Get The App

ઉંચા ટેરિફથી ભારતીય મસાલા વેપારને ફટકો પડવાની ભીતિ

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
ઉંચા ટેરિફથી ભારતીય મસાલા વેપારને ફટકો પડવાની ભીતિ 1 - image


- કોમોડિટી કરંટ

- વિદેશી કઠોળની ધૂમ આયાતથી વેપાર- ખેડૂત વર્ગમાં ભારે નારાજગી

ભારતીય મસાલા માટે વિશ્વમાં સૌથી મોટું બીજા નંબરનું બજાર અમેરિકા ટેરિફના મામલે ગત સપ્તાહમાં ઉતાવળિયા નિર્ણયોના કારણે વેપાર જગત ભારે ચિંતામાં ફસાયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વાા સાતમી ઑગસ્ટથી ભારતીય ઉત્પાદકો આયાત ઉપર ૨૫ ટકા ટેરિફ લાગુ કરવાની કરેલી ઘોષણાને કારણે બંને દેશોના વેપારો ઉપર નોંધપાત્ર અસરોથી બિઝનેસ પ્રભાવિત થવાની શક્યતા તેજ બની છે. ખાસ કરીને કૃષિ, ફાર્માસ્યુટિકલ્સ, ઓટોમોબાઇલ તથા ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રો ઉપર વિશેષ અસર પડે તેમ છે. ૨૫ ટકા ટેરિફ ઉપરાંત વિશેષ દંડ પણ લાગુ પડશે તેવી સંભાવના પ્રવર્તી રહી છે. હાલમાં અમેરિકાની સ્થિતિ પેટમાં દુઃખે અને કૂટે માથુ તેવી ચાલતી હોવાની રાવ ઉઠી છે. ઓઇલ તથા લશ્કરી સામાન રશિયા પાસેથી ભારત ખરીદી હોવાના દાવા સાથે અમેરિકા અધીરું બન્યું હોય તેમ જણાઈ રહ્યું છે. જો કે, ગયા ફેબુ્રઆરીમાં વડાપ્રધાન મોદી તથા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની બેઠકમાં બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી આગામી સપ્ટેમ્બર- ઓક્ટોબર સુધી ફાઇનલ કરવા સુધીની વાતો થઈ હોવાના અહેવાલો છતાં અમેરિકાની ધીરજ હવે તૂટી જતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની વર્તણૂંક વિચિત્ર જોવા મળી રહી છે. વર્ષ ૨૦૨૪માં ભારત- અમેરિકા વચ્ચે ૧૨૯ અરબ ડોલરનો કારોબાર થયો હતો. જેમાં કૃષિ ઇલેક્ટ્રોનિક્સ તથા ફાર્મા ક્ષેત્રનો ફાળો સવિશેષ રહ્યો હતો. ટ્રમ્પ વહીવટી તંત્રના ૨૫ ટકા ટેરિફ બોમ્બને કારણે ભારતીય મસાલા વેપારને નોંધપાત્ર અસર થવાની વકી છે. હાલમાં ભારતીય મસાલા ઉત્પાદનો ઉપર ૧૦ ટકા ટેરિફ લાગુ છે પરંતુ આગામી અઠવાડિયાથી ૨૫ ટકા ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય મસાલાની પડતર દોઢી થઈ જવાની વકીને લીધે વેપાર તૂટશે તેવો ભય સતાવી રહ્યો છે. જીરૂ, મરી, હળદર, સૂંઠ તેમજ ઇસબગુલ ભુસીની વ્યાપક પ્રમાણમાં અમેરિકામાં નિકાસ થાય છે. ગત વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન ભારતમાંથી ૭૧.૧૦ કરોડ ડોલરની કિંમતના મસાલાની નિકાસ થઈ હતી. જે તેના ગત વર્ષ ૨૦૨૩-૨૪ કરતા ૧૫ ટકા વધુ રહી હતી. જો કે ભારતીય મસાલાની ગુણવત્તા અન્ય દેશો કરતા વધુ હોવાને કારણે ભાવો ઉંચા રહે છે. પરંતુ નવા ટેરિફ લાગુ થયા બાદ બંને દેશો વચ્ચે કારોબાર ઘટી શકે તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. ટેરિફના ભયના લીધે નિકાસકારોના પેટમાં તેલ રેડાયું હોવાથી નિકાસકારોના સંગઠનોએ કેન્દ્રિય વાણિજ્ય તથા ઉદ્યોગ મંત્રી સાથે બેઠકનો દોર શરૂ કરી ટેરિફ મામલે કંઈક પગલા ભરવા રજૂઆત થઈ રહી છે. આ સંદર્ભે ભારત સરકારની કેવી પ્રતિક્રિયા રહે છે તેની ઉપર નજર મંડાઈ છે.

દરમ્યાન છેલ્લા દોઢેક માસથી રાજ્યમાં સક્રિય ચોમાસાને કારણે સરેરાશ ૨૦થી ૨૨ ઇંચ વરસાદ પડી ગયા બાદ છેલ્લા અઠવાડિયાથી વિરામ લેતાં ખેડૂત વર્ગે રાહતનો દમ લીધો હોવાનું જયવદનભાઈ ગાંધીએ જણાવેલ છે.

આ વખતે ખરીફ સીઝનમાં કઠોળ તથા તેલીબીયાના ઉત્પાદનમાં અપેક્ષિત લક્ષ્યાંક સફળ નહી રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. દાળોની ડયુટી ફ્રી આયાત નીતિને કારણે વિદેશી દાળો સ્થાનિક બજારોમાં ભરપૂર ઠલવાતા કઠોળના ભાવો નોંધપાત્ર રીતે ઘટી ગયા છે. કેનેડા, આફ્રિકી દેશો તથા રશિયાથી મોટે પાયે દાળોનો જથ્થો આવતા સ્થાનિક બજારો ટેકાના ભાવો કરતા પણ નીચી તૂટી ગઈ છે જેના લીધે ખેડતો તથા વેપારીઓએ સસ્તી વિદેશી દાળોની આયાત બંધ કરવા માંગ કરી. ગત વર્ષે ઓગસ્ટમાં ચણાની બજાર પ્રતિ ક્વિન્ટલે આઠ હજાર રૂપિયા હતી જે આ વર્ષે ૬૨૦૦ રૂપિયા સૌથી નીચા સ્તરે તૂટી છે. તે જ પ્રમાણે તુવરની કિંમતો ૧૧૦૦૦ રૂપિયાથી તૂટીને ૬૭૦૦ રૂપિયા તથા પીળી વટાણિયા દાળ ૪૧૦૦થી ઘટીને ૩૨૫૦ના નીચા સ્તરે આવી છે. કઠોળની બજાર તૂટી જવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો નહી મળવાથી આ વર્ષે ખરીફ સીઝનમાં તેની વાવણી ઉપર અસર પડી છે. તુવેર, અડદ, ચણા સહિતના ઉત્પાદનમાં ઘટાડો થાય તેવી સંભાવના છે. તેલીબીયામાં મુખ્ય ઉત્પાદનો સોયાબીન, મગફળી, કપાસ પૈકી આ વર્ષે સોયાબીનનું વાવેતર તૂટયું છે. ગુજરાતમાં સોયાબીનનું વાવેતર ૨.૯૨ લાખ હેક્ટરથી તુટીને ૨.૫૩ લાખ હેક્ટર સુધી સીમિત રહ્યું છે. જ્યારે મગફળીનું વાવેતર રાજ્યમાં ૧૮થી ૧૯ લાખ હેક્ટર ઉપરાંત થયું હોવાના અહેવાલો છે.


Tags :