Get The App

ભારતીય મગફળીની આયાત ઉપર ઇન્ડોનેશિયાનો પ્રતિબંધ

Updated: Sep 1st, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય મગફળીની આયાત ઉપર ઇન્ડોનેશિયાનો પ્રતિબંધ 1 - image

- કોમોડિટી કરંટ

- ભારત- બાંગ્લાદેશ વચ્ચે સડક માર્ગ ખુલતા વેપારી વર્ગમાં રાહત

આજકાલ ટ્રમ્પ ટેરિફને કારણે વિશ્વભરમાં વેપાર ગતિવિધિને ભારે અસર વર્તાઈ રહી છે ડોલરના મુકાબલે રૂપિયો વધુ તૂટતા ભારતીય અર્થતંત્ર ઉપર નકારાત્મક વલણ સર્જાયું છે. રૂપિયો ઘટીને ૮૮ રૂપિયા થતાં ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ઉંચા ટેરિફને પગલે ભારતીય નિકાસમાં ખાસ કરીને સોના- ચાંદીના ઘરેણાં, ચામડુ, કાપડ જેવા ક્ષેત્રો પ્રભાવિત થવાની શક્યતા છે. જેમાં વેપારો ઘટતાં બેરોજગારી વધવાનો ડર પ્રવર્તી રહ્યો છે. ડોલર મજબૂત થતા સોના- ચાંદી તેજીને બ્રેક વાગી છે તેમ છતાં સપ્તાહના અંતે સોનામાં ૧૭૦૦ના ઉછાળા સાથે ભાવો પ્રતિ ૧૦ ગ્રામે રૂપિયા ૧૦૪૦૦૦ની સપાટીએ રહ્યા છે. જ્યારે ચાંદીમાં પણ ૩૪૦૦ના ઉછાળા સાથે પ્રતિ કિલોએ રૂપિયા ૧૨૨૦૦૦ની આસપાસ રહ્યો છે આ ઉપરાંત મેટલ કોમોડિટીમાં પણ નિકલ, લેડ, ઝિંક, એલ્યુમિનિયમ, કોપર સહિત મોટા ભાગની ચીજોમાં બજાર મજબુત તેજી તરફી ગયા અઠવાડિયે જોવા મળેલ હોવાનું કોમોડિટીના જયવદનભાઈ ગાંધી જણાવેલ છે.

ટ્રમ્પ ટેરિફ અસરને લીધે એશિયાઈ દેશોમાં સહમતિ વધુ બને તે હેતુથી ગયા અઠવાડિયે ભારત- બાંગ્લાદેશ વચ્ચે ૧૫ એપ્રિલથી બંધ સડક માર્ગને ફરીથી ખુલ્લો કરવામાં આવતા બંને દેશો વચ્ચે માલોની હેરફેર શરૂ થતા વેપારી વર્ગે રાહતનો દમ ખેંચ્યો છે. બાંગ્લાદેશની સરકારે ખાનગી વેપારીઓને પાંચ લાખ ટન ચોખા ભારતથી આયાત કરવાની લીલી ઝંડી આપતા ફરીથી વેપારનો ધમધમાટ શરૂ થયો છે. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક બાદ સીમા બોર્ડર ખોલવાનો નિર્ણય લેવાયા બાદ ચાર પાંચ માસથી બંધ પડેલ વેપારના શ્રીગણેશ થયા છે.

બીજી તરફ ઇન્ડોનેશિયાએ ૨૭ ઓગસ્ટથી ભારતીય સીંગદાણાની આયાત ઉપર પ્રતિબંધ લાદી દેતા ખેડૂતો તથા ફેક્ટરીઓને મોટી અસર ઉભી થવાની શક્યતા છે. સીંગદાણામાં આફલાટોક્શિનનું પ્રમાણ વધારે આવતા હાલમાં હંગામી ધોરણે ઇન્ડોનેશિયાએ પ્રતિબંધ લાદ્યો હોવાના અહેવાલો છે. ભારતમાંતીદર વર્ષે છથી સાત લાખ ટન સીંગદાણાની નિકાસ થાય છે જે પૈકી ઇન્ડોનેશિયામાં અઢીથી ત્રણેક લાખ ટન સીંગદાણાની નિકાસ થાય છે. સૂત્રોના અહેવાલો પ્રમાણે છેલ્લા ત્રણેક વર્ષમાં નિકાસ થયેલ ભારતીય સીંગદાણાના આઠથી દશ જેટલા સેમ્પલ વધારે પડતા આલ્ફાટોક્શિનના કારણે રિજેક્ટ થયા હતા તેમ છતાં આંખ આડા કાન થતા હતા વારંવાર નોટિસો છતાં ગુણવત્તામાં કોઈ ફેરફાર નહિ થતાં ઓગસ્ટ માસથી ઇન્ડોનેશિયાએ કડકાઈભર્યું વલણ દાખવીને ભારતીય સીંગદાણાની આયાત અટકાવી દીધી છે. હવે નવી મગફળી આવકો શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે ઓક્ટોબર માસ સુધીમાં પ્રતિબંધનું નિરાકરણ નહી આવે તો નિકાસ ઉપર ફટકો પડે તેવી વકી છે હાલમાં ઓક્ટોબર માસના ફોરવર્ડ વેપારો અટકી જતાં સ્થાનિક બજાર ઉપર પણ અસરો શરૂ થઈ છે. સરકાર દ્વારા આ બાબતે તાબડતોબ ઉકેલ લાવવામાં આવે તો મગફળીની સીઝન દરમ્યાન વેપારીઓને રાહત મળે તેમ છે.

દરમ્યાન કપાસની મુક્ત આયાત વધુ ત્રણ મહિના એક્સટેન્શન આપવામાં આવતા નવી સિઝનના આગમન સમયે બજારો નીચા રહેશે તેવી સ્થિતિ છે. સરકાર કપાસ ડયુટી મુક્ત આયાતને લંબાવી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી કરતા ભારતીય કાપડ ઉદ્યોગને રાહત મળશે તેવી વકી છે. ખાસ કરીને દક્ષિણમાં આવેલાં કાપડ મિલરો હવે અમેરિકાને બદલે બ્રાઝિલ, આફ્રિકા તથા ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી સસ્તા કપાસની મેળવી શકે તેવી સ્થિતિ છે.

બીજી તરફ ભારતીય મસાલા બજારમાં લોકલ તથા વિદેશી ઘરાકી પણ નબળી હોવાના કારણે વેપારોમાં ભારે સુસ્તી છવાઈ છે. જીરૂ, વરિયાળી, ઇસબગુલ, ગવાર સહિત મોટા ભાગની ચીજોમાં બજારોમાં નરમ વલણ પ્રવર્તી રહ્યું છે. આ ઉપરાંત આ વર્ષે વધુ પડતા નોન-સ્ટોપ વરસાદને કારણે ખરીફ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. ખરીફ સીઝનમાં કઠોળ તથા તેલિબીયાના પાકને નુકસાન થવાની દિશામાં હોવાથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે.