Get The App

નિકાસકારોનો ઈસબગુલ ખરીદીનો બહિષ્કાર : નિકાસ ઓક્સિજન ઉપર

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
નિકાસકારોનો ઈસબગુલ ખરીદીનો બહિષ્કાર : નિકાસ ઓક્સિજન ઉપર 1 - image

- કોમોડિટી કરંટ

- ઈસબગુલ પર લદાતા GST નિયમોની સ્પષ્ટીકરણની માંગ

સરકાર એક તરફ નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર હોવાનું જણાવી રહી છે જ્યારે બીજી તરફ અનેક મુદ્દે નિકાસકારો વાચા સાંભળવા માટે તૈયાર નથી તેવી સ્થિતિ પ્રવર્તી રહેતાં નિકાસકારોમાં ભારે નારાજગી છવાઈ છે. ખાસ કરીને ઈસબગુલમાં GST ના મુદ્દે હવે નિકાસકારો ખરીદી બંધ કરી અચોક્કસ મુદત સુધી હડતાળનો સહારો લઈને સરકાર સામે બાંયો ચડાવવા મજબૂર બન્યા છે. કેન્દ્ર સરકારે ઈસબગુલ ઉપર લાદેલા GST પરત્વે અસ્પષ્ટ નિયમો અને ટ્રમ્પ ટેરિફ નીતિઓને કારણે વિદેશી વેપાર હાલમાં ઓક્સિજન ઉપર આવી ગયો છે. ઊંઝા સહિત દેશભરના માર્કેટ યાર્ડોમાંથી વર્ષે દહાડે થતાં ઈસબગુલના કરોડોના વેપારમાં ૯૦ થી ૯૫ ટકા વેપાર માલની નિકાસ થાય છે. ખાસ કરીને દર વર્ષે અમેરિકામાં લગભગ ૩૫૦૦ કરોડથી વધુ કિંમતના ઈસબગુલમાંથી તૈયાર થતી ભૂસી એટલે સિલીયમ હસ્કની નિકાસ ભારતમાંથી થાય છે. ઈસબગુલની ભૂસીમાંથી વિવિધ પ્રકારના પીણાં, બેકરી, આટા, સુપ તથા ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રમાંથી તૈયાર થતી ડાયેટરી ફાઈબર પ્રોડક્ટસનો વૈશ્વિક સ્તરે ભારે વપરાશ છે. મોટે ભાગે માંસાહારી દેશોમાં સવિશેષ ઉપયોગ છે. અમેરિકાની મોટી મોટી કંપનીઓ ઈસબગુલ હસ્ક (ભૂસી)ની મોટી ખરીદી કરે છે. ઈસબગુલનું ઉત્પાદન માત્ર ભારતના ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા મર્યાદિત વિસ્તારોમાં થાય છે. એટલે કે સિલીયમ હસ્ક (ઈસબગુલની ભૂસી)નો વેપાર ભારત માટે મોનોપોલીનો વેપાર છે. જેનાથી ભારત સરકારને સારા પ્રમાણમાં હુંડિયામણ પણ મળે છે અને વિશ્વમાં ક્રેડિટ પણ છે.

ઉપરોક્ત ઈસબગુલના વેપારમાં સરકારે લાદેલા GST ના અસ્પષ્ટ નિયમો સંદર્ભે ઓલ ઈન્ડીયા ઈસબગુલ પ્રોસેસર્સ એશોશિયેશન (ૈંઁછ) ના પ્રમુખ અશ્વિનભાઈ નાયકે જણાવ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા ઈસબગુલની નિકાસ ઉપર વર્ષો અગાઉ ઝીરો ટકા ટેક્સ એટલે કે કરમુક્ત વેપાર હતો પરંતુ GST ના અમલીકરણ બાદ ઈસબગુલ ઉપર પાંચ ટકા ટેક્સ લાદવામાં આવેલ છે અને ભરેલ ટેક્ષનું થોડાક સમય બાદ નિકાસકારોને રિફંડ મળે તેવી વ્યવસ્થા સરકારે ગોઠવી છે. હવે કેન્દ્ર સરકારની ઈસબગુલ નિકાસ સંદર્ભે GST ના નીતિ નિયમોનો સ્પષ્ટ ચોખવટભર્યો ઉલ્લેખ નહીં હોવાને કારણે નિકાસકારોને ટેક્ષનું રિફંડ મેળવવામાં ભારે તકલીફો સાથે વિલંબ પણ પડી રહ્યો છે. સમયસર રિફંડ મળવાના અભાવે નિકાસકારોની નાણાંકીય સ્થિતિ પણ ગંભીર બની રહી છે. GST ના કારણે વૈશ્વિક સ્તરે વેપાર હરિફાઈનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

આ મામલે કેન્દ્ર સરકાર પાંચ ટકા GST સહિત નિયમોનું સ્પષ્ટીકરણ નહીં થાય ત્યાં સુધી ઓલ ઈન્ડીયા ઈસબગુલ પ્રોસસર્સ એશોશિયન (IPA) એ છઠ્ઠી ઓક્ટોબર સોમવારથી ઈસબગુલની ખરીદી બંધ કરી બહિષ્કાર કરવાનું એલાન છેડતાં સમગ્ર મામલો ગરમાયો છે. તાજા ઈસબગુલ ઉપર ઝીરો GST અને સૂકા ઈસબગુલ ઉપર પાંચ ટકા ટેક્ષ એટલે કે તાજા અને સૂકા ઈસબગુલના વર્ગીકરણ અંગે કોઈ સ્પષ્ટતા નહીં હોવાથી વેપારમાં ભારે મુંઝવણ છે. હાલમાં ઈસબગુલ સીડ (બીજ)ની ખરીદી ઉપર વેપારીઓ GST ચૂકવી રહ્યા છે. વર્ષ ૨૦૧૭થી આ મામલે GST કાઉન્સીલ સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ નથી.

બીજી તરફ તાજેતરમાં ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે ઈસબગુલ ખરીદદારો (બાપરો) ઓર્ડર હોલ્ડ ઉપર રાખી હોવાથી નિકાસ ઉપર ફટકો પડી રહ્યો છે. ઈસબગુલના બીજમાંથી ભૂસીને અલગ કરીને ફૂડ તથા ફાર્મા કંપનીઓને વેચાણ કરવામાં આવે છે અને બાકીનું ઉત્પાદન પશુઓના ચારા તરફે વપરાશમાં લેવામાં આવે છે. ઈસબગુલ ટ્રેડીંગનું સૌથી મોટું હબ ગુજરાતના ઊંઝા માર્કેટયાર્ડમાં થાય છે. જે કુલ વેપારના ૮૦ ટકાથી વધુ હિસ્સો ધરાવતા હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે. GST  ઈસ્યૂના કારણે ઈસબગુલ નિકાસકારોમાં તણાવભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. હાલમાં ઊંઝા બજારમાં ઈસબગુલની ૨૫૦૦થી ૩૦૦૦ બોરીની આવકો સામે બજારમાં અપેક્ષિત ઘરાકીના અભાવે વેપારોમાં સરેરાશ સુસ્તીનો માહોલ પ્રવર્તી રહ્યો છે.