Get The App

કૃષિ કોમોડિટીમાં ટેરિફના કારણે મંદીના વમળોને વધુ ફટકો

Updated: Aug 11th, 2025

GS TEAM

Google News
Google News
કૃષિ કોમોડિટીમાં ટેરિફના કારણે મંદીના વમળોને વધુ ફટકો 1 - image

- કોમોડિટી કરંટ

- ટ્રમ્પ ટેરિફને કારણે ભારત કરતાં અમેરિકામાં વધુ અસર થવાની વકી

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પને ગયા અઠવાડિયે ૨૫ ટકા વધારાના ટેરિફ સાથે કુલ ટેરિફ ૫૦ ટકાની સાથે સાથે કેટલાંક પ્રતિબંધો તથા દંડનીય કાર્યવાહીની ૨૭ ઓગસ્ટથી અમલીકરણ શરૂ કરવાની ઘોષણ થવા ભારત તરફથી કોઈ પ્રતિક્રિયા નહિ આવતાં ટ્રમ્પ પ્રસાશન અટવાઈ ગયું છે. જોકે સમગ્ર ખેલમાં ટ્રમ્પની પેટમાં દુઃખે અને કુટે માથું જેવી સ્થિતિ જોવાઈ રહી છે. ટ્રમ્પે સીઝફાયર કરાવ્યું હોવાની વાતને ઉડાવી દેવી તેમજ બ્રિક્સના દેશો વચ્ચેના આંતર વેપારમાં ડોલરનો છેદ ઉડાવી જેવી મહત્ત્વની બાબતો ટેરિફ પાછળ હોવાનો દાવો થઈ રહ્યો છે. ભારતથી ફાર્માસ્યુટિકલ્સ, મસાલા, અનાજ, સી-ફૂડ, ડેરી પ્રોડક્સ, જ્વેલરી સહિત અનેક ચીજવસ્તુઓની મોટે પાયે નિકાસ થાય છે. જોકે ૫૦ ટકા ટેરિફને કારણે ભારતીય નિકાસ સેક્ટરને ૫૦ થી ૬૦ ટકાનું નુકશાન થવાની વકી છે. ભારતમાંથી અમેરિકા વર્ષે દહાડે ત્રણેક બિલીયન ડોલરનું સી-ફૂડની નિકાસ થાય છે. હવે ૫૦ ટકા ટેરિફને કારણે નિકાસ અડધી થતાં ૨૪ થી ૨૫ હજાર કરોડ રૂપિયાનું નુકશાન થવાની શક્યતા સેવાઈ રહી છે. આજ પ્રમાણે ભારતીય ચોખાની વર્ષે દહાડે ૪૦ થી ૪૨ મિલિયન ડોલરની નિકાસ અમેરિકા થતી હતી. જેમાં હવે ભારે નુકશાન થવાની વકી છે. ભારતીય મસાલામાં જીરૂ, સૂંઠ, હળદર, ઈસબગુલ જેવી ચીજોને મોટી માત્રામાં અમેરિકા નિકાસ થાય છે. હવે ૫૦ ટકા ટેરિફને કારણે ભારતીય ખાધ ચીજો અમેરિકામાં દોઢા ભાવે વેચાશે તે નક્કી બન્યું છે. જેના લીધે ડિમાન્ડમાં નોંધપાત્ર ઘટાડો થવાની પણ સંભાવના તેજ છે. જોકે અમેરિકા તથા યુરોપમાં જૂનથી ઓગસ્ટ મહિના સુધી વેકેશન જેવો માહોલ હોવાથી વેકેશન બાદ ટ્રમ્પ ટેરિફની વાસ્તવિક ખબર પડે તેમ છે. ટ્રમ્પ ટેરિફની આગ અમેરિકાની મોનોપોલી વાળા ઇસબગુલના વેપારને પણ દઝાડશે તે નક્કી છે. ટેરિફનો રેલો ઇસબગુલ તથા જીરૂને અડતાં નિકાસના કામકાજમાં ભારે સુસ્તી આવી છે. ભારતમાં ઉત્પાદિત ઇસબગુલની ૮૦ ટકા નિકાસ તથા ૨૦ ટકા સ્થાનિક સ્તરે વપરાશ છે. જેમાં અમેરિકામાં સૌથી વધુ નિકાસ છે. છેલ્લાં મહિનાઓમાં ઇસબગુલ બજારમાં મોટે પાયે ધોવાણ થઈ રહ્યું છે. સપ્લાય સામે ડિમાન્ડ નોંધપાત્ર તૂટી જતાં ઇસબગુલનો વેપાર મંદીની ગ્રહોદશામાં ચાલી રહ્યો છે. આજ પરિસ્થિતિ જીરા બજારમાં પણ છે. જીરામાં લોકલ તથા વિદેશી ડિમાન્ડના અભાવે વેપારોમાં ભારે સુસ્તી છે. જીરામાં હાલનો લગભગ વીસેક લાખ બોરીનો સ્ટોક હોવાની ચર્ચાના વમળો વચ્ચે દરરોજ તૂટતી બજાર વેપારીઓ માટે શિરદર્દ બન્યું છે. જીરાનો માલબોજો અપેક્ષા કરતાં વધુ હોવાની ગણત્રી અને તેમાં પણ ટ્રમ્પ ટેરિફના પગલાંઓને કારણે નિકાસ ગતિવિધિ અટકી જતાં વેપારો સુસ્ત થઈ ગયા છે. એપ્રિલ-મે-૨૦૨૫ દરમિયાન જીરા નિકાસમાં ૨૭ થી ૨૮ ટકાના ઘટાડા સામે ૪૨ થી ૪૩ ટન થઈ છે. જે એક વર્ષ પહેલાં ૫૮ થી ૫૯ ટન આસપાસ હતી. હાલમાં પણ જીરા વાયદો ૧૮૯૦૦થી ૧૯૦૦૦ની આસપાસ રેન્જ બાઉન્ડ સ્થિતિમાં હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે. હળદરમાં વાવેતર વધવાની આશંકાને પગલે વાયદો પ્રતિ ક્વિન્ટલે ૧૩૦૦૦ની સપાટી તોડી છે. એપ્રિલ-મે-૨૦૨૫ દરમિયાન હળદરની નિકાસ ૮થી ૯ ટકાના વધારા સાથે વર્ષે દહાડે ૩૪ હજાર ટન આસપાસ થઈ છે.

તેલીબિયામાં સૌથી વધુ નિકાસ ધરાવતા એરંડિયા તેલની નિકાસ જૂનના બદલે જુલાઈમાં ૧૧ ટકાનો ઘટાડો થયો છે. જુલાઈમાં એરંડિયાની નિકાસ તૂટીને ૪૮થી ૪૯ હજાર ટન આસપાસ થઈ છે. જ્યારે છેલ્લાં સાત મહિનામાં જુલાઈ સુધીમાં ૩.૯૦ લાખ ટન આસપાસ થઈ છે. રાજ્યમાં એરંડાનો ભાવ હમણાંથી તેજી તરફી રહેતાં ૧૨૮૦થી ૧૩૦૦ની રેન્જમાં ચાલી રહ્યો છે. ગત વર્ષે એરંડાનું વાવેતર તૂટવાથી ઉત્પાદન ઘટાડાને કારણે તજી થવાનું અનુમાન હતું. આ વર્ષે એરંડાનું ખરીફ વાવેતર જુલાઈ સુધીમાં અંદાજે ૧.૩૦ લાખ હેકટરમાં અને રાજસ્થાનમાં ૪૦થી ૪૨ હજાર હેક્ટરમાં થયું હોવાના અહેવાલો છે. જોકે વિદેશી ઊંચા ટેરિફથી બચવા માટે દરેક કૃષિ ચીજોમાં આત્મનિર્ભર બનવા માટે ઉત્પાદન વધે તે માટે અપીલ સરકારે કરી અભિયાન છેડયું છે.