Get The App

મસાલાની નિકાસમાં 29 ટકાનો ઉછાળો પરંતુ જીરામાં મંદીનો માહોલ

Updated: Sep 8th, 2025

GS TEAM

Google News
Google News
મસાલાની નિકાસમાં 29 ટકાનો ઉછાળો પરંતુ જીરામાં મંદીનો માહોલ 1 - image

- કોમોડિટી કરંટ

- સોનામાં સેન્ટ્રલ બેન્કોની સતત લેવાલીથી દિવાળી સુધીમાં ભાવો દોઢેક લાખ સુધી વધે તેવી શક્યતા

આ વર્ષે ચોમાસુ ખેડૂતો માટે આશીર્વાદરૂપ કે અભિશાપરૂપ તે પ્રશ્નાર્થ બન્યું છે. વૈશ્વિક અશાંતિ તેમજ ટ્રમ્પ ટેરિફને પગલે કોમોડિટી સેક્ટરમાં કહી ખુશી કહી ગમની સ્થિતિ પ્રવર્તી રહી છે. ખરીફ સીઝનની શરૂઆતમાં સમયસર વરસાદ થતાં વાવેતરનો વિસ્તાર વધ્યો છે પરંતુ ઓગસ્ટના અંત સુધીમાં વધુ વરસાદને કારણે લીલો દુકાળ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતમાં પણ સરેરાશ ૩૦ થી ૩૨ ઇંચ વરસાદની સમાંતર હજુ પણ સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે. કપાસ અને ડાંગર પકવતા પંજાબમાં પૂરથી દોઢેક લાખ હેક્ટરમાં ઉભો પાક બરબાદ થવાને આરે છે. પંજાબમાં ઘઉં તથા ચોખાનું વાવેતર પણ નોંધપાત્ર થાય છે. કઠોળ, સોયાબીન તથા કપાસના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

વૈશ્વિક સ્તરે અશાંતિ છતાં ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળા દરમિયાન મસાલા ખાસ કરીને ધાણા, હળદર, સૂંઠ જેવી ચીજોની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે જીરૂ, વરિયાળી, ઇલાયચી, તજ જેવી મસાલા ચીજોની નિકાસ સારા પ્રમાણમાં તુટી છે. સૂત્રોના અહેવાલો પ્રમાણે ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ભારતીય મસાલાની નિકાસ ૨૯ ટકાના વધારા સાથે ૫.૨૦ લાખ ટનની આસપાસ સારા પ્રમાણમાં રહી છે. જેમાં સૌથી વધુ સૂંઠની નિકાસ ૩૭૦ ટકાના વધારા સાથે લગભગ ૪૯ હજાર ટનને પાર થઈ છે. લાલ મરીની નિકાસ પણ ૯૪ ટકાના વધારા સાથે ૨.૨૦ લાખટન ઉપરાંતની થઈ છે. સાથે સાથે ધાણાની નિકાસ ૧૪ ટકાના વધારા સાથે ૧૯ હજાર ટન અને હળદરની નિકાસ ત્રણેક ટકાના ઉછાળા સાથે ૪૮ હજાર ટનને પાર થઈ છે પરંતુ મસાલા કીંગ ગણાતા જીરાની નિકાસ ૧૯ ટકાના ઘટાડા સાથે ૬૨ હજાર ટન અને વરિયાળીની નિકાસ ૧૪ ટકાના ઘટાડા સાથે માંડ આઠથી નવ હજાર ટનની આસપાસ રહી છે.ય્જી્ના દરો પાંચ ટકા કરાતાં જીરા વાયદામાં તેજીનો કરંટ રહેતાં ઓક્ટોબર વાયદો ૧૯૮૦૦ રૂપિયા સુધી ઉંચે રહ્યો હતો. ય્જી્ નમાં ફેરફાર થતાં સથાનિક તેમજ વિદેશી માંગમાં પણ વધારો થવાની શક્યતા વેપારી વર્ગમાં ચર્ચાસ્પદ બની છે. ખેડૂતો પાસે હજુ વીસે લાખ બોરી જીરાનો માલ હોવાની ધારણા છે. સીઝનના અંત સુધીમાં ૪ થી ૫ લાખનો વેપાર થાય તો પણ પંદરેક લાખ બોરી માલ કેરી ફોર્વડ થવાની સંભાવના તેજ છે. વૈશ્વિક સ્તરે પ્રતિકૂળ સંજોગોને કારણે ચીનમાં જીરાનું ઉત્પાદન એકાદ લાખ ટનથી તુટીને ૭૦ થી ૮૦ હજાર ટન અને તુર્કી, સિરીયા, અફઘાનિસ્તાનમાં પણ જીરાનું ઉત્પાદન ઘટીને ૧૦ થી ૧૨ હજાર ટનની આસપાસ રહે તેમ છે. વિદેશોમાં જીરાના નબળાં ઉત્પાદનની ચર્ચા છતાં ભારતીય જીરાની નિકાસ સાવ ધીમી રહી હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવી રહ્યા છે.

તેલીબીયાંમાં ગત સપ્તાહમાં એરંડાની માંગ રહેતાં ભાવોમાં તેજીનો કરંટ રહેતાં બજાર ૧૩૦૦ ને પાર થઈ હતી. એરંડાના તેલનો ઉપયોગ માનવીય સ્વાસ્થ્ય તથા બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં સૌથી વધુ રહે છે. એરંડા ઓક્ટોબર વાયદો ઉછળીને ૬૭૦૦ રૂપિયા પાર થયો હતો. ગવાર સીડમાં બજાર ૫૨૦૦ થી ૫૩૦૦ તેજી તરફી રહ્યા છે. આ વર્ષ ગવારની ખેતી ઘટી છે. છેલ્લા ત્રણેક વર્ષથી ગવારની ખેતીમાં નોંધપાત્ર વળતર નહીં રહેતાં ગવારની ખેતી તુટી રહી છે. છેલ્લા બે માસથી બજાર સતત મંદી તરફી જોવા મળી રહ્યા છે.

દરમ્યાન ટ્રમ્પ ટેરિફ તેમજ વૈશ્વિક યુદ્ધના માહોલને કારણે સૌથી વધુ સેન્સીટીવ ગણાતી બુલિયન કોમોડિટીમાં સોના-ચાંદીની બજારમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. હાલમાં સોના-ચાંદી કૌમોડિટી સૌથી સુરક્ષિત વિકલ્પ બની હોવાથી વિશ્વભરની સેન્ટ્રલ બેંકોની તેમજ સંસ્થાકીય રોકાણકારોની લેવાલી વધી રહી હોવાથી સોના-ચાંદીના ભાવો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. હાલમાં સોનાના ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૧૦૭૦૦૦ અને ચાંદીના ભાવો પ્રતિ કિલોએ ૧૨૬૦૦૦ રૂપિયાના હાઈ લેવલે છે. નબળો થઈ રહેલો રૂપિયાના કારણે સોનાના ભાવો વધુ ઉંચાઈએ દેખાઈ રહ્યા છે. દેશમાં રોકાણકારોનો મુડ હવે સોના તરફી વધુ રહ્યો છે. ગોલ્ડ ઇટીએફમાં જૂન-૨૦૨૫ માં ૨૦૦૦ કરોડનું અને જુલાઈમાં ૧૨૫૬ કરોડનું રોકાણ થયું છે. આ પ્રકારે યુદ્ધની સ્થિતિ રહે તો દિવાળી સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવો ૪૭૦૦ ડોલર પ્રતિ ઔંસના સ્તર વટાવે અને ભારતમાં ૧.૪૫ લાખ થી ૧.૫૦ લાખ રૂપિયા ઉપરાંતની સપાટીએ હાઈ લેવલે સોનાના ભાવો રહે તેવી શક્યતા તેજ બની છે. વૈશ્વિક હાલાત એવી છે કે સોનાની ભાવોની મુસાફરી વધુ લાંબી અને તેજ બની શકે તેવી સંભાવના છે.