- કોમોડિટી કરંટ
- જીરા-ગવારમાં માંગના અભાવે મંદી અને હળદરમાં પુરવઠાના અભાવે તેજીનો માહોલ
દિવાળી બાદ નવા વર્ષના શુભારંભે કુદરત રૂઠતાં કમોસમી વરસાદના લીધે ખરીફ ખેતી નુકસાનકારકમાં ફેરવાઈ જતાં મોટા ભાગના ખેડૂત વર્ગની કમર તુટી ગઈ છે. સરકારી સહાયની અપેક્ષાએ ખેડૂતોે આપત્તિની પીડા ભૂલીને શિયાળુ રવિ વાવેતરનો ધમધમાટ શરૂ કર્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાત બેલ્ટની પાક નિષ્ફળ થયેલ ખાલી જમીનોમાં રાયડો, જીરૂ, ચણા જેવા પાકોનું વાવેતરથી નવી શરૂઆત કરી છે. ગુજરાત સહિત દેશભરમાં ઓક્ટોબર સુધીમાં કૃષિ મત્રાલયના આંકડાઓ પ્રમાણે લગભગ ૨૫ થી ૩૦ લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. અનાજમાં ઘઉંને બાદ કરતાં દાળો તથા તેલીબીયાંના વાવેતરમાં વધારો જોવા મળી રહ્યો છે. હજી વાવેતરની પ્રક્રિયા શરૂ હોવાથી રવિ પાકોનું ખાસ કરીને દાળો તથા તેલીબીયાંનું ઉત્પાદન વધારા તરફ સરકારનું લક્ષ્ય રહ્યું છે.
ખરીફ સીઝન દરમ્યાન સતત માવઠાઓના કારણે ખાસ કરીને દાળો તથા તેલીબીયાંના પાકને ભારે નુકસાન થયું છે. દાળો તથા ખાદ્યતેલોના સસ્તા ભાવે મોટે પાયે વિદેશી આયાતથી સ્થાનિક બજારોમાં પુરવઠો સરપ્લસ રહેવાને કારણે ભાવો ઉપર સતત પ્રેશર રહેતાં ટેકાના ભાવો કરતાં પણ બજારો નીચા સ્તરે રહી છે. તુવેર, અડદ, મગ, સોયાબીન, મગફળી, મકાઈ, બાજરી, જુવાર સહિતના બજારો ટેકાના ભાવો કરતાં નીચા છે. ગત વર્ષ ઓક્ટોબર-૨૦૨૪ ની સરખામણીએ હાલમાં ત્રણ થી ત્રીસ ટકા જેટલી બજાર નીચી છે. ઓક્ટોબરમાં ખરીફ સીઝનનો પાક તૈયાર થઈ ગયો હોવા છતાં સરકારી ખરીદીની કોઈ તૈયારી હોતી નથી. ખેડૂતોનો જીવનનિર્વાહ ખેતી ઉપર હોવા છતાં સરકારની ઢીલી નીતિને કારણે સરયસર ટેકાના ભાવે ખરીદી નહિ થતાં ખેડૂતોને પરાણે ખુલ્લા બજારમાં નીચા ભાવે કૃષિ માલ કાઢી નાખવા મજબૂર થવું પડે છે. તેમાં પણ કડદા સીસ્ટમથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની રહી છે. દાળો તથા તેલીબીયાંમાં વિદેશી આયાત ઉપર કંટ્રોલ કરવામાં આવે તો પણ તેવી સ્થિતિ પ્રવર્તી રહી હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવે છે.
દરમ્યાન જીરા બજાર ઊંઝામાં દિવાળી બાદ હાલમાં લોકલ તથા વિદેશી ડિમાન્ડમાં સુસ્તી હોવાને કારણે જીરા વાયદો પ્રતિ કિલોએ ૨૦૦ ની સપાટી નીચે રહ્યો છે. થોડી ઘણી તેજીના ભણકારા શાંત થયા છે. રવિ સીઝનમાં જીરાનું વાવેતર કેટલું બને કેવું રહે છે તેની બજાર ટકેલી છે. હાલમાં પર્યાપ્ત પુરવઠો અને સ્ટોકને કારણે બજારમાં કોઈ મોટી વધઘટ નથી. ખેડૂતવર્ગ માટે હજુ પણ વીસેક લાખ બોરી જીરા સ્ટોક હોવાની સંભાવના વચ્ચે નવી સીઝન સુધીમાં પાંચેક લાખ બોરીનો વેપાર થાય તો પણ પંદરેક લાખ બોરી માલ જીરામાં કેરી ફોરવર્ડ રહે તેવી ગણતરી ચર્ચાસ્પદ છે. ચીનમાં ખરાબ મોસમના કારણે ઉત્પાદનનું અનુમાન ૭૦ થી ૮૦ હજાર ટન સુધી ઓછું થયું છે. જ્યારે તુર્કી તથા સિરીયા, અફઘાનિસ્તાનમાં ઉત્પાદન હાલમાં ઓછું છે. આમ છતાં ભારતીય નિકાસ ડિમાન્ડ અપેક્ષા કરતાં ઓછી રહી છે. એપ્રિલથી ઓગસ્ટ-૨૦૨૫ દરમ્યાન શિપમેન્ટ ગત વર્ષ કરતાં ૧૭ ટકાના ઘટાડા સાથે લગબગ ૮૨ થી ૮૫ હજાર ટન આસપાસ રહ્યા છે. હાલમાં જીરા વાયદો પ્રતિ ક્વિન્ટલે ૧૯૮૦૦ થી ૨૦૧૦૦ ની રેન્જ બાઉન્ડ સ્થિતિમાં છે.
હળદર ઉત્પાદિત મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ તથા કર્ણાટકમાં અતિશય વરસાદને કારણે પાકોને નુકસાનની સ્થિતિ છે. રોગચાળો વધી રહ્યો હોવાથી ઉત્પાદન પણ પ્રભાવિત થવાની વકી છે. જેના લીધે હળદર બજારમાં તેજીનો ચમકારો થતાં હળદર વાયદો પ્રતિ ક્વિન્ટલે રૂપિયા ૧૫૨૦૦ ની સપાટી કુદાવી સતત આગળ વધી રહ્યો છે. જો કે આ વર્ષે હળદરમાં દસેક ટકાના વધારા સાથે વાવેતર નોંધપાત્ર રહ્યું છે. ખેડૂતો પાસે હળદરનો મોટો સ્ટોક હોવાની સંભાવના નહિવત્ હોવાથી પુરવઠો ધીમો પડતાં બજાર તેજી તરફી રહ્યું છે. હળદરમાં સ્થાનિક માંગની સમાંતર વિદેશી માંગ પણ વધતાં બજારમાં આજકાલ ગરમી પકડાઈ છે.
ગવારમાં પણ મંદીનો માહોલ છે. નબળી માંગ અને સપ્લાય વધુ હોવાને કારણે બજાર ક્રમશઃ તુટીને ગવાર સીડ ૪૭૦૦ થી નીચે અને ગવારગમ ૮૬૦૦ થી નીચે સપાટીએ આવી છે. સતત મંદીને કારણે વેપારી વર્ગ ગવાર છોડીને અન્ય ધંધામાં શીફ્ટ થયો હોવાનું ચર્ચાસ્પદ છે. આ વર્ષે ગવારનું ઉત્પાદન ૬૫ લાખ બોરી આસપાસ ઓછું હોવા છતાં બજારમાં કોઈ ધમધમાટ ના અભાવે ભારે સુસ્તી છે.


