Get The App

ચોમાસામાં માંગ અભાવે કૃષિ બજારોમાં મંદીનો માહોલ

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
ચોમાસામાં માંગ અભાવે કૃષિ બજારોમાં મંદીનો માહોલ 1 - image


- કોમોડિટી કરંટ

અમેરિકન રાષ્ટ્રપતિની નવી ટેરિફ નીતિને કારણે અમેરિકામાં મસાલા કારોબાર ઉપર પ્રતિકૂળ અસરો પડવાની સંભાવનાને કારણે મોંઘવારી વધારા સાથે અનેક બાબતોએ નારાજગી બહાર આવી રહી છે. પહેલી ઓગસ્ટથી વિશ્વના એક ડઝન ઉપરાંત દેશો ઉપર ૫૦ ટકા સુધીની આયાત ડયુટી ટેરિફ લાગુ પાડવાની જાહેરાતથી આયાત તથા નિકાસકારોની મુશ્કેલીઓમાં પરેશાનીનો પાર રહ્યો નથી. અમેરિકન સ્પાઇસીસ ટ્રેડ એસોશિયેસન (આસ્ટા) ના મતે વર્ષ ૨૦૨૪ દરમ્યાન અમેરિકામાં ૫૦ ઉપરાંત દેશોમાંથી બે અરબ ડોલરથી વધુ કિંમતના મસાલા તથા મૂલ્ય સંવર્ધિત મસાલા ઉત્પાદનો આયાત કરવામાં આવ્યા હતા. હવે નવી ટેરિફ પોલિસીના કારણે કિંમતોમાં તોતીંગ વધારો થવાની વકી છે. મોટાભાગની મસાલા ચીજોનું અમેરિકામાં ઉત્પાદન થતું નથી અને વિદેશોથી મોટી માત્રામાં આયાત કરવામાં આવે છે ત્યારે આયાત ખર્ચ વધવાથી સરવાળે વપરાશકારો ઉપર બોજો પડનાર છે. નવી ટેરિફ નીતિમાં ભારતનો સમાવેશ નથી પરંતુ શ્રીલંકા, વિયેટનામ, ઇન્ડોનેશિયા તથા બ્રાઝિલ જેવા દેશો ઉપર પહેલી ઓગસ્ટથી નવી ટેરિફ નીતિ લાગુ થનાર છે.

ભારતમાં પણ કેન્દ્ર સરકારની આયાત નીતિને કારણે દાળો તથા તેલિબીયાના ઉત્પાદન કરતા ખેડૂતોને પોષણક્ષણ ભાવો નહિ મળવાની વ્યાપક રાવ ઉઠી છે. ખાસ કરીને સૌથી વધુ વપરાશ ધરાવતી તુવેરમાં છેલ્લા પાંચ વર્ષથી ડયુટી મુક્ત આયાતને મંજુરી આપતાં ઓસ્ટ્રેલિયા, આફ્રિકા તથા કેનેડા, મ્યાનમાર, મોઝામ્બિક જેવા દેશોમાંથી મોટા પ્રમાણમાં સસ્તી અને હલકી ગુણવત્તા ધરાવતો માલ દેશમાં ઠલવાઈ ગયો છે. જ્યારે બીજી તરફ તુવેરના ટેકાના ભાવે સરકારી ખરીદી સાવ મર્યાદિત માત્રા થતાં ખુલ્લા બજારમાં ઘરાકીના અભાવે તુવેરનો માલ સસ્તામાં પીટાઈ ગયો છે. સરકારના ટેકાના ભાવ તુવેરના સંદર્ભે સાવ મજાક પુરવાર થયા હોવાની ફરિયાદો છે. વિપક્ષોએ પણ આ બાબતે સરકારનું ધ્યાન દોરી ઘણીવાર રજૂઆતો કરી હોવાનો દાવો વ્યક્ત કર્યો છે. સરકારે તુવેરનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૮૦૦૦ જાહેર કર્યો છે પરંતુ સરકારની પ્રતિકૂળ આયાત નીતિઓને પરિણામે ખેડૂતોને સરેરાશ ૫૫૦૦ થી ૬૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે માલ વેચવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી જેના લીધે ખેડૂતોને તુવેરની ખેતીમાં ભારે નુકશાન વેઠવું પડયું હોવાની રાવ છે. દરમ્યાન છેલ્લા પખવાડિયામાં ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસુ સક્રિય રહેવાને કારણે હાલમાં વાવેતરનું કામકાજ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ચોમાસુ ખેતીમાં કઠોળ તથા દાળોની ખેતીને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. કૃષિ બજારોમાં ખેડૂત માલોની આવકો એકદમ સીમિત મર્યાદામાં આવી રહી હોવાથી તેમજ ચોમાસાને કારણે ઘરાકી પણ ઓછી હોવાને કારણે વેપારોમાં સુસ્તી વર્તાઈ રહી છે. આગામી માસમાં તહેવારોની સીઝન હોવાના કારણે મસાલા ચીજોની ડિમાન્ડ વધવાની અપેક્ષા બજારો સામાન્ય વધ-ઘટે રહ્યા છે. ગયા અઠવાડિયે જીરા વાયદામાં પ્રતિ કિવન્ટલે ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની વધ-ઘટે ભાવો વીસ હજારની સપાટી કુદાવી હતી અને સપ્તાહના અંતે ૧૯૭૦૦ની આસપાસ બજાર રહી હતી. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ વધુમાં જણાવેલ છે કે જીરા બજારમાં ભાવો છેલ્લા ચાર માસમાં બાર ટકાથી વધુનો અને વર્ષ ૨૦૨૫માં ૧૯ ટકાથી વધુનો ઘટાડો થયો છે. જીરાનો નવો પાક બજારમાં આવ્યાને છ મહિના પુરા થવા છતાં બજારને તેજીનો કોઈ સપોર્ટ રહ્યો નથી. હાલમાં ઉત્તર પ્રદેશ, પંજાબ તથા મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાંથી ડિમાન્ડ સારી છે પરંતુ વિદેશોમાં પાડોશી રાષ્ટ્રોને બાદ કરતાં અમેરિકા તથા યુરોપના દેશોમાંથી અપેક્ષિત ડિમાન્ડ નહિવત છે. જીરામાં વધુ પ્રમાણમાં પેસ્ટીસાઇડ હોવાની ફરિયાદોને કારણે યુરોપીય દેશોમાં ભારતીય જીરાને પ્રતિબંધિત કરવામાં આવ્યુ હતું. જીરા સહિત ખાદ્ય ચીજોના વાવેતરમાં શરૂઆતથી પુષ્કળ પ્રમાણમાં પેસ્ટી સાઈડનો ઉપયોગ થતો હોવાથી પેસ્ટાસાઈટયુક્ત ખાદ્ય ચીજોના વપરાશથી કેન્સર, સુગર, હાર્ટએટેક જેવી ગંભીર બિમારીઓનું પ્રમાણ વધી રહ્યું હોવાની વ્યાપક રાવ ઉઠી છે. જેના ભારતીય જીરૂીની નિકાસ દુબઈ તથા આસપાસના પાડોશી દેશો પુરતી થતી હોવાથી નિકાસમાં પણ ફરક પડયો હોવાની ચર્ચા છે. તેમ છતાં જીરા તેમજ અન્ય મસાલાની નિકાસ પ્રમાણમાં સારી રહી છે. જૈવિક ખેતીથી ઓર્ગેનિક પાક ઉત્પાદિત થાય તો ભારતીય કૃષિ ચીજોની ડિમાન્ડ નોંધપાત્ર પ્રમાણમાં બધે તેવી શકયતાઓ વધુ છે.

Tags :