એરંડાને પણ લઘુત્તમ ટેકાના ભાવનું રક્ષણ આપવા માંગ
કોમોડિટી કરંટ
દાળોનું ઉત્પાદન વધારવા સાત રાજ્યોના બાર જિલ્લામાં વિશેષ પાયલોટ પ્રોજેક્ટ
ભારત પૂર્વમા બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગરથી ઘેરાયેલો હોવાથી આજકાલ પૂર્વથી પશ્ચિમ દિશાઓમાંથી ચોમાસુ વ્યાપક પ્રમાણમાં સક્રિય થતા નિયત સમય કરતા પહેલા વરસાદે રફતાર પકડી છે જેના લીધે જળાશયોમાં પાણીની આપુર્તિ થવાની સાથે સાથે ખરીફ પાકોનું પણ મોટે પાયે રેકોર્ડ સ્તરે ઉત્પાદન થવાની અપેક્ષા છે ખાસ કરીને ગુજરાત તથા રાજસ્થાનમાં ખરીફ પાકોની વાવણીનું કામકાજ પૂરજોશમાં જોવા મળી રહ્યું છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જુન સુધીમાં ગુજરાતમાં વાવેતર ૨૪ લાખ હેક્ટરથી વધીને લગભગ ૩૪ લાખ હેક્ટર અને રાજસ્થાનમાં ૧૫ લાખ હેક્ટરથી વધીને ૭૦ લાખ હેક્ટર સુધીનો નોંધપાત્ર ઉછાળો થયો હોવાના અહેવાલો છે. મહારાષ્ટ્રમાં પણ ૮૪ લાખ હેક્ટર અને કર્ણાટકમાં ૪૩ લાખ હેક્ટરની સપાટીએ રહ્યું છે. ગુજરાતમાં કપાસ, મગફળી અને એરંડાનું વાવેતર ખરીફ સીઝનમાં થાય છે. જ્યારે રાજસ્થાનમાં બાજરા, મગ તથા ગવારનું અને મહારાષ્ટ્ર તથા કર્ણાટકમાં તુવેરનું સૌથી વધુ ઉત્પાદન રહે છે, મધ્યપ્રદેશમાં સોયાબીનનું ઉત્પાદન સૌથી વધુ થાય છે.
આ વર્ષે દેશના સાત રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, ઝારખંડ, કર્ણાટક, મણિપુર તથા ત્રિપુરામાં તુવેર તથા અડદ ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારે વિશેષ કવાયત હાથ ધરીને સાત રાજ્યોના એક ડઝન જિલ્લાઓની પસંદગી કરી કઠોળના બિયારણથી માંડીને માવજત કરવા સુધી તમામ તૈયારીઓ સાથે અમલીકરણ કર્યું છે. ખેડૂતોને દાળોના ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવા માટે દાળોના ટેકાના ભાવે ખરીદી કરવા સુધીની તૈયારી દર્શાવી અભિયાન છેડયું છે. ગત વર્ષે ઝારખંડના રાજ્યના બે જિલ્લાઓમાં ઉપરોક્ત પ્રમાણે પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો અને જેમાં સફળતા મળતા આ વર્ષે સાત રાજ્યોના એક ડઝન જેટલા જિલ્લાઓમાં દાળોની ખેતી વધારવા કમર કસી છે.
દાળોની સાથે સાથે તેલીબીયામાં સ્વનિર્ભર બનવા માટે સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. દેશમાં ખાદ્ય તેલોની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે બહારથી ૫૦ ટકા ઉપરાંત ખાદ્ય તેલ આયાત કરવું પડે છે. ખાદ્ય તેલોમાં મગફળી, એરંડા, તેલ, સોયાબીન તથા રાયડાનો મુખ્ય પાકમાં ઉત્પાદન વધારો થાય તે જરૂરી બન્યું છે. રાયડામાં છેલ્લા એક મહિનામાં પ્રતિ ક્વિન્ટલે ૪૦૦ રૂપિયાની તેજી સાથે ભાવો ૬૨૦૦થી ૬૫૦૦ની રેન્જમાં ચાલી રહ્યા છે. આ ઉપરાંત કાળા તથા સફેદ તલની બજારો પણ મજબૂત રહી છે. કાળા તલમાં તેજીનો પ્રભાવ યથાવત્ રહીને પ્રતિ કિલોએ રૂા. ૮થી ૧૦ રૂપિયાના વધારા સાથે ભાવો ૨૦૦ રૂપિયાની સપાટી પાર કરી છે. સારી ક્વોલિટીના માલની અછત હોવાથી બજારો મક્કમ રહે તેવી વકી છે.
તેલીબિયામાં આ વર્ષે મગફળીના વાવેતરમાં ૨૫ ટકાના વધારા સાથે એરંડામાં પણ ભાવો ૧૩૫૦ની ઉચ્ચ સપાટીએ સારા મળતા ૧૫થી ૨૦ ટકા વાવેતર વધવાના અંદાજ છે. ગુજરાતમાં એરંડાની ખેતી સવિશેષ થાય છે. દેશમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો ૭૦ ટકા ઉપરાંતનો છે. એરંડાના તેલની વિદેશોમાં મોટે ભાગે નિકાસ થાય છે. જેમાં દેશને સારા પ્રમાણમાં હુંડિયામણ પણ મળે છે. જો કે, છેલ્લા ત્રણેક વર્ષથી એરંડાની બજારો તળિયે રહેતા ખેડૂતોમાં નારાજગી છવાઈ ગઈ હતી પરંતુ છેલ્લા ત્રણેક માસથી માલની અછત સામે ડિમાન્ડ નોંધપાત્ર રહેતા એરંડા બજારમાં કરંટ લાગતા પ્રતિ મણે ભાવો ૧૩૫૦ સુધી ઉંચા રહેતા ખેડૂતોમાં ફરી એરંડાની ખેતીનું આકર્ષણ વધી રહ્યું છે. એરંડાની ખેતી સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં થાય છે. જો કે, આ વર્ષે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મગફળીની સાથે સાથે એરંડાનું વાવેતર વધે તેમ છે. એરંડો અઢળક વિદેશી હુંડિયામણ કમાવી આપતી જણસી હોવાથી અત્યારે એરંડાને પણ લઘુત્તમ ટેકાના ભાવનું રક્ષણ આપવું જોઈએ તેવી ખેડૂતોની વ્યાપક માંગ ઉઠી છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ વિશેષમાં જણાવે છે કે, ગત વર્ષે એરંડાનું ઉત્પાદન ઓછું રહેતા હાલમાં આવકો કપાતા અને સામે મિલરોની ડિમાન્ડને લીધે ભાવોમાં સુધારો થયો છે. ઓછા ઉત્પાદનને લીધ વર્ષ ૨૦૨૫ના પ્રથમ પાંચ માસ દરમ્યાન કેસ્ટર તેલની નિકાસ પણ ગત વર્ષે સાડા ત્રણ લાખ ટનની સામે આ વર્ષે ત્રણેક લાખ ટનની આસપાસ રહી છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન એરંડાનું ઉત્પાદન લગભગ ૧૭થી ૧૮ લાખ ટન આસપાસ રહ્યું છે. હવે આ વર્ષે વાવેતર વધે તેવી વકી છે.
(અહેવાલ ઃ જયવદનભાઈ ગાંધી, ઊંઝા)