- કોમોડિટી કરંટ
- ભારતીય તલની નબળી ગુણવત્તાને લીધે વૈશ્વિક સ્તરે માંગમાં ઘટાડો
આ વર્ષે ચોમાસામાં ગુજરાત સહિત દેશભરમાં સરેરાશ ૩૫થી ૪૦ ઇંચ વરસાદને કારણે ખરીફ વાવેતરમાં ક્યાંક ને ક્યાંક થોડું ઘણુ નુકસાનની ભીતિ છે પરંતુ ખરીફ વાવેતર આ વર્ષ જેટલું રહ્યું છે. ગુજરાતમાં ખરીફ વાવેતર લગભગ ૮૩થી ૮૪ લાખ હેક્ટરની આસપાસ રહ્યું છે. જેમાં તેલીબીયામાં મગફળીને બાદ કરતાં તલ, કપાસ, રાયડો જેવી ચીજોના વાવેતર ઘટયા છે. જો કે મગફળી તથા એરંડાના વાવેતરમાં ૧૨થી ૧૪ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કઠોળમાં સરેરાશ ૧૩થી ૧૪ ટકાનો વધારો છે જેમાં તુવેરમાં ૨૮ ટકા અને મઠમાં ૧૬ ટકાનો ઉછાળો નોંધાયો છે. વરસાદના છેલ્લા રાઉન્ડમાં એરંડાના બેલ્ટ ગણાતા બનાસકાંઠાના થરાદ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી નુકશાનની ભીતિ વધુ સેવાઈ રહી છે. હવે જો વરસાદ બંધ રહે અને ઉઘાડ નીકળે તો આગામી પખવાડિયામાં નવી આવકોનો દોર શરૂ થવાની ગણત્રી છે.
તેલીબીયાંમાં આત્મનિર્ભર થવાની સરકારી પોલીસી છતાં ગમે તે કારણોસર આ વર્ષે તેલીબિયાં તથા કઠોળમાં અપેક્ષિત ઉત્પાદન થવાની સંભાવના ઓછી હોવાના અહેવાલો છે. સોયાબીન બજાર ટેકાના ભાવો કરતાં પણ નીચી ઉતરી જતાં આ વર્ષે વાવેતર હાંસિયામાં ધકેલાયું છે. ખાદ્યતેલ ઉપર આયાત ડયુટીમાં દશેક ટકાનો વધારો થાય તો સોયાબીન સહિત અન્ય ખાદ્યતેલ પાકોની બજાર ટકી રહે અને ખેડૂતોને પણ પોષણક્ષમ ભાવો મળી શકે તેવી વ્યાપાક રાવ છે. ગત વર્ષની જેમ આ વર્ષે સરકાર ટેકાના ભાવેથી ખરીદી શરૂ થાય તો ખેડૂતોમાં જોમ રહે અને બજારને પણ સપોર્ટ રહે તે જરૂરી હોવાનું કોમોડિટીના જયવદન ગાંધી જણાવે છે.
તેલીબીયાંના અન્ય મહત્ત્વના પાક તલમાં આ વર્ષે અપેક્ષિત ગુણવત્તાના અભાવે આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારમાં પાછા પડી રહ્યા છે. તાજેતરમાં તલના જે શિપમેન્ટ કોરિયા ગયા તેમાં ઘણા ખરા ક્વોલીટીના અભાવે રિજેક્ટ થતાં ભારતીય તલની શાખ બગડી છે. પ્રિમીયમ ક્વોલીટીના માલો હોય તો જ વૈશ્વિક વેપારમાં ચાલે છે અને તેવા માલો દેશમાં બહુ ઓછા હોવાથી તાજેતરમાં સાઉથ કોરિયાના અગિયાર હજાર ટનના ટેન્ડરમાં ભારતીય નિકાસકારોને માંડ ૧૩૫૦ થી ૧૪૦૦ ટનના ઓર્ડર મળ્યા છે. સૌથી મોટા ઓર્ડર પાકિસ્તાનને લગભગ ૬૪૦૦થી ૬૫૦૦ ટનના મળ્યા હોવાના અહેવાલો છે. પાકિસ્તાનમાં ચોમાસુ પાક સારા પ્રમાણમાં આવે છે જ્યારે ભારતમાં ચોમાસુ તલનો પાક ઓછો છે. કોરિયન ટાઈપના તલની ક્વોલીટી ભારતમાં નહિ હોવાથી વૈશ્વિક વેપારમાં નિકાસકારો પાછા પડી રહ્યા છે. દેશમાં તલ ઉત્પાદન ઘણા સમયથી ક્રમશઃ તુટી રહ્યું છે. ચાલુ ખરીફ સીઝન દરમ્યાન તલનું વાવેતર રાજસ્થાનમાં ૧.૮૩ લાખ હેકટરથી વધીને ૧.૯૨ લાખ હેકટરમાં થયું છે. જ્યારે અન્ય ઉત્પાદક રાજ્યો ગુજરાતમાં ૪૯ હજાર હેકટરથી ઘટીને ૪૧ હજાર હેક્ટર અને મધ્યપ્રદેસમાં ૩.૩૦ લાખ હેકટરથી તુટીને ૨.૨૭ લાખ હેકટર એટલે એકાદ લાખ હેકટર જેટલો બહુ મોટો ઘટાડો નોંધાયો છે. સાથે સાથે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ તથા કર્ણાટક જેવા રાજ્યોમાં પણ તલનું વાવેતર ઘટયું છે. જો કે તલની ખેતી ખરીફ તથા રવિ એમ બંને સીઝનમાં થાય છે. જ્યારે સોયાબીનની ખેતી માત્ર ખરીફ સીઝનમાં થતી હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે.
દરમ્યાન દેશમાં વટાણાની આયાત ડયુટી ફ્રી હોવાથી મોટાપ્રમાણમાં વિદેશી કઠોળના માલો દેશમાં ઠલવાતા હોવાને કારણે સ્થાનિક સ્તરે સરકારની નીતિને લીધે કઠોળમાં મંદી છવાઈ છે જેનાા લીધે નવી સીઝનમાં કઠોળના વાવેતરને ફટકો પડે તેવી દહેશત ઉભી થઈ છે. દેશમાં તુવેર તથા ચણાનો વ્યાપક મોટા પ્રમાણમાં વપરાશ છે.
દેશના ઘણા રાજ્યોમાં કઠોળ છોડીને મકાઈનું વાવેતર કરતાં કઠોળના ઉત્પાદનમાં વ્યાક ફટકો પડે તેમ છે. સરકારે માર્ચ ૨૦૨૬ સુધી તુવેર, પીળા વટાણા તથા અડદની ડયુટી મુક્ત આયાતને લીલી ઝંડી આપતાં વર્ષ ૨૦૨૪-૨૫માં લગભગ ૬૬ લાખ ટન ઉપરાંત કઠોળની બમણી આયાત થઇ છે.


