- કોમોડિટી કરંટ- ભારતીય મસાલાની નિકાસ ગત વર્ષે 18 લાખ ટનને પાર
આજકાલ વિશ્વના અનેક દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને પરિણામે બુલિયન કોમોડિટીઝમાં તેજીનો જુવાળ દિન પ્રતિદિન સતત નવી ઊંચાઈએ આગળ ધપી રહ્યો છે. હોળીના તહેવારો દરમિયાન વૈશ્વિક સ્તરે ભડકો થતાં આયાત નિકાસના કામકાજ ખોરવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. ગયા અઠવાડિયાને અંતે સોનાના ભાવો એમસીએક્સ ઉપર પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૧.૬૨ લાખ અને ચાંદીના ભાવો પ્રતિ કિલોએ રૂપિયા ૨.૭૫ લાખ રૂપિયા સુધીના હાઈલેવલે પહોંચી ગયા છે. સોના-ચાંદીના ઊંચા ભાવોને લીધે દેશમાં દાણચોરીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું હોવાથી કસ્ટમ વિભાગની સાથે સાથે દેશના આવકવેરા વિભાગે પણ દાણચારોને ઝડપવાની કમર કસી છે. પર્સનલ ઉપયોગના નામે વિદેશથી સોનુ લાવવા ઉપર કસ્ટમ ડયુટી નહિ લાગતી હોવાથી તેનો દુરૂપયોગ કરીને દાણચોરીનું મોટું રેકેટ ચાલી રહ્યું હોવાની આશંકાને પગલે કસ્ટમ વિભાગની સમાંતર આઈ.ટી. વિભાગે ઝડપેલું યાત્રિકનું ઇન્કમટેક્સ રિટર્ન ચેક કરવાથી માંડીને વિવિધ સ્તરે તપાસનો સીલસીલો શરૂ કર્યો છે. વિદેશથી આવતા પુરૂષ યાત્રિકને પર્સનલ યુઝને નામે ૨૦ ગ્રામ સોનું અને મહિલાને ૪૦ ગ્રામ સોનુ ડયુટી ફ્રી દેશમાં લાવી શકે તેવા નિયમો અંતર્ગત દાણચોરો હ્યુમન કેરિયરનો ઉપયોગ કરી પરદેશથી સોનુ ભારતમાં લાવી રહ્યા હોવાની આશંકા છે. આવકવેરા વિભાગ આ પ્રકારે સોનુ લાવતા યાત્રિકોની વાર્ષિક આવકની ચકાસણી શરૂ કરી દાણચોરીનો ધંધો કરતા તસ્કરોને પકડવાની કવાયત હાથ ધરી છે. દેશના ચેન્નાઈ, મુંબઈ જેવા મુખ્ય હવાઈ મથકોની સાથે સાથે મ્યાનમાર બોર્ડરના માધ્યમથી પણ ગોલ્ડની તસ્કરી થઈ રહી હોવાની ચર્ચા વ્યાપક છે.
સોનાના વધતા જતા ભાવોને કારણે માંગમાં સતત ઘટાડો થતાં જ્વેલર્સ વર્તુળોમાં ચિંતાનો માહોલ છે. ફેબુ્રઆરીની શરૂઆતમાં સોનાના ભાવો રૂપિયા ૧.૩૩ લાખની આસપાસ હતા. જેમાં ફરીથી ઉછાળો થતાં ભાવો ૧.૬૫ લાખ રૂપિયા સુધી ઊંચા સ્તરે રહ્યાં છે. અમેરિકન ટેરિફની અનિશ્ચિતતાને કારણે સલામત રોકાણ માટે ફરી સોનાની માંગ વધી શકે છે.
દરમિયાન રવિ પાકોની આવકોનો પ્રવાહ પૂરજોશમાં ગતિ પકડતાં કૃષિ બજારોમાં વેપારનો ધમધમાટ વધી રહ્યો છે. મસાલા, તેલીબીયાં સહિત વિવિધ પાકોનું ઉત્પાદન કેટલું રહેશે અને તેની અસરથી તેજી-મંદી કેવી રહેશે તે બાબતે વિવિધ સંસ્થાઓ દ્વારા સર્વે કરીને અહેવાલો બજારમાં આવી રહ્યાં છે. એરંડાનું દેશ-વિદેશમાં ઉત્પાદન અને વેપાર અસરો ઉપર ગ્લોબલ કોન્ફરન્સમાં ચર્ચા વિમર્શ બાદ મસાલા બાબતે પણ ફેડરેશન ઓફ ઇન્ડીયન સ્પાઈસીસ સ્ટેક હોલ્ડર્સ (ફીસ)ની સ્પાઈસીસ મિટીંગમાં જીરૂ, હળદર, વરિયાળી, મેથી, અજમો, કલુંજી અને મરચાંની બજાર ફન્ડામેન્ટલના અહેવાલો બહાર પડાયા છે. જેમાં મસાલા પાકના અંદાજો વ્યક્ત કરાયા છે.
આ વર્ષે મરચુ, જીરૂ, ધાણા, હળદર જેવી મસાલા ચીજોમાં ઉત્પાદન ઓછું રહેવાની ગણત્રીએ બજાર માહોલ તેજીપાર હોવાની અપેક્ષા વ્યક્ત કરતાં કોમોડિટીના જયવદનભાઈ ગાંધીએ વધુમાં જણાવેલ છે કે મસાલામાં ભારત વિશ્વમાં પ્રમુખ ઉત્પાદક તથા નિકાસકાર દેશ રહ્યો છે. ભારતીય મસાલા વિશ્વને પસંદ પડતાં નિકાસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના લીધે ગત વર્ષે ભારતમાંથી લગભગ ૧૮ લાખ ટન ઉપરાંત મસાલાની નિકાસ થઈ છે.
ભારતીય મસાલા પૈકી પ્રમુખ મસાલા ગણાતા મરચાં બજારમાં તેજીનો માહોલ છવાયો છે. દેશમાં વર્ષે દહાડે ૨૦ લાખ ટન આસપાસ મરચાંના ઉત્પાદન સામે ચાલુ સીઝનમાં (૨૦૨૫-૨૬) દરમિયાન ઉત્પાદનમાં ૩૫ થી ૪૦ ટકાનો ઘટાડાની શક્યતા જોતાં ડિમાન્ડ સપ્લાયનું બેલેન્સ તૂટે તેવી શક્યતાઓને પગલે તેજીનો માહોલ છે.
લાલ મરચાંની સૌથી વધુ નિકાસ ચીનમાં થઈ રહી છે. સાથે સાથે જીરામાં વર્ષ ૨૦૨૬ની સીઝનમાં ઉત્પાદન ૮૫ થી ૯૦ લાખ બોરીની આસપાસ રહે તેવી ગણત્રી છે. જે ગત વર્ષે થયેલ ૧.૧૦ કરોડ બોરીથી ઘણી ઓછી રહે તેમ છે.


