીને કિંમતી ધાતુ સોના-ચાંદીમાં તેજીનો ફુગ્ગો ફુટી જતાં બજાર નોંધપાત્ર લેવલથી પછડાતાં વિશ્વભરમાં ટોક ઓફ કોમોડિટી બની ભારે ચર્ચાસ્પદ રહ્યું છે. સોના-ચાંદીમાં અચાનક ભારે ઘટાડા પાછળ બજારમાં અનેક તર્ક-વિર્તક સાથે વિશ્લેષણો જવાબદાર હોવાની વાતો પૈકી મુખ્ય પરિબળ અમેરિકી કોમોડિટી એક્સચેન્જ કોમેક્સ ઉપર મહિના આખરની એક્સપાઇરી હોવાથી નફારૂપી ભારે વેચવાલીની સાથે સાથે અમેરિકાની મુખ્ય બેંક ફેડરલ રિઝર્વના ગર્વનર જેરોમ પોવેલ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે વ્યાજદરોમાં ઘટાડો કરવાના મુદ્દે થયેલા ટકરાવને જવાબદાર હોવાની ચર્ચા છે. અમેરિકા દ્વારા ટેરિફ વધારાની પોલિસીને કારણે મોંઘવારીમાં નોંધપાત્ર થયેલા ઉછાળાના મુદ્દાને દબાવવા માટે વ્યાજદરોમાં ઘટાડો કરવાની રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઈચ્છાને ફેડરલ રિઝર્વ બેંકના ગર્વનરે નકારી કાઢતાં મામલો ગરમાયો હોવાનું બહાર આવી રહ્યું છે. આ મુદ્દે ટ્રમ્પે બેંકના ગર્વનરને તાત્કાલિક અસરથી હટાવી અન્ય કેવીન વોર્ષ નામના અધિકારીને ગર્વનરની જવાબદારી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. ટૂંકમાં અમેરિકાના સમગ્ર ખેલને કારણે સોના-ચાંદીમાં ધડાકો થતાં અંદાજે ત્રણેક ટ્રિલીયન ડોલરનું ધોવાણ થયું હોવાની ચર્ચા છે.

આ ઉપરાંત ગત સપ્તાહમાં ભારતે યુરોપિયન યુનિયન સાથે કરેલી બિઝનેશ ડીલના કારણે ભારતીય મસાલા બજારને ૨૭ જેટલા યુરોપિયન દેશોમાં ડયુટી મુક્ત ટેક્ષ વગર વેપાર કરવાની નવી તકો ખુલતાં નિકાસકારોમાં ભારે હાશકારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ટ્રમ્પના ટેરિફના કારણે નિકાસ સતત ઘટતી રહી હોવાથી નિકાસકારો માટે ચિંતાનો માહોલ છવાયો હતો. જોકે યુરોપના નવા નિયમોને આધિન નિકાસ પ્રક્રિયા કરવાની હોવાથી નિકાસકારોને કેટલો ફાયદો રહેશે તે આગામી સમય બતાવશે તેવું છે. હાલમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે લગભગ અંદાજે ૧૧થી ૧૨ લાખ કરોડનો દ્વિપક્ષીય વેપાર છે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ચા, કોફી, મસાલા, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જવેલરી તથા ઓટો ક્ષેત્રને પણ ફાયદો થવાની ગણત્રી છે.

દરમ્યાન શિયાળાની આકરી ઠંડી વચ્ચે રવિ પાકો હવે છેલ્લાં તબક્કામાં છે. આ સંજોગોમાં માવઠાની આગાહીઓને કારણે ખેડૂતોનો જીવ તાળવે ચોંટયો છે. કૃષિ બજારોમાં જીરૂ, ધાણા, વરીયાળી જેવા નવા માલોની આવકોના શ્રીગણેશ થયા છે. જોકે ફેબુ્રઆરી મધ્યથી નવા માલોની આવક નિયમિત અને નોંધપાત્ર થશે તેવી વકી હોવાનું  કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે  છે. જીરા હાજર તથા વાયદામાં બજાર વધતાં જુના માલોની વેચવાલી છુટી છે. પરંતુ જીરામાં લોકલ તથા વિદેશી ડિમાન્ડ નબળી હોવાથી તેજીનો સપોર્ટ નહિ મળતો હોવાની ચર્ચા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જીરાના વાવેતરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે પણ ૧૬થી ૧૭ ટકાનો ઘટાડો થયો હોવાની આશંકાને પગલે તેમજ બદલાતા હવામાનને કારણે ઉત્પાદન પણ અપેક્ષિત નહિ રહે તેવી ધારણાથી આ વર્ષે ૯૦ લાખ બોરી આસપાસ ઉત્પાદન થાય તેવી ચર્ચા છે. વરીયાળીમાં પણ બજારમાં ઓછી આવકો તથા મર્યાદિત માંગને કારણે તેજી થવાની શક્યતા ઓછી છે. કૃષિ બજારોમાં એકાદ હજાર બોરીની નવી આવકોનો પ્રવાહ શરૂ છે. વર્ષ ૨૦૨૪ દરમ્યાન વરીયાળીનું લગભગ ૩૮થી ૪૦ લાખ બોરીનું રેકોર્ડ ઉત્પાદન થયું હોવાની કે આ વર્ષે વરીયાળીનું માંડ અડધુ ઉત્પાદન થાય તેવી ગણત્રી છે.